ઘણા દૂરદર્શીઓ મૂંઝાયા છે કે શિક્ષકને શિક્ષણ સિવાયની કઈ કઈ પ્રવૃતિઓ કરાવી શકાય. આ તો હાસ્યલેખનો વિષય છે. પણ હું અહીં ‘હાસ્યલેખ’ એવું ન લખું તો કેટલાક લોકો મારા પર તૂટી પડે. આવા લોકોથી જ બચવા મેં હાસ્યલેખ આવું લેબલ અગાઉથી લખવાનું મુનાસીબ માન્યું છે.
થોડા સમય પહેલાં શિક્ષકોને તીડ ભગાડવા માટે મોકલવામાં આવ્યા હતા, બસ આ વાતથી જ યાદ આવ્યું કે શું આપણે શિક્ષકોને ડાયનાસોર પકડી લાવવા ભૂતકાળમાં ન મોકલી શકીએ ? સરકારે આ અંગે વિચારવું જોઈએ. મેં મારો મત જણાવ્યો ત્યારે મારી બાજુમાં બેઠેલા અને મારી સાથે નોકરી કરતા મારા સહકર્મચારીએ મને કહ્યું, ‘ડાયનાસોર ભગાડવા જવાથી તેમને એક મોટો ફાયદો થશે.’
મેં માથાની નસો તંગ કરતા પૂછ્યું, ‘શું ?’
‘એ ભૂતકાળમાં જશે તો ત્યાં કોરોના નહીં હોય. જેથી સંક્રમણથી બચી જશે.’ મને તેની બુદ્ધીમતા પર ગર્વ થયો. હું વિચારવા લાગ્યો કે આવા સારા વિચારો મને કેમ નથી આવતા. મારો આ મિત્ર ઈત્તર પ્રવૃતિ યોજનામાં નોકરી કરવા સિવાય, પાર્ટ ટાઈમ પ્રેરણાત્મક પ્રવચનો પણ આપતો હતો. આ લોકો નેગેટિવમાંથી પણ પોઝિટીવ કેવી રીતે વિચારતા હોય છે તેનું મને ઉત્તમ ઉદાહરણ મળ્યું. મેં મારા અભ્યાસને પણ દોષ આપ્યો કે ભણીને મે શું ઉખાડી લીધું. આવી બુદ્ધી મારી પાસે કેમ નથી ?
થોડા સમય પહેલાં હું મારા મતક્ષેત્રના નેતા પાસે સારો થવા માટે ગયેલો અને મેં તેમને શિક્ષકોને શિક્ષણ સિવાયની કઈ કઈ પ્રવૃતિઓ કરાવી શકાય તેનું એક લિસ્ટ આપ્યું. મારા મત ક્ષેત્રના એ નેતા શિંગ-ચણા ખાવામાં વ્યસ્ત હતા. મારી પાસે રહેલા બે પાના મેં તેમને આપ્યા તો તેઓ લિસ્ટ વાંચી મારા પર તાડુક્યા અને કહ્યું, ‘તમે અનુસ્નાતક કરેલા છો. તોપણ આઠ પાસ કરતાં ઠોઠ જ લાગો છો. તમે તો બે પાનાં તૈયાર કર્યા, પણ મેં ચાર પાના તૈયાર કર્યા છે. જેમાં એક વસ્તુ મેં દીપડા ભગાડવાની પણ ઉમેરેલી. તમે ભણેલા ડફોળ જ રહ્યાં. ખબર નહીં તમને અગિયાર મહિનાના કરાર પર નોકરી કોણે આપી દીધી ?’
તમે એમ જ વિચારતા હશો કે આ બધું શરૂ કેવી રીતે થયું ? એક જગ્યાએ અગિયાર મહિનાના કરાર પર આધારિત નોકરી હતી. મેં ત્યાં એપ્લાઈ કર્યું તો મને નોકરી મળી ગઈ. બે જ જગ્યા હતી અને બે જ લોકો હતા. નોકરીના પ્રથમ દિવસે મેં મારા સાહેબને પૂછ્યું, ‘મારે કરવાનું છે શું ?’
તેમણે મને કહ્યું, ‘શિક્ષકો શિક્ષણ સિવાયની ઈત્તર પ્રવૃતિ કરી શકે તેવું દર પંદર દિવસે લિસ્ટ તૈયાર કરી મને આપવાનું છે.’
