આ વખતે મોટાભાગનું પ્રતિનિધિ અને અર્વાચીન વાંચ્યું
હવે કરવા જેવા બહુ ઓછા કામ રહ્યા છે. તેમાંના કેટલાક કામ અહીં વિગતે મુકુ તો. એક વાંચવું (આ અઠવાડિયે વાંચેલા પુસ્તકો પર લેખ લખેલો છે) બીજુ ફિલ્મો જોવી, ત્રીજુ રોજ સવારે ઉઠી ઘરના ઘરની તલાશ કરવી અને ચોથુ સાડા આઠ કલાક નોકરીની માથાકુટ. ‘આટલું બધું તું ક્યારે કરે છે?’ આમ મને નજીકના માણહે પૂછ્યું ત્યારે મારો જવાબ લીઓનાર્ડો ડે કેપ્રિઓના ક્વોટેશનની માફક હતો. કામ કરો જ્યારે તે સુતા હોય, શીખો જ્યારે તે સુતા હોય, સમય બચાવો જ્યારે તે વેડફતા હોય અને સપનાં જુઓ… કહેવાનું રહે કે મારા રૂમમાં મારા સિવાય બધા સુતા જ હોય છે. તો આ અઠવાડિક વાંચેલા પુસ્તકો આ રહ્યા.
> પ્રતિનિધી એકાંકીઓ
પ્રતિનિધીનો અર્થ થાય લિગેટ એટલે કે કોઇનું પ્રતિનિધિત્વ કરનારો વ્યક્તિ અથવા તો કોઇ વસ્તુ. જે આગળ પડતો હોય. શીરમોર હોય. ગુજરાતી સાહિત્યમાં પ્રતિનિધિ વાર્તાઓ ઘણી બધી છે. મોટાભાગની વાર્તાઓ આપણે છૂટી છવાઇ વાંચી ચૂક્યા છીએ. પ્રાથમિક શાળામાં ભણવામાં આવતી ત્યારે લેખકના પરિચયમાં તેની શ્રેષ્ઠ કૃતિઓ કઇ તેના વિશે વિગતે નોંધ લખેલી હોય.
પ્રસાદ બ્રહ્મભટ્ટે અહીં વાર્તાઓનું માત્ર સંપાદન નહીં વિવેચન પણ કર્યું છે. સારી વાર્તાઓને ગુર્જરે આપણી સામે મુકી છે. ધુમકેતુની વાર્તા પોસ્ટઓફિસ હોવી જોઇએ તેવું તમે માનશો, પણ ના ધુમકેતુની સામાજીક વાર્તા સ્ત્રીહ્રદયે અહીં સ્થાન જમાવ્યું છે. તો બીજી વાર્તાના લેખક શ્રીમાન રામનારાયણ વિશ્વનાથ પાઠકની જક્ષણી. જક્ષણી વાર્તાનું સ્વરૂપ કોમેડી છે. ગુજરાતીમાં ખૂબ ઓછી એવી વાર્તાઓ લખાઇ છે, જે કોમેડી કે મજા લેવડાવતી હોય.
આમ તો તારક મહેતાથી લઇને વિનોદ ભટ્ટે ટૂચકાઓ અને પ્રસંગો દ્વારા કોમેડીને સાહિત્યમાં અનેરૂ સ્થાન આપ્યું છે, પણ સાહિત્યક શબ્દોનો જ્યાં સ્પર્શ મળે અને હાસ્યનું પણ સમાયોજન સધાય તે રામનારાયણ વિશ્વનાથ પાઠકે જક્ષણીમાં બરોબર વાપર્યું છે.
વાત છે રામનારાયણ વિશ્વનાથ પાઠક અને ધૂમકેતુના સર્જનની તુલનાની. આપણે ત્યાં વિવેચકો દ્વારા લેખકોને બે રીતે મૂલવવામાં આવે છે. એક તેણે સાહિત્યમાં કેવું સર્જન કર્યું અને બે તેણે સાહિત્યની કેવી દુર્ગતી કરી… પણ બંન્ને વચ્ચે કમ્પેરિટિવ સ્ટડી નથી થતી. જેમ કે હમણાં અમારા મિત્ર અશોક ખુમાણ ચંદ્રકાંત બક્ષી અને આલ્બેર કામુના સાહિત્યમાં અસ્તિત્વવાદ પર પીએચડી કરવા જઇ રહ્યા છે. હવે તે થાશે ક્યારે એ ખબર નથી ? પણ ચોપડા માટે આપણી મદદ લેવા આવેલા તેના માટે કોલર ઉંચો કરીએ છીએ.
