રિસોર્ટમાં ઉત્પાત મચાવી, અને(પરાણે) રક્ષાબંધન મનાવ્યા બાદ પલટન તેમના આગળના પોઈન્ટ, અંબાજી મંદિર તરફ ઉપડી પડી.
બધા જ નમૂનાઓ આટલી હદે મસ્તી કર્યા બાદ થાકી ચુક્યા હતા, અને બસની સીટો પર પહોળા થઇ સુઈ રહ્યા હતા. (ઓબ્વીસ્લી ઢોરની જેમ જ તો વળી !)
પણ આ પલટન નક્કી કોઈક અશુભ ચોઘડીયામાં જ આ ટ્રીપ માટે ઉપડી હતી. એટલે જ તો કંઇકને કંઇક નવું વિઘ્ન આમંત્રણ વિના જ આવી ટપકતું હતું, અને આ વખતે તો આખે આખી બસ જ બગડીને ઉભી રહી ગઈ…!
‘અરે યાર, શું થયું આને…!’ ડ્રાઈવર જોડે બેઠા આનંદે પૂછ્યું.
‘અબ ઉ તો હમકા ઈહાં બેઠે બેઠે કેસન પતા ચલેગાબા…! ઉન્હા કે વાસ્તે તો હમકા નીચે જાના પડેગાબા, ઔર તનિક દેખના પડેગા…!’
‘જો, હું તને પહેલા પણ કહી ચુક્યો છું કે, તું તારું આવું મીક્ષીગ બોલવાનું બંધ કરી દે… અને જોવું પડશે તો જા ને જઈને જો ને…! મુહર્ત કઢાવવું છે શું…?’
‘જી સાહબ… અભી દેખત હે…!’ (આ નહી જ સુધરે, આને કદાચ સપના પણ આ જ ભાષામાં આવતા હશે…!) અને પછી મી. ધૂળધાણી પોતે જાણે મીકેનીકલ એન્જીનીયર હોય એમ બોનટ ખોલી એક એક સ્ક્રુ સીધો ઉન્ધો કરવા લાગ્યા…!
‘શું થયું છે…?’ આનંદે બારી બહાર ડોકું કાઢી પૂછ્યું.
‘ઉ હમકા નાહીં પતા !’
‘અબે, તારી બસ છે ને તને નથી ખબર શું થયું છે એમ…!’
‘અબ સાહબ જી… આપકા ફોન આપ યુઝ કરત હેં. પર રીપેર તો દુકાનદાર હી કરકે દેવત હેં ના. તો બસ વૈસે હી ઈ બસ હમ ચલાવબા, પર રીપેર કરના હમરા કામ નહિ હેં…!’
‘તો હવે…?’
‘દેખત હેં, કુછ કરત હું…!’
અને ડ્રાઈવર એનો ફોન લઇ, કંડકટર સાથે મળી, કોઈકને ફોન પર ફોન કરવા લાગ્યો.
અહીં બસમાં પાછળ, આટલી વારથી આરામથી સુઈ રહેલ પલટનને પવન લાગતો બંધ થવાથી, એક પછી એક જાગવા માંડ્યા અને શોરબકોર કરવા લાગ્યા…!
‘અલ્યાઓ… જપીને બેસોને. શું કલબલાટ કરો છો…!’ આનંદે રીતસરની બુમ પાડી. (હવે આ ખરેખર કંટાળ્યો હતો આમનાથી…!)
અને બસમાં ઘડીભર માટે નીરવ શાંતિ…! પણ પાછા જેવા હતા એવાને એવા જ…!
બધા એક પછી એક બસમાંથી ઉતરવા માંડ્યા. અને વારેવારે ડ્રાઈવર કંડકટરને ‘શું થયું…? થયું શું…?’ પૂછવા લાગ્યા.
આખા રસ્તા પર કોઈ આવતું જતું ન હતું…! તેથી ત્યાં કોઈ પાસે મદદ માંગવી તો પણ કેમ કરીને માંગવી…!
