જે વાંચીએ, જોઈએ, સંભાળીએ ઈટ ડઝંટ મેટર…પણ શું સમજીએ છીએ તે જરૂરી છે. ઘણા લોકોનું માનવું છે સારું વાચો, સારું જુઓ. દરેક જગ્યાએ બે બાબતો હોવાની… એક પોઝીટીવ અને બીજી નેગેટીવ. ફિલ્મોમાં, વાર્તામાં, ઉપદેશોમાં, ગ્રંથોમાં… અને આવા તમામમાં જો વિલન એટલે કે નેગેટીવ પાત્રનું સર્જન થાય, તો જ હિરો એટલે કે પોઝીટીવ પાત્રની કિંમત થાય. સિમ્પલ શબ્દોમાં કહીએ તો, વિલન હોય તો જ હીરો બને.
હવે કરીએ પાત્રની વાત…. કોઈપણ કથા, વાર્તા, ફિલ્મ જોઈએ, વાંચીએ, સાંભળી પછી કોઈ એક પાત્ર પ્રત્યે આપણે અતિ ભાવુક બની જઈએ. કે પછી અમુક પાત્રો આપણને આપણા જીવનની નજીક પણ લઈ જાય. તો ક્યારેક કોઈ પાત્રથી આપણે ખુબ પ્રભાવિત થઈ જઈએ. હવે પાત્ર કોઈપણ હોઈ શકે,
રામાયણની જ વાત કરીએ તો કોઈક ને રામનું પાત્ર ગમે તો કોઈને રાવણનું, કોઈને સીતાનું તો કોઈને લક્ષ્મણ કે હનુમાનનું. મહાભારતમાં તો અસંખ્ય પાત્રો છે.. પણ તેમાંથી કોઈ એક આપણા દિલની ખુબ કરીબ હોય… કોઈને કર્ણ ગમે, તો કોઈને સહદેવ, કોઈને અર્જુન ગમે, તો કોઈ ને એક લવ્ય..કોઈને ભીષ્મ ગમે તો કોઈને દ્રોણાચાર્ય…
કોઈપણ પાત્ર એની લાક્ષણિકતા રજુ કરે છે. મેં અમુક લોકોને જોયા છે, જે રાવણ, દુર્યોધન એવા પાત્રોથી જ વધુ પ્રભાવિત હોય… ખબર નહિ, એ પાત્રથી પ્રભાવિત શું કામ હશે ??? કાં તો એ પાત્ર તેમના જીવનની વધુ સમીપ હશે અને કાં તો એ પાત્રમાં તેમને કઈક સારી બાબત પણ દેખાઈ હશે. અને બીજા અર્થમાં કહીએ તો પોઝીટીવ કરતા નેગેટીવ પાત્ર તરફ ઝુકાવ વધુ આકર્ષે. અને ફિલ્મી શબ્દોમાં કહીએ તો હીરો કરતા વિલન વધુ ગમે. ખાસ કરીને બાળપણના સમયમાં. કારણ કે, હીરો સીધો, સરળ, બિચારો ને બાપડો હોય અને વિલન હમેશા મજબુત, તાકાતવર, અને સક્ષમ હોય એવું વર્ણવવામાં આવે ને પછી માની લેવામાં આવે. ફિલ્મોમાં પણ હીરો કરતા વિલન વધુ યાદ આવે… મુગેમ્બો…ગબ્બર…પણ સવાલ એ થાય કે આ વિલન્સ એટલે કે રિયલ વિલન્સ અમરીશપુરી, સદાશિવ ઓમરાપુરકર, અમજદ ખાન, ડેની, અનુપમ ખેર પણ રીયલ લાઈફમાં આ અભિનય પાત્રો વિશે શું વિચારતા હશે અથવા તેમને આ પાત્ર ભજવવા ગમ્યા હશે ??? આજે હીરો પણ વિલનનું પાત્ર કરવા આટલા કેમ ઉત્સુક હોય છે ? પાત્ર ભલે ગમ્મે તે હોય, પણ તે રીયલ લાઈફમાં અફેકટેડ ના હોવું જોઈએ.
એક બહુ સુંદર શ્રેણીમાં મહાભારતના દરેક પાત્રો એક-બીજા પર પ્રશ્નો પૂછતાં અને મનોમંથન તથા શાબ્દિક મંથન ચાલતું. ઘણા લોકોએ જોયું હશે એવું સમજીને વધુ વિગત ના જણાવતા મેઈન વાત ને વિચાર એ કે, જો વાર્તા, કથા, ફિલ્મ આ બધામાંથી કાલ્પનિક પાત્રો રચયિતાને પ્રશ્નો પૂછે તો? ખાસ કરીને નેગેટીવ પાત્રો… જેમકે રાવણ, દુર્યોધન… તેવી જ રીતે ફિલ્મોની વાત કરીએ તો મુગેમ્બો કે ગબ્બર પૂછે કે “મને લોકો વિલન તરીકે જ યાદ રાખશે ? મારામાં કોઈ સારા ગુણો શું હતા જ નહિ? કે તમે એક રચયિતા તરીકે મુક્યા જ નહિ? તેવી જ રીતે કોઈપણ વાર્તાના રચયિતાને વાર્તાના પાત્રો પ્રશ્ન પૂછે તો?
બીજું એ કે આપણા રચયિતા માતા-પિતા… અને આપણે પણ ઘણી વખત પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. ક્યારેક તો તેથી પણ વિશેષ. સૃષ્ટિના રચયિતા ઈશ્વરને પણ આપણે છોડતા નથી. પણ કેવું વિચિત્ર… જેનાથી બનેલા તેને જ પ્રશ્નો પૂછીને આપણા અસ્તિત્વનું મૂલ્યાંકન કરીએ !!
દરેકની બંને બાબતો હોય શકે. પછી એ પાત્ર હોય કે સમજણ… જરૂરી નથી જે આપણે વાંચીને, જોઈને સમજીએ તેવું અન્ય પણ સમજે….અન્યથા ગેરસમજણ. હવે આ મુદ્દે પછી વાત….
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૧૩ )
Leave a Reply