જ્યારે ઇન્ટરસ્ટેલર ફિલ્મ બનતી હતી ત્યારે અનુરાગ કશ્યપે ક્રિષ્ટોફર નોલાનની મુલાકાત લીધેલી. તેણે નોલાનને પૂછેલું,‘તમારી ફિલ્મ મમેન્ટો હિન્દીમાં બની છે, શું તમને ખ્યાલ છે…?’
‘હા મને ખ્યાલ છે, અને તે લોકોએ મને પૂછ્યા વિના બનાવી, રોયલ્ટી વિશે પણ નથી પૂછ્યું.’
આજ સવાલ અનિલ કપૂરે ઇન્ટરસ્ટેલર ફિલ્મનું ઓડિશન આપતી વખતે પૂછેલો ત્યારે નોલાનનો જવાબ આજ હતો. જોકે ઇન્ટરસ્ટેલરના ઓડિશનમાં તો તેલુગુ અને હિન્દી ફિલ્મનો કલાકાર સિદ્ધાર્થ પણ ગયેલો. પણ તેય ક્યાં સિલેક્ટ થયો.
નોલાનની રોયલ્ટી માગવાની વાત પરથી ડાર્ક નાઇટનો ડાઇલોગ યાદ આવી જાય, ‘કોઇ કામમાં તમે માહિર છો તો તેને ફ્રીમાં ન કરો.’
ડાર્ક નાઇટથી યાદ આવી ગયું એટલે કહી દઇએ કે, જોનાથન નોલાને જ્યારે ડાર્ક નાઇટ રાઇઝીઝનો ફસ્ટ ડ્રાફ્ટ તૈયાર કરેલો ત્યારે તે 400 પાનાનો થયો હતો. આટલો દળદાર સંગ્રહ ફિલ્મમાં કેવી રીતે ઉતારવો ? જોનાથને ક્રિસ્ટોફરને પૂછેલું, તે ટેલ ઓફ ટુ સીટી વાંચી હશે ? ક્રિસ્ટોફરનો જવાબ હતો નહીં, જોનાથને કહ્યું, આ બિલ્કુલ એવી જ છે. ટેલ ઓફ ટુ સીટીની માફક…
ડાર્ક નાઇટ રાઇઝીઝનો ત્રીજો પાર્ટ અને ટેલ ઓફ ટુ સીટીસ–ચાર્લ્સ ડિકન્સની નોવેલને સરખાવો તો થોડા પ્રસંગોમાં તમને સામ્યતા લાગશે.
નોલાનનું એક અલગ વિશ્વ છે. તેનું સિનેમેટિક ગ્રામર સમજવું બ્લેક હોલમાં પ્રવેશ કરવા બરાબર છે. નોલાનની એક ફિલ્મને સમજવા માટે વેબસાઇટોના રાફડા ફાટી નીકળે છે. ભારતમાં પણ ક્યા કુલ હૈ હમ જેવી ફિલ્મો જોનારો વર્ગ નોલાનની ફિલ્મ માટે લાઇન લગાવીને ઉભો હોય છે.
તમારી પાસે હોલિવુડની સારી ફિલ્મો જોવા માટે સારા ડિરેક્ટરોના ઘણા ઓપ્શન છે, પણ ભારતમાં જે રીતે નોલાને માર્કેટ ઉભું કર્યું તે રીતે કોઇ બીજો ડિરેક્ટર નથી કરી શક્યો. હા, અવેન્જર્સ, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફ્રેન્ચાઇઝી કે જુરાસિક પાર્કથી સ્ટીવન સ્પીલબર્ગે ઉભું કરેલું પણ નોલાન છેલ્લા એકાદ દાયકાથી ભારતમાં પોતાનું શાસન બનાવીને અડીખમ ઉભો છે.
ફેન ડિમાન્ડ પર તેણે કોઇ દિવસ કોઇ ફિલ્મ નથી બનાવી. અત્યારે પણ નેટ પર સર્ચ કરો એટલે નોલાનની અપકમિંગ મુવી બૉન્ડ ફિલ્મ હોવી જોઇએ તેવું ગોસીપમાં લખેલું આવે.
શા માટે લોકો એવું કહી રહ્યા છે કે, નોલાને બોન્ડ ફિલ્મ ડિરેક્ટ કરવી જોઇએ ?
~ નોલાને સાત વર્ષથી ઉંમરથી ફિલ્મો જોવાની શરુઆત કરેલી. સ્ટાર વોર્સ તેની ફેવરિટ ફિલ્મ હતી. એ સમયે નોલાન અને તેનો ભાઇ જોનાથન નોલાન, તેના મિત્રો સ્ટાર વોર્સના ફેન હતા. તેના પિતા તેને ફિલ્મ જોવા લઇ ગયા.