‘અરે જલ્દી કરો. નહિતર આમને આમ તો અંબાજી નહી જ પંહોચાય…!’ ડીમ્પલે કહ્યું.
‘હવે, બસ બગડી એમાં હું શું કરું. પેલો ફોન કરે છે કોઈકને, જપીને રહો થોડીક વાર…!’ આનંદે ચોખવટ પાડી.
‘મેં તો ના જ પાડી હતી. આવી કોઈ ટ્રીપ પર જવાય જ નહિ…!’ મિત્રા બોલ્યો. (આની આ પીપુડી હજી વાગવાની બંધ નથી થઇ…!)
અને આ વખતે તો આનંદની છટકી જ આવી. એણે બેગ ઉઠાવી પેલાના મોઢા પર મારી અને બોલ્યો. ‘જતો રે ડોઢા… આગલા સ્ટેશન પરથી જ તને પાછો મોકલી દઉં છું, જો તું…!’
‘હા… હા… વાંધો નહી, આવું તો ઘણું ફર્યા…!’
કાકાએ વચ્ચે પડી બંનેને શાંત પાડ્યા.
લગભગ અડધો કલાક સુધી બધાએ બહાર બેસી રેહવું પડ્યું.
અને ત્યારે જઈ પેલા ડ્રાઈવર સાહેબનો એક ફોન લાગી રહ્યો…! અને પછી બધાએ ફોન પરનો એક તરફી સંવાદ સાંભળ્યો,
‘હલ્લો… કેસનબા…?’
‘હાં, હમ ઠીક બા…!’
‘અબે ઠોક્યા, પેહલા અહીની વાત કર એને. પછી તારા હાલેવહાલ દે જે…!’ આનંદે કહ્યું.
‘હા, તો ઇસ વાસ્તે ફોન કરત રહી કી… હમરા બસવા ઇન્હા તોહર ગાંવ કે પાસ વાલે હાઇવે પર બિગડ ગયા બા. તો તનિક મદદ કર દો હમરી…!’
‘અચ્છા બા, હમ તોહરી રાહ દેખત રહી…!’ ડ્રાઈવર બધાની નજીક આવ્યો અને બોલ્યો.
‘તો હુઆ ઈ કી…’ પણ આનંદે એને વચ્ચેથી જ અટકાવી લઇ, છેલ્લી ચેતવણી આપી દીધી,
‘હવે કાં તો તું ગુજરાતીમાં બોલવાનું રાખ, નહિતર પછી હું તને ચૂકવવાના પૈસામાંથી પૈસા કાપવાનું ચાલુ કરી દઈશ…!’
‘અરે કાહે ગરીબ કી મજાક કર રહે હો સાહબ… હમ ગુજરાતી બતિયાતે હેં, બસ…!’
‘તો એમાં થયું એમ કે આપણી બસ હાઇવે નજીક બંધ પડી ગઈ છે, અને અહીંથી અંબાજી હજી એક દોઢ કલાક દુર છે. પણ આ દાળમાંપાણીનું ગામ અહીંથી નજીકમાં છે, તો એના જ એક મિત્રને મદદ માટે હમણાં ફોન કર્યો છે. તો હવે એ કલાક સુધીમાં આવી જશે…!’
‘હેં… એક કલાક હજી…?!’ બધા એક સાથે બોલી પડ્યા.
‘હા, બીજો કોઈ રસ્તો નથી…!’
‘ચલો કોઈ વાંધો નહી. બધા રાહ જોઈ લઈશું થોડીક વાર…!’ આનંદે સમજદારી (ડહાપણ) બતાવતા કહ્યું.
લગભગ પોણા કલાક બાદ એક ટેમ્પો બસ પાસે આવીને ઉભો રહ્યો, અને એનો ડ્રાઈવર ઉતરીને ધૂળધાણી અને દાળમાંપાણી સાથે વાત કરવા લાગ્યો.
અને પછી એણે બધાને ટેમ્પાના પાછળના ભાગે જઈને ગોઠવાઈ જવા કહ્યું.