પહેલાં તો હું મૂંઝાયો પણ પછી એક બાદ એક વિચારો મેં તેમની સમક્ષ પ્રસ્તુત કર્યા. તેઓ રોષે ભરાયેલા નોળીયા જેવું મોં કરી દર વખતે મને કહેતા હતા, ‘ના….’
આ જવાબ સાંભળી સાંભળી હું કંટાળી ગયો હતો. થોડીવાર બહાર ગયો ત્યાં પાનવાળાની દુકાને એક સમાચાર આવી રહ્યા હતા. એ સમાચાર વાંચી હું મારા સાહેબ પાસે ગયો અને કહ્યું, ‘પાકિસ્તાનમાં એક પ્લેન ક્રેશ થઈ ગયું છે ત્યાં આપણા શિક્ષકોને કાટમાળ હટાવવાની કામગીરી પર મોકલીએ તો ?’
મને કહે, ‘જો આ ઈત્તર પ્રવૃતિ કહેવાય. ત્રણ કલાકે તમને સારો વિચાર આવ્યો. આવી જ રીતે મગજ દોડાવો.’
અગિયાર મહિનાની કરાર આધારિત એ નોકરી છ મહિનામાં જ મેં છોડી દીધી. પણ છ મહિનામાં મેં શું-શું કર્યું, તેના કરતાં શું શું ભોગવ્યું એ કહેવા દો. ગામનો કોઈ પણ વ્યક્તિ આવી મને શિક્ષકોને ઈત્તર પ્રવૃતિ કરાવવા અંગે સલાહ આપતો.
એક ભાઈએ મને શિક્ષકો ખેતરમાંથી ભૂંડ ભગાવે તો કેવું રહે આવો પત્ર લખ્યો હતો. તેમના દબાણને વશ થઈ અમે એક શિક્ષકને આ કામગીરી પણ સોંપેલી. તેનું નિરીક્ષણ કરવા માટે હું અને મારા સાહેબ ગયા. થોડીવાર તો બધું બરાબર ચાલ્યું. શિક્ષક ભૂંડ ભગાવતા હતા. થોડી વાર પછી દુનિયા પલટી ગઈ હોય તેમ ભૂંડ એ શિક્ષકની પાછળ ભાગ્યા. માત્ર શિક્ષક પાછળ ભાગ્યા હોત તો બરાબર હતું, પણ શિક્ષક અમારી દિશા ભણી આવતો હતો. જેથી મારે અને મારા સાહેબને પણ શિક્ષક સંગાથે ભાગવાનો વારો આવ્યો. ત્રણ કિલોમીટર દોડ્યા પછી અમે હેમખેમ બચી ગયા. મારા સાહેબે મને કહ્યું, ‘ગામમાં બધાનું નહીં માનવાનું દોસ્ત.’
અમારી નોકરી એવી કે અમારે કંઈ નહીં કરવાનું, પણ બીજો અમને મંતવ્ય આપે તેના પર અમારે વિચાર કરવાનો. આ તો એવું થયું કે બીજો કોઈ સ્ટોરી કહે અને મારે ફિલ્મની પટકથા લખવાની.
ભૂંડની નિષ્ફળતા બાદ અમારી પાસે આવેલા એક ભાઈ પોતાના ખેતરમાંથી પક્ષીઓ કેવી રીતે ઉડાવવા, એ માટેની ઈત્તર પ્રવૃતિ કરાવવા આવેલા. મેં તેમને ના કહ્યું, પણ તેમણે સભા બોલાવી મારી વાતનું ખંડન કર્યું અને આખરે એક શિક્ષકને ચાડીયો બનાવીને જ જંપ્યા. જ્યારે રાતે હું એ શિક્ષકને માચડા પરથી ઉતારવા માટે ગયો, તો એ શિક્ષકે મને કહ્યું, ‘દૂરથી… માથા પર કબૂતરે બે ઈંડા મુક્યા છે.’
મને થઈ આવ્યું કે શિક્ષકોથી તો કબૂતર પણ નથી ડરતા. ચાણક્યનું વિધાન છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. એ વિધાન ચાણક્યના સમયે કેટલું ખરું થયું મને નથી ખબર, પણ આ યુગમાં તો ખરું થયું જ છે.
