પિતાઃ પરિવાર નામના વટવૃક્ષના મજબૂત મૂળ
————–
લોગઇનઃ
દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે !
– કિરણસિંહ ચૌહાણ
————–
ફાધર્સ ડેની હાર્દિક શુભકામનાઓ.
સુરતના સાહિત્યાકાશમાં ચમકતા સૂર્યનું એક સોનેરી કિરણ અર્થાત્ કિરણસિંહ ચૌહાણે પિતાની પ્રતીક્ષાનું હૃદયસ્પર્શી કાવ્ય લખ્યું છે. જેમ મા એટલે મા, એમ પિતા એટલા પિતા. પિતા પથ્થર અને પુષ્પનો સમન્વય છે. એમના હૃદયમાં રહેલી ઋજુતા ફૂલની કોમળતાને ઝાંખી પાડે તો એમની હિંમત ઈન્દ્રના વજ્રના પણ ફુરચા બોલાવી દે તેટલી મજબૂત હોય છે.
પિતા પરિવાર નામના વટવૃક્ષનું એવું મૂળ છે, જેનો ખ્યાલ ઝાડનાં ફળ, છાંયડો, પર્ણનો આનંદ લેનારને નથી આવતો. મુસાફરો આવશે, ઝાડ નીચે બસશે, ફૂલોના વખાણ કરશે, વૃક્ષની હરિયાળીને સન્માનશે, ડાળીઓની મજબૂતાઈની ચર્ચા કરશે, પણ જમીનમાં ધરબાઈ ગયેલાં મૂળની ચર્ચા કોઈ નહીં કરે. દટાઈ ગયેલાં મૂળ કોઈના ધ્યાનમાં પણ નહીં આવે. મૂળને એની પરવા પણ નથી હોતી. એ તો એટલું જ ઇચ્છે છે મારું ઝાડ લીલુંછમ રહે, ડાળીઓ વિસ્તરતી રહે, પર્ણો લહેરાતાં રહે, પંખીઓ કલરવતાં રહે.
અમુક સાધુ ખ્યાતિ કે પૈસો ભૂલીને, જાહેર સમારંભો યોજવાની લાલચ મૂકીને, ભક્તો બનાવવાની પળોજણમાં પડ્યા વિના, પંથ કે સંપ્રદાય સ્થાપવાની ઇચ્છા રાખ્યા વિના સંસારથી દૂર એકાંત જગ્યાએ જઈને ઈશ્વરમાં લીન થઈ જાય છે. તેમને સિદ્ધિ-પ્રસિદ્ધિ કશું નથી જોઈતું. માત્ર પોતાના કાયાના કોડિયામાં રહેલી આત્માની જ્યોતને ઈશ્વરભક્તિથી પ્રગટાવવી છે. પિતા આ સાધુ જેવા છે. સંસારના જંગલમાં પરિવાર નામના ઈશ્વરની ભક્તિમાં એવા લીન થઈ જાય છે કે તેમને ઘાત-આઘાત, દુઃખ-પીડા બધું સાવ ક્ષુલ્લક લાગે છે.
પિતાના પ્રેમ વિશેની નાનકડી વાર્તા યાદ આવે છે.
