સમાજમાં આપણો મોભો જળવાઈ રહે આ માટે પાડોશીની ચિંતા કરવી અત્યધિક જરૂરી છે. આનાથી વધારે તો મારો શું ઉદ્દેશ્ય હોય શકે. આમ જ વિચારી મેં મારા પાડોશી રતનલાલના એકના એક દીકરા હિરાલાલના વેવિશાળ કરાવવાનું બીડુ ઝડપ્યું. એમના છોકરાને લગ્ન કરાવવા સિવાય હું કોઈ પણ પ્રકારનું દુખ આપવા નહોતો માગતો. રતનલાલ જ્યારે પરણીને આવ્યા ત્યારે દહેજમાં તેમના સસરાએ તેમને એક મોટુ ટોપીયુ આપેલું. આજે એ ટોપીયાના પાછળના ભાગનો રંગ અને રતનલાલના સુપુત્ર હિરાલાલનો રંગ એક જેવો પ્રતીત થાય છે. છતાં તેણે કેટલીક વિદેશી ક્રિમો મોઢા પર ચોપડી ઉજળા દેખાવાનો માનસિક અભિનય કર્યો. રતનલાલનો છોકરો હિરાલાલ બેંકમાં મેનેજર, છોકરામાં આ સિવાય તો બીજું શું જોઈએ ? નોકરિયાત છોકરો આવે છે એ જાણીને જ કન્યાપક્ષના લોકો ખુશ હતા.
ઘરમાં પ્રવેશતા જ કન્યાના પિતા અને માતાને બે ઘડી એવું લાગ્યું કે ભાવી વરરાજો હું છું, કારણ કે હિરાલાલ તો મારાથી વયમાં વધારે જ દેખાતા હતા. આખરે મારે જ એ વાતની ચોખવટ કરવી પડી કે, ‘આ અમારો હિરો.’ એમ કહી મેં મારી બાજુમાં બેઠેલા કોલસા સામે આંગળી ચીંધી. સાથે મીઠીયું પણ મારી કે, ‘સમજદાર લોકો કોલસામાંથી હિરો શોધી જ લે છે.’
થોડીવાર માટે તો એમનું કટાણું મોઢું થઈ ગયું. મેં હિરાલાલ સામે જોયું તો તેનો રંગેય લાલઘુમ. તેમણે ચહેરા પર લગાવેલી ક્રિમના પ્રતાપે આ થયું હશે એવું મને લાગ્યું. મેં પૂછ્યું, ‘શું થયું હિરાલાલ ? આમ અચાનક તમારો કાળો રંગ ઉડીને લાલ કેમ થવા લાગ્યો ?’
મને કહે, ‘તમે બહાર આવો, આપણે અહીંયા મેળ નહીં પડે.’
મેં તેને થોડે દૂર લઈ જઈ પૂછ્યું, ‘થયું છે શું ? અહીંયાથી જઈશું તો હવે તમને યોગ્ય પાત્ર મળે તેવું મને નથી લાગતું.’
મેં અને હિરાલાલના પિતાએ તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેઓ રિસામણે જતી કન્યા કરતા પણ વધારે રિસાયેલા હતા. જેથી અમે હાથ જોડી ત્યાંથી ચાલતી પકડી. બસમાં બેઠા ત્યારે મેં હિરાલાલને પૂછ્યું, ‘આખરે થશું શું હતું ?’
હિરાલાલે રહસ્ય પરથી પડદો ઉંચકતા કહ્યું, ‘હું જ્યારે બેંકમાં કર્મચારી તરીકે કામ કરતો ત્યારે મારી કોઈ બોલપેન ચોરી ગયેલું. આજે એ બોલપેન મેં કન્યાનાં પિતાના ખિસ્સામાં જોઈ. અમે બેંકવાળા બોલપેન ચોરી જાય તેના પર જરા અમથો પણ વિશ્વાસ નથી કરતા. લગ્નની વાત તો દૂર રહી.’
હમણાં થોડા સમયથી સોશિયલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઈ રહી છે. એક સફેદ કલરનાં કાગળ પર લખેલું છે, કોઈએ પેન ન માંગવી. બેંકમાં કામ કરતા લોકોને પેન તેમના જીવ કરતા પણ વધારે પ્રિય હોય છે. જેવી રીતે રાજકારણીને ખુરશી, ખેડૂતને ખેતર અને માને તેનો દીકરો હોય, બસ તેવી જ રીતે. પરંતુ પેન ગુમાવવાની સમસ્યા આજકાલની નથી.
પેનનો પોંઈન્ટ તૂટી જવાનો વસવસો કેવો હોય છે તે મહાભારતના લહિયા ભગવાન શ્રી ગણેશને પૂછો. જગતનો એ પ્રથમ લહિયો હતો. જેણે ડિક્ટેશન દ્રારા લેખન કર્યું હતું અને આટલી સરસ કથાને કાગળના પાને ઉતારી હતી. વેદવ્યાસની કથાનો એક અક્ષર પણ ચૂકી ન જવાય આ માટે તેમણે દાંત કાપી લખવાની શરૂઆત કરી દીધી હતી.
પેનથી જ યાદ આવ્યું કે, અમારા ગામમાં એક બેંકની નવી શાખા ખુલી હતી. એ શાખા ખુલી તેની સાથે જ ઝખરાભાભાએ બુકસ્ટોરની દુકાન ખોલી. એમને રોજ બેંકે જતા જોઈ મને આશ્ચર્ય થતું, કારણ કે ભાભા પાસે ફાટેલ ખમીસ સિવાય કોઈ પણ વસ્તુ ન હતી. જેથી રોજ બેંકે શા માટે જાય છે એ વિચાર વારંવાર આવતા તેના નિરાકરણ માટે હું તેમની પાસે ગયો. અને તેમને રોજ બેંકે જવાનું કારણ પૂછ્યું.
