કોઈ પાડતું કેડી તે પર કોઈ ચરણ દઈ ચાલે
————–
લોગઇન
કોઈ પાડતું કેડી તે પર કોઈ ચરણ દઈ ચાલે,
પૂર્વ દિશાનું પરોઢ પણ જઇ પશ્ર્વિમને અજવાળે.
તુળસીના કૂંડામાં વાવો
બાવળનું જો ઠૂંઠૂં
સાત સરોવર સીંચો તોયે
ઠૂંઠૂં તે તો ઠૂંઠૂં
ઋતુઋતુની રંગલીલામાં લેશ નહીં એ મ્હાલે.
દરિયો જળનું દાન દઇને
બાંધે વાદળ આભે,
વાદળ મીઠાં જળ વરસાવે
ધરતી એથી લાભે.
અગમનિગમનો ખેલ ખબર ના ચાલે કોના તાલે.
– બકુલ રાવળ ‘શાયર’
————–
બ્રહ્માંડમાં સેંકડો ગેલ્સીઓ છે, ગેલેક્સીઓમાં અનંત તારાઓ છે. ઘણા તારાઓ ક્યાંક ખૂણામાં રહ્યા રહ્યા ચમકીને ખરી જાય છે, અને કોઈને ખ્યાલ પણ નથી આવતો. વિશ્વની દરેક ભાષામાં આવા નાના-નાના કવિ-સિતારાઓ પોતાનો પ્રકાશ આપીને ખરી જતા હશે, કોઈને ખાસ ખબર પણ નહીં રહેતી હોય. એકલા ભારતમાં જ 270 જેટલી માતૃભાષાઓ છે. જેમાંથી ઓફિશ્યલ 24 ભાષાઓ એવી છે કે જેમાં સાહિત્ય લખાય છે, અને કેન્દ્ર સરકાર દ્વારા આ ભાષામાં લખાતા સાહિત્યને પ્રોત્સાહિત કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા જ આપણે માતૃભાષાદિન ઊજવ્યો. માતૃભાષાને પ્રેમ કરવાનો અર્થ અન્ય ભાષાનો વિરોધ નથી. બીજાની લીટી નાની કરીને પોતાની કઈ રીતે મોટી થઈ શકે? ઓક્સફર્ડ યુનિવર્સિટી દર વર્ષે ડિક્સનરી બહાર પાડે છે અને અન્ય ભાષાના કેટલા નવા શબ્દો ઉમેરાયા તેની યાદી બનાવીને ગર્વ અનુભવે છે. આ રીતે તે બીજાની લીટી નાની કર્યા વિના તે પોતાની મોટી કરે છે. આપણે અન્ય ભાષાના શબ્દો કાઢીને રાજી થઈએ છીએ. ભાષા વહેતી નદી જેવી છે. તે દરેક સમયે એક સરખી ન રહી શકે. આપણે ત્યાં કહેવત છે, બંધાય તે ગંધાય ને ફરે તે ચરે. તમે ભાષાની ફરતે પાળી બાંધી દેશો તો લાંબા ગાળે તે ખાબોચિયાની જેમ ગંધાવા લાગશે. એની ગંધ આપણને જ પરેશાન કરી મૂકશે.