એક દીકરાએ પિતાને પૂછ્યું, “પપ્પા, હું કૉલેજની અંતિમ પરીક્ષામાં પહેલા નંબરે આવું તો મને મર્સીડિઝ લાવી આપશો?” પિતા વિસ્તારના સૌથી સમૃદ્ધ બિઝનેસમેન હતા. તેમણે કહ્યું, “જરૂર.” પૈસાદારનો પુત્ર હોવા છતાં નબીરાઓ જેમ પૈસા ન ઉડાવતો હોવાથી પિતાને પુત્ર પ્રત્યે ગર્વ હતો. દીકરાએ ખૂબ મહેનત કરી, માત્ર કૉલેજમાં જ નહીં, યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો. કૉલેજમાંથી જ ફોન કરીને આ સમાચાર પિતાને આપ્યા અને મર્સિડિઝની યાદ અપાવી. ઘરે પહોંચ્યો, ઘરના આંગણામાં કોઈ કાર નહોતી. તેને થયું ડિલિવરી મોડી હશે. પિતાએ તેને મોટું બોક્સ આપીને કહ્યું, “દીકરા, આ તારી ગિફ્ટ.” બોક્સ આપીને પિતા ઑફિસે જતા રહ્યા. દીકરાએ બોક્સ ખોલ્યું. અંદર બાઈબલ હતું. તેને થયું, આટઆટલા પૈસા હોવા છતાં કાર આપતા જીવ ન ચાલ્યો? તેણે એ જ ક્ષણે ઘર છોડવાનો નિર્ણય કર્યો. તે બાઈબલના પાનાં પર લખતો ગયો, “પિતાજી બાઈબલ આપવામાં તમારો સારો આશય હશે, પણ મારે કાર જોઈતી હતી. હવે હું તમારા જેટલો પૈસાદાર થઈને ન બતાવું તો મારું નામ નહીં.”
વર્ષો વીત્યાં. યુવક હોશિયાર તો હતો જ. એણે બિઝનેસ શરૂ કર્યો. તેમાં અણધારી સફળતા મળી. એ અતિશ્રીમંત બની ગયો. એક દિવસ એને પિતા સાથે વાત કરવાની તીવ્ર ઇચ્છા થઈ. એણે ફોન કર્યો. નોકરે ઉપાડ્યો અને કહ્યુ, “સાહેબ અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. મરતાં સુધી તમને યાદ કરતા રહ્યા. એમણે કહેલું તમારો ફોન આવે તો બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા.”
પુત્ર ઘરે આવીને પિતાના રૂમમાં ગયો. એની નજર બાઈબલ પર પડી.એણે બાઈબલ ખોલ્યું. પ્રથમ પાના પર પિતાએ લખ્યું હતું: “હે ભગવાન! મારા પુત્ર જેવા ઉત્તમ સંતાનને શું ભેટ આપવી તે તું શિખવાડજે. એણે માગેલ વસ્તુ સાથે પુસ્તક પણ પણ આપી રહ્યો છું.” પિતાએ લખેલ શબ્દો તેને બાઈબલ જેટલા જ મહાન લાગ્યા. એણે બાઈબલ માથે અડાડ્યું. પાનાંઓ વચ્ચે છુપાયેલ નાનકડું કવર જમીન પર પડ્યું. એ ખોલ્યું તો મર્સિડિઝની ચાવી અને મર્સિડિઝનું બિલ નીકળ્યું. એ જોઈને તે રડવું રોકી ન શક્યો. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું.
ઘણી વાર આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે ગિફ્ટ સ્વીકારીએ છીએ. પિતા અને પરમપિતા તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી ઘણી ગિફ્ટ આપણે સ્વીકાર નથી. કારણ એ જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું.
————–
લોગઆઉટઃ
घर की बुनियादें दीवारें बामों-दर थे बाबू जी
सबको बाँधे रखने वाला ख़ास हुनर थे बाबू जी
तीन मुहल्लों में उन जैसी कद काठी का कोई न था
अच्छे ख़ासे ऊँचे पूरे क़द्दावर थे बाबू जी
अब तो उस सूने माथे पर कोरेपन की चादर है
अम्मा जी की सारी सजधज सब ज़ेवर थे बाबू जी
भीतर से ख़ालिस जज़बाती और ऊपर से ठेठ पिता
अलग अनूठा अनबूझा सा इक तेवर थे बाबू जी
कभी बड़ा सा हाथ खर्च थे कभी हथेली की सूजन
मेरे मन का आधा साहस आधा डर थे बाबू जी
-आलोक श्रीवास्तव
Leave a Reply