તેમણે હસતા હસતા કહ્યું, ‘બેંકવાળા મારે ત્યાંથી પેનનું એક બંડલ લઈ ગયા છે.’
‘તો ?’
‘એ રોજ ગ્રાહક માટે લખવા એક પેન મુકે અને હું રોજ લઈ આવું. આમને આમ બંડલ ખાલી થઈ જશે એટલે પાછા અહીં લેવા આવશે. આ સિવાય તો કોઈ છૂટકો નથી.’
‘પણ તમે આવું કરો છો શું કામે ?’ મેં તેમની પેન અને બેંક પર આચરવામાં આવી રહેલી આ બર્બરતા પર સવાલ કર્યો.
તેમણે હસતા મોઢે કહ્યું, ‘આપણું તો કેવું કે ઘરનો માલ ઘરમાં જ રહેવો જોઈએ.’
જમાનો મોબાઈલ અને કોમ્પયુટરનો આવતા પેન ગાયબ થવા લાગી. અચરજ થાય કે તેના ગાયબ થતાં કેટલાંક સારા લેખકો અને પત્રકારો પણ ગાયબ થઈ ગયા. કોઈવાર તો મને આ દુર્ઘટના પાછળ પણ પેનનું જ ષડયંત્ર લાગે છે. ગુજરાતમાં તો હજુ કેટલીક જગ્યાએ હાથેથી લખીને પત્રકારત્વને પ્રજ્વલિત રખાયું છે. તેની પાછળનું કારણ એ નથી કે તેઓ પેનના અસ્તિત્વને ટકાવી રાખવા કોમ્પયુટર સામે લડત ચલાવી રહ્યા છે. હકિકત એ છે કે તેમને કોમ્યપુટરનો ઉપયોગ કરતા આવડતો નથી. આવું જ કેટલીક પ્રાથમિક શાળાના શિક્ષકોનું પણ છે.
મને જે તે સમયે એક વરિષ્ઠ પત્રકારે કહેલું, તારા અક્ષર ખૂબ સારા થાય છે. મારા માટે એ ખુશીના સમાચાર હતા. તમને તો ખ્યાલ જ છે, સુખની અવસ્થા ક્ષણિક હોય છે. તુરંત પેન ગાયબ થઈ અને ફરજીયાત ટાઈપ કરવાનું આવ્યું. એ પછી છેલ્લે ક્યારે પેન પકડી ખબર નથી.
સ્કૂલકાળમાં એક શિક્ષકે અમારા ક્લાસને પૂછેલું, ‘તમારામાંથી કોઈની પાસે સારું એવું કૌશલ્ય હોય તે આગળ આવે અને બાલસભામાં દર્શાવે.’ મારી પાસે બંન્ને હાથથી લખવાનું કૌશલ્ય હતું. મેં એક હાથમાં ચોક પકડી અને લખવા માંડ્યું. પછી બીજા હાથેથી પણ એવી જ રીતે લખ્યું. થોડીવાર માટે તાળીઓ પડી. સાહેબે પણ વખાણ કર્યા. આજે આટલા વર્ષે સમજાય છે કે બંન્ને હાથે લખવાથી સરકારી નોકરીમાં કોઈ પ્રકારની છૂટછાટ નથી મળતી. આ પ્રકારનું કૌશલ્ય પણ કંઈ કામ નથી આવતું.
વિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે કે એક હાથે લખતા હોય, તો બીજા હાથે લખવાનો પણ પ્રયત્ન કરવો. તેનાથી મગજના બંન્ને ભાગો સક્રિય થાય છે. અને જો વિજ્ઞાનીઓની વાતમાં સત્ય હોય, તો હું પ્રયોગ તરીકે તમારી સામે જ છું. હું પેલા પણ ઉધાર ચા પીતો અને આજે પણ કંઈ ફેર નથી પડ્યો.
કોલેજકાળમાં મારા ક્લાસની વિશેષતા એ હતી કે પરીક્ષાનું ફોર્મ ભરવા માટે કૈલાશ બુકસ્ટોરમાંથી એક જ વ્યક્તિએ પેન લેવાની. પછી ભલે ગમે એટલી વાર લાગે, ફોર્મ એ કાળા કલરની એક માત્ર પેનથી જ ભરવાનું. આ વાતની જાણ જ્યારે અમારા અધ્યાપકોને થઈ ત્યારે તેઓ રોષે ભરાયેલા. જોકે અમારા ક્લાસના કેટલાંક બુદ્ધીશાળી અને સત્તત ત્રીજી વખત પ્રથમ વર્ષ બીએ આર્ટસની પરીક્ષા આપી રહેલા જ્ઞાનાર્થીઓએ સાહેબનાં મોઢા સામે કહી દીધું, ‘સાહેબ એમાં જો અમારા માર્કમાં કંઈ ફેર પડવાનો હોય તો નવી પેન અચૂક લઈએ.’
આ તો પરીક્ષામાં ત્રણ કલાકની સમય મર્યાદા હોય છે. જો ન હોય તો એક જ પેનથી તમામ લોકો પરીક્ષા આપે તેવી વૃતિ પણ આપણી અંદર જ ભરેલી છે. પછી ભલે પેન સમાજની શાહી શિયાળામાં સુકાઈ જાય, ઉનાળામાં છલકાઈ જાય અને ચોમાસામાં હવાઈ જાય.
~ મયૂર ખાવડુ
Leave a Reply