બસમાં મસ્તી, મજાક, તકરાર સાથે આખી પલટન, પ્લાનના બીજા પોઈન્ટ તરફ ઉપડી. અને બીજો પોઈન્ટ હતો, પાટણની રાણકી વાવ…!
અમારા મિસ. ડીમ્પલ થોડાક વધારે જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા છે…! (થોડા ખણખોદીયા પણ કહી જ શકો…!) એટલે બોટની સાથે ઇતિહાસ પર પણ હાથ સાફ કરેલ! એમણે હમણાથી જ તેમના ઈતિહાસ વિષેનું જ્ઞાન વંહેચી, પલટન આખીને પકવવાનું શરુ કરી દીધું હતું…! ફક્ત કાકા અને ઢબુડીને મઝા આવતી હતી…! આ વાતમાં તો દર્શન પણ નમૂનાઓની સાથે હતો.’ કે સાચે જ આ મિસ. ડીમ્પલ બહુ પકવે છે !’ દર્શન પણ હવે ધીરે ધીરે નમૂનાઓ સંગ ભળી રહ્યો હતો…! (કદાચ રંગ બતાવી રહ્યો હતો.)
ચાલુ બસે મેડમના ઇતિહાસના બોરિંગ લેકચર વચ્ચે છોકરાઓની ટોળી ગણગણાટમાં વ્યસ્ત હતી, અને એ જોઈ મિસ. ની હટી આવી.
‘એય કાનખજૂરા ચુપ બેસ…!’, એણે બુમ પાડી.
બધા નમુના એકબીજાને જોવા લાગ્યા, ‘તને કહ્યું, ના, ના, તને કહ્યું… મને તો ના જ કહે…!’
‘ઓય, તને હું કહું છું. કાનખજૂરા, મિત્રા…!’
‘લે… હવે આ, અને કાનખજૂરો…! સીરીયસલી…!?
કાનખજુરાનું શરીર થોડું ભરાવદાર હોય અને અનેક પગ પર ગોઠવાયેલું હોય. પણ અમારા મિત્રા ભાઈતો…! સુક્લું શરીર એ પણ પાતળા હાડકાં જેવા પગ પર ગોઠવાયેલું…! માંડ જોઈ શકાય એવા કુપોષણથી પીડાતા એમના સળી જેવા પગ…! અને એને ડિમ્પલે કાનખજુરા સાથે સરખાવી, સમસ્ત કાનખજૂરા સમાજની ઈજ્જત કાઢી નાખી…! ખૈર, જવા દો, આ છોકરીઓને કોણ સમજાવે…!
બિચારા મિત્રાનું મોઢું જોવા જેવું થઇ આવ્યું…!
પેલી મેડમ તો પાછી એની લવારી એ વળગી…! અને આમ જ બધાએ, એના હથોડા સહન કરતા કરતા મુસાફરી કરવી પડી.
આખરે બસ આવીને પાટણની રાણકી વાવ પર પંહોચી.
બધા એ હાશકારો અનુભવ્યો, ‘બચ્યા આ ટણપીથી’ એમ…!
દરેકના ચેહરે આનંદ હતો, પણ ઘડીભર નો જ !
કારણ કે, આ તો રહ્યા મેડમ… એમ થોડા છાના રહે…!
‘નીચે, હું તમને વાવના ઈતિહાસ વિષે જણાવીશ…!’ બસ આમનું આ એક વાક્ય અને બધાના ચેહરાનો રંગ જ ઉડી ગયો. અને જાણે કઈ થયું જ ન હોય એમ નિર્દોષ બની બધાને કહ્યું, ‘એન્ડ પ્લીઝ ડોન્ટ થેંક મી ફોર ધેટ…!’
ભલી થાય આની તો…! તને થેંક યુ કહેવું તો દુર. અહીં આખી પલટનની ચાલેને તો તારી આસપાસ પણ ન ફરકે…!
પણ અહીં ગુસ્સો કાઢવો પણ, તો કોની પર. ઓબ્વ્યસ્લી આનંદ પર…! (આખી પલટનનો ઇઝી ટાર્ગેટ એટલે અમારા આનંદ રાણા…!)