એક પછી એક ત્યાં જવા લાગ્યા…! પણ એ ટેમ્પામાં પહેલાથી ત્રણ ગાય અને બે ભેંસ બાંધેલી હતી.
‘હાવ કેન વી જઈશું આમાં…!?’ વિશુએ પૂછ્યું.
‘સોરી, પણ હમણાં બીજો કોઈ રસ્તો નથી. પ્લીઝ થોડું એડજસ્ટ કરી લે જો !’ કંડકટરે સમજાવવાની કોશિશ કરી.
પણ આખી પલટન શોરબકોર કરવા માંડી, અને એક એક આનંદને પકડી પકડીને એની ઝાટકણી કાઢી રહ્યા હતા.
પણ આખરે હમણાં બીજો કોઈ ઉપાય ન જડતા, બધા કચવાતા મને ટેમ્પોમાં ચડ્યા.
ટેમ્પોની મોટાભાગની જગ્યા ગાયો અને ભેંસોએ રોકી રાખી હતી, અને એમાં પણ પાછું નીચે એમના માટે સબસ્ટ્રેટ તરીકે ઘાસચારો પડ્યો હતો, અને ક્યાંક ક્યાંક એની બાયપ્રોડ્કટ એવું છાણ પણ પડ્યું હતું.
જેમ તેમ કરી બધા કિનારી પકડી ઉભા રહ્યા, અને ટેમ્પો ઉપડયો.
મિત્રા અને દર્શન, ગાયને ગળાના ભાગે હાથ ફેરવતા વ્હાલ કરતા હતા (ત્યાં હાથ ફેરવવાની બહુ મઝા આવે હો ) અને જેકી અને દશલો બંને ગાયનું પૂછડું ઊંચું કરી, એને હેરાન કરી સળી કરી રહ્યા હતા. (આ નહિ સુધરે !)
અને આમનાથી પણ ચઢિયાતું કામ તો નીખીલે કર્યું…! એક ગાયનું, અને એક ભેંસનું પૂછડું લઇ, બંને ને જોડે બાંધવા ગયો બોલો…! પણ સફળતા ન મળી. (પણ હા, એના બદલામાં એને ગાયનું શિગડું જરૂર ખાવા મળ્યું…!)
અહીં વિશુ અને ડીમ્પલ બંને નાક પર રૂમાલ એટલું ચુસ્ત રીતે પકડીને ઉભી હતી, જાણે શ્વાસ લેવાતો હશે પણ કે કેમ…? જાણે, ગામ આખાની ગંધ એમણે જ ન આવતી હોય ! (નોંટંકી !)
એમની સામે પેલી ઢબુડી તો બિન્દાસ ઉભી હતી. એની આજુ બાજુ શું છે અને શું નહિ, એનાથી લેશમાત્ર ફરક પડતો ન હતો. એ તો નાનકડા કાચમાંથી ડ્રાઈવર કેબીન થ્રુ આગળનો રસ્તો માણી રહી હતી.
થોડીવારે ડ્રાઈવર કેબીનમાં કંડકટરનો ફોન વાગ્યો. એની વાતચીત પરથી એ થોડો ચિંતામાં હોય એમ લાગી રહ્યો હતો. એ જોઈ ઢબુડીએ કાચ સરકાવી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.
‘શું થયું કાકા, કેમ ચિંતામાં લાગો છો…!’
‘અરે કઈ ખાસ નહી. બસ આ બાળકો જરા જીદે ચડ્યા છે, એટલે ઘરવાળી ફોન પર ફોન કરે રાખે છે…! (એ જ તો ઘરવાળીઓનું કામ છે ! હવે એ એનું કામ પણ ના કરે શું…?) મારી બેબી ઝીદ કરે છે કે, એના નાના ભાઈને રાખડી બાંધશે તો ઢીંગલા વાળી જ નહિતર નહી…! અને હું એવી ચાઇનીઝ પ્રોડક્ટ ખરીદી દેશનું નુકસાન નહિ થવા દઉં…!’
