જીવન એટલે શું?
————–
લોગઇન
જીવન શું છે ફક્ત ચૈતન્ય છે બે ચાર દિવસનું,
મરણ શું છે કે આદમી તસવીર થઈ જાએ.
– મરીઝ
————–
‘વોર એન્ડ પીસ’ અને ‘અન્ના કારેના’ જેવી મહાન નવલકથા અને અનેક અમર વાર્તાઓ સર્જનાર વિશ્વના શ્રેષ્ઠ લેખકોમાંના એક ટોલ્સટોયને એક દિવસ એક માણસે પૂછ્યું, ‘જીવન એટલે શું?’
જીવનને ઘોળીને પી ગયેલા સર્જક જીવન વિશે શું કહે? ચીનના મહાન ફિલસૂફ કન્ફ્યુસિયસે કહ્યું છે, “જે જાણે છે તે બોલતો નથી અને જે બોલે છે તે જાણતો નથી.” ટોલ્સટોય તો જીવનના જાણતલ અને માણતલ બંને. અઢળક સંપત્તિમાં જીવતા આ માણસે ગરીબીમાં લોકોની વચ્ચે રહીને જીવવાનું પસંદ કરેલું, એ અનુભવોમાંથી નિપજેલું પુસ્તક ‘ત્યારે કરીશું શું?’ વાંચીએ તો એની પ્રત્યક્ષ પ્રતીતિ થાય.
જીવન વિશે પૂછાયેલો પ્રશ્ન સાંભળીને ટોલ્સ્ટોય તેની સામે એક હળવા સ્મિત સાથે જોઈ રહ્યા. પેલા માણસે ફરીથી પૂછ્યું, આપ જગતના મહાન લેખક છો, તમારા પાત્રોમાં અનેક વ્યક્તિત્વોનું મન વંચાય છે, આપે જીવનને કેવી રીતે વાંચ્યું છે, અનુભવ્યું છે, જીવન શું છે તે મને જણાવો.” પેલો માણસ રીતસર વિનંતી કરી રહ્યો હતો. હવે ટોલ્સટોય પાસે જવાબ આપ્યા વિના છૂટકો નહોતો. જીવન આમ છે, જીવન તેમ છે, જીવન જીવવા જેવું છે, કુદરતની બક્ષિસ છે. આવું સાદું કહે તો એ ટોલ્સટોય શેના? તેમણે જવાબમાં વારતા શરૂ કરી.
“એક વખત એક માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. અચાનક એક ખૂંખાર વાઘ તેની સામે આવતો દેખાયો. વાઘની નજર પણ તે માણસ પર પડી. આ માણસ તો આવી પડેલા સંકટમાં જેટલા ભગવાનના નામ યાદ આવતા હતા બધા બોલવા માંડ્યો. ઝાડ પર ચડી શકાય તેવો સમય નહોતો. તેને લાગ્યું કે આજે જીવનનો છેલ્લો દિવસ છે. તેણે જીવ બચાવવા રીતસર દોટ મૂકી. વાઘ પણ ભૂખ્યો ડાંસ હતો. તે માણસ પાછળ પડ્યો. માણસે પણ શરીરમાં જેટલી તાકાત હતી તે બધી જ દોડવામાં લગાવી. વાઘ નજીક આવી ગયો.
દોડતા દોડતા તેને એક કૂવો દેખાયો. તેણે વગર વિચાર્યે કૂવામાં ઝંપલાવી દીધું. બીજો કોઈ માર્ગ નહોતો. કૂવામાં વડલાની મોટી વડવાઈઓ લટકતી હતી, કૂદતાની સાથે અચાનક તેના હાથમાં આ વડવાઈઓ આવી ગઈ. એ પકડીને તે કૂવામાં લટકી ગયો.
થોડી વાર પછી તેણે કૂવામાં ડોકિયું કર્યું તો એ પુરાણા કૂવાના પાણીમાં મગરો મોં ફાડીને પડ્યા હતા. એ આ માણસના નીચે પડવાની જ રાહ જોતા હતા. ક્યારે તે નીચે પડે અને ખાઈ જાઉં.
ઉપર ખૂંખાર વાઘ આ માણસના બહાર આવવાની રાહ જોતો હતો, અને નીચે મગર!