હમણાંથી જ બધા એને ગુસ્સાથી જોવા લાગ્યા હતા, એટલે પહેલાથી બધાથી છટકી જવા એ બસમાંથી ઉતરી ચાલવા લાગ્યો.
બાકીના બધા એક પાછળ એક ઉતર્યા.
પણ એક માણસ સહેજ સુનમુન…! સુધીર કાકા…!
પોતે આ પલટન સાથે ક્યાંક મીસ-ફીટ હોય એવું એમને લાગતું હતું, એટલે હવે મનોમન નક્કી જ કરી લીધું હતું કે, જેવો દેશ તેવો ભેશ. મતલબ કે આ સળીબાજો સાથે પોતે પણ સળી બાજ બની જશે બસ…! ઉંમર અને લિહાજ, સાવ નેવે જ મૂકી દેવા છે, અને આ નમૂનાઓ સાથે, દુધમાં ખાંડ ભળે એમ ભળી જવું છે…!
પાટણની વાવ ! અદ્ભુત સોંદર્ય ! વરસાદી મોસમને કારણે આજુ બાજુ ભરપુર હરિયાળી છવાયેલી હતી… અને પર્યટકો પણ ખાસ્સી એવી સંખ્યામાં હાજર હતા…!
‘ચાલો, હવે કંઇક મઝા આવશે…!’, દશલો ત્યાનું વાતાવરણ જોઈને બોલ્યો.
‘પર અગર યે મેડમ મઝે મારને દે તો ના ભાઈ’, અલી જનાબ બોલ્યા.
‘એને તો હું જોઈ લઈશ…!’ કાકાએ કંઇક મસ્તી ભર્યું હાસ્ય કરતા કહ્યું.
એ જોઈ છોકરાઓની ટોળી ઘેલમાં આવી ગઈ અને ચાલવા માંડી વાવ તરફ…!
એક નમુનો ખાસ ઉત્સાહિત હતો. જેકી…! એની ફોટોગ્રાફીનું ટેલેન્ટ દેખાડવાનો જો ચાન્સ મળવાનો હતો એને…!
‘એયને, ઢબુડીના ફોટા પાડીશ, અને એ મારાથી ઈમ્પ્રેસ થઇ જશે…!’ આવા જ કંઇક ભળતા વિચારો સાથે ભાઈ એની સ્વપ્નની દુનિયામાં ગુમ !
અહીં કાકા એમની ઉમરના કારણે સૌથી પાછળ ચાલી રહ્યા હતા, અને આખી પલટન આગળ નીકળી ગઈ હતી.
પણ પેલા મિસ. કાકાની જોડેને જોડે જ પાછળ આવતા હતા. કારણકે એમને ઈતિહાસનું જ્ઞાન ઝીંકવા પણ તો કોઈક જોઈએ ને…! અને આખી પલટન તો પીછો છોડાવી ભાગી ગઈ, તો ચાલો કાકા જ સહી…! પણ એને ક્યાં હજી ખબર જ છે, કે કાકા તો હવે વાયડા થવાના…! (જો જો, કોઈ કહેતા નહી હોં એને…!)
અને મેડમે એમનું ગોખેલું જ્ઞાન પોપટની જેમ બોલવાનું ચાલુ કર્યું,
‘આ પાટણની રાણકી વાવ છે…’
‘હા, એ મને પણ ખબર છે.’ કાકા નિર્દોષ ભાવે બોલ્યા.
‘આ એક ઐતિહાસિક સ્થળ છે, અને અહીં દેશ વિદેશથી પર્યટકો ફરવા આવે છે.’
કાકાએ જવાબમાં લાંબુ એવું બગાસું ખાધું.
‘ભીમદેવ પહેલા એ પાણીની વ્યવસ્થા માટે આ વાવ ૧૧મી સદીમાં ઉભી કરાવી હતી.’
‘બરાબર… પણ બાય ધ વે, તું કઈ સદીનો નમુનો છે. આઈ મીન તું પણ એન્ટીક જ છે હોં બાકી…!’
‘કાકા, હમણાં વાવ વિષે સાંભળો… નહિતર…!’ (નહિતર, હું મારું ગોખેલું બધું ભૂલી જઈશ. એનું આગળનું વાક્ય આ જ હોય.)