‘અરે એક રાખડીમાં શું લુટાઈ જવાનું છે. લઇ દો ને હવે !’ જેકીએ વચ્ચે ટાપસી પુરાવી.
‘તું છે ને… મારાથી અને મારી વાતથી દુર જ રેહ્જે…! મને આવા ઇરીટેટીંગ લોકોથી સખ્ત નફરત છે…!’ ઢબુડી એ જેકીને વાતમાં વચ્ચે ન બોલવા કહ્યું.
બિચારાનું મોઢું જોવા જેવું થઇ આવ્યું હ…! (એસા કોન કરતા હેં યાર…!)
‘કાકા, એક કામ કરો તમે ટેમ્પો તમારા ઘરે લઇ લો…!’
‘પણ કેમ…? આપણે તો અંબાજી મંદિર જવાનું છે…!’
‘તમને કહું એ કરો, નહિતર આનંદ ભાઈને કહી, પૈસામાં કાપ મુકાવી દઈશ…!’
અને ઢબુડીની જીદ પર ટેમ્પો કંડકટરના ઘર તરફ ચાલ્યો.
પલટન આખીને સમજાતું ન હતું, કે આ પોયરી(છોકરી) કરી શું રહી છે. અને એના મુંફટ સ્વભાવના કારણે કોઈ એને પૂછવાની હિંમત નહોતું કરતું.
પણ સદનસીબે બહેને (મારી નહિ હોં ) સામેથી જ બોલવાનું ચાલુ કર્યું,
‘દોસ્તો, આ તમે બધા જે કહેવાતા કવિઓ અને લેખકોના ટેગયા લઇ બેઠા છો ને, અને તમારી ક્રિએટીવીટી પર જે હદે ગર્વ લો છો ને, તો ચાલો હવે કંઇક કરી બતાવો તો તમને માનું…! આ હું તમને એઝ અ ચેલેંજ કહું છું. મંદિર અને બીજું બધું મુકો બાજુ પર, અને આ કંડકટર ભાઈની નાની એવી સમસ્યાનું નિવારણ કરી આપો. તો હું તમને માનું…!’
‘અરે પણ, એક નાની એવી પ્રોડક્ટથી કોઈ ફેર નહિ પડે…!’ દર્શન બોલ્યો.
‘અને એમ પણ માલ તો બધો બજારમાં આવી જ ચુક્યો છે, અને વેંચાઈ પણ રહ્યો છે, તો પછી આપણે શું કામ એ બધી જફામાં પડવું…!’ મિત્રાએ કહ્યું.
અને પછી કાકા બધાને સમજાવવા આગળ આવ્યા,
‘પલટન, આ ઢબુડી બરાબર કહે છે. આ જ સમય છે, તમારી ક્રિએટીવીટી બતાવવાનો. અને ફક્ત ચાઇનીઝ પ્રોડક્ટની બહિષ્કારથી કઈ નહિ થાય. એની માટે એક બીજો રસ્તો પણ છે. અને એ, એ છે કે, કેમ નહિ આપણે આપડી પ્રોડક્ટને જ પ્રોત્સાહન આપીએ…! બહિસ્કાર કરવો કદાચ અઘરો પડે, પણ પ્રોત્સાહન નહિ…!’
અને પછી એયને લાંબી ડિસ્કશન ચાલુ થઇ ગઈ…! (આ ઢબુડી એ તો ભારે કરી…!)
પણ હવે વાત સ્વમાન પર આવી હતી, એટલે પલટન એમ તો કઈ થોડી પાછળ પડે. બધા કંઇકને કંઇક વિચારવા લાગ્યા, અને એમ આખી ટ્રીપ એક નવી જ દિશામાં ફંટાઈ ગઈ.
અને ખરેખર માથા પર તલવાર લટકતી હોયને, ત્યારે ક્ષમતા આપોઆપ ખીલી ઉઠતી હોય છે…!
દર્શને કાગળ પર સરસ એવું એક કાર્ટુન બનાવ્યું અને કાપ્યું. નીખીલે ફ્રેન્ડશીપ બેલ્ટ ને કાપી, પેલું કાર્ટુન એની પર ચોંટાડ્યુ.
