…અને આખરે 6:45ની અમંગળ ક્ષણે બસ ઉપડી. આનંદની ઘર આસપાસ સુઈ રહેલા કુતરા રીતસરના બસ પાછળ દોડ્યા, જાણે હજી આ પલટનને રોકી લેવા માંગતા હોય એમ…! પણ અડધો કિલોમીટર દોડ્યા બાદ એમણે પણ વિચાર્યું હશે, ‘જવાદો, ભલે ભોગવતા! આમની પલટન ટ્રીપ આમને જ મુબારક !’
અહીં બીજી તરફ બસમાં ધીંગામસ્તી ચાલુ થઇ ચુકી હતી. અને એ જોઈ આનંદનું બ્લડપ્રેશર હમણાંથી ઉછાળા મારતું હતું. એ ડ્રાઈવર જોડે કેબીનમાં બેઠો, એને રુટ બાબતે ચર્ચા કરી રહ્યો હતો…! પણ અમારા ધૂળધાણી કઈ એમ થોડા સીધા રહે.
‘સાહબ, જૈસે હમ કહત રહી, વૈસે કરીએ. આપ મુનાફે મેં રહેંગે…!’
‘ટણપા તને કીધુંને, કે ગુજરાતીમાં બોલ…! અને હુ કહું એ જ રૂટ પર જવાનું છે.. !’
‘મતલબ આપ હમરી બાત નહી માન્યેગા !?’
‘ના, થાય એ કરી લે…’ આનંદ બગાવત પર ઉતરી આવ્યો.
‘હમ કા કર શકત હેં. જૈસી જિસકી સોચ…!’
‘ખરેખર હથોડો ભેગો થયો છે…!’ આનંદ બબડ્યો.
અને આખરે બસ અમદાવાદની બહાર આવી ગઈ, સવારના પહોરમાં ઓછા ટ્રાફિકમા બસ હાઇવે પર સરપટ દોડવા લાગી.
અહીં મી. દાળમાપાણી એમના સ્વપ્નમાં રાચતા હોય એમ, ટીકીટ…ટીકીટ ! કરતા પાછળ જઈ ચડ્યા.
‘શેની ટીકીટ ભાઈ… આ તો આનંદે પ્રાઇવેટ બસ કરાવી છે…!’ નીખીલ બોલ્યો.
‘ટીકીટના હોય તો ઉતર નીચે…!’
આ સાંભળી અમારા જૂનાગઢના સાવજ જરા અકળાઈ ઉઠ્યા…
‘તને ખબર છે, હું શું કરી શકું છું…!’
‘હમમમ….’ પાછળ ની સીટ પર બેઠા મિત્રાએ સળી કરી.
‘કોણ બોલ્યું…હેં…!’ એણે પાછળ ફરીને જોયું. બધા નમુના સાવ નિર્દોષ ચેહરા બનાવી બેઠા હતા,
એ પાછો કંડકટર પાસે ગયો.
‘તને ખબર નથી હું શું કરી શકું છું…!’ અને બધાની નજર નીખીલ પર સ્થિર… શું કરશે હવે નીખીલ એ જોવા બધા ઉત્સાહિત છે…!
અને ત્યાં જ નીખીલે ધીરેથી બુમ પાડી.
‘આનંદ, જરા પાછળ આવીને આ ભાઈને સમજાવ તો…!’
સાવ એટલે સાવ આવું…! (નિખિલ અને સાવજ, બે શબ્દો એક લાઈનમાં લખી જ ન શકાય !)
આનંદ દોડીને પાછળ આવ્યો.
‘અલા ભાઈ તું શું કરે છે… અહીં કઈ ટીકીટ લેવા આવી ગયો…?’
‘સોરી સર… થોડીક આદત જેવું પડી ગયું છે…!’
‘ઓકે… ચલ વાંધો નહિ…!’
‘બાય ધ વે, દોસ્તો આ આપણી બસ ડ્રાઈવરને આસીસ્ટ કરે છે. આમનું નામ છે, મી. દાળમાંપાણી…!’
નામ સાંભળી બધા મંદ મંદ હસવા લાગ્યા,
અને દશલો ખડખડાટ હસ્યો અને બોલ્યો,
‘આમને પાણી વગરની દાળ પીવાની વધારે જરૂર છે…!’
