સુલ્તાન અલાઉદ્દિન ખિલજી. જન્મ સમયે નામ જુના મહોમ્મદ ખીલજી. ખીલજી કોઈ દિવસ કોઈ સ્વરૂપવાન સ્ત્રીના પ્રેમમાં નથી પડી શક્યો. ફેસબુકમાં જે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનું સ્પીકીંગ ટ્રી પેજ છે, તેમાં વિગતવાર અલાઉદ્દિનના બાયોસેક્સુઅલ કારનામાનું વર્ણન કરવામાં આવ્યું હતું. જેમાં હતું કે મલ્લિક કાફુર સાથે તેને સંબંધો હતા. 1296થી 1336 ખિલજી… ખિલજી સામ્રાજ્યનો એકમાત્ર એવો શાસક હતો જેનું નામ ઈતિહાસમાં લેવું અને જીભથી બોલવું સૌ કોઈને પસંદ આવે. પોતાની મહાત્વાકાંક્ષાના કારણે જ અલાઉદ્દિને પોતાના કાકા જલ્લાલુદ્દિન ફિરોઝની હત્યા કરી અને સત્તામાં આવ્યો. ભારત વર્ષના મોટાભાગના રાજ્યોને પોતાના હસ્તગત કર્યા બાદ ખીલજીને નવું નામ મેળવવાની ચાહના પેદા થઈ. તેના મગજના તંતુઓમાં એવુ કેમિકલ ચાલતું હતું કે, હું બીજો સિકંદર છું. એટલે તેણે પોતાનું નામ પણ સિકન્દરે-આઈ-સની રાખવાનું નક્કી કર્યું. જેની પાછળનું કારણ ખિલજી ભારતનો એવો પ્રથમ મુસ્લિમ શાસક હતો, જેણે દક્ષિણ ભારતમાં વિજય પ્રાપ્ત કરી પોતાનું શાસન અને વિસ્તાર વધારેલો. શાસનમાં આવવાની સાથે જ ખિલજીનો પહેલો અને મહત્વપૂર્ણ નિર્ણય દારૂ જ રહ્યો. તમે તમારા ઘર કે પીઠામાં બેસીને શરાબ પી શકો. પરંતુ રસ્તામાં ખુલ્લેઆમ દારૂ પીને ટીંગલ નહીં કરવાનું.
ઈતિહાસવિદ્દો નોંધે છે કે ખિલજીએ પોતાના બળબુતા પર કશું નહતું કર્યું. મલ્લિક કાફુર અને બીજો ખુશ્રવ ખાન આ બે એવા શાસકો હતા જેનાથી ખિલજીએ પોતાની તાકતનો પરચો આપ્યો. બરાબર એવી રીતે, જે રીતે બહેરામ ખાનના કારણે અકબરની હાજરી નોંધાઈ. નિયમ પ્રમાણે ખિલજી જે રીતે પોતાના શાસનને વધારતો ગયો તે પ્રમાણે તેના વફાદારો અને ચાપલુશી કરનારાઓની પણ સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ. એ સમયે મંગોલોનું આક્રમણ ભારતમાં સૌથી વધારે થતું. ખિલજીએ મંગોલોને હરાવ્યા. મંગોલોને હરાવતા જ એશિયાના સેન્ટ્રલમાં ખિલજીનું પ્રભૂત્વ વધ્યું અને તેના નામના ડંકા પણ વાગ્યા. સેન્ટ્રલ એશિયામાં જ્યાં ખિલજીએ મુલ્ક કબ્જે કર્યો, તેને અત્યારે અફઘાનિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. કોહિનૂર હિરાનો ઈતિહાસ તો જૂનો છે. પરંતુ વારંગલના કાકતિયોને હરાવીને ખિલજીએ કોહિનૂર હિરો પણ મેળવેલો !
1250માં બંગાળના બિરભૂમિ જિલ્લામાં જન્મેલા પિતા શાહબુદ્દિન મસુદ્દે ખિલજીનું નામ જુના મહોમ્મદ ખિલજી રાખ્યું હતું. પિતાએ ખિલજી વંશની સ્થાપના કરેલી. પિતા અને તેના ભાઈ જલ્લાલુદ્દિન ફિરોઝ ખિલજી વચ્ચે સારા સંબંધો હતા, પરંતુ આખરે ખિલજીએ સત્તા મેળવવાની લાલસામાં તેમની હત્યા કરી નાખી.
