મકાન માલિકે બારીઓ ખોલીને ઓરડો બતાવ્યો; ‘આ રૂમ છે, . . . પંખો છે, પણ બારીઓની સગવડ એવી છે કે પંખાની જરૂર નહીં પડે !’ હવાઉજાશ સારાં હતાં એટલે મકાન ગમી ગયું. ભાડું નક્કી કરી સામાન લેવા ઘેર આવ્યો.
આ ગામની શાળામાં શિક્ષક તરીકે મારી નિમણૂક થઇ હતી. ગામ નાનકડું પણ સરસ હતું. વળી મારા રહેણાકની પશ્ચિમાદિ બારી સમે જ નદી હતી. સાંજેબારી ખોલતાં નદી-કાંઠેનાં લીલાંછમ્મ વૃક્ષોનાં નદીના નિર્મળ જળમાં પડતાં પ્રતિબિંબ અને તેની પાછળ અસ્ત તહતો સૂર્ય જોતાં જીવનની ગહટમાળ વિશે વિચારતાં-વિચારતાં સાંજ પસાર થઇ જતી. ગામલોકો ભલાં અને સરળ હતાં, ખલેલ પાડતાં નહોતાં તેથી મને ગામમાં સારું ફાવી ગયું. દિવસ આખો શાળામાં પસાર થઇજતો. સાંજે ઘેર આવી, બારી પાસે ખુરસી રાખી, કોફીના ઘૂંટ ભરતાં નદી પરથી આવતાઠંડા પવનની મઝા માણતા રહેવાનો નિયમ બની ગયો હતો. અથવા અડોસપડોશનું કોઈ આવી ચડે તો વઆતો ચાલતી રહેતી. બારી, નદી, ગામના માનસો અને આ ઘર સાથે આત્મિયતા બંધાઇ ગઇ.
એક સાંજે થાક્યો પાક્યો આવ્યો, કાયમ પ્રમાણે કોફી બનાવી બારી પાસે જઇ બેઠો. થોડીવારે ફડફડાટ જેવું સંભળાયું.જોયું તો માળિયા પર એક કબુતરયુગલ માળો બાંધવાના પ્રયત્ન કરતું હતું. ‘આ પળોજણ વળી ક્યાં વળગી !’ મેં વિચાર્યું. આમેય મને ઘર સાફ કરવાની ભારેઆળસ.વધુમાં, તણખલાં, ચરક અને ઉપરથી ઘૂ….ઘૂ….ચીં….ચી…. તો ખરું જ. એને આવવા-જવા બારી પણ ખુલ્લી રાખવાની વ્હિંતા રાખવીપડશે. આ બધી ઝંઝાળ આપણને પોસાય નહીં. એટલે ઊભા થઇ કબૂતરોને ઉડાડી મેલ્યાં અને અધૂરા માળાનાં તણખલાં, દોરા ફગાવી દીધાં બારીની બહાર.
પરંતુ બીજે દિવસે જોઉં તો બેગણો માળો તૈયાર ! ફર્શ આખી તણખલાં તણખલાં ! મને ઝાંઝ ચઢી ! મઆળો તો નથી જ કરવા દએવો. માળિયાની કોરે બેઠાં કબૂતર ફરી વખત પોતાનામાળાને બહાર ફેંકાતો જોઇ રહ્યાં. એની આંખો જોતાં મને લાગ્યું કે હવે અહીં માળો નહીં કરે. પરંતુ ત્રીજે દિવસે પણ માળો ફરી તૈયાર ! મને થયું, આ કબૂતરાંઓને પણ મારી જેમ જ આ ઘર ગમી ગયું લાગે છે. વાંધો નહીં, બેટાંઓ, રહો તમતમારે મોજથી રહો.