અને બધાના હાસ્યના બાંધ તૂટ્યા, અને કંડકટર સાહેબ પોતે પણ હસી પડ્યા.
આનંદ ફરી આગળ જઈ ગોઠવાઈ ગયો.
અહીં પાર્થ જરા ઉદાસ થઈને બેઠો હતો, કારણ હતું ડીમ્પલ સાથેનો (ભયાનક) વાર્તાલાપ !
‘અરે અલી જનાબ. આમ મોં લટકાવીને કેમ બેઠા છો…!’ બાજુની સીટ વાળા જેકીએ કહ્યું.
અને તકનો લાભ લઇ દશલો સળી કરવા પંહોચી ગયો
પાર્થ ભાઈ, સહેજ પણ ચિંતા નહિ કરવાની…! આ છોકરીઓનું કામ જ આવું…! ગતાગમ કઈ પડે નહીને બસ બોલ્યા કરે…!’
‘મારું ચાલેને તો આમને કલોરોફોર્મ સુંઘાવી બેભાન જ કરી રાખું…!’ કેમેસ્ટ્રી પ્રેમી નીખીલ બોલ્યો.
‘હા, પછી એ બેભાન થાય, એટલે હું એની બે ડાઢ કાઢી મૂકું. પછી ભલે ડોસલીની જેમ હસતી…!’ ગેલમાં આવી અલીજનાબ બોલી તો ગયા, પણ ઉત્સાહમાં એમનો અવાજ થોડોક વધારે ફ્રિકવન્સીમાં થઇ ગયો, અને એમની ડોશલી ડિમ્પલે સાંભળી લીધું.
એય ને, રણચંડી સ્વરૂપમાં ડીમ્પલ ઉભી થઇ સીટ પરથી.
‘જો તને કહી દઉં છું, દિમાગ નહિ છટકાવતો હો…!’
‘કુલ નીચે, કુલ નીચે(કુલ ડાઉન), ટેક ઈટ હલકા(લાઈટ). એ ઇસ જોકિંગ ફક્ત (ઓન્લી)…!’ વિશુએ એનું ધારદાર અંગ્રેજી ડિમ્પલના ગુસ્સા સામે નાખ્યું…! આના અંગ્રેજીથી ભલભલાનો ગુસ્સો બઠીનો વળીને હસવા લાગે…!
કાકા પણ ડિમ્પીને શાંત પાડવા આવ્યા. અને આખરે કોપાયમાન દેવી શાંત થયા…!
અહીં પાર્થના તો ધબકારા જ વધી ગયા. દશલાએ, જેકીએ, અને નીખીલે, ચાવી ભરતા તો ભરી નાખી, પણ ખરા ટાઇમ પર જ મોં ફેરવી બેસી ગયા.
અને છોકરીઓને એક ટીપીકલ ટ્રીપમાં, ટીપીકલ વ્યક્તિઓ(છોકરીઓ)ને આવતો, ટીપીકલ વિચાર આવ્યો ! અંતાક્ષરીનો…!
અને ચાલુ થઇ ગાવા-ગવડાવવાની મોજ…! (કોઈએ હા મોજ હા ન કરવું…!)
સૌથી વધારે ગેલમાં હતા, દર્શન અને મિત્રા…! દર્શનને એનું ટુનટુનીયુ (આઈ મીન ગીટાર) વગાડવા મળવાનું હતું, અને મિત્રાને ગાવા મળવાનું હતું…!
પહેલું ગીત વિશુ એ ગાયું… DESPACITO…!
ભલી થાય આ કવિયત્રીની તો…! આમનું અંગ્રેજી પહેલાથી જ સમજથી પરે છે, અને ઉપરથી આમના આવા ગીતો…! બસ છેલ્લા બે ત્રણ શબ્દો સાવ સંભળાય, ઈતો, સીટો, ને લીટો…! બાકીનું એને જ ખબર કે શું ગાયું…!
માંડ હજી આનું પત્યું જ ને ત્યાં બીજા સંગીત પ્રેમી આવ્યા… આનંદ !