અલીજનાબે પણ ઉર્દુમાં બે પાંચ લાઈન લખીને ઠપકારી…! (હવે આ લાઈનસ બિચારા નાના બાળકોને સમજાય તો સારું…!)
વિશુ અને ડીમ્પલ પણ ભેગા મળી, એમની ડાયરીમાં કંઇક રચનાઓ લખવા માંડ્યા. અને જેકીએ કેમેરો કાઢી લેન્સ સેટ કરવા માંડ્યા, અને દશલો અને મિત્રા આ બધાને જોઈ રહ્યા (આ નમૂનાઓ જ છે…!)
થોડીવારે ડિમ્પલે કુદકો મારતા બુમ પાડી. ‘જોવો, અમે કેટલું મસ્ત લખ્યું છે…’ કહી એણે બધા સામે કાગળ ધર્યો.
મિત્રાએ એ કાગળ ખેંચી લીધો એના વાંચવા માંડ્યો (ઉતાવળીઓ ખરોને !), પણ પેલો દશલો વારે ઘડીએ એના હાથમાંથી કાગળ લઇ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એટલે મિત્રાએ કાગળવાળો હાથ પાછળ કર્યો, અને પેલા સાથે લડવામાં પડ્યો.
અને ત્યાં જ પાછળ ઉભી ગાય એના હાથમાંથી કાગળ સરકાવી ખાઈ ગઈ.
એ જોઈ વિશુ રોવા માંડી. ‘ઉન્હ… મારી મેહનત યુ ફેડ ટુ ગાય…!’ આનું અંગ્રેજી રડતી વખતે પણ નથી જ સુધરતું…!
પણ ડીમ્પલ…! એ ક્યાં વિશુ છે તે રડવા માંડે…! એ તો લડવા જ આવે…! (એનું કામ જ આ છે – લડવું !)
‘સાલા, કાનખજૂરા… તને તો હું બતાવું છું, જો તું…! એક તો કઈ કામ કરતો નથીને ઉપરથી કામ વધારે છે…!’
બિચારો મિત્રા એની સામે ‘પણ… પણ… મેં… શું… સોરી…!’ કહેતો રહી ગયો. (બચ્ચે કો ડરા દિયા…!)
કાકાએ એને ફરી લખી લેવા સમજાવી, પણ આનંદે એને બીજો જ સુઝાવ આપ્યો, કે તે લખેલી રચના તું તારા જ અવાજમાં બોલજે, અને દર્શન એના ગીટાર પર એનું મ્યુઝીક આપશે…!
દરેકને એ આઈડિયા પસંદ આવ્યો…! અને થોડીક વધુ ડિસ્કશનો પત્યા સુધીમાં બધા કંડકટરના ઘરે આવી પંહોચ્યા.
ગામડાનું એ નાનકડું ઘર, જેની બહાર બીજી થોડીક ગાયો બાંધેલી હતી, અને આંગણું લીપેલ હતું, જેની પર ત્રણ-ચાર ખાટલા પાથરેલા હતા. બધા નીચે ઉતર્યા અને પગ છુટા કરવા આજુ બાજુ ચાલવા માંડ્યા.
ડ્રાઈવરે ટેમ્પામાંની ગાયો ને બાજુના ગામમાં પંહોચાડી થોડી વારમાં પાછું આવવા કહ્યું.
બધા ઘરના આંગણામાં પાથરેલા ખાટલામાં બેઠા.
કંડકટર સાહેબે ઘરમાં બુમ પાડી, ‘ઓય સુશીલા પાણી લઇ આવજે જરા, અને ચા પણ બનાવવા મુક…!’
પણ સાહેબની વાત પૂરી થાય એ પહેલા જ અંદરથી એક કોપાયમાન દેવીનો અવાજ નજીક આવતો ગયો.