‘સદીઓ પહેલા આ વાવ જમીનમાં દફન થઇ ગઈ હતી, અને પછી પુરાતત્વ વિભાગે એને ફરી મૂળ સ્વરૂપમાં લાવી…!’
‘તું દફન થાય તો હું પુરાતત્વ ખાતાને જાણ સુદ્ધાં ન કરું…!’
ડિમ્પલને એની ફીરકી લેવાઈ રહ્યાનો અંદાજ આવી ગયો,
‘કાકા, તમે મારી મજાક કરો છો…?’, એ રડમશ અવાજે બોલી…! (ડોન્ટ વરી કાકા, આ મગરમચ્છના આંસુઓ છે, તમે લાગ્યા રહો…!)
‘ના રે ના, દીકરા. હું તો એમ જ હળવી મજાક કરું છું. તું તારે આગળ (હથોડા) ચાલુ રાખ ને…!
‘ના બસ મને આટલી જ ખબર છે…!’
‘હાશ પત્યું…!’, કાકાથી બોલી જવાયું.
પણ સદનસીબે ત્યાંજ વિશુએ બુમ પાડી, અને કાકા દેવીજીના પ્રકોપથી બચી ગયા.
‘હેય, ડિમ્પી… કમ અહિયાં… જેકી વિલ પકડશે (કેપ્ચર) અસ ઇન એના (હીસ) કેમેરા…!’
અને છોકરીઓ જેમ કેમેરાનું નામ સાંભળી દોડે એમ અમારા મિસ. દોડ્યા.
અને કાકા પણ એમની ઉંમરના હિસાબે જોર લગાવી, મિલ્ખા સિંઘ બની દોડ્યા,
‘અલ્યાઓ જરા ખમો… આ વડીલનો પણ ખ્યાલ રાખો જરા…!’
આખી પલટન વાવમાં ઉતરી પડી, સિવાય કે બે કવિયત્રીઓ અને અમારા જેકી ભાઈ !
જેકી બિચારાએ શું ધાર્યું હતું અને શું થયું…! ક્લિક કરવી હતી ઢબુડીને અને જોડે પટકાઈ બે માથાભારે ક્વીત્રીઓ…!
ઓલા બેનને તો ક્લિક કરાવવામાં સહેજ પણ રસ નહોતો બોલો…!
‘હું તો અહીં ફરવા આવી છું. મારી આંખોમાં આખી વાવ ક્લિક કરીશ, મારે આ કેમેરા ક્લિક્સની જરૂર નથી…!’ (વાહ રે, ઢબુડીની વાહિયાત ફિલોસોફી વાહ…!)
અહીં પેલી બંને એ જેકીને બરાબરનો પકડ્યો હતો,
‘જેકી આ પોઝમાં ક્લિક કર, અને નહિ નહી, આમ ક્લિક કર…!’
એક જ પોઝમાં સત્તર ક્લિક પડાવે અને એમાંથી એક સિલેક્ટ કરાવડાવે…! અને લખી રાખજો, જ્યારે આ ફોટા ફેસબુક પર ચડાવશે ત્યારે કેપ્શનમાં લખશે, ‘અ રેન્ડમ ક્લિક બાય જેકી…!’ (હળહ્ળતું જુઠ!) અને જેકી બિચારો કચવાતા મને કમેન્ટ પણ આપશે. ‘તમારા જેવી સુંદરીને કેમેરામાં કંડારી આનંદ થયો…!’ (સુંદરીની જગ્યાએ તમે ઊંદરી પણ વાંચી શકો છો…!)
અને એમાં પણ પાછું પેલું, ઉંધા ઉભા રહી, હાથથી હાર્ટ શેપ બનાવીને અપાતો, છોકરીઓનો મોસ્ટ ફેવરેટ પોઝ તો ખરો જ…! (હજી મેં બતક પોઝ–પાઉટની તો ગણતરી જ નથી કરી હોં…!)
