નવ કરશો કોઈ શોક રસિકડાં
————–
લોગઇન
નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…
મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…
મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…
મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…
– નર્મદ
————–
આપણે નરસિંહને ગુજરાતી ભાષાનો આદ્યકવિ કહીએ છીએ, તો નર્મદને અર્વાચીનોમાં આદ્ય. નરસિંહે પદો, પ્રભાતિયાં, ભજન દ્વારા ભાષાને લાડ લડાવ્યા, તેનો પીંડ બાંધો, ગુજરાતીપણાના સંસ્કાર તેણે લોકહૈયે જીવંત રાખ્યા. નર્મદે ગુજરાતીને પ્રાચીનમાંથી અર્વાચીન બનાવી, એટલા માટે જ કદાચ તે અર્વાચીનોમાં આદ્ય કહેવાતો હશે. 1833માં જ્યારે તેમનો જન્મ થયો ત્યારે ગુજરાતી ભાષાનું કલેવર આજના જેવું આધુનિક ન હોય એ સ્વાભાવિક છે. એ સમય ભજન, ભક્તિ અને પદપ્રભાતિયાંનો હતો. જોકે નર્મદે લખવાનું શરૂ કર્યું તે અગાઉ દલપતરામે પોતાની કાવ્યવાંસળી ફૂંકી દીધી હતી, જેના સૂર ગુજરાતી ભાષામાં પ્રસરવા લાગ્યા હતા.
પણ કલમના ખોળે માથું મૂકનાર તે ગુજરાતી ભાષાનો પહેલો કવિ હતો. આજે જય વસાવડા, કાજલ ઓઝા, અંકિત ત્રિવેદી જેવા સર્જકો પોતાની કલમના જોરે લોકોના હૈયામાં સ્થાન બનાવવામાં સફળ થયા છે. માત્ર ને માત્ર કલમથી જ પોતાનું ગુજરાન ગૌરવપૂર્વક ચલાવે છે તે ઘણા યુવાનો માટે આદર્શ દાખલો છે. આ દાખલો નર્મદે વર્ષો પહેલાં પૂરો પાડેલો. તેણે વિચારેલું, ‘ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે, ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ, ને શેર જુવાર તો મળી રહેશે.’ શેર જુવાર સાથે નિજાનંદ માણવાની હામ તેણે ભીડી.
નોકરી છોડીને કલમને ખોળે માથું મૂકતી વખતની સ્થિતિ વર્ણવતા તે લખે છે, “મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય” આ કાહુ કાહુમાં નર્મદથી કવિતાનો કક્કો ઘૂંટી શકાતો નહોતો. આથી નિશાળના કામમાં દિલ ન લાગવાથી પોતાના બાપને પૂછ્યા વિના જ નવેમ્બરની 23મીએ સ્કૂલની નોકરી છોડી દીધી. તે સમયે આવું કામ કરતી વખતે પિતાને પૂછવાની નેમ ખરી, આજના સમયે નોકરી છોડવા જેવી બાબત ભાગ્યે જ પિતાને પૂછીને કરે છે. નર્મદે નોકરી છોડી એ તેમના પિતાને ગમ્યું નહોતું.
નોકરી છોડીને ઘરે આવ્યા અને તેમને જે થયું તે તેમના શબ્દોમાં જ વાંચો, “મેં ઘેર આવીને કલમની સામું જોઈ આંખમાં તેને ઝળઝળિયાં સાથે અરજ કરી કે ‘હવે હું તારે ખોળે છઊં’ કોઈ પણ રીતેની પેદાશની ગોઠવણ ન કરેલી તેથી મારા બાપ મનમાં તો બહુ દાઝ્યા પણ પછી મને કહ્યું કે ‘ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતી’ મેં વિચાર કીધો કે કવિતા તરફ મારું મન છે- નીતિભક્તિ તરફ મારું મન છે ને બીજા કોઈ ઉદ્યોગથી મારું મન માનતું નથી, માટે હરદાસનું કામ કરું કે જેથી પેટને પણ મળે ને મારો લખવા ભણવાનો ઉદ્યોગ કાયમ રહે- ગુજરાતીમાં કથા કરનાર કોઈ હરદાસ છે નહીં ને મારી વાણી સારી છે. માટે સંસ્કૃત અભ્યાસ વધારીને ગુજરાતીમાં આખ્યાનો બનાવી એ ઉદ્યોગે રહું.”
ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ આત્મકથા લખવાની હિંમત તેણે કરી. ‘મારી હકીકત’ લખતી વખતે તેણે કહ્યું, ‘આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારૂં તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો… મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂં સારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો…’ ગુજરાતી ભાષાનો પહેલો નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’ પણ નર્મદ દ્વારા જ ગુજરાતી ભાષાને મળ્યો. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ ‘નર્મકોશ’ પણ તેણે જ તૈયાર કર્યો. તે સમયમાં સમાજમાં પ્રવર્તતી અનેક ગેરમાન્યતાઓ સામે પણ ‘દાંડિયો’ ઉગામ્યો. વિધવાવિવાહ જેવા કુરિવાજોનો તેણે દૃઢતાથી વિરોધ કર્યો.
‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’ કે ‘જય જય ગરવી ગુજરાત, દીપો અરૂણું પરભાત’ જેવાં અનેક કાવ્યોથી તેણે લોકહૃદયમાં આગવું સ્થાન મેળવ્યું. આજે તેમની પુણ્યતિથિ છે. 24 ઓગસ્ટ 1833ના રોજ જન્મેલ નર્મદે 26 ફેબ્રુઆરી 1866ના રોજ જગતમાંથી વિદાય લીધી. તેમની તિથિએ દરેક ગુજરાતીએ તેમને ગૌરવપૂર્વક વંદન કરવા જોઈએ. આજે મૃત્યુ પછી શોક ન કરવા વિશેનું તેમનું જ કાવ્ય લોગઇનમાં મૂક્યું છે. તેમનું આખું જીવન તેમની જ આ એક પંક્તિમાં આવી જાય છે
————–
લોગઆઉટ
‘વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી’
Leave a Reply