‘આજે તો તમે અંદર આવો… બતાવું તમને…! મારા છોરાઓને રોવડાવી પોતે આખું ગામ ફરો છો. આવો આજે તો, તમારો વારો ન કાઢું તો મારું નામ બદલી નાખજો…!’ અને એ આવજ બહાર બધાની સામે આવ્યો. હાથમાં વેલણ ઉગામી, પતિ પર કોપાયમાન સ્ત્રીનું સ્વરૂપ જોઈ બધા હસી પડ્યા.
પેલા બંને દંપતીએ ભોંઠપ અનુભવી. ‘શું તમે પણ, કહેતા પણ નથી જોડે મહેમાન લાવ્યા છો તે…!’ કહી એ પાછી ઘરમાં ભરાઈ ગઈ.
અને ત્યાં જ બે નાના નાના ટાબરિયાં દોડીને આવ્યા, અને એમના પપ્પાને ભેટી પડ્યા.
એમના પપ્પાએ તેમને વહાલથી ખોળામાં ઉઠાવી લીધા, પણ જેમ બાળકને થોડીવારે યાદ આવે તેમ આમને યાદ આવ્યું કે આ બંને તેમના પપ્પાથી ગુસ્સે છે, એટલે મોં ફેરવીને બોલ્યા,
‘અમે તમારી સાથે વાત નહિ કરીએ. તમે ઢીંગલા વાડી રાખડી કેમ ના અપાવી…!’
‘હેય… ક્યુટી…! તારા પપ્પા તારી રાખડી લાવ્યા છે. એ મારી પાસે છે…!’ ડીમ્પલ બોલી.
કંડકટરને કઈ સમજાતું ન હતું, કારણકે ટેમ્પામાં પાછળ બનેલી ઘટનાઓથી એ અજાણ હતો. એને તો એ પણ નહોતી ખબર કે આખી પલટન એના ઘરે કેમ આવી છે…!
‘હેં… સાચે આન્ટી…?’ ઉત્સાહમાં આવી પેલી બેબીએ ડિમ્પલને ‘આન્ટી’ કહ્યું. (ખરેખર, બાળકો ક્યારેય ખોટું નથી બોલતા…!)
ડિમ્પલને જાણે લેશમાત્ર ફેર ન પડતો હોય એમ એણે એ બેબીને તેડી લીધી અને પછી દર્શન પાસેથી રાખડી લઇ, એને આપી.
‘પણ આ તો છોટાભીમ વાળી છે. મારે તો ડોરેમોનવાળી જોઈએ…!’
‘તું તારા ભાઈને ભીમ વાડી રાખડી બાંધજે. એ ભીમ બનશે…! જો મેં પણ મારા બધા ભાઈઓને રાખડી બાંધી છે…!’ કહી એણે બધાના હાથ તરફ આંગળી કરી.
થોડુક વધુ સમજાવતા એ બેબી માની ગઈ… અને પછી એમનું રક્ષાબંધન ઉજવાયું.
ડિમ્પલે એની રચના અને ભાઈ બહેનના ગીત ગાયા, દર્શને ગીટાર પર મ્યુસિક આપ્યું. જેકીએએ બધી ક્ષણો પોતાના કેમેરામાં કેદ કરી લીધી…! અને બાકીના એ શું કર્યું એ જાણવું છે…? તાળીઓ પાડી બસ…! (અરે કેમ…? ઓડીયન્સ પણ તો જોઈએ કે નહીં…!?)
પલટનના આવા (સારા) કાંડથી કાકા, કંડકટર અને એની પત્નીની આંખમાં આંસુ આવી ગયા. અને ઢબુડી પણ જાણે પલટન પર અહેસાન કરતી હોય એમ બોલી,
‘ચલો ઠીક છે હવે… એટલું પણ ખાસ કઈ નહિ કર્યું તમે. પણ એક પ્રમાણિક પ્રયાસ કર્યો એ ગમ્યું…! કીપ ઈટ અપ…! (આ ઢબુડી જો માસ્તર બને તો પાક્કું એવા માસ્તરની કેટેગરીમાં આવે, જે છોકરાઓએ ગમે તેટલું સારું કામ કર્યું હોય, પણ ક્યારેય ખુશ તો ન જ થાય…! ખૈર, એ વાત અલગ છે કે એવા માસ્તરો પણ સારા વિદ્યાર્થી ઘડતા હોય છે…!)