ભાઈ પણ મંડાણા અંગ્રેજી ગીત લઈને…! મિત્રા, કાકા, જેકી એકબીજાને મોઢા જોવે. ડીમ્પલ સૂરમાં સુર પુરાવે, દર્શન કોઈ ભળતી જ ટયુન વગાડે…! બાકીના… બાકીના સળીઓ જ તો કરે વળી…!
અને આખરે પોતાને પ્રોફેશનલ બાથરૂમ સિંગર ગણાવતા, મિત્રા સાહેબને ચાન્સ મળ્યો…!
એયને ચાલુ પડ્યા રાગડા તાણવા…
‘હાથમાં છે વ્હીસ્કી, ને આંખોમાં પાણી… બેવફા સનમ તારી બહુ મહેરબાની…!’
અને બધાના ચેહરાના ભાવ જોતા લગી રહ્યું છે કે, બધા એક જ વિનંતી કરી રહ્યા હતા.
‘રહેમ કર દોસ્ત… હવે ક્યારેય તને આવો કે તેવો કઈ જ નહિ કહીએ. પણ આવો ઝુલ્મ ના કર….!’
ચકલીના પેટ જેટલું નાનું મોઢું લઇ, મિત્રા સાહેબ પાછા સીટ પર ગોઠવાઈ ગયા…!
પણ આખરે અંતાક્ષરીનો અંત આવ્યો, અને એ પણ કાકાના સુરીલા કંઠે ગવાયેલ ગીત દ્વારા…! (હાશ… કોઈક તો સારું ગાય છે…!)
પણ…!
આખી અંતાક્ષરીમા એક જ મહાનુભાવનું ધ્યાન બીજી તરફ હતું. અમારા છોટુ…! હરામ જો એક પણ ક્ષણ માટે એની નજર ઢબુડી પરથી ખસી હોય તો. પણ બદનસીબી એ, કે પેલીની નજર એક પણ વખત અમારા છોટુ પર ન પડી…! એ તો બસ ગીટાર વગાડતા દર્શનયાને જોઈ રહી હતી…!
પહેલી વખત નમુની એ ચોપડીમાંથી માથું કાઢ્યું હતું, પણ એ દર્શન માટે, છોટુ માટે નહિ…! આ વાત છોટુ મહારાજને અંદર સુધી લાગી આવી હતી…! અને એ દર્શનને જન્મો જન્મની દુશ્મની હોય એમ જોઈ રહ્યો હતો….!
મારું નીરીક્ષણ કહે છે કે, કેમેરો અને ગીટાર ધરાવતા છોકરાઓ તરફ છોકરીઓ જલ્દી આકર્ષાય છે, પણ જો બંને સામ સામે હોય તો કોઈ તરફ આકર્ષાય એ હજી જાણી શકાયું નથી… કદાચ ટ્રીપ પતતા સુધીમાં ઢબુડી એનો જવાબ આપી દે તો નવાઈ નહિ…!
અહીં આવેલ બધાય છોકરાઓમા એક વાત કોમન હતી, અને એ હતી-સિંગલતા….!
સિંગલતાની હદો વટાવવામા એકથી એક ઝંડા ખૂંપાવે એવા હતા…!
અલી જનાબ, આમની ઉર્દુના કારણે આમની સિંગલાતા હજી સુધી જળવાઈ રહી હતી, જલ્દી ફ્રેનડ્ઝોન થઇ જાય છે !(અફસોસ)
છોટુ, મિત્રાને છોકરી ધારી બીજી કેટલીયને અવગણતો હતો…!
દશલો, આ લાલો તો જલ્દી જ છોકરીઓના હાથનો માર ખાવાનો છે…!
નીખીલ, આમનો પ્રેમ એને બ્લોક મારી, આમને કેમેસ્ટ્રી લેબમા બંધ કરી ભાગી ગયો છે. ત્યારથી બસ રસાયણશાસ્ત્રના થોક્ડાઓમાં એને શોધી રહ્યો છે…!
દર્શન, અંતર મુખી સ્વભાવના કારણે છોકરીઓથી જ દુર રહે છે…! (ગજબ નહિ !?)
મિત્રા, આને હાઈક વાળી નતાશા પણ બરાબર જવાબ નથી આપતી, બોલો…!
