‘સૂર્યાંશ’ જોયાના બીજા જ દિવસે ‘પાઘડી’ જોઈએ ત્યારે કોઈ વાસી નૂડલ્સ ખાધાં બાદ પેટ બગડ્યું હોય અને બીજા દિવસે કોઈ વિરપુર જલારામના સાત્વિક કઢી-ખીચડી પિરસે એવો આનંદ આવે! હોવ…હમ્બો…હમ્બો…!
‘પાઘડી’માં મને સૌથી વધારે ગમેલી વાત એ છે કે એમાં એક વારતા છે. જેમાં આપણા ગામડાં, આપણી સંસ્કૃતિ અને આપણી અસ્મિતાના તાણાવાણા ગુંથાયેલા હોય એવી વારતા. આ ફિલ્મે પાઘડીનું ઓલમોસ્ટ લુપ્ત થયેલું ગૌરવ ફરી યાદ અપાવ્યુ છે. અમદાવાદમાં રહેતા એમએલએનો ફોરેન રિટર્ન પુત્ર આદિત્ય ( Revanta Sarabhai) એના દાદાની એમના ગામ અમરાપુરમાં ક્યાંક ખોવાયેલી આબરુ પાછી મેળવવા નીકળે છે. એ આબરુ છે એમની પાઘડી. એ માત્ર પાઘડી નથી. એક ઈતિહાસ છે. જેની સાથે અનેક જિંદગીઓ અને એક મોત સંકળાયેલુ છે. આ વારતા છે એવા લોકોની જેઓ પાઘડી વિના મરી શકતા નથી અને પાઘડી પાછી મેળવવા મરી જવા પણ તૈયાર છે. જેમણે આ ધરતી પર કોઈ સમયે ચાલતો પાઘડીઓનો દબદબો જોયો હોય એમણે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ અને જેમને પાઘડીનું મૂલ્ય નથી ખબર એમણે તો અચુક જોવી જોઈએ.
આદિત્યના પાત્રને રેવંતાએ બરાબર ન્યાય આપ્યો છે. આદિત્યના મોજીલા મિત્ર જયસુખના પાત્રમાં જય ઉપાધ્યાય જમાવટ કરે છે અને ફિલ્મમાં છેકથી છેક જરૂરી કોમિક રિલિફ યથાવત રાખે છે. Anshu Joshi અને Kiran Joshiના પાત્રો શામજી-દામજીની ભાષા રમણ નિલકંઠના ‘ભદ્રંભદ્ર’ની યાદ અપાવ્યા વિના રહેતી નથી. એમના સંવાદોમાં ગુજરાતીના જાણીતા કવિઓની પંક્તિઓનો મસ્ત ઉપયોગ થયો છે. એ બન્ને ગામડાંના એક વ્યક્તિને ઉમાશંકર જોષીની કોઈ પંક્તિ સંભળાવે છે અને પેલો કહે છે કે, ‘ગુજરાતીમાં બોલોને’ એ દૃશ્ય કાબિલ-એ-દાદ છે. એરોગન્ટ એમએલએ નક્કુના પાત્રમાં ભરત ઠક્કર જામે છે. Maulik Jagdish Nayakને ગમે ત્યારે ગમે તે પાત્રમાં સ્ક્રિન પર જોવાની મજા જ આવે. એ સ્ક્રિન પર દેખાય એટલે તરત પ્રેક્ષકોને થાય કે આ હમણા હસાવશે. એટલે ઘણીવાર તો એવું બને કે મૌલિક સ્ક્રિન પર દેખાય કે તરત જ હોલમાં ખીખિયાટી સંભળાવા લાગે. ખબર નહીં કેમ, પણ મને મહેશ ચંપકલાલની એક્ટિંગ ઠીકઠાક લાગી. એક્ટિંગમાં સૌથી નબળી કડી લાગી ચંદાનું કેરેક્ટર ભજવનારી તિલાના દેસાઈ. એની ડાયલોગ ડિલિવરી ‘પ્રમાણમાં’ ફેબ્રિકેટેડ લાગતી હતી. એના ડાયલોગ્સ ક્યાંક ક્યાંક આરોહ-અવરોહ વિના ફ્લેટ ગયા હોય એવું પણ લાગ્યું. તો વળી ગુસ્સાના કેટલાક દૃશ્યોમાં ગુસ્સો નેચરલ નહીં, પણ આયાસી લાગ્યો.