છોકરાઓનો ટીપીકલ પોઝ એટલે, સાહેબે ચુંટણી જીત્યા બાદ જેમ બે આંગળીઓ બતાવી હતીને એ એક પોઝ, અને આપણા મકડી (સ્પાઇડર) મેન એનું જાળું છોડવા જે હસ્તમુદ્રા બનાવે એ… (યો !). પણ અફસોસ…! જેકી આવે તો છોકરાઓની ક્લિક કરેને…!
અડધા કલાકે માંડ એમનું વાવ બહારનું ફોટો સેશન પત્યું…! પણ હજી અંદરનું તો બાકી જ હોં…!
જેકી બિચારો એમનો ફ્રેન્ડ ઓછો, અને પર્સનલ ફોટોગ્રાફર વધારે લાગતો હતો…! પણ બિચારો બોલે પણ શું…! નાનો ખરો ને…!
અહીં ઢબુડી દર્શન સાથે મન ભરીને વાવનું સોંદર્ય માણી રહી હતી…! અને એ જોતા જેકીની હાલત સમજી શકાય છે…! (બસ તમે ખાલી સમજો હોં…! એનું દર્દ એકવાર તો અનુભવી જુઓ… આંખમાં મસમોટા આંસુડા આવી જાહે, આંસુડા…!)
વાવનું સોંદર્ય ખરેખર માણવા લાયક છે, પણ જો સમજ પડે તો…! બાકી જો આ દશલા, નીખીલ, અને મિત્રા જેવા જ હોવ તો ડાફેરા મારવા જ હિતાવહ છે…!
‘હેય, ગાયસ… જુઓ એટ ધીસ માસ્તર પીસ…! ઈટ છે, જસ્ટ દિમાગ બ્લોઇંગ. (શી મીન માઈન્ડ બ્લોઇંગ…!) અને વિશુની બુમ આખી વાવમાં ગુંજી ઉઠી. અને આખી પલટન દોડીને ત્યાં પંહોચી…! કે ‘જો આને એકલી મૂકી તો, ઈજ્જતના ધજાગરા જ કરશે, એનાથી બહેતર એની નજીક જ રેહવું…!’
પણ વાવમા એક અંગ્રેજ મહિલાને વિશુનું અંગ્રેજી સાંભળી ચક્કર આવવા માંડ્યા, માંડ માંડ એણે ખુદને સાચવી…! અને આખી પલટનને ફરી સાથે જોઈ, ડીમ્પલ મેડમએ ફરી શરુ કર્યું, ‘આ વાવ સાત માળ જેટલી ઊંડી છે. અને…’ પણ કાકાના લુચ્ચા સ્મિત પર નજર પડતા જ ચુપ… એકદમ ચુપ…!
તકનો લાભ લઇ, છોકરાઓએ જેકીને કવિયત્રીઓ પાસેથી છોડાવી, ભગાવી મુક્યો…
‘ખુબ ખુબ આભાર ભાઈઓ, તમે ના આવતા તો પેલીઓ તો મને ક્લિક કરાવી કરાવીને મારી નાખતી…!’
‘એય, આભાર વિધિ પછી કરજે. પહેલા આમારી ક્લિક્સ કર…!’, નીખીલ બોલ્યો, અને પોઝ આપવા લાગ્યો.
આ નબીરાઓ પણ કઈ જેકી પર દયા ખાઈ એને નહોતા લાવ્યા, પીક્સ પડાવવા જ લાવ્યા હતા…! પણ છોટુ રહ્યો નાનો, એટલે જેમ કહે એમ કરવા લાગ્યો…!
મિત્રા, નીખીલ, દશલો, અને પાર્થ…! બધા એકથી એક પોઝ આપવા લાગ્યા…! (હા, એ વાત અલગ છે કે બધા ફોટામાં આ લોકો નાહ્યા વગરના જ લાગતા હતા…!)
‘અલાવ, મારો તો કોઈ ફોટો પાડો…!’, જેકી રીતસરનો કરગર્યો.
‘લાવ હું પાડી દઉં…’, કાકા એ કહ્યું.
‘તમને આવડશે…?!’