હવે નોલાનના જ શબ્દોમાં, ‘મારા પિતા મારા ભાઇ અને મને લેસિસ્ટર સ્ક્વેરમાં ફિલ્મ જોવા માટે લઇ ગયા. જે લંડનનું સૌથી મોટું થીએટર છે. મને ખબર હતી કે બીજી દુનિયામાં કેવી રીતે ટ્રાન્સપોર્ટ થવું તે અહીં જોવા મળશે. એ સમયે હું સ્ટાર વોર્સનો ખૂબ મોટો ફેન હતો. પરંતુ આ બિલ્કુલ અલગ અનુભવ હતો. હું સાત વર્ષનો હતો અને એવું તો બિલ્કુલ ન જ કહી શકુ કે મને ફિલ્મ સમજાઇ ગઇ હતી. પણ એ ફિલ્મ લાર્જર ધેન લાઇફ ક્વોલિટી હતી. મેં જ્યારે પણ લોકોને આ વિશે વાત કરી તો લોકો કહેતા હતા, તારા જેવા બાળકે એ ફિલ્મ ન જોવી જોઇએ. તને તેમાં શું સમજાણું ? હું મારા મિત્રો સાથે એ ફિલ્મની વાતો કરતો હતો, ખબર નહીં પ્યોર સિનેમા કોને કહી શકો, પણ તે પ્યોર સિનેમા હતું. તમારે માત્ર ફિલ્મને એપ્રિસિએટ કરવાની રહી.’
2001-અ સ્પેસ ઓડિસી એ સાયન્સ ફિક્શનમાં માઇલસ્ટોન અને ક્લાસિક ફિલ્મ આજે પણ છે. તમે સાયન્સ ફિક્શન બનાવવાની શરુઆત કરો એટલે આ ફિલ્મના તમામ પાસાનો તમારે અભ્યાસ કરવાનો રહે અને સ્પેસ ઓડિસીએ નોલાનને શીખવ્યું કે ભવિષ્યમાં ઇન્ટરસ્ટેલર કેવી રીતે બનાવવી?
~ રિડલી સ્કોટની બ્લેડ રનર 1982માં સુપરહિટ થઇ હતી. હું હમેશાથી રિડલી સ્કોટનો મોટો ફેન રહ્યો છું.
આ એ ફિલ્મ હતી જેણે નોલાનને તમામ ફિલ્મો બનાવવામાં મદદ કરી. નોલાન રિડલી સ્કોટની બ્લેડ રનરને ટચ સ્ટોન ઓફ સાયન્સ ફિક્શન કહે છે. ફિલ્મની સ્ટાઇલ અને તેની શહેર એસ્ટાબિલ્સ કરવાની ક્રિએટીવીટીએ નોલાનને ડાર્ક નાઇટમાં મદદ કરી. નોલાને કહ્યું છે કે, ‘બ્લેડ રનર પ્રોડક્શન મુજબ એક ઢાંસુ ફિલ્મ હતી, મારે પણ તેવી બનાવવી હતી.’
આ પહેલા નોલાનની ફોલોઇંગે કન્સેપ્ટ પ્રમાણે બ્યુટીફુલ પણ પ્રોડક્શનની દ્રષ્ટિએ કંગાળ ફિલ્મોમાં જગ્યા બનાવેલી. તમારે બેટમેન ટ્રાયોલોજીની ઇમારતો, ગાંધીનગર ક,ઘ,ચ સ્ટાઇલના મકાનો જોવા, એકદમ કાર્ટુન/કૉમિક મુજબનું ગોથમ સિટી લાગશે. એ સિટી બનાવવાની પ્રેરણા તેને બ્લેડ રનરમાંથી મળી.
બીજુ કે રિયાલીટી કેવી રીતે દર્શાવવી તે બ્લેડ રનરમાં ભરચક ભરેલું હતું. બ્લેડ રનરનો સેટ કંઇ રિયલ નહોતો, એમ ગોથમ સિટી પણ રિયલ ન હતું. બ્લેડ રનરે નોલાનને શહેર બનાવતા શીખવ્યું. એ સમયે નોલાનનો ડિઝાઇનર હતો નાથન ક્રોઅલી અને સિનેમેટોગ્રાફર વેલી ફિસ્ટર….