પિતાની મૃત્યુ બાદ કાકાએ તેને માન આપવા ખાતર પોતાના રાજ્યનો આમિર-આઈ-તુઝુક બનાવ્યો હતો. 1291માં જ્યારે મલ્લિક છજ્જુએ બળવો કર્યો, ત્યારે ખિલજીએ આ બળવાને દબાવાનો પ્રયાસ કર્યો, જેમાં તેને સફળતા પણ મળી. તેના આ કારનામાથી ખૂશ થઈને કાકાએ તેને રાજ્યપાલની પદવી આપી દીધી. પણ માણસ જેમ ગાદી મેળવતો જાય તેમ તેની લાલસામાં પણ વધારો થવાનો. તેમાં પણ ભિલસા જીત્યા પછી તેને અવધ પ્રાન્ત પણ આપી દેવામાં આવ્યો, પરંતુ પોતાને મળેલી સત્તા ખૂબ ઓછી લાગી. આખરે પોતાના મનસૂબાને પાર કરતા કાકા જલ્લાલુદ્દિન ફિરોઝની હત્યા કરી ગાદી પર આવ્યો. આ એવો સમય હતો જ્યારે સુલ્તાન અલાઉદ્દિન ખિલજીને લગભગ 2 વર્ષ સુધી રાજ્યમાં બળવાનો સામનો કરવો પડ્યો. પરંતુ જનતાને સમજાવવામાં ખિલજી કામિયાબ થયો અને તેમના ગળે ઉતારી દીધુ કે, હું જ તમારો શાસક છું.
1296થી 1308માં ખિલજી સામ્રાજ્ય એટલે દિલ્હી પર સૌથી વધારે મંગોલોએ આક્રમણ કર્યું. અનુક્રમે જાલંધર, કિલી, રવિ જેવા રાજ્યો પર મંગોલોએ આક્રમણ કર્યા અને અલાઉદ્દિને આ તમામ આક્રમણકારોને પૂરતો જવાબ આપ્યો. કિન્તુ હવે પાણી સરથી ઉપર જઈ રહ્યું હતું. અને અલાઉદ્દિને પોતાના ઘાતકી પણાનો વિશ્વને પહેલો નમૂનો આપ્યો. 1298માં ખિલજીએ મંગોલો પર આક્રમણ કર્યું. લગભગ 30 હજાર મંગોલોને મારી નાખ્યા અને તેમની સ્ત્રીઓ અને બાળકોને પોતાના ગુલામ બનાવી લીધા.
તમામ આક્રમણકારોની નજર હંમેશા ગુજરાત પર રહી છે. અને ખિલજીને માનવામાં પણ નહતું આવતું કે હું ગુજરાત પર હુમલો કરીશ અને મને મલ્લિક કાફુર મળી જશે. ગુજરાતની જીત બાદ ઉલુઘ ખાન અને નુસરત ખાન આવા બે જનરલો ખિલજીને મળ્યા. પરંતુ તેમનો મનગમતો જનરલ બન્યો મલ્લિક કાફુર. મલ્લિક સાથે મળીને તેમણે રાજપૂતો પર હુમલો કર્યો. જ્યાં પૃથ્વીરાજ ચૌહાણના વંશજ એવા હમીર રાવ શાસન કરતા હતા. ઈતિહાસમાં નોંધ્યું છે કે, હમીર રાવે બહાદુરી પૂર્વક લડત આપી. કિન્તું ઈતિહાસ તો એવું પણ કહે છે કે, આપણા શાસકો મુસ્લિમો સામે નબળા પણ પૂરવાર થયા હતા. હવે એ ક્યાં કહેવું !!!!
