જે હૂંફ માની ગોદમાં છે, તે હિમાલયમાં પણ નથી
————–
લોગઇનઃ
ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે,
ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં,
છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ
————–
ઉમાશંકર જોષીએ લખ્યું હતું, ‘માનું ઋણ ચુકવવા જાય તો ઈશ્વરનું પણ દેવાળું નીકળે.’
રક્તનું દરેક ટીપું માતાનું ઉધાર છે. આ ઉધારી તમે ગમે તેટલા ઊંચા થઈને પડતા થાવ તોય ચૂકવી ન શકાય એવી છે. એની ચૂકવણી સંભવ જ નથી. શોભિત દેસાઈએ ચાર પંક્તિમાં માતાના ઋણનું આખું શાસ્ત્ર લખી નાખ્યું છે. માત્ર એક નહીં, સાત જન્મની મૂડી લગાવ્યા પછી પણ આ ઋણ ઉતરી શકે એમ નથી. જેટલા જન્મ લેશો એટલું ઋણ વધતું જશે. જન્મવા માટે તમારે માતાનું ઋણ તો લેવું જ પડશે, એના વિના તમે પ્રગટી જ નહીં શકો.
વિશ્વપ્રસિદ્ધ લેખક એચ.જી. વેલ્સના માતા સાથેના ઋણાનબંધનો પ્રસંગ યાદ કરવા જેવો છે. એચ. જી. વેલ્સ એટલે જેણે ‘ટાઇમ મશીન’ નવલકથા લખી. તેના પરથી હોલીવૂડમાં બબ્બે વખત ફિલ્મો બની. 1960માં ડેવિડ ડન્કને અને 2002માં સિમોન વેલ્સે બનાવી. બીજી નવલકથા ‘ધ વોર ઑફ ધ વર્લ્ડ’, પરથી મહાન દિગ્દર્શક સ્ટિવન સ્પીલબર્ગે ટોમ ક્રૂઝને લઈને ફિલ્મ બનાવી. તેમની અન્ય નવલકથાઓ પરથી પણ એક કરતા વધારે વખત ફિલ્મો અને વેબસિરિઝ બની છે. તેની યાદી ઘણી લાંબી છે. જગતના આટલા પ્રસિદ્ધ અને ધનવાન લેખકનો ઇંગ્લેન્ડમાં ત્રણેક માળનો વિશાળ બંગલો. એક દિવસ અચાનક એક મિત્ર તેમને મળવા આવ્યા. તેમણે જોયું તો એચ. જી. વેલ્સ તો આવડા મોટા બંગલમાં એક નાનકડી ભંડકિયા જેવી ઓરડીમાં સૂતા હતા. મિત્રને નવાઈ લાગી, તેણે મજાકમાં પૂછ્યું, ‘આ વિશાળ બંગલામાં કોઈ મોટા ઓરડા નથી કે શું?’ વેલ્સે કહ્યું, ‘છે ને.’
‘તો એને ખાલી રહેવા દઈને નાની ઓરડીમાં કેમ પડ્યા છો?’
વેલ્સે કહ્યું, ‘એ ખાલી નથી.’
મિત્રે પૂછ્યું, ‘તો એમાં કોણ રહે છે?’
‘મારા નોકરો.’
મિત્ર આશ્ચર્યથી કહે : ‘વાહ! તમારી અક્કલને ધન્ય છે! સાહિત્યકારો શું આવા જ ધૂની હોય? લોકો તો નકામા ઓરડા નોકરોને આપે, પણ તમે તો ખરા છો. આવું શા માટે કર્યું?’
એચ. જી. વેલ્સ કહે, ‘દોસ્ત, મારી મા એક વખત લંડનમાં એક મોટા બંગલામાં નોકરાણી તરીકે કામ કરતી હતી. દિવસરાત ઢસરડા કરતી બિચારી. માંડ બે ટંકનું ખાવા પામતી. સૂવા માટે સાવ નાનકડી અંધારિયા કાતરિયા જેવી ઓરડી હતી એની માટે. ત્યાં પડી રહેતી. મેં બાળપણમાં આ બધું બહુ નજીકથી જોયું-અનુભવ્યું છે. હું જે કંઈ છું, તે મારી માના લીધે જ છું, એણે જે શીખવ્યું, અનુભવડાવ્યું તે મેં કલ્પનામાં પરોવ્યું. આજે મારી પાસે મોટા મહેલ જેવો બંગલો છે. આલીશાન રૂમો છે. સુંવાળા પલંગો છે. પરંતુ માની ગોદમાં જે હૂંફ અને સાંત્વના મળતી હતી તે આ આલીશાન અને સુંવાળા ગાદલાઓમાં નથી આવતી. જ્યારે પણ હું અહીં નાનકડા કાતરિયા જેવી ઓરડીમાં આવીને સૂવું છું તો માની ગોદમાં સૂતો હોઉં એવું લાગે છે!
ગૌરાંગ ઠાકરને પેલો શેર છેને-
સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.
ગમે તેવા મોઘાં કે આધુનિક સગવડવાળાં ઓશિકાં પર માથું મૂકીને ઊંઘો, પણ માના ખોળાની હૂંફ ક્યાંથી લાવશો? માના હાથે સિવાતી ગોદડીમાં માત્ર કપડું નથી સંધાતું, તેમાં માતાના અપાર પ્રેમનું એક અજબ પ્રકારનું રક્ષાકવચ પણ વણાઈ જતું હોય છે. ભરત ભટ્ટનો શેર પણ આ ક્ષણે યાદ કરવા જેવો છે.
ગોદડીમાં સાડલા જો હોય માના,
સોડ લેતાં સ્હેજમાં ઊંઘી જવાશે.
કોઈ એન્ટિબાયોટિક કે ટેબ્લેટ જે ના કરી શકે તે ઘણી વાર રદ્દી લાગતી ગોદડી કરી આપતી હોય છે. માતાના જૂના સાડલા ગોદડીમાં રૂપાંતરિત થાય પછી એ એક પ્રકારનું કુદરતી યંત્ર બની જતું હોય છે. જેમ જૂની વાર્તાઓમાં ઊર્જા ભેગી કરીને એક અસ્ત્ર બનાવવામાં આવતું એમ એક રીતે જોઈએ તો માના હાથે – માના સાડલાથી સિવાયેલી ગોદડી માના પ્રેમની ઊર્જાથી ભરેલું એક યંત્ર છે. તમે ક્યારેક એને હૃદયપૂર્વક અનુભવવા પ્રયત્ન કરજો, તમને ચોક્કસ એક પ્રકારની ઊર્જા અનુભવાશે. આ ગોદડીની કિંમત રૂપિયામાં નહીં આંકી શકાય. તમે એને બજારમાં વેચવા જાવ તો તેમાંથી ખાસ કંઈ ના ઉપજે એવું પણ બને. પણ હૃદયમાં ઊભરાતી લાગણીઓના બજારમાં એની કિંમત ઇંગ્લેડના તખ્ત પર રહેલા કોહીનૂર કરતા પણ વધારે છે. માતાના ખોળામાં જે હૂંફ છે, એ તો ઈશ્વરના ખોળામાં પણ નથી. માતાની ગોદમાં રમવા માટે તો ભગવાને પણ કાનુડો થવું પડે.
કદાચ એટલા માટે જ સુરેન ઠાકર મેહુલે લખ્યું હશે.
————–
લોગઆઉટઃ
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની, મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ‘
Leave a Reply