આનંદ, એની શાયરીઓ વાંચી, છોકરીઓ જ દુર ભાગે છે. અને બીજી વાત કે પોતે પણ જલ્દી ભાઈ બની જાય છે…! (હદ છે…)
સુધીરકાકા, અહીં કઇંક પણ એલ ફેલ લખીને, મારે કાકીના હાથનો માર થોડો ખાવો છે…!
હા, તો હવે મુખ્ય વાત એ કે, આટલા બધા સિંગલયા ભેગા થયા, અને થયા તો થયા. બધાની નજર પણ એક જ જગ્યા એ ભેગી થઇ…! કહેવાની જરૂર ખરી કોણ એમ, ઓબવિયસલી… ઇટ્સ ઢબુડી…!
અને બધાએ છોટુની ડોળા કાઢી ડરાવતી લાલ આંખોનો સામનો કરવો પડ્યો…!
અને બધા છોટુને, ‘નાનો છું, મોજ કર’ કહી ચાલતીના થયા…!
પણ ઢબુડી એમ તો કઈ થોડી શાંત રહે…!
વાત વાતમાં મુવીઝ ની વાત નીકળી…
કાકાએ એમનો જમાનો યાદ કરવા માંડ્યો, છોકરીઓ સોહામણા હીરોને વાગોળવા લાગી, મિત્રા એની દીપિકાની વાતો માંથી ઉંચો નહોતો આવતો…! નીકને તો એ દિલ હેં મુશ્કિલ જ યાદ આવે…! અલી જનાબે શોર્ટ મુવીઝ્ની વાતો કરી…! અને વાત છેક હોલુવડ સુધી જઈ પંહોચી. જેમને ખબર પડતી એ વાતો કરતા, બાકીના મિત્રા, જેકી, દશલો, જેવા ટપ્પો પણ ના પડે તો દુર જ રેહતા.
દર્શને હોલીવુડ બાબતે ઝાઝો એવો રસ લીધો, અને એથી પ્રેરાઈ ઢબુડી દર્શનની બાજુની સીટ પર જઈ બેઠી અને એયને બંને મંડ્યા હોલીવુડના રસ્તે…!
અહીં જેકીનો પારો ઉંચોને ઉંચો થતો ગયો,
‘એય મિત્રા, અને દર્શીલ… તમને હોલીવુડ બાબતે જે કઈ ખબર હોય એ બોલવા માંડો ચાલો…!’ જેકીએ એમને ધમકાવ્યા.
‘ભાઈ, અમને એમાં લગીરેય સુઝ નથી પડતી… તારી કસમ બસ…!’ દશલો બોલ્યો.
‘ખોટી નો થા મા, મને મરાવીશ તું ખોટા કસમ લઈને…!’
‘ચલ, આનંદને પૂછીએ… એને ખબર હશે…!’ મિત્રાએ સુઝાવ આપ્યો. અને ત્રિપુટી ચાલી ડ્રાઈવર કેબીન તરફ.
‘આનંદ ભાઈ, હોલીવુડ મુવીઝ વિષે જે કઈ ખબર હોય એ બોલવા માંડો ચાલો…!’ નાકમાંથી ધુમાડા કાઢતા છોટુ એ કહ્યું.
‘અલા છોટે, થયું શું…!’
‘અરે એમાં થયું એમ કે…’ દશલો જાણે રાહ જ જોઇને બેઠો હતો. પણ, 120ની સ્પીડ પર ચાલતી ગાડીને રસ્તો ક્રોસ કરતા જેમ આપણે હાથ બતાવીએ, એમ છોટુ એ દશલાને હાથ બતાવી પૂર્ણવિરામ મુકાવી દીધું…! ‘કઈ નથી થયું, તમતમારે બોલવા માંડો…!’
અને આનંદ કઈ બોલે એ પહેલા જ ધૂળધાણી ‘સાહેબ’ બોલ્યા,
‘બબુઆ, ભોજપુરી સિનેમા કે બારે મેં જાનના હો કહો, તો હમ તનિક બતા દે !’
છોટુ મુંજાયો, અને ત્યાં જ મિત્રાને સળી કરવાની સુઝી…
‘છોટુ આ જાણી લે, દર્શનને આના વિષે કઈ ખબર નહી હોય, તું ફાયદામા રહીશ…!’