ખેર, આવી અનેક માતૃભાષાઓમાંથી ગુજરાતી ભાષાના ખોળામાં માથું મૂકીને રચના કરનાર ઘણા કવિઓ છે, જે ખૂણામાં ચમકીને ખરી ગયા, અને લોકોને ખ્યાલ પણ ન આવ્યો. આમાંના એક હતા બકુલ રાવળ ‘શાયર’. તેમનું ઉપનામ જ શાયર હતું, આ પણ સુખદ આશ્ચર્ય પમાડે એવી વાત છે. આજકાલ તો ઉપનામ કે તખલ્લુસ રાખવાની ફેશન નથી રહી. હા, એની માટે ‘ફેશન શબ્દ જાણી જોઈને પ્રયોજ્યો છે. એક સમયે શયદા, મરીઝ, શૂન્ય, સૈફ, અમર, ઘાયલ એમ દરેક શાયર પોતાનું શાયર તરીકેનું નામ અલગથી રાખતા. શાયર છે ને તખલ્લુસ નથી? તખલ્લુસ વિના શાયર શાનો? આવી માન્યતા પણ ખરી. ઘણાએ તો એક પણ અક્ષર ન લખ્યો હોય છતાં તખલ્લુસ બનાવી રાખ્યું હોય. લખશું તો કામ આવશે. મારી સાથે ભણતા એક છોકરાએ પોતાનું નામ કવિ સાગર રાખેલું, જોકે એ કશું લખતો નહોતો. ઘણા સર્જકો ગઝલકાર તરીકે અલગ, ભજન લખે તો અલગ અને ગદ્ય લખે તો અલગ તખલ્લુસ રાખતા. જેમ કે મનુભાઈ દ્વિવેદી, ‘ગાફેલ’ના નામે ગઝલો લખતા અને ‘સરોદ’ના નામે ગીતો-ભજનો. આવું જ રામનારાયણ પાઠકનું હતું. જો આ વાતે ચડી જઈશું તો બકુલ રાવળની વાત કરવાની જ રહી જશે. આજ તેમની વાત કરવાનું કારણ એટલું જ કે આજે તેમની જન્મતિથિ છે. 6 માર્ચ 1930ના જન્મીને સાહિત્યજગતમાં ચમકીને ચુપચાપ ખરી ગયા.
લોગઇનમાં આપેલી તેમની કવિતા વાંચતાની સાથે અમુક લોકોને પેલી આંબા વાવવાવાળી વાત યાદ આવી જાય તો નવાઈ નહીં. એક વૃદ્ધ માણસે આંબો વાવ્યો હતો. આંબા પર કેરી આવતા તો વર્ષો લાગે. ત્યાંથી પસાર થનાર એક માણસને થયું કે કેરીઓ આવશે ત્યાં સુધી તો આ ડોસો જીવશે પણ નહીં, શું કામ ઉછેરતો હશે આંબો? તેણે એ વૃદ્ધને પૂછ્યું, તો જવાબ મળ્યો. આવતી પેઢી માટે. હું નથી ખાઈ શકવાનો, પણ મારી પછીની પેઢી તો ખાઈ શકશેને? અહીંથી ચાલનાર વટેમાર્ગુ તો તેના ફળનો સ્વાદ લઈ શકશેને?
કોઈ ચાલનાર માટે નવી કેડી કંડારવામાં માને છે તો કોઈ તેમના માર્ગમાં કાંટા વિખેરીને અડચણ ઊભી કરવામાં. જેવું જેનું વ્યક્તિત્વ. ઘણા બાવળના ઠૂંઠા જેવા હોય. લીલાશ મૂળમાંથી ગુમાવી ચૂક્યા હોય. તેમની પર ગમે તેટલા સરોવરના મીઠાં જળ નાખો તોય કશો ફેર ના પડે. વસંત આવે કે વર્ષાઋતુ, તેની સંગતની રંગત તે માણી જ નથી શકતા.
જીવન તો ચક્ર છે, લીધું તે પરત કરવું. દરિયો આકરા તાપમાં તપે છે, તેની બાષ્પથી વાદળ બંધાય છે, ચોમાસામાં એ વાદળ ધરતી પર ખાબકી પડે છે, હરિયાળી ફેલાવે છે. ખારું જળ આભે શોષી લીધું હતું તે વરસાદરૂપે મીઠું કરીને પરત કર્યું. કવિઓ-લેખકો પણ આ જ કામ કરે છે, તે સમાજમાં રહેલી કડવાશ પોતાના મનમાં ઝીલે છે, તેને અનુભવે છે અને વ્યથામાં વલોવાય છે. અને વલોવ્યા વિના માખણ નથી નીકળતું. પોતાનો અંદરનો તલસાટ, રઘવાટ, વલવલાટ તે કાવ્યમાં પરિવર્તિત કરે છે. કવિ પોતાની ઉદાસીને પણ વેડફતો નથી. તેમાંથી રચાતાં કાવ્યો અનેકને સાંત્વના આપે છે. આગામી પેઢીને દિશાસૂચન પૂરું પાડે છે. મરીઝે લખ્યું છેને-
————–
લોગઆઉટ
આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
— મરીઝ
Leave a Reply