સુંદર મજાની સાંજ હોય, ગરમાગરમ ચાનો કપ હોય
————–
લોગઇનઃ
અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ
એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ
હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ
શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ
ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ
– નયન દેસાઈ
————–
કવિ અને ચાનો નાતો ગાઢ છે. કવિને એક ટંકનું ભોજન ન હોય તો ચાલે, પણ ચા વિના? પ્રશ્ન જ નથી. આજે વિશ્વ ચા દિવસ છે. માટે ચા પીતાપીતા આ લેખ વાંચજો, વધારે મજા પડશે.
કવિ અને શરાબનો સંબંધ પણ બહુ જૂનો છે. શરાબ પર કવિતાઓ પણ એટલી લખાઈ છે. મને બશીર બદ્રનો શેર યાદ આવી ગયો. यहाँलिबास की क़ीमत है आदमी की नहीं, मुझे गिलास बड़े दे शराब कमकर दे આ સિવાય ગાલિબથી લઈને મરીઝ સુધીના કવિઓને વાંચો તો શરાબથી છલકે છે. એટલું જ નહીં, શરાબના પ્રતીકો સાથે લખાયેલા શેર અમર થયા છે. જેમ કે મરીઝનો આ શેર, “જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.” તો ઘાયલના શેરને કઈ રીતે ભૂલાય? “તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા, પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી?” હરિવંશરાય બચ્ચને તો આખું ‘મધુશાલા’ પુસ્તક લખી નાખ્યું.
અફસોસ કે ચા ઉપર એટલી ગંભીરતાથી કવિતા નથી લખાઈ. નયન દેસાઈ જેવા ચા-રસિયાઓએ ક્યારેક આ રીતે ચા પ્રત્યેની ચાહત વ્યક્ત કરી છે. ચા-રસિયા કહેવામાં થોડો ભય છે, એ ચરસિયા જેવું લાગે છે. પણ ચાના હરેડ બંધાણીને તેનાથી કંઈ ફરક પડતો નથી. શરાબને જેટલા ફિલસૂફીભર્યાં પ્રતીકો અને કલ્પનો કવિતામાં વ્યક્ત થયાં છે, એટલાં ચાને લઈને થશે ત્યારે આપોઆપ ‘ચા દેવી સર્વભૂતેષુ’નો મંત્ર ગૂંજતો થશે. આમ તો મોદીસાહેબે પણ ચાને પ્રમોટ કરવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે, એમ કહીએ તો ખોટું નથી.
‘ઇકિગાઈ’ નામનું પુસ્તક જગતભરમાં ખૂબ વખણાયું છે. આ પુસ્તક જાપાનિઝ લોકોના લાંબા આયુષ્યનાં વિગતવાર કારણો આપે છે. તેમાંનું એક કારણ ચા પણ છે. ચા સ્વાસ્થ્યવર્ધક છે.
કવિ રાજેન્દ્ર શુક્લને ચા સાથેનો નાતો કવિતા જેટલો જ ગાઢ. એક વખત કાર્યક્રમ પછીની અંગત મહેફિલમાં તેમણે કહ્યું હતું, મારું એક સપનું છે, હું એક પંખી હોઉં, એક મોટો કૂવો હોય, તેની પાસેના ઝાડ પર રહેતો હોઉં અને આ કૂવો આખો ચાથી ભર્યો હોય. જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે એમાં ચાંચ ઝબોળી આવું! ચાના બંધાણીઓ ઘણી વાર કોફીના કપમાં ડૂબી મરતા લોકોને એવું કહેતા મેં સાંભળ્યા છે કે ખાખરાની ખિસકોલી આંબાનો રસ શું જાણે?
એક સુંદર મજાની સાંજ હોય, મજાનું ટેબલ ગોઠવેલું હોય, તેની પર ડાયરી હોય, હાથમાં પેન હોય અને બાજુમાં ગરમાગમર ચાનો કપ હોય! ચા અને કવિતા બંનેના અઠંગ પ્રેમી હોય તેની માટે તો આ સ્થિતિ સ્વર્ગથી કમ નથી.
મહત્ત્વની ચર્ચા કરવાની હોય કે નવરાશના ગપ્પાં હાંકવાના હોય, ચાનો સથવારો હોય એટલે ભયોભયો. ચાની કેન્ટિન પર સાહજિક રીતે મિત્રને કહેતા હોઈએ છીએ, ચાલ એક ચા મંગાવ. નયન દેસાએ પોતાના નામને સંબોધીને આ વાતને ગઝલની રદીફ બનાવી દીધી. અને આ સામાન્ય લાગતી ચા મંગાવવાની વાતથી તેમણે ગઝલમાં ઘણી ગંભીર વાતો હળવાશથી રજૂ કરી દીધી. ચા પીતા પીતા આમ પણ આપણે એ જ કરીએ છીએ. આ લેખને અહીં અટકાવીને મનોજ જોશીના શેર સાથે ચાનો એક ઘૂંટ ભરીએ. હેપ્પી ટી ડે.
————–
લોગ આઉટઃ
તું ‘હા’ની વાત કર કે પછી ‘ના’ની વાત કર,
બંને હું સાંભળીશ, પ્રથમ ચાની વાત કર.
– મનોજ જોશી ‘મન’
Leave a Reply