ગામમાં ઉનાળાની આકરી ગરમી સમયે એક નેતા આવવાના હતા. તેઓ પણ ગરીબોની વ્યથાને સમજે છે. આ માટે પંખો કે એસીની કોઈ સુવિધા સ્ટેજ પર રાખવાની નહોતી. આ પ્રકારનો નેતા મેં મારી જિંદગીમાં નહોતો જોયો. એટલામાં મારા સાહેબ મારી પાસે આવી અને બોલ્યા, ‘છોકરા એસી અને પંખા વિના ઉનાળામાં નેતાજી માટે હવાનો કંઈ પ્રબંદ્ધ થાય એવું હોય તો કરો. હા, ગ્રામજનોને આ વિશેની ખબર પડવી ન જોઈએ.’
ઘણું વિચાર્યા પછી મને નેતાજી માટે વિચાર આવ્યો કે એક પ્લેનનું તેમના સ્ટેજની પાસેથી ઉડ્યન કરાવવામાં આવે તો કેવું રહે ? ગ્રામજનોનું ધ્યાન પ્લેન પર રહે ન કે નેતાજી પર, ભાષણમાં ભાંગરો વાટી નાખશે તોપણ કોઈને ખબર નહીં પડે. જોકે મંડપ સહિત નેતાજીના પણ ઉડી જવાના ભયથી અમે તે યોજના પર ચોકડી મારી દીધી.
પછી મારા સાહેબને જ ઈત્તર પ્રવૃતિ ખાતામાંથી એક વિચાર આવ્યો. તેમણે મને આપણી પ્રાથમિક શાળાના શિક્ષકો મંડપ આડેથી ફૂંક મારે તો કેવું રહે. અને આને પણ ઈત્તર પ્રવૃતિ યોજનામાં સમાવી લો, તેવું હસતા હસતા કહ્યું.
મેં કહ્યું, ‘મોંની ફૂંક કેટલી પહોંચે સાહેબ ? માણસ છે પંખો થોડી ?’
મને કહે, ‘તું ડબડબ કરમાં છોકરા. ગુજરાતીમાં પેલું વાક્ય તે નથી સાંભળ્યું ? માણસ તો હવામાં ઉડતો હોય છે, બસ હવે આપણે તે વાક્યમાં ફેરફાર કરી તેને ઈત્તર પ્રવૃતિ યોજના દ્રારા સાર્થક કરીએ છીએ.’
મેં મારી પ્રાથમિક શાળાના શિક્ષકોને જ્યારે આ વાત કહી તો તેમણે મને મારવાનું જ બાકી રાખ્યું હતું. બે શિક્ષકોને તો ગેસની પ્રોબ્લેમ હતી. જેથી મેં તેમને ન લેવા તેવું નક્કી કર્યું. પણ મારા સાહેબની હઠ આગળ મારે હથિયાર હેઠા મુકવા જ પડ્યા.
નેતાજી મંડપ પર ભાષણ આપવા આવ્યા ત્યારે હું અને સાતે શિક્ષકો પડદા આડે ઉભા હતા. નેતાજીએ ભાષણ શરૂ કર્યું એટલામાં શિક્ષકોએ ફૂંક મારવાનો પ્રારંભ કર્યો. બે મિનિટમાં તો હાંફી રહ્યાં. આખરે એક-એક શિક્ષક પાંચ મિનિટ આરામ કરે તેવી અંગત જોગવાઈનો ખરડો અમે પાસ કર્યો. હું પણ ફૂંક મારવાની આ માનવીય ક્રિયામાં જોડાયો. અચાનક અમારી આસપાસ એક તીવ્ર ગંધ ફરી વળી. સ્ટેજ પર નેતાજી પડી ગયા. વાંસ તો મને પણ આવતી હતી. અચાનક મેં જોયું કે મારા શિક્ષકોમાંથી પણ બે સ્ટેજદોસ્ત થઈ ગયા હતા.
નેતાજીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં મારા સાહેબે તેમને ફૂંકની સત્ય હકીકતથી માહિતગાર કર્યા. વાછૂટના કારણે નેતાજી બેભાન થયા હોવાનો મેડિકલ રિપોર્ટ આવ્યો. નેતાજીએ શિક્ષકો માટેની ઈત્તર પ્રવૃતિ યોજનાનું એ ખાતુ બંધ કરાવ્યું અને હું…? વાર્તાકાર જયંત ખત્રીની કાળજયી વાર્તા ધાડના પ્રથમ વાક્યની માફક. ‘હું ફરી પાછો બેકાર બન્યો.’
(અપ્રકાશિત હાસ્યલેખો સૂડી વચ્ચે સોપારીમાંથી)
~ મયૂર ખાવડુ
Leave a Reply