ડિરેક્શનની ખાસિયત એ છે કે ડિરેક્ટર તપન વ્યાસ દ્વારા ફિલ્મમાં ક્યાંય વિના કારણનો મસાલો નાખવાનો કે બિનજરૂરી વઘાર કરવાનો પ્રયાસ કરવામાં નથી આવ્યો. વારતાને ઝાટકા માર્યા વિના સ્મુધલી વહેવા દેવાઈ છે. ક્લાઈમેક્સ પહેલા ચાલુ ભવાઈમાં સર્જાતો પાઘડી માટેની ભવાઈનો સિન ‘જાને ભી દો યારો’ના પેલા પ્રખ્યાત ‘મહાભારત’ની યાદ અપાવે છે!
ફિલ્મમાં ક્યાંક ક્યાંક લોજિકના ગાબડા જોવા મળે છે. જેમ કે, એમએલએ કક્ષાનો માણસ ત્રણ-ચાર કલાક છોકરો ગુમ થયો એ માટે પોતાના માણસો દોડાવવાના બદલે એની પાછળ બે ‘ભદ્રંભદ્રીય ગુજરાતી’ બોલતા ‘ગુપ્તચરો’ને પાંચ-છ લાખ રૂપિયા આપી કેમ દોડાવે છે? આદિત્ય અને તેના પિતા જ્યાં ડોહો ખાટલે પડ્યો છે એ ICUમાં જ સામસામા ઘાંટા પાડવા લાગે છે એ થોડું વિચિત્ર લાગ્યું. મૌલિકનું પાત્ર કાર ચોરે છે ત્યારે કાર ડ્રાઈવ કરીને લઈ જવાના બદલે ઊંટગાડીમાં ચડાવીને કેમ લઈ જાય છે? મૌલિક મળે ત્યારે એ પણ પૂછવું પડશે કે કારને ઊંટલારીમાં ચડાવી કેવી રીતે? આઈ મિન, ગાડીને ઢળતું કોઈ ખપાટીયુ રાખીને ડ્રાઈવ કરીને ઉપર ચડાવેલી? જો એમ કર્યુ હોય તો સીધી જ હંકારી જવામાં શું વાંધો હતો? અને જો એમ ન હોય તો શું ક્રેન બોલાવી હતી? શું એ દૃશ્ય પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો સાંકેતિક વિરોધ છે? મોદીસાહેબ, શું આ જ છે અચ્છેદિન? સાવ જ હમ્બો…હમ્બો…? એની વે, પણ ઊંટલારી પર લદાયેલી કારનું એ દૃશ્ય જોઈને આખો હોલ ખડખટાટ હસી પડે છે અને જ્યારે તમારા દર્શકને મનોરંજન મળે ત્યારે ક્રેન આવી હોય કે ન આવી હોય એ બધું જ ગૌણ છે.
આવા નાના-મોટા લોજિકના ગાબડા અને કેટલીક નજીવી ખામીઓને બાદ કરીએ તો આ ફિલ્મ ખરા હદયથી થયેલો એક ઉત્કૃષ્ટ પ્રયાસ છે. જેને આપણે સૌએ વધાવવો જ રહ્યો. આ ફિલ્મ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સંઘર્ષોનો સામનો કરીને બની અને રિલિઝ થઈ છે. આજે ખુબ જાણીતા બની ગયેલા આ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોની આ પહેલી ફિલ્મ છે. એક સારી વારતામાં થયેલુ રોકાણ છે. એ બધુ જોતા આ ફિલ્મ અચુક જોવી જ જોઈએ. પાઘડીના જમાનામાં જીવી ગયેલા વડિલો સહિત આખા પરિવારને આ ફિલ્મ ખાસ બતાવવી જોઈએ. જેથી આ ફિલ્મ સિનેમાઘરોમાંથી જલદી ઉતરે નહીં. આઈ હોપ કે ‘પાઘડી’ જલદી ઉતરશે નહીં અને ઉતરવી પણ ન જોઈએ.
ફ્રી હિટ :
2014-15માં હરિયાણવી ભાષામાં ‘પગડી – ધ હોનર’ નામની ફિલ્મ બનેલી. જેને 2 નેશનલ અને 5 ઈન્ટરનેશનલ એવોર્ડ તેમજ 25 જેટલા નોમિનેશન્સ મળેલા. એ નેશનલ એવોર્ડ મેળવનારી પહેલી હરિયાણવી ફિલ્મ હતી. જેને હરિયાણા સરકારે ટેક્સ ફ્રિ પણ કરેલી. કારણ કે એમાં હરિયાણાની પાઘડીના સન્માનની વાત હતી અને ઓનર કિલિંગની વિરુધ્ધ સંદેશ આપવામાં આવ્યો હતો. ‘પગડી’ નામની એક રાજસ્થાની ફિલ્મ પણ બનેલી. જે એક ચીલા-ચાલુ મસાલા ફિલ્મ હતી.
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૧૧-૦૨-૨૦૧૯ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply