‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ
————–
લોગઇન
ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં
આપણને આદિ કાળથી અકળાવતું હતું
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં
પૂનમ ગણીને જેમની પાસે ગયો હતો
એ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં
‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં
– અમૃત ઘાયલ
————–
મકરંદ દવેએ લખ્યું છે- ‘નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ.’ કવિ આ ધૂળિયા માર્ગનો પ્રવાસી છે. કાવડિયાના કાગળમાં બેસીને કવિતાની નદી પાર નથી કરી શકાતી. તેની માટે તો ખુવારી અને ખુમારી બંને જોઈએ. ખલીલસાહેબનો આ શેર તો કઈ રીતે ભૂલાય?
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.
ગઝલકાર ખુમારી મુકીને ગઝલમાં આવે, ત્યારે ગઝલિયત ખૂણામાં મુકાઈ જાય છે. કવિની લાચારીમાં પણ ખુમારી હોય છે. શાહી ઠાઠમાં જીવીને સોનાની કલમથી અને ચાંદીના તાર જડેલી નોટબુકમાં લખાતી કવિતાનું મૂલ્ય કેટલું ઊંચું જશે એ કહી નથી શકાતું. પણ જિંદગીના ઝંઝાવત ઝીલીને ફાટેલા કાગળ પર ઊતરેલો કવિતાને શબ્દ, ભલે સામાન્ય બેપાંચ રૂપિયાની પેનથી લખાયો હોય, તેનું મૂલ્ય પેલી સોનાની કલમ કરતાં લાખોગણું વધારે હોય છે. જ્યાં સુધી ઘસરકો કે ઘાવ નથી, વલોપાત કે સંતાપ નથી ત્યાં સુધી કવિતા તમારી પીઠ નહીં પસવારે. તમારી પાસે નહીં બેસે. તમને હૂંફ નહીં આપે. તમે તેની પાછળ ગમે તેટલું દોડશો છતાં એ ઝાંઝવાના આભાષી જળ જેવી સાબિત થશે. એક અંગ્રેજ કવિએ લખેલું, તમારે કવિતા લખવી છે તો ક્યાં છે તમારા ઘાવ મને બતાવો.
તમે એમ વિચારીને બેસો કે સવારે સાત વાગ્યે ઊઠીને કવિતા લખવા બેસવું છે, તો કવિતા ચોક્કસ લખાશે, પણ તેમાં કાવ્યતત્ત્વનો અભાવ હશે. ગઝલ હશે, પણ ગઝલિયત નહીં હોય. તમે ગમે એટલા ભાવના ઊભરા ઠાલવશો તો એ માત્ર શાબ્દિક લાગણીવેડા પુરવાર થશે. અમુક સમય પછી એ જ કવિતા તમને પોતાને નહીં ગમે. કવિતા તો જિંદગીમાં અભાવના ઉછાળા આવવા લાગે, ત્યારે આપોઆપ પાસે આવીને બેસે છે. હૃદયમાં ખળભળાટ થવા લાગે ત્યારે તે મીઠા ઝરણાની જેમ વહે છે. ભીતરનો ખાલીપો આભને અડે એટલો ઊંચો થાય ત્યારે કવિતા તેમાં ઊર્મિની રંગોળી પૂરવા પ્રયાસ કરે છે. એનાથી ખાલીપો ભરાશે કે નહીં તેની ખાત્રી નથી, પણ કવ્યતત્ત્વ ચોક્કસ ઊભરાશે.
જ્યારે ઉદાસી સાથે પ્રેમ થવા લાગે, પીડા સાથે ઘરોબો બંધાવા લાગે. દર્દ સાથે દોસ્તીના તાર જોડાવા માંડે, ઊંડે ઊંડેથી કોઈ અભાવ કોરતો હોય એવું લાગ્યા કરે. બધું મળ્યા પછી પણ કશુંક નહીં હોવાનો રંજ રહે, હૃદય અંદર કોઈ ટીસ રહી ગયાની લાગણી અનુભવાય, ઘણું બધું વ્યક્ત કરવું હોય, પણ એ ઘણું બધું શું છે એ ન સમજાય, વિચારોની વાવના છેલ્લા પગથિયે પહોંચીને પણ કોઈ ઉકેલનું જળ ન સાંપડ્યાનો વસવસો ઊભરાય, કોઈની વાત સાંભળતા હોવા છતાં ન સાંભળી રહ્યા હોવ અને કોઈ બીજી જ જગ્યાએ ખોવાયેલા હોવ, દરિયામાં તોફાન આવ્યું હોય, લોકો જીવ બચાવવા બૂમાબૂમ કરતા હોય, ત્યારે તમને માત્ર એટલી જ ચિંતા હોય કે ભગવાન કરે ગઝલ પૂરી થઈ જાય તો સારું. ત્યારે સમજવું કે કવિતાનો ઘરોબો પાક્કો થયો છે. અબ્બાસ તાબીસનો આ શેર યાદ આવ્યા વિના ન રહે
ડૂબતી નાવ મેં સબ ચીખ રહે હૈ તાબીશ,
ઔર મુઝે ફિક્ર ગઝલ મેરી મુકમ્મલ હો જાયે.
ઘાયલ સાહેબે શુદ્ધ કવિતાની અપેક્ષા રાખી છે. તે ગઝલમાં કહે છે કે કવિતા તો આપણને જુદા જુદા સ્વાંગમાં મળે છે. ક્યારેક એ સ્મિતના પડીકામાં આંસુ પધરાવે. ક્યારેક આંખથી આંસુ વહેતાં હોય તો લોહી વહી રહ્યાની વેદના કરાવે. જીવનની વરવી ઠોકરો એક કહાણી બનીને આવે અને દરેક કહાણી એક કવિતા સ્વરૂપે હૃદયમાં વલોવાય. આ વલોપાત એટલો પજવે કે તેને શબ્દોમાં વ્યક્ત કર્યા વિના રહી ન શકાય. જો વલોપાત વાણીમાં ન ઊતરે તો પાગલ થઈ જવાનો ભય રહે. ક્યારેક વર્ષોથી અંદર ને અંદર અકળાવ્યા કરતા મૌનને વાણીના રસ્તે વહાવીએ ત્યારે તે કવિતાનું રૂપ પામે. ક્યારેક ઊજવાતી ઉજાણીનું પડ હટાવીએ તો ખ્યાલ આવે કે અહીં તો ઉદાસી ઉજવાય છે. ક્યારેક રાણી થઈને હૃદયના સિંહાસન પર બિરાજે તો ક્યારેક દાસીના સ્વાંગમાં બેઠી હોય. ઘાયલસાહેબ કહે છે, ગમે તે સ્વરૂપે આવે, પણ શુદ્ધ કવિતા આવવી જોઈએ.
જ્યારે સમયનું ઝેર ચડે ત્યારે કવિતા પાસે જજો. કવિતા એ સમયનું ઝેર ઉતારવાની કલા છે.
————–
લોગઆઉટ
રમેશ ભાગ જલદી ભાગ કોરા કાગળમાં,
સમયનું ઝેર ચડ્યું છે ઉતારવું પડશે!
– રમેશ પારેખ
Leave a Reply