2019ના ઓસ્કર વિજેતાઓની આ મહિને જાહેરાત થશે. દર વર્ષે ઓસ્કરનું લિસ્ટ ડાયરીમાં લખી એક પછી એક ફિલ્મો ખાટલામાં પડ્યા પડ્યા જોવાની હવે ટેવ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં નીચે લખેલું છે તે ફિલ્મો પૂરી કરી નાખી છે. Blackkkansman સાઈડમાં પડી છે, જે જોવાની બાકી છે. આ વખતના ઓસ્કરની ખાસિયત એ કે બ્લેક કલાકારો અને કથાવસ્તુઓનો દબદબો છે. (દર વર્ષની જેમ) ઉપર જણાવી તે લાંબાલચ નામ વાળી ફિલ્મ સિવાય બ્લેક પેન્થર, ગ્રીન બુક અને એનિમેશન સેક્શનમાં સ્પાઈડર મેન પણ છે. તમામ ફિલ્મોને એકસાથે લેશું તો કેટલું લાંબું થશે અને કેટલી વાર પણ લાગશે. આ વખતના ઓસ્કરમાં થોડો અફસોસ પણ છે. First Man જેવી નીલ આર્મસ્ટ્રોંગની બાયોપિકને ચાન્સ નથી મળ્યો અને Black Panther દાવેદાર બની ગઈ છે. સૌથી મોટો અફસોસ એ કે ક્રિશ્ચન બેલ જેવા ધુરંધર એક્ટરની Vice હજુ સુધી નથી મળી. જેમાં તેણે ફરી બોડી ટ્રાન્સફોર્મેશનનો જલવો બતાવ્યો છે. પણ આ બધી ચિંતા માળીયે ચડાવી જેટલી જોઈ તેના પર પ્રકાશ પાડીએ.
Spider-Man: Into the Spider-Verse
ઓલરેડી ગોલ્ડન ગ્લોબ એર્વોડ જીતી ચૂકેલી ફિલ્મ સ્પાઈડર મેન ઈન ટુ ધ સ્પાઈડર વર્સ એનિમેશન વિભાગમાં જીતની સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. ગોલ્ડન ગ્લોબ જીતી ચૂકેલી ફિલ્મો આત્મવિશ્વાસથી એટલી સભર હોય છે કે તેમને ઓસ્કર પણ જીતી જવાનો ઓવરકોન્ફિડન્સ હોય છે, પણ ઓસ્કરમાં પહોંચે ત્યાં ભાંગીને ભૂક્કો થઈ જાય. ઘણાં ઉદાહરણો છે. આ વખતે એનિમેશન ડિપાર્ટમેન્ટમાં બે સુપરહિરો ફિલ્મની ટક્કર છે. ઈનક્રેડિબલ-2 અને સ્પાઈડરમેન ઈન ટુ ધ સ્પાઈડર વર્સ. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે એક બ્લેક (હબસી) સ્પાઈડર મેન હોઈ શકે. આપણા મનમાં સ્પાઈડર મેન એટલે ગોરોચટ્ટો પીટર પાર્કર. આ ફિલ્મ થીએટરમાં લાગી હતી ત્યારે જોનારા બે જ પ્રેક્ષકો હતા. એક હું અને એક ચિંતન ભોગાયતા. ઓસ્કરનાં પાટે ચાલતી ગાડી ફસ્ટ હાફમાં તો બોર કરે જ કારણ કે સુપરહિરો ફિલ્મ પર લાગેલા ટ્રેડ માર્ક પ્રમાણે,‘મને મળેલી શક્તિઓનો કયા કામની છે ?’ આ વિચારમાં ફિલ્મ દોડ્યે જાય. ફિલ્મ એક કલાક પછી જે સ્પીડે ભાગે છે તેટલી સ્પીડમાં કદાચ અમદાવાદ મેટ્રો પણ નહીં ભાગે. જબરદસ્ત સસ્પેન્સ ખુલે. એકથી એક ખૂંખાર વિલનો સામે આવે. જેને ડેરડેવિલમાં જોઈ ચૂક્યા છીએ તે કિંગપીન સ્પાઈડર મેનમાં વિલન બન્યો છે. સાથે પાંચ પાંચ સ્પાઈડર મેન. જે બધા પોત પોતાની દુનિયામાંથી આવ્યા છે. ભૂંડ પણ સ્પાઈડર મેન !! જાપાનનો પણ સ્પાઈડર મેન !!! વધારે રસોયા રસોઈ બગાડે પણ માર્વેલનો જેના પર થપ્પો લાગી ગયો હોય તે રસોઈ થોડી બગડવા દે ! આટલા બધા હિરોસને એક સાથે ભેગા કરી મનોરંજન સાથે સસ્પેન્સરંજન અને એક્શનરંજનનો ડોઝ પણ આપ્યો. પોતાની કાળી ચામડીને સ્યૂટ કરે તે મુજબનું નવું સૂટ પણ નવા સ્પાઈડર મેને બનાવ્યું. ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેનું મ્યુઝિક છે. યુટયુબ પર એક સામટા ઘણાં બધા ગીતો છે. સવારમાં જીમમાં જઈ બાવડા બનાવવા હોય તો હેન્ડસફ્રીને કાનમાં નાખી મ્યુઝિક સાંભળવું. Vince Staples જેણે બ્લેક પેન્થરનું ટાઈટલ ટ્રેક ગાયેલું તેનું ગીત બિલ્ડીંગમાંથી કૂદકો મારવા પ્રેરિત કરશે, પણ તેવું કરવું નહીં. શક્તિમાન બચાવવા નહીં આવે ! ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર અગુષ્ઠ અને તર્જનીને ભેગી કરી મધ્યમા, અનામિકા અને કનિષ્ઠિકાને એન્ટીનાની જેમ ઉપર રાખો તેવું છે ! આ ફિલ્મ તમામ વયના લોકો માટે બનાવવામાં આવેલી છે. મૂળ તો ફિલ્મનો એલિમેન્ટ મોટિવેશનનો છે. તમે જીવનમાં સાવ હારી થાકીને ભૂક્કો થઈ ગયા હો અને દેવહુમાની માફક બેઠુ થવું હોય તો સ્પાઈડરમેન જોવી. ઘણા સીન ઘણા ડાઈલોગ ફિલ્મની જરૂરિયાત પ્રમાણે રિપીટ થાય છે, પણ તે રિપીટમાં પણ એડિટર અને વીએફએક્સ વિભાગે કમાલ કરી બતાવ્યો છે. જેથી ભૂલ નામનો ભમરડો નહીં કાઢી શકો.
ફિલ્મીબોધ : સિનિયર્સ તમને વારંવાર ટોક્યા રાખે તેનો અર્થ તે તમારી સાથે પોલિટિક્સ રમી રહ્યા છે તેવું દરેક વખતે ન માનવું. હોઈ શકે તે તમારામાં સુષુપ્ત થઈ બેઠેલી શક્તિને જગાડવાનો પણ પ્રયત્ન કરતા હોય.
Green Book
આ ફિલ્મ માટે કોઈ શબ્દ નથી. તેને શબ્દોમાં વર્ણવી ન શકાય તેને સિનેમાના આશિક તરીકે લાગણીથી જોઈ શકાય. આ ફિલ્મ એક સત્યકથા પર આધારિત છે. પ્રવાસના શોખીનો માટે રોડ ટ્રીપ છે. ઈમોશનલ ફિલ્મો જોનારાઓ માટે રડવા માટેનું ઉત્તમ સાધન છે. મિત્રતા માટેની શ્રેષ્ઠ વ્યાખ્યા છે. કેવું લાગે જ્યારે 60ના દાયકામાં એક નીગ્રો પીયાનો પ્લેયર પોતાની નીચે એક ગોરાને કામે રાખે ? જ્યારે ગોરાઓ કાળીયાઓને કામે રાખતા હોય ત્યારે કાળીયો ગોરાને કામે રાખે !! એ પણ કોઈ પ્રકારના કોરડા વીંઝ્યા વિના. આખી રોડ ટ્રીપ દરમિયાન આ એક વિસ્મયનો મુદ્દો બનીને રહી જાય. રસપ્રચૂર સંવાદો આવ્યા રાખે. ગોરો કાળાની મદદ કરે કાળો ગોરાની મદદ કરે. અને અંત તમારા ચહેરા પર એક ભીની સ્માઈલ છોડીને ચાલ્યો જાય એ પણ હરખની. વીગો મોર્ટેનશને ટોની લીપના કેરેક્ટરમાં જીવ તો રેડી જ દીધો છે, પણ અદભૂત છે મૂનલાઈટનો કલાકાર મહેરશલ્લા અલી. આ વ્યક્તિનો અભિનય ન જોયો તો શું જોયું ? બેસ્ટ એક્ટર ઈન સપોર્ટીંગ રોલનું નોમિનેશન તેની પાસે છે. હકિકતે ફિલ્મ જોશો તો ખ્યાલ આવશે કે અલી લીડ રોલના ઓસ્કર માટેનો હકદાર છે. ફિલ્મની રિયલ કથાને નેટ પર સર્ચ મારશો તો મળી જશે. પણ પહેલા ફિલ્મ જોવી અને પછી સર્ચિંગનું ગમતું કામ કરવું. મસ્ટ વોચ અને ટોપ ટેન ફિલ્મોની લિસ્ટમાં મુકી શકાય તેવું ઉમદા કાર્ય.