ખિલજી પોતાનું સામ્રાજ્ય અને વિસ્તાર વધારતો જતો હતો, પરંતુ વચ્ચે એક અડચણ આવી ગઈ. જેનું નામ પદ્માવતી. મહારાણી પદ્માવતી. મલ્લિક મહોમ્મદ જાયસીએ પદ્માવતીની સુંદરતાનું તેની કવિતામાં વર્ણન કર્યું છે. ત્યારથી કેટલાક લોકો પદ્માવતી હતી કે નહીં તેવું પણ માનવા લાગેલા. કેમ કે કવિ તો ગમે તે કરે ! પણ ખિલજી અને મહારાવલ રતન સિંહ હતો એટલે પદ્માવતી પણ હોવાની. ગંધર્વ અને રાણી ચંમ્પાવતીની દીકરી પદ્માવતી. જેની પાસે હિરામણી નામનો એક બોલતો પોપટ હતો. કવિતામાં કહેવાયું છે કે, રાણી જો પાણી પીતી કે પાન ખાતી તો પણ તેના ગળામાંથી આ પ્રવાહી જતું હોય તે જોઈ શકાતું. આખરે રાણીના વિવાહની ઘડી નજીક આવી. અને સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં મલકાન સિંહને રાજા રાવલ રતનસિંહે હરાવી પદ્માવતી સાથે લગ્ન કર્યા. ત્યાર સુધીમાં રાજા રાવલ રતનસિંહની 13 પત્નીઓ હતી. પદ્માવતીને રાવલ રતન એટલો પ્રેમ કરતા હતા કે તેમણે પદ્માવતી બાદ કોઈ સાથે વિવાહ ન કર્યા. સિસોદિયા વંશના સમ્રાટ એવા રાવલ રતનસિંહને પોતાની પ્રજા સિવાય કલા અને સાહિત્યનો ખૂબ શોખ હતો. જે ભવિષ્યમાં અડચણનું કારણ પણ બન્યું.
રાજા રાવલ રતનસિંહના શાસનમાં ગાયક રાઘવ ચેતક હતો. રાઘવની ગાયિકીનો દુનિયાભરમાં મુકાબલો કરવો મુશ્કેલ, પરંતુ તેની કાળી વિદ્યા પણ એવી જ હતી. એકવાર રાઘવે પોતાના આ કાળા જાદુનો ઉપયોગ રાજા સામે કર્યો અને પકડાઈ ગયો. રાજાને આ વાતનો ખ્યાલ આવ્યો, તો એમણે રાઘવને ગધેડા પર બેસાડી મોં કાળુ કરી અને રાજ્ય નિકાલ કરી દીધો. આખરે રાઘવે પોતાના અપમાનનો બદલો લેવા બળવો કર્યો. અને એ બળવાના બીજ હતા સુલ્તાન અલાઉદ્દિન ખિલજી…
રાઘવે પોતાના અપમાનનો બદલો લેવા સુલ્તાન અલાઉદ્દિન ખિલજી સાથે હાથ મિલાવ્યા. પરંતુ આ મુલાકાત આસાન નહતી. રાઘવને ખ્યાલ હતો કે સુલ્તાન રોજ શિકાર કરવા જંગલમાં આવે છે. અને કોઈવાર તે પોતાની વાંસળી સાંભળી તેની મુલાકાત કરવા આવશે, તેવું મનમાં સિક્રેટ કિતાબની જેમ ઠાલાવી દીધુ. અને એક દિવસ રાઘવની કિસ્મત ચમકી ગઈ. અલાઉદ્દિને રાઘવને બોલાવ્યો અને તેની વાંસળી વાદનના વખાણ કર્યા. રાઘવે અલાઉદ્દિન સામે રાણી પદ્માવતીની સુંદરતાના વખાણ કર્યા. અલાઉદ્દિનને લાગ્યું. જે રાજ્યનો વાંસળી વાદક આટલી સુંદર વાંસળી વગાડતો હોય, ત્યાંની રાણીની સુંદરતા કેવી હશે ??
અલાઉદ્દિનની ચિતોડમાં જવાની ઈચ્છા વધી ગઈ. પણ ત્યાં સુરક્ષા વ્યવસ્થા એટલી મજબૂત હતી કે કંઈ કરી ન શકાય. સુલ્તાન વિહ્વવળ બની ગયો. જેમ બે દિવસથી માવો ખાવા ન મળ્યો હોય. આખરે તેણે રાવલ રતનને એક સંદેશો મોકલ્યો. જેમાં લખેલું હતું કે, ‘હું સુલ્તાન અલાઉદ્દિન ખિલજી રાણીને બહેનની હેસિયતથી મળવા માંગુ છું.’ રાજા રાવલને ડર પેસી ગયો. કારણ કે અલાઉદ્દિન ખિલજી કંઈ નાનું નામ નહતું. અને રાજપૂતોની સ્ત્રીને તમે આ રીતે મળી પણ ન શકો. પોતાની પ્રજાની સુખાકારીને જોતા તેણે અલાઉદ્દિનને હા કરી નાખી.
