આટલુ ચેકિગ ઈવીએમમાં વાંધો વચકો આવી ગયો ત્યારે પણ નહતું થયુ. આટલુ ચેકિગ આતંકવાદીઓ, જેને આઈસીસના હુલામણા નામે તખલ્લુસ આપી બોલાવવામાં આવે છે, ત્યારે પણ નહતું થયુ. કોઈ મોટા મંદિરમાં પણ નથી રખાતુ, કે કોઈ નેતાની સભામાં ગયેલા ‘લોકો’ માટે નથી હોતુ ! એટલુ ચેકિગ નીટની પરિક્ષામાં રખાયુ, દેશમાં આટલા વિદ્યાર્થી છે કે આંતકવાદી ? !
અમારા જમાનામાં એટલે કે 2006માં (મારી ઉંમર આટલી પણ મોટી નથી થઈ.) તો કાં સાહેબ ચોપડી આપી માથે ઉભા રહી લખાવે અને જો સાહેબ ઉદાર અને ઉમદા હાથના હોય તો પોતે લખી પણ આપે, બીજા દિવસે જ્યારે કોઈ કડક માસ્તરની એન્ટ્રી થાય એટલે ચોરી કરનાર વીર પૂછી બેસતો, ‘સાહેબ, કાલે ઓલા સાહેબે તો હાથની સફાઈ અજમાવવા દીધેલી.’
અને જો સાહેબ કાનૂનપ્રિય હોય, તો પેલાને એકલો બેસાડી લખાવે, અને તે બહાર નીકળે ત્યારે તેની હાલત માળામાંથી ખોવાઈ ગયેલા બચ્ચા જેવી હોય. તો પણ 56 જેવી કહેવાતી છાતી ફુલાવીને કહે, ‘આપણે પાસ.’ અને રિઝલ્ટ આવે ત્યારે ક્લાસમાં એ એક જ ઉડ્યો હોય, પાછા એ પેપરમાં, જેમાં ચોરી કરી હોય. પણ નીટના સાહેબોએ નકલખોરી બચાવવા લાંબી બાઈના ટીશર્ટ કાપ્યા, લગ્ન કરેલી છોકરીઓના મંગળસુત્ર કઢાવ્યા, ભાવી રોમિયો ડોક્ટર્સના તાવીજ ઉતારાવ્યા, કાનમાં આંગળી નાખી કાન સાફ કર્યા. આ બધુ શા માટે ? પણ વિદ્યાર્થીઓની મનોદશા કંઈક આવી હતી
1) લાંબી બાઈના ટીશર્ટ કાપ્યા
એક છોકરાનું ટીશર્ટ કાપતી વેળાએ : અલ્યા તુ તો બહુ લાંબુ પેહેરે છો…
વિદ્યાર્થી: હવે સાહેબ ટીશર્ટ ક્યાં કાપવુ, લેવિસનું કાપડ છે, હજુ બે દિવસ પહેલા જ લીધુ છે, રહેવા દો…
સાહેબ: લે મને લાલચ આપે છે, ‘વીસ’ રૂપિયાની… સાહેબે આખી બાયો કાપી નાખી. બગલપ્રદેશ દેખાવા માંડ્યો.
2) તાવીજ
રોમિયો વિદ્યાર્થી: સાહેબ મારે મેલડીની માનતા છે
સાહેબ: તો ?
રોમિયો વિદ્યાર્થી:પાસ થઈ જાવ એટલે કાળો દોરો બાંધ્યો છે
સાહેબ: તો ?
રોમિયો વિદ્યાર્થી:હવે આમા સાહેબ થોડી ચોરી થઈ શકે…
સાહેબ: આ દોરો તુ બાંધીને અંદર જા, અને મેલડી માતા તને પેપર લખાવી દે તો ? અમે કંઈ રિસ્ક ન લઈ શકીએ, પ્લીઝ
વિદ્યાર્થી બેભાન, આવતા વર્ષે નીટ…
3) કાન સાફ કરવા
સ્કુલના પટાંગણમાં બેનર લાગેલા હતા, કાનમાં કોઈ ચબરખી છુપાવેલી હોય તો અહીંયા આપવી
એક વિદ્યાર્થી: સાહેબ હવે કાનમાં કંઈ થોડુ હોય !!
સાહેબ:કેમ હેન્ડ્સ-ફ્રી હોય તો ?
વિદ્યાર્થી: તો સર, દેખાય જાય.
સાહેબ:ચબરખી હોય તો ?
વિદ્યાર્થી: સર, કાનમાં કેમ ચબરખી હોય ?
સાહેબ:હમણાં કહું… સાહેબે કાન સાફ કરવાનું મશીન લઈ તેના કાનમાં નાખ્યુ… થોડીવાર પછી
સાહેબ ચિલ્લાઈને: સાહેબ, આ વિદ્યાર્થીના કાનમાંથી ડિવાઈસ નીકળ્યુ.
વિદ્યાર્થી:ડિવાઈસ નથી, બે દિવસ પહેલા કાનમાં વંદો ઘુસી ગયેલો, હાશ તમારી મહેરબાની….
4) મંગળસૂત્ર
શિક્ષિકા: આ કાઢવુ પડશે.
વિદ્યાર્થિની:અરે, આ તો મારો સુહાગ છે.
શિક્ષિકા: કેટલો પ્રેમ કરો છો તમારા પતિને ?
વિદ્યાર્થિની:શરમાઈને… તે તો મારી સાથે જ હોય
શિક્ષિકા: એટલે જ કાઢીએ છીએ.. ક્યાંક ચોરી કરાવવા માટે આવી જાય તો ?
માથામાં નાંખવાની પીન, ચુન્ની, કાનની બુટ્ટી, પગના સાંકળ, વીંટી, બ્રેસલેટ, શૂઝ, ગળામાં પહેરેલો દોરો, પ્લાસ્ટીકમાં રાખેલા આઇકાર્ડ… તો લઈ શું જવુ ? આને કહેવાય… આધુનિક દિવસોની ઉતક્રાંતિ…
~ મયુર ખાવડું
Leave a Reply