ફિલ્મી બોધ : બે પુરૂષોને ટ્રાવેલ ટ્રીપ પર મોકલી તેમની વર્તુણક અંગે નિરીક્ષણ કરવાની મઝા જ અલગ છે.
A Quiet Place
2020ની સાલ છે અને ત્રણ મહિના પૂરા થઈ ચૂક્યા છે. માનવજાતની વસતિ ખૂબ ઓછી છે. રાત પડતા મકાનની ઉપર ચડી ચાડીયાની મુદ્રામાં સ્થિતપ્રજ્ઞ થઈ જોવામાં આવે ત્યારે આસપાસ દેખાતી આગથી કેટલા લોકો બચેલા છે તેની આંકડાકિય માહિતી મળે. વસતિ ગણતરી ઘરના માળીયે ચડીને કરી શકો. સાવ શાંત જગ્યા. ધૂળની નાની અમથી ડમરી પણ ઉડતા પહેલા 100 વખત વિચારે. ફિલ્મના લીડ કલાકારો પણ સાઈન લેગ્વેજમાં વાત કરે. એવા ભયાનક રસવાળા આ વિસ્તારમાં એક ફેમિલી વસવાટ કરે છે. પતિ છે, પત્ની છે, એક દિકરો એક દિકરી. ફિલ્મની શરૂઆતમાં જ દિકરાનું કાસળ નીકળી ચૂક્યું છે. કેવી રીતે ? એ ફિલ્મ જોઈ ખ્યાલ આવી જશે. જો અવાજ કરો તો મોતને ઘાટ ઉતરી જાઓ. એવામાં લીડ એક્ટ્રેસ એમીલી બ્લૂન્ટ બાળકને જન્મ આપવાની હોય, તેનો પગ ખીલી પર આખેઆખો બેસી જાય અને કલાકારોની નહીં પણ તમારી ચીસ ગળામાં ધરબાઈ જાય. નાની નાની સિચ્યુએશનથી 1 કલાક 30 મિનિટની ફિલ્મ બની છે. ફિલ્મના લીડ સ્ટાર અને ડાયરેક્ટર જ્હોન કરન્સકી અને એમીલી બંન્ને પતિ-પત્ની છે. 2013થી સાયલેન્ટ ફિલ્મ જોતા આવતા જ્હોને આ માસ્ટરપીસ બનાવી છે. બે ફકરાના ડાઈલોગ વાળી આ ફિલ્મ બેસ્ટ સાઉન્ડ માટે નોમિનેટ થઈ છે.
ફિલ્મી બોધ : દુનિયાની સૌથી ભયાવહ ગણાતી વસ્તુનું સમાધાન પણ માણસના ભેજા પાસે છે. શરત એટલી કે ઉપયોગ કરતા આવડવું જોઈએ.
