પ્રેમ ગલી અતિ સાંકરી
————–
લોગઇન
જબ મૈં થા તબ હરિ નહીં,
અબ હરિ હૈ મૈ નાહી,
પ્રેમ ગલી અતિ સાંકરી,
જામેં દો ન સમાહી.
— કબીર
————–
ઘણાને પોતે શું છે એ બતાવવાની ઝંખના બહુ હોય છે. શેરીમાં નાનકડો ઝઘડો પણ થઈ જાય તો તરત બોલી ઊઠે, ‘હું કોણ છું એની તને ખબર નથી.’ આવું બોલનાર પહેલા તો પોતે પોતાને જાણતો નથી હોતો, નહીંતર આવું કહે શું કામ? ઘણા તો ઈગોમાં બરાડા પાડીને કહેતા હોય છે કે ‘હું કોનો છોકરો છું તને ખબર છે?’ આવા માણસને કહેવું જોઈએ કે, ‘અરે ભાઈ મને તો ખબર છે પણ તને નથી ખબર તારો બાપ કોણ છે, તે આમ જાહેર રસ્તા પર બરાડા પાડીને સર્ટિફિકેટો બતાવે છે.’
હુંપણું જબરું હોય છે. દરેકને એમ હોય છે કે હું બીજા કરતા વધારે સારો છું, અન્યો કરતા હું વિશેષ છે. આપણા ‘હ’ ઉપર આપણે હંમેશાં મોટું ટપકું મૂકીએ છીએ. હેમેન શાહનો શેર યાદ આવી જાયઃ
નાનું જરાક રાખો અનુસ્વાર હું ઉપર.
આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.
કબીર પણ આવા હુંપણા તરફ આંગળી ચીંધે છે. પણ આપણે તેના વિશે વાત કરીએ તે પહેલા હર્ષ બ્રહ્મભટ્ટનો એક શેર મજેદાર યાદ આવી ગયો તે સાંભળો,
हसरत, तमन्ना, इशरत; उम्मीद, आस, निस्बत,
सामान इतना ज़ियादा छोटे सफ़र में मत रख.
ક્યા બાત હૈ! આપણે આયુષ્યના થેલામાં કેટકેટલું ભરીએ છીએ. ઇચ્છાઓ ખૂટતી જ નથી, એક સંતોષાય ત્યાં બીજી ઊભી થઈ જાય. સંબંધોના તાણાવાણા પણ ઓછા નથી થતા, નિસબતના નાણાંથી પણ ધનવાન થયા કરવાની ઝંખના સેવ્યા કરીએ છીએ. જેટલો વધારે સામાન એટલો જ વધારે થાક. આ બધા સામાનો પણ આપણા હું ઉપરના ટપકા જેવા છે. આપણે કાયમ એ ટપકાનો વજન ઊંચકીને ફરીએ છીએ.
જ્યાં સુધી તમારા હું ઉપરનું અનુસ્વાર મોટું હશે, ત્યાં સુધી તમને પ્રેમગલીમાં પ્રવેશી નહીં શકો. આશા, અપેક્ષા, ઇચ્છાના પોટલા ઊંચકીને ફરશો તો તમે હૃદયના રાજમાર્ગ પર ચાલી જ નહીં શકો. કબીર જે પ્રેમગલીની વાત કરે છે ત્યાં તો હુંપણાને અવકાશ જ નથી. પરમની કેડી પર ચાલવા માટે તો આખું અસ્તિત્વ ઓગાળવું પડે. માત્ર હું ઉપર રહેલું ટપકું જ નહીં, આખેઆખા ‘હ’ને ભૂલવાનો છે. પોતાનો ભાર મૂકીને ચાલશો તો પરમના પગથિયે સહજતાથી પગ મૂકી શકાશે.
ઈશ્વરની પ્રાપ્તિની હોય કે સ્નેહીની, હુંપણું નહીં ઓગળે ત્યાં સુધી હૃદયની ગલીમાં ડગલું માંડી નહીં શકાય. ઓશો ઘણી વાર પોતાના વ્યાખ્યાનમાં રુમીની કવિતામાં આવતી કથા કહેતા. રુમીએ લખેલુઃ
પ્રેયસીના દ્વાર પર પ્રેમીએ ટકોરા કર્યા,
અંદરથી અવાજ આવ્યો, કોણ?
દરવાજાની બહાર ઊભી રહેલી વ્યક્તિ બોલી, ‘હું છું’
અંદરથી અવાજ આવ્યો,
‘આ ઘર હું અને તું, બંનેને સાચવી શકે તેમ નથી.’
બંધ દરવાજો બંધ જ રહ્યો.
પ્રેમી આખરે થાકીને જંગલ તરફ ચાલ્યો ગયો.
ત્યાં જઈને તેણે પ્રેમીને પામવા ખૂબ તપ કર્યું, પ્રાથનાઓ કરી, ઉપવાસ કર્યા.
અનેક દિવસો પછી એ પાછો ફર્યો
ફરીથી તેણે પ્રેમીકાનું દ્વાર ખખડાવ્યું.
ફરીથી એ જ પ્રશ્ન, ‘કોણ છો?’
પ્રેમીએ જવાબ આપ્યો, ‘તું’
અને તરત જ દરવાજો ખૂલી ગયો.
પ્રેમીએ પોતાનું હુંપણું ઓગાળી નાખ્યું. આપણે તો નાનકડા સંબંધમાં પણ કેટકેટલી અપેક્ષા રાખીએ છીએ. કેટકેટલી શરતો લાદીએ છીએ. મેં તારા માટે આમ કર્યું, તેં શું કર્યું? અપેક્ષા એ કોઈ પણ સંબંધ માટે ધીમું ઝેર છે. શાહબુદ્દીન રાઠોડ વારંવાર એક જોક કહે છે. એક મિત્રને તેમણે કહ્યું, તું બીડી બહુ પીવે એ સારું નથી, એ ધીમું ઝેર છે. મિત્ર બોલ્યો, આપણે ક્યાં ઉતાવળ છે! આ વાત હસવા જેવી છે, પણ હસી નાખવા જેવી નથી.
આપણે દરેક સંબંધને અપેક્ષાની બીડીથી ફૂંકીએ છીએ. સમય જતાં ભાવનાઓ અને લગાવની ઇમ્યુનિટી ખતમ થઈ જાય છે. લાગણીને કેન્સર થઈ જાય છે, અપેક્ષાના જીવાણુઓ તેને કોતરી ખાય છે. પછી કોઈ પણ પ્રકારની કીમોથેરેપી કામ આવતી નથી. કેમ કે આપણે સંબંધમાં હુંપણું સાથે રાખ્યું હતું, મેં જીવન ખર્ચી નાખ્યું તારી પાછળ એનો શું બદલો મળ્યો મને? જ્યારે પણ આવી બદલાની ભાવનાથી પ્રેમગલીમાં પગ મૂકશો ત્યારે ત્યારે પગ કળણમાં ખૂંપશે.
હુંપણું પેલી ગુજરાતી કહેવત જેવું છે, સીંદરી બળે પણ વળ ન જાય. આ વાતને આબીદ ભટ્ટે આબાદ રીતે ગઝલમાં ઝીલી છે. તેના બે શેરથી લોગઆઉટ કરીએ.
————–
લોગઆઉટ
કાલની જો કળ વળે તો ઠીક છે,
આજ સહેવા બળ મળે તો ઠીક છે.
‘હું’પણાના લાખ આંટા વાળેલા,
દોરડીના વળ બળે તો ઠીક છે!
– આબિદ ભટ્ટ
Leave a Reply