પરંતુ એક શર્ત પર ? પદ્માવતીને તમે અરીસામાં જોઈ શકો. સુલ્તાને હા કહી અને જ્યારે પદ્માવતીનું સ્વરૂપ તેણે નિહાળ્યું તો તે દંગ થઈ ગયો. શિબિરમાં પરત ફરતા જ તેણે રાજા રાવલ રતનસિંહને કેદ કરી લીધો. અને બદલામાં રાણી પદ્માવતી માંગી. રાણી તો ન મળી પણ રાવલ રતન સિંહના એક કમાન્ડર ગોરાએ 150 પાલખી મોકલી. જેથી અલાઉદ્દિનને રાણી મળવા આવી રહી છે, તેવું લાગે. પણ પાલખીમાંથી સૈનિકો નિકળ્યા જે રાજા રાવલ રતનસિંહને છોડાવી ગયા. યુદ્ધમાં ગોરાને હણવામાં આવ્યો.
આખરે અલાઉદ્દિને ચિતોડ પર હુમલો કર્યો. કેટલાય દિવસ યુદ્ધ ચાલ્યું પદ્માવતીને ખ્યાલ આવી ગયો કે, મહારાવલની અલાઉદ્દિન સામે હાર નિશ્ચિત છે. એટલે તેણે જોહર કરી નાખ્યું. ખુદને આગમાં હોમી આત્મહત્યા કરી લીધી. આ ઘટના 1303માં બની.
આટલું થયા છતા અલાઉદ્દિનની ક્રૃરતાનો અંત ન આવ્યો. તેણે પોતાના જન્મસ્થાન બિરભૂમિમાં શાસન કરતા રાય કરણની દિકરીને ઉઠાવી લાવી તેના નિકાહ પોતાના મોટા દિકરા સાથે કર્યા. ઈતિહાસમાં અલાઉદ્દિન કેટલાક યુદ્ધો હાર્યો, પણ તે હાર્યા ન કહી શકાય કારણ કે જતા જતા તેણે ત્યાંની તમામ સંપતિઓ પોતાની કરી લીધેલી. આ સિવાય તેની દયાનો પણ એક નમૂનો છે, ખિલજીએ 50 ટકા કૃષિ કર માફ કરેલો, જે અત્યારે સરકાર નથી કરી શકતી.
અફઘાનિસ્તાન જીત્યા બાદ તેણે બચ્ચાબાજી શરૂ કરેલી. જેમાં પુરૂષ સ્ત્રીના પરિવેશને ધારણ કરે અને નૃત્ય કરે. જેમાં સુલ્તાનના બોયોસેક્સ્યુઆલીટીના બીજ રોંપાયેલા છે. આ બચ્ચાબાજી અલાઉદ્દિનના કારણે હવે માત્ર અફઘાનિસ્તાનમાં છે, બાકી મને ખબર નથી. સત્તાના છેલ્લા દિવસોમાં મલ્લિક કાફુરે અલાઉદ્દિનના મોટા દિકરાને ગાદી સંભાળવાનું કહ્યું. પરંતુ છેલ્લે અલાઉદ્દિને દેવનાગરીમાં મલ્લિક કાફુરને મોકલ્યો. જે ત્યાં ધન દોલત સાથે તેની બે દિકરીઓ સુલ્તાન માટે લઈ આવ્યો. હવે સુલ્તાન તો હવસનો ભૂખ્યો હતો. રાજ કુમારીઓ સાથે સહશયન માણવા ગયો, ત્યાં રાજકુમારીઓએ ચાલ ચલી અને કહ્યું તમારી સાથે સૂતા પહેલા મલ્લિક કાફૂર અમારી સાથે સૂઈ ચૂક્યો છે. અલ્લાઉદ્દિનના મગજનો પારો ગયો. એવું કહેવામાં આવે છે કે અલાઉદ્દિને મલ્લિકને ગાયની ચામડી સાથે બાંધી દિલ્હી લઈ આવવાનો આદેશ આપ્યો. જ્યારે દિલ્હી લઈ આવ્યા ત્યારે શ્વાસ રૂંધાવાથી તેની મોત થઈ. પછી અલાઊદ્દિનને ખ્યાલ આવ્યો, ‘મલ્લિક થોડો આ રાજકુમારીઓ સાથે સહશયન માણી શકે, તે તો કિન્નર છે !!’ અલાઉદ્દિને રાજકુમારીઓને પહાડી પરથી ફેંકાવી દીધી… આવો હતો અલાઉદ્દિન…
~ મયુર ખાવડુ
Leave a Reply