Bohemian Rhapsody
ફ્રેડી મરક્યૂરી નામનો એક જુવાન છે. હાથમાં ચબરખી પકડી કંઈક લખ્યા કરે છે. લખાણપટ્ટીમાં ભૂલ લાગે તો છોલાયેલી પેન્સિલથી ભૂંસી નાખે છે અને ફરી લખે છે. કાગળ જ્યારે પલટાવે ત્યારે ખ્યાલ આવે કે તે એક કાગળમાં ઘણું લખી ચૂક્યો છે. 1970માં ફ્રેડી મરક્યૂરી એટલે કે ક્વીન બેન્ડના રોકસ્ટારનો ઉદય થયો. ઘણા લોકોને જીવનમાં કેટલીક વસ્તુઓ ઝડપથી મળવા માંડે છે. બસ માગવાની તાકાતમાં સચ્ચાઈ હોવી જોઈએ. ફ્રેડી કોઈ વાતે અચકાતો નથી. નોસીખીયો ફ્રેડી કોઈ પણ બેન્ડની સામે જઈ પોતાની પ્રતિભાનો પરચો આપી દે છે. આમ તેની જેવા રખડતા ત્રણ બેન્ડ માસ્ટર સામે તે ગીત ગાય છે અને ટીમ બનાવી બની જાય છે સુપરસ્ટાર. ધીમે ધીમે પ્રગતિ થવા માંડે છે. ફ્રેડીને જલ્દી જલ્દી બધુ મળી જાય છે. આ ફિલ્મની સ્ટોરી રોકસ્ટાર ફિલ્મની માફક નથી કે કલાકાર માટે દિલ તૂટવું જરૂરી છે. જનાર્દન જાક્કડને જોર્ડન બનવા જીમ મોરિસનમાંથી મોટિવેશનની જરૂર પડેલી તેવી પણ નથી. આ એક ચોખ્ખા પાણી જેવી બાયોપિક છે. હા, ફ્રેડીનું દિલ તૂટે છે પણ ત્યાં સુધીમાં તો ગાડી સ્ટેશનેથી ઉપડી ચૂકી છે. ફ્રેડી બાયોસેક્સ્યુઅલ છે. એ સ્ત્રી જેવા કપડાં પહેરી સ્ટેજ પર ઉટપટાંગ ઉરાંગોટાંગ હરકતો કર્યા રાખે છે. તેની આ હરકતો જ તેની સ્ટાઈલ બની જાય છે. જેના સ્ટેટમેન્ટ રૂપે તેને પહેલી ગે કિસ પણ મળે છે. સોજી ગયેલા હોઠને ઢાંકવા માટે તે મુછો ઉગાડે છે. પોતે ગે કોમ્યુનિટીને પ્રમોટ કરી રહ્યો છે આ માટે જીન્સ પહેરે છે. બાવડામાં બાજુબંદ્ધ લગાવે છે, પણ આવું કરવાથી તેની ઓળખ દબાઈ નથી જવાની. આ એક ટીપિકલી બોલિવુડ ફિલ્મ છે. જમાનો ગમે તેટલો આધુનિક બની જાય પરંતુ પિતા હંમેશા દિકરાને શું સારું છે તેવો અરિસો બતાવવામાંથી પીછેહટ નથી કરવાના. ફ્રેડીના પિતા પણ એવા જ છે. દિકરો કંઈ ઉકાળી નથી રહ્યો આ માટે ટોક્યા રાખે છે. શા માટે પિતા આવા છે ? કારણ કે પિતાશ્રી ભારતના છે. ફ્રેડી ઝાંઝિબારમાં જન્મ્યો હતો, એવી પારસી ફેમિલીમાં જેના મૂળીયા ભારતમાં છે. ફિલ્મ મસ્ટ વોચ છે. રામી મલેક સુપર્બ. 70ના અમેરિકા અને બ્રિટનને બતાવવા સિનેમેટોગ્રાફર ન્યૂટન થોમસે પોતાની બુદ્ધિશક્તિને ધારદાર તલાવરની જેમ વાપરી છે. ફ્રેડી મરક્યુરીએ ગાયેલા ગીતો એ સમયે હિટ હતા 2018માં તે સુપરહિટ થઈ ગયા છે. કોઈના પણ જીવન પર બાયોપિક ફિલ્મ બને એટલે તે વ્યક્તિ લાર્જર ધેન લાઈફ થઈ જાય તેવી જ રીતે. ફિલ્મમાં બ્રોમાન્સ છે. લીડરશિપ છે. સફળતા છે. એક રોકસ્ટાર ફિલ્મમાં હોવા જોઈએ તે તમામ લક્ષણ છે.
ફિલ્મી બોધ : ટેલેન્ટ એ પાગલપંતી છે. બીજા કોઈ શું વિચારશે તેની પરવા કર્યા વિના એક વાર કોઈને તમારું ટેલેન્ટ બતાવશો તો 99 લોકો ગાંડા ગણશે અને 1 ને તેમાં રસ પડશે. શું ખબર આવું રોજ કરતા રહેવાથી 100 ટકામાંથી એ એક વ્યક્તિ તમારા કરિયરની ગાડીને પૂરપાટ વેગે દોડાવી દે.
~ મયૂર ખાવડુ
Leave a Reply