રિડલી સ્કોટ સેટને મિનીમાઇઝ અને આર્ટિફાઇઝ કરવાના ઉસ્તાદ હતા. એવી રીતે બનાવે કે તમને ખોટા શહેરમાં પણ ક્ષિતિજ દેખાઇ. અને નોલાને પણ બતાવી દીધી. બેટમેન ટ્રાયોલોજીના એક એક સીનમાં.
~ બોન્ડ ફિલ્મો બધી સારી નથી, પણ તમામ ફિલ્મોમાં સ્પાય હુ લવ્ડ મી બેસ્ટ છે. આમ તો સ્કાયફોલ કહી શકાય પણ તે નોલાનને પસંદ નથી. બૉન્ડની આ ફિલ્મ જોયા પછી નોલાનને લાર્જ સ્કેલીંગની ઇચ્છા થઇ. બોન્ડ ફિલ્મોની સૌથી મોટી ખાસિયત સ્કોપ, સ્કેલ અને લાર્જ સ્કેલ રહી છે.
બોન્ડ ફિલ્મો હંમેશાથી કોલ્ડવોરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. બૉન્ડ ફિલ્મમાં ટેરરિઝમ દર્શાવવું જરુરી રહે છે. ફિલ્મની એક્શન સિકવન્સ પણ એ પ્રકારની જ રહી છે.
હવે નોલાનની ફિલ્મ ઇન્સેપ્શન જુઓ. ફિલ્મના ક્લાઇમેક્સમાં જે ત્રીજુ સ્વપ્ન આવે છે તેમાં સ્વપ્ન તરીકે આર્કિટેક્ટ કરાઇ છે બરફને. આ બરફમાં જે ફાઇટ સીન છે, તે બોન્ડ ફિલ્મો જેવી નથી લાગતી. બોન્ડ ફિલ્મોએ નોલાનને ગ્રેટ સ્કેલ એક્શન આપ્યું.
~ હવે થીન રેડ લાઇન ફિલ્મને જ જુઓ. નોલાનને ગમતી બેસ્ટ ફિલ્મોમાની એક ફિલ્મ છે આ. આ ફિલ્મની ખાસિયત છે ટુકડાઓ. યાદોને કટ કરવાની, એ કટકાને થોડો ભૂતકાળમાં લઇ જવાનો. એટલે તેમાં લાંબા સિન ન આવે પણ એક ક્ષણ આવે. જેના પરથી પ્રેરિત થઇ મમેન્ટો બની.
~ ‘અમારી ઉંમરના લોકોને, આમ તો તમામ ઉંમરના લોકોને સુપરમેનનો પરિચય કેવી રીતે કરાવવો તે અઘરૂ કામ હતું. પણ સુપરમેન ફિલ્મ બની એટલે મઝા ચોક્કસથી આવી. ફિલ્મમાં માર્લોન બ્રાન્ડોનો વોઇસ સાંભળીને તો શરીરના રૂંવાટા ઉભા થઇ જતા હતા. ફિલ્મની મુખ્ય થીમ હતી રિયાલિસ્ટીક સેટીંગ. આવું કંઇ છે નહીં, પણ થીએટરમાં બે કલાક માટે તમારે લોકોને માનતા કરી દેવાના છે કે આવું છે…’ બાદમાં તો નોલાને જ મેન ઓફ સ્ટીલને પ્રોડ્યુસ કરી પોતાનું સુપરમેન સ્વપ્ન પૂર્ણ કરેલું.
નોલાનને સુપરમેન ફિલ્મની સિનેમેટિક રિયાલીટી ગમી ગઇ હતી. જે પછી તેણે બેટમેનમાં પણ વાપરી અને મેન ઓફ સ્ટીલમાં પણ તેનો ઉપયોગ કર્યો.
આ ફિલ્મો સિવાય સિમ્પલ પોંઇટ્રેટ થયેલી ફિલ્મ ધ હિટ, સીડની હ્યુમેટની ધ થર્ડ લાઇન, 12 એન્ગ્રીમેન, ડૉ.મેબ્યુસ, સ્ટ્રક્ચલર, ઇનોવેશન માટેના પોપ્યુલર ડાયરેક્ટર નિકોલસ રોગની બેડ ટાઇમીંગ, ઓડિયન્સના ઇમોશન્સ સાથે રમનારા નગીસા ઓશિમાની મેરિ ક્રિસમસ મિસ્ટર લોરેન્સ, ફોર ઓલ મેનકાઇન્ડ, જેવી ફિલ્મો નોલાનની પસંદિદા છે.
~ મયૂર ખાવડુ
Leave a Reply