‘તું આપ તો ખરી… હજી કાકાને તું ઓળખે જ ક્યાં છે…! એમના જમાનાના ઉચ્ચ કક્ષાના ફોટોગ્રાફર રહ્યા છે…! (કોઈક કાકાને કહો, ‘આ થોડુંક વધી ગયું…!’) અને કાકાએ જેકીનો ફોટો પાડ્યો. અદ્દલ પાસપોર્ટ સાઈઝ ફોટો બનાવવા માટે પાડ્યો હોય એવો…!
‘જેકી કેમરા નેવર લાયસ્…!’, મિત્રા એ સળી કરી, અને ચાલી નીકળ્યો…!
‘રેહવા દો કાકા, આનાથી સારો ફોટો તો મારા આધારકાર્ડમાં છે ! આજે મારા નસીબમાં ફોટા પાડવાનું જ લખ્યું છે, ચાલો બધાના પાડ્યા તો તમારા પણ પાડી દઉં…!’
અને પછી તો કાકા એ જે પોઝ આપ્યા છે, અસ્સલ રાજેશ ખન્ના બનીને મંડાણા ! (એ પણ કાકા, આ પણ કાકા… બધું ભેગું થઈને કાંકાંકાંકાં…! અરે, સ્ટોરીમાં આ કાગડો ક્યાંથી આવ્યો… હુરર…!)
દર્શન અને ઢબુડી તો કોણ જાણે કઈ દુનિયામાં ફરી રહ્યા હતા, જાણે વાવનો ખૂણે ખૂણો જોઈ લેવો હતો એમને…!
આ વાવ પુરાણનો અંત પણ પેટપુજાથી જ આવ્યો…! બધાએ જોડે લાવેલ નાસ્તો ખાધો…! (ખરેખર તો ઝાપટ્યો…!)
અને પેટપુજા બાદ, જેમ ગેસ પર દૂધ મૂકીને ભૂલી ગયા બાદ યાદ આવે તેમ, અચાનક જ વિશુને યાદ આવ્યું.
‘અરે… ટુડે ઇસ તો મિત્રતા-ડે…!’, (શી મીન ફ્રેન્ડશીપ ડે…!) અને બધી છોકરીઓ તેમના બેગ લાવી ફંફોળવા માંડી…! અને જાતજાતનાને ભાતભાતના ફ્રેન્ડશીપ બેલ્ટ્સ કાઢી દુકાન જેવું લગાવી બેઠી. અને વિચારવા માંડી, કોણે કયું બેલ્ટ બાંધવું…! (આમાં બહુ પાર્શિયાલીટી થાય, આ ખાસ દોસ્ત છે, આને મોંઘુ બાંધીશ, આ નમુનાને સસ્તું 5 વાળું બાંધીશ, વગેરે, વગેરે…!)
અહીં છોકરાઓ મુંજવણમાં પડ્યા. અને એક બીજા સામું જોવા લાગ્યા…! હરામ જો કોઈ એક જણ પણ બેલ્ટ લાવ્યું હોય તો…! (બધા જ લુખ્ખા, હસવું નહિ પ્લીઝ, અહીં હાલત ટાઈટ છે આમની…!)
અને છોકરીઓ એ પૂરી પંદદદદરરરરર મિનીટના ભારે મનોમંથન બાદ નક્કી કરી લીધું કે કયા નમુનાને કયો બેલ્ટ બાંધવો…!
અને એક પછી એક આવી બધાને બેલ્ટ બાંધી, ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે’, વિશ કર્યું…!
વિશ પરથી યાદ આવ્યું, વિશુએ તો ‘હેપ્પી મિત્રતા-ડે’ જ વિશ કર્યું હતું હોં…!
પણ અમારા ઢબુડી મેડમ તો કંઇક બીજા જ ગ્રહના વાસી હતા, ખાલી દર્શનને બેલ્ટ બાંધ્યું…! આવું થોડી ચાલે…! (મેં ઢબુડી કી કડે શબ્દો મેં નિંદા કરતા હું…!)
અને પછી બધી છોકરીઓ, છોકરાઓ તરફ બેલ્ટની લાલચે જોઈ રહી…! અને બધા એક પછી એક બહાનું બનાવી છટકવા માંડ્યા…!
‘હું આવું 5 મીનીટમાં.’