હવે લગભગ સાંજ પડી ચુકી હતી, અને બધાને ઘરે જવાની ઉતાવળ થઇ રહી હતી. પણ પેલા ડ્રાઈવર સાહેબ તો હજી ક્યાંય દેખાતા ન હતા…! અને બીજી તરફ કંડકટર પત્ની ત્યાં જ જમવાની જીદ કરતી હતી, જેને વારેવારે આખી પલટન ટાળી રહી હતી.
થોડીવારે મી. ધૂળધાણી, પેલા ટેમ્પાવાળાની ગાયો પંહોચાવી આવ્યા, અને આનંદ સાથે વાત કરવામાં પડ્યા.
આનંદે આવી ખુલાસો કર્યો, ‘દોસ્તો… બસને રીપેર થતાં હજી વાર લાગશે. એટલે હવે આપણે અહીંથી નીકળી પણ નહિ શકીએ…! અહીં આજુબાજુ કોઈ હોટલ પણ નથી, અને નથી કોઈ રહેવાની વ્યવસ્થા. એટલે આપણે આજ રાત અહીં જ રોકાવું પડશે…!’
પત્યું…! જે વાતનો ડર હતો એ જ થયું. બધાએ ગુસ્સાથી ઢબુડીને જોવા માંડ્યું, પણ એ બુન તો ચાલ્યા, ઘરમાં અને બોલ્યા… ‘બેન જમવામાં શું બનાવ્યું છે…? મને ભૂખ લાગી છે…! (રામ જાણે, કઈ માટીની બનેલી છે આ છોકરી…!)
અને પછી આખી પલટને સાંજનું જમણ ત્યાં જ કર્યું અને પછી થોડીવાર માટે આજુ બાજુ આંટા ફેરા મારી આવ્યા. (મોબાઈલ જોડે ન હોય ત્યારે જ પ્રકૃતિમાં ભળી શકાય…!)
પણ રાત કેમની નીકળશે એ ચિંતા એમણે છોડતી ન હતી. એક તો નાનું ઘર, અને આટલા બધા માણસો…! સુવું તો ક્યાં સુવું ?
પણ પછી એક જુગાડ તરીકે બધાની પથારી બહાર આંગણામાં જ લગાવી, અને બધા સુવા પડ્યા. પણ પંખા અને નરમ પલંગથી ટેવાયેલાઓને જમીન પર ઊંઘ ક્યાંથી આવે…!
અને છોકરીઓએ તો અહીં પણ કલબલાટ કરવાનો નહોતો મુક્યો…!
‘અલી, મારા કપડામાંથી તો છાણની ગંધ આવે છે…!’
‘હા, એતો મારે પણ આવે છે. અને ઉપરથી ગરમી એટલી થાય છે કે પરસેવો વહ્યા જ કરે છે…!’ (નક્કી આનો પરસેવો જ ગંધાતો હશે, અને એ બદનામ છાણને કરે છે…!)
‘અરે આ મચ્છરોની ગણગણ ઓછી છે શું…? તે તમે કાબરો પણ બોલ્યા કરો છો…!’ કાકા સહેજ હાઇપર થઇ આવ્યા. એ જોઈ બધા નમૂનાઓ ઓઢવાનું માથા સુધી લઇ, અંદર ભરાઈ ગયા.
ક્યાં અમદાવાદથી આ ટ્રીપ ઉપડી હતી, અને ક્યાં તબેલા સામે આવીને એમને રાત કાઢી રહી છે…! આવું કઈ તો આમણે સ્વપ્નેય નહી વિચાર્યું હોય…! અને હવે તો બસ સવાર પડવાની રાહ જોવાઈ રહી હતી…!
પણ આ તો પલટન ખરીને… આમની આમ થોડી કઈ મુશ્કેલીઓ પતી જાય…!?
( ક્રમશ: )
Leave a Reply