પછી એનું આવવું-જવું, ઘૂ….ઘૂ….ઘૂ…. અને ફફડાટ મને ફાવી ગયાં. કબૂતરોએ મારું એકાંત ખંડિત કર્યું પણ મારી એકલતાને સભર બનાવી દીધી. હવે સાંજની વેળા કબૂતરોની ઊડાઊડ નીરખતાં વીતી જતી. ચાંચમાં ચાંચ પરોવી ઘૂ…ઘૂ….ઉ… બોલતાં પ્રેમની કેવી અભિવ્યક્તિ કરતાં ! ક્યારેક રૂસણાં તો ક્યારેક ગુસ્સો પણ ખરો. કબૂતરો કંઇ ભૂલ કરે તો કબૂતરી પાંખોથી એને બરાબરઝાપટી નાંખે ! બિચારો કબૂતરો !!
થોડા દિવસ પછી કબૂતરીએ ઊડવાનું બંધ કરી દીધું અને આખો દિવસ માળામાં બેઠી રહેતી. એક વઆર કબૂતરી થોડીવાર બહાર ઊડી ગઇ ત્યારે જોયું તો માળામાં સઅરસ મજાનું લખોટા જેવું સફેદ સફેદ ગમી જાય એવું ઈંડું ! ઈંડું જોઇ હું લગભગ ઘેલોજ બની ગયો….થોડા દિવસોમાં આ ઈંડામાંથી એક નાનું મજાનું ગાભા જેવું બચ્ચુંનીકળી આવશે…. પછી એનાં મા-બાપ ખોરાક લાવી એના મોમાં મુકશે….પછી…હું બચ્ચાંની રુવાંટી, એનાં ચીં….ચીં…. વિશે કલ્પનાઓ કરતો હતો તયાં પેલાં કબૂતરો બહારથી ઊડતાં આવીને થોડે દૂર માળિયામાં આવી ઘૂ….ઘૂ…. કરતાં બેઠાં, અને મને સાશંક નજરે જોઇ રહ્યાં. હું નીચે ઊતરી ગયો એટલે ઈંડાંપાસે પહોંચી ગયા6. એની આંખોમાં શંકા પછવાડે ઈંડાંનાં ક્ષેમકુશળ અને વાત્સલ્ય ઝલકતાં હતાં. મા ઈંડાને સેવતી હતી અને કબૂતરો માળાની આજુબાજુ ગળું ફુલાવીને ચક્કર લગાવતો હતો. કાલે આ બચ્ચું મોટું થઇને ક્યાંક ઊડી જશે અને માબાપથી અપરિચિત પણ બની જશે. કેવી અપેક્ષાવિહીન ચાહના !
પછી તો સમય મળે ત્યારે કબૂતરોની પ્રવૃત્તિ જોવાનો જાણે નિત્યક્રમ થઇ ગયો. કબૂતરી ઈંડું સેવે અને પેલો મુરખ ઊડીઊડીને બહાર જાય અને ખાવાનું ભેગું કરીને કબૂતરીને ખવડાવે, બરોબર માણસની જેમ.
વચ્ચે મારે બહારગામ જવાનું થયું. નિકળ્યો ત્યારે બારીનાં વેન્ટિલેશનખુલ્લાં રાખવાનું ચૂક્યો નહીં. આવ્યો અને બારીઓ ખોલતાં જ બંને કબુતરો બહાર ઉડી ગયાં. બચ્ચું કેવડું થયું હશે? જોયું તો માળામાં સરસ મજાનું નાનકું પારેવડું ગુલાબી આંખો મટકાવતું બેઠું હતું ! વાહ ! હું ખુશ થઇ ગયો. સાંજે મોજથી રસોઈ બનાવી જમ્યો.
ફરી પએલી આવન-જાવન, ઊડાઊડ, ઘૂ…..ઘૂ…. અને ચીં….ચીંની દુનિયામાં હું ડૂબીગયો, બચ્ચુ પણ હવે પહેલાં કરતાં સારું દેખાવા લાગ્યું હતું. રુવાંટીને બદલે સરસ મજાનાં પીંછાં પણ આવી ગયાં હતાં. એક-બે વઆર તો ઊડવાના પ્રયત્નમાં ભાઇસાહેબ જમીન પર ચતાપાટ ! એક વાર તો બિલાડી કોળિયો જ કરી જાત પણ સદ્દ્ભાગ્યે હું હાજર હતો. ‘બચ્ચા,થોડું ખાઈ પીને તાજું થઇ જા પછી ઊડજે’ એવી સલાહ આપી તેને માળામાં મૂકી દીધું. અને આમ કબૂતરો સાથે મારા મૂક સંવાદો ચાલતા રહ્યા.