અને પછી છોટુ એ કચવાતા મને હા પાડી. અને ડ્રાઈવર સાહેબે એમનું જ્ઞાન વંહેચયુ, અને બોનસમાં દાળમાંપાણી એ જુના ગુજરાતી મુવીઝ વિષે વાત કરી એ અલગ…!
અને ત્રિપુટી પાછી ફરી, અને દર્શનની સીટ પાસે ઉભી રહી.
છોટુએ બોલવાનું ચાલુ કર્યું, ‘બહેન… અરે સોરી, મારો મતલબ ઢબૂડી…!’ અને પેલીએ ગુસ્સાથી ડિમ્પલને જોયું, પણ એ મેડમ પહેલાથી હોંશિયાર, ડાચું નીચું ન નાખેલ. જોવે તો કઈ કહે ને…!
છોટુ એ આગળ કહ્યું,
‘તને ગુજરાતી અને ભોજપુરી મુવીઝ જોવા ગમે છે…?’
‘ના…’ પેલીએ ટૂંકમાં જવાબ આપ્યો.
‘લે કેમ…? તે પેલું મુવી નહિ જોયું, ‘હમાર સજનવા, તોહરે બીના જિંદગી ઝંડવા…!’ અને પેલું, ‘તનિક જલ્દી આ જાના…!’ અને પેલું ગુજરાતી તો મસ્ત જોવા જેવું હતું, ‘રાધા, ભલે ભુલે તારું નામ… મને ના ભૂલતી…!”
મને આ જ લગી નથી સમજાયું, મોટા ભાગના ગુજરાતી મુવીઝમાં મુખ્ય પાત્રોના નામ વિક્રમ અને રાધા જ કેમ હોય છે…? ખેર એની તપાસ મેં સીબીઆઈને સોંપેલી જ છે, એટલે તમે મગજની નસો ન ખેંચતા…!
અહીં ઢબુડીની છટકી… ‘અરે ભાઈ, તારે જોઈએ છે શું…?’
‘દેખ, તું બે ગાળ દઈ દે એ ચાલશે. પણ પ્લીઝ ભાઈ ન કહીશ…!’ આ ભાઈ તો ભાવુક થઇ આવ્યા.
‘ઓકે. લીવ ધ ટોપીક… શું જોઈએ હવે એમ બોલ, કેમ લોડ લઉં છું…!’
મિત્રા અને દશલો પેલાના ખભો પંપોડે, અને ગણગણે, ‘કહી દે કહી દે !’
અને છોટુ એ એના ગળે અટકી પડેલા શબ્દોને રસ્તો આપ્યો અને બોલ્યો,
‘મારે આ સીટ જોઈએ…!’
લે… આ પણ નીખીલનો ભાઈ જ નીકળ્યો. બીજો હવાયેલો ફટાકડો…!
‘યુ આર સો રૂડ…’ કહી ઢબુડી સીટ પરથી ઉઠી ગઈ.
અને છોટુ મહારાજ ગોઠવાયા દર્શનની બાજુમાં, મોટી જંગ જીતી હોય એવું સ્મિત એમના ચેહરે લહેરી રહ્યું હતું. અને એની પથારી ફેરવી દર્શનયા એ…
‘વેલકમ !’ બસ એટલું જ કહ્યું અને બતાવી દીધું, કે એને લેશમાત્ર ફરક નથી પડતો.
પાછળની સીટ પર મિત્રા, પાર્થ, નીક, કાકા મસ્તીના મૂડમાં હતા, અને અહીં છોટુ બોરિંગ દર્શનની બાજુમાં વધારે બોર થતો હતો. આનંદ મહાશય તો જાતે જ ગુગલ મેપ બની ચુક્યા હતા…! અને કવિયત્રીઓની તો વાત જ જવા દો. કાબરોની જેમ બોલબોલ બોલબોલ…! ભગવાન બચાવે છોકરીઓથી…! (હા, તમે બરાબર જ વિચાર્યું, આવું લખીએ એટલે સિંગલ જ રહી જઈએ…!)
( ક્રમશ: )
Leave a Reply