‘મારે બસમાં થોડું કામ છે’
‘મારે ડ્રાઈવરનું કામ છે’, વગેરે વગેરે…
અને બધા થોડીવારે બસ પાછળ ભેગા થયા, અને એકબીજાના બેલ્ટ અદલ બદલ કરી લઇ, પાછા આવ્યા…! (હા, સારા સારા બેલ્ટ તો કોઈએ નહોતા આપ્યા…!)
અને એમના જ બેલ્ટ્સ એમને પધરાવી, જંગ જીત્યાની ખુશી મેળવી…! અને અહીં છોકરીઓ પણ ભારે હોંશિયાર (?), એટલા તો બેલ્ટ લાવી હતી કે એમનું જ બેલ્ટ એમને ન ઓળખાય…! અને આ હતી આમની રાણકી વાવની યાદગાર સફર…! આ વખતે આનંદ જરા નસીબદાર નીકળ્યો, બધા વાવના પ્લાન માટે વાહ વાહ કરતા હતા…!
પણ હજી મુશ્કેલી ક્યાં પતી હતી…!
હવે વાત હતી રાત્રી રોકાણની…! આનંદને જાણે આવનારી મુશ્કેલીનો પહેલાથી અંદાજો આવી ચુક્યો હતો…! અને એમાંને એમાં એના ધબકારા વધતા ચાલ્યા હતા.
આખી પલટન બસમાં ગોઠવાઈ અને હોટલની શોધ માટે પ્રયાણ થયું,
પેલી કવિયત્રીઓએ હજી પણ જેકીને મુક્યો ન હતો, કેમેરો રોલ કરાવી કરાવીને કહ્યા કરે ‘આ રાખજે… આ ડીલીટ કરજે…! આ તો કાઢી જ નાખ. મારી આંખ નીચેનાં કુંડાળા દેખાય છે…! (જે હોય એ દેખાય જ…)
લગભગ 10 થી 12 હોટલનાં આંટા લગાવ્યા બાદ, આનંદે આખરે હાર માની લીધી, અને આખી પલટન સમક્ષ ખુલાસો કર્યો કે ‘રાત્રીરોકાણ કોઈક ધરમશાળામાં જ કરવું પડશે…!’
અને એનું એ વાક્ય પૂરું થતાં જ આખી પલટન એક સાથે કંઇ પણ અગડમ બગડમ બોલી, આનંદ પર ચઢી બેઠી…!
પણ આખરે એની વાત માન્યા સિવાય બીજો કોઈ ઉપાય પણ તો ન હતો…! અને પલટન ઉતરી એક ધરમશાળામાં…!
ત્યાં જ જમ્યા (ધરાઈને !), અને ત્યાર બાદ સુવા માટે એક જ હોલમાં ભેગા થયા…!
કાકા, આનંદ, નીખીલ, દર્શન, અને જેકી તો પડતાની સાથે જ ઘોરાવા લાગ્યા…! પેલો જેકી તો ઊંઘમાં પણ બબડી રહ્યો હતો, ‘અરે આમ પોઝ આપ, મસ્ત ફોટો આવશે, આમ નહી…’ ! અને અહીં બીજી તરફ બંને કવિયત્રીઓ ચકલીઓની જેમ ચીં… ચીં… ચીં, કરી માથું પકવતી હતી…! કોઈએ સાચું જ કહ્યું છે, છોકરીઓને એમની વાતો સામે સમય, સ્થાનનું ભાન નથી જ હોતું…! (બહુ વિચારતા નહી… આ કોઈએ નહીં, મેં જ કહ્યું છે…!)
પણ અસલ ચિંતા તો પલટનના બાકીના સભ્યો (નમૂનાઓ)ને હતી. મિત્રા, દશલો, અને પાર્થ…! બિચારા વારેવારે પોતાના હાથમાં બાંધેલા ફ્રેન્ડશીપ બેલ્ટ જોઈ, વિચારતા હતા, કે ‘શું સાચે જ કાલે આ બેલ્ટની જગ્યા રાખડીઓ લઇ લેશે…!?’ (ખુબ ગંભીર સવાલ નહી…?)
( ક્રમશ: )
Leave a Reply