હવે જે જગ્યાએ તે લટકતો હતો, એની ઉપરની બાજુએ એક મોટો મધપૂડો હતો અને તેમાંથી મધ ટપક્યા કરતું હતું. લાંબા સમયથી લટકી રહેલા માણસે મધના ટીપા મોઢામાં ઝીલવા માંડ્યાં. આ મધનાં ટીપાંએ તેને ટકાવી રાખ્યો. પણ આ શું! જે વડવાઈને પકડીને તે લટકી રહ્યો હતો એને એક કાળો અને એક સફેદ ઉંદર નિરંતર કાપી રહ્યા હતા!
આટલું કહીને ટૉલ્સ્ટૉય અટક્યા. પ્રશ્ન પૂછનારો માણસ મૂંઝાયો, તેણે ફરીથી પ્રશ્ન દોહરાવ્યો, “પણ જીવન એટલે શું?”
ટોલ્સ્ટૉયે પોતાની વાત આગળ ચલાવી, “પેલો ખૂંખાર વાઘ એટલે કાળ; મગર એટલે મૃત્યુ, મધ એટલે જીવવાની આશા-આનંદ-ઉમ્મીદ તથા કાળો અને સફેદ ઉંદર એટલે રાત-દિવસ. બસ આ બધું મળીને જે થાય એનું નામ જીવન!”
કદાચ પેલા માણસને પોતાનો જવાબ મળી ગયો હતો. રાહત ઇન્દોરીએ પણ જીવનની વાસ્તવિક વાત એક શેરમાં અદભુત રીતે વ્યક્ત કરી છે,
જિંદગી ક્યા હૈ, ખુદ હી સમજ જાઓગે,
બારીશો મેં પતંગે ઉડાયા કરો.
વરસાદમાં પતંગ ચગાવવી કેટલી મુશ્કેલ છે, તે આપણે સૌ જાણીએ છીએ. મહાન ચિંતકો, કવિઓ, લેખકોએ જીવનને ખૂબ નજીકથી જોયું-અનુભવ્યું હોય છે. જોકે વિશ્વનો દરેક માણસ પોતાના જીવનને નજીકથી જોતો-અનુભવતો હોય છે, પણ આ અનુભૂતિને સચોટ રીતે વ્યક્ત કરવાની શક્તિ કવિ અને ચિંતક પાસે સવિશેષ હોય છે. માત્ર એકાદ-બે પંક્તિમાં જ તે જીવનનો આખો નિચોડ આપી દે છે. મરીઝે જીવનને બેચાર દિવસનું ચૈતન્ય કહ્યું. જિંદગી તેજલિસોટો છે. એ ખર્યા પછી આપણે તેને છબીમાં મઢવા પ્રયત્નો કરીએ છીએ. મરણ પછી માણસ એક તસવીરથી વધારે શું થઈ શકે? આપણે ધારીએ છીએ, તેના કરતા જીવન ટૂંકું છે. અભ્યાસ, નોકરી, પરિવાર, જવાબદારી, પ્રસંગો અને અનેક ગમા-અણગમાની ચાદર નીચે જીવન ઢંકાયેલું રહી જાય એ પહેલા તમામ પડ હટાવીને નીકળી પડો. જીવન શું છે? એની ફિલસૂફીમાં પડવાની પણ જરૂર નથી, તેનો અર્થ ફંફોસવામાં પડવા જેવું નથી. બસ તેને એન્જોય કરો. બાળોતિયાથી કફનની વચમાં જે છે તે જિંદગી છે. ઈશ્વરે તમને બાળોતિયાથી કફનની વચેની ખાલી જગ્યા પૂરવા મોકલ્યા છે. આ ખાલી જગ્યા તમારે આનંદ અને જલસાથી ભરવી છે કે દુઃખ અને પીડાથી એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે તમે પોતે જ એક પેન છે, તમારા જીવનનાં પાનાં તમારે જાતે ભરવાનાં છે. તમે રડશો તો પણ સમય પસાર થશે અને હસશો તો પણ.
————–
લોગ આઉટઃ
‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
– બરકત વીરાણી બેફામ
Leave a Reply