વરસાદ લગભગ વરસ્યો જ નહોતો તેથી ઉનાળો આ વખતેઆકરો બેઠો. હવા પણ લૂ બનીને આવતી હતી. નાનકડા ઓરડામાં ઘામ થતો હતો. કબૂતરો બહાર નીકળતાં નહીં અને બપોર આખી હાંફ્યા કરતાં, બચ્ચુ હવે થોડું થોડું ઊડતાં શીખી ગયું હતું. એ બીએ તઓ એની મા એને ચાંચથી બહાર ધકેલે. દરેક વખતે થોડું ઊડી જમીન પર પડી જતું, પણ જન્મજાત શક્તિ અને ઈચ્છાથી ફરી ઊડતું, ફરી માળામાંપહોંચી જતું. પછી તઓ પોતે ઊડી શકે છે એવું ભાન થતાં જાતે પણ ઊડવાના પ્રયાસ કરવા માંડ્યું.
આજે રજા હતી તેથી જમીને બારી પાસે બેઠો હતો અને કબૂતરના માળા તરફ જોતાં વિચારતો હતો કે , – લો, આ બચ્ચું તઓ મોટું થઇ ગયું. કાલ સવારે ફરરફટ્ટ કરતું ઊડી જશે અને વધુ મોટું થઇ કોઇ કબૂતરી સાથે ક્યાંક પોતાનો માળો બાંધશે અને કબૂતરી ઈંડાં મુકશે અને સેવશે અને એ મૂરખ એના બાપની જેમ જ કબૂતરીની પાંખોની ઝાપટો ખાશે અને ચણ લાવી આપશે….. ફરી ઈંડું…..ફરી બચ્ચું……….. ફરી આવન-જાવન, ફરી ઊડાઉડ, ફરી ઘૂ….ઘૂ, ફરી ચીં….ચીં – વિચારતાં વિચારતાં મારી આંખો મળી ગઇ અને હું તંદ્રામાં સરી પડ્યો. અચાનક એક ધડાકો થયો અને મારી આંખો ખૂલી ગઇ. જોઉં તો આખા ઓરડામાં પંખાની હવામાં ઊડતાં કબૂતરનાં પીંછાં જ પીંછાં….! બચ્ચું ઊડવા જતાં પંખામાં અથડાઇ પડ્યું હતું અને પીંછાંનો પીંખાઇ ગયેલો લોચો થઇને જમીન પર પડ્યું હતું. દોડીને મેં તેના પર પાણી રેડ્યું. પણ એણે છેલ્લો છેલ્લો તરફડાટ માર્યો, આંખો તરડાઇ ગઇ, અને માથું ઢાળી અઅ દુનિયા છોડી ચાલ્યું ગયું. એના માબાપનાં વાત્સલ્ય, એની ગગનવિહારી આકાંક્ષાઓ અને મારી કલ્પનાઓનાં પીંછાં આખા રૂમમાં વેરાઇ ગયાં.
રોજ સાંજે હું બારી પાસે બેસી બહાર તાક્યા કરતો અને જીવન શું છે તે વિશે વિચાર્યા કરતો પણ એ ગહન રહસ્યનો કોઇ ઉકેલ મને મળ્યો નહોતો.
આજે મને સમજાયું કે જીવન એટલે શું ?
– ધર્મેન્દ્ર ત્રિવેદી.
( ગાંધીનગર)
Note : પ્રથમ લખાણ તા. ૧૯૮૯ (શ્રી જનક્ભાઇ ત્રિવેદીના સહકારથી લખાયેલી પ્રથમ વાર્તા)[ડિસેમ્બર ૧૯૮૯ ના ‘નવચેતન’માં પ્રકાશિત થયેલી.]
Leave a Reply