ધૂમકેતુએ અઢળક વાર્તાઓ લખી. સામે દ્રિરેફ (ભમરો)ના ઉપનામે રામનારાયણ દાદાએ ઓછી પણ સારી વાર્તાઓ લખી. આમ તો એક સમયે (ગુસ્સાથી) ભણવામાં આવતી તેમની વાર્તા મુકુન્દરાયને અહીં સ્થાન મળી શક્યું હોત. જે પછીથી આપણી સરકારી સાહિત્ય મંડળીએ અભ્યાસક્રમમાંથી નાબુદ કરી નાખી, પણ જક્ષણી મુકુન્દરાયથી જરા પણ ઓછી ઉતરે તેવી નથી. વિવેચક શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટે અહીં નોંધ્યું છે કે દ્રિરેફે ઓછી પણ સારી વાર્તાઓ આપી છે ઇટ મિન્સ ક્વોલિટી અને ક્વોન્ટીટી સાથે ઓછી ક્વોલિટીની વાર્તાઓ ધૂમકેતુએ આપી છે. પણ ધૂમકેતુના દળદાર સંગ્રહ પરથી એ વાર્તાઓનો આંકડો દ્રિરેફની વાર્તાઓની સમકક્ષ થઇ જાય છે.
કોઇ વાર્તાને ઇનામ મળે કે પછી તે વાર્તા લોકોમાં ચર્ચાય, તેના પર ફિલ્મ બને, નાટકો બને. તખ્તામાં તેનું તેજ કે પોત પ્રગટે ત્યારે આપણે તેને વાર્તા જગતનો તેજીલો તોખાર ભર્યો અફસાનો માનતા હોઇએ છીએ. ધૂમકેતુએ તણખા મંડળના ચાર ભાગમાં અઢળક વાર્તાઓ લખી છે, પણ આપણને કેટલી યાદ? પોસ્ટઓફિસ, રજપૂતાણી, વિનીપાત કે જુમ્મો ભિસ્તીનો પાડો વેણુ. દ્રિરેફનું પણ આવું જ છે. કદાચ આ બંન્ને સર્જકોની સારી વાર્તાઓ બે પૂંઠામાં દબાઇ ચૂકી છે.
પણ આ બેની વાત કરીએ તો ત્રીજો રહી જાય. વાર્તા સંગ્રહનું નામ છે ટોળું. (કોઇ જગ્યાએ હોય તો કહેવું ખરીદવી છે.) ટોળું વાર્તાસંગ્રહમાં ઘનશ્યામ દેસાઇએ જે પ્રયોગશિલ અને આધુનિક વાર્તાઓ આપી છે તેવી કલમ નવા વાર્તાકારોમાં ક્યાંય દેખાતી નથી. કદાચ હજુ પાંચ કે દસ વર્ષ રાહ જોવી પડશે. ટોળુ તો સારી છે, પણ કાગડો વાંચી છે?
આ સંગ્રહમાં કાગડો વાર્તા છે. નાયક રેતી ખંખેરી ઉભો થાય છે. પછી કોઇ પણ ડાઇલોગ વિના વાચકના મનોચક્ષુમાં ભજવાતુ દ્રશ્ય અને હક્કાબક્કા કરી દેતો વાર્તાનો અંત, સાથે અંગ્રેજીમાં આ વાર્તા બની હોત તો નક્કી ક્રિસ્ટોફર નોલાન ક્યારના આના પર તરાપ મારી બેઠા હોત, એમ વારંવાર મનમાં બોલતી જીભ.
કાગડોની જેમ જ કાંચીડો, હુંફ, વેર સહિતની તેમની વાર્તાઓએ સુરેશ જોશી બાદ આથમી ગયેલા પ્રયોગશીલતાના સૂરજને સોળે કળાએ ખીલવ્યો છે. તેમની વાર્તાઓ આધુનિક શા માટે છે? કારણ કે તેમાં ક્રિયા-પ્રતિક્રિયા છે, તિરસ્કાર છે સાથે આત્મતિરસ્કારનો ભાવ પણ છે, તેમાં અંગ્રેજી સાહિત્યના પ્રકારો (ગેબ્રિયલ ગ્રેસિયા માર્ક્વેઝની) જેમ થોડુ ઘણું મેજીક છે. એવું અત્યારે ક્યાં છે? તો છેલ્લી વાર્તા કિરીટ દુધાતની લીલ મોજો કરાવશે. તેમાં જે રીતે ઘટનાનું વર્ણન છે…. આહાહાહાહા…. વધારે કઇ વાર્તાઓનો સમાવેશ થયો છે તેનો અહીં ફોડ પાડવામાં નહીં આવે. બાકી તમારે વાંચવી હશે તો મઝા મરી જશે.
> હરિકથા અનંતા
વર્ષા અડાલજા માટે કહી શકાય કે તે અડાલજની વાવ જેવા છે. જેમ તેઓ વૃદ્ધ થતા જાય છે તેમ તેમની સર્જકતા વધારેને વધારે ખીલતી જાય છે. તેમની ઉંમર વધે તેમ તેમ તેમની વાર્તાઓમાં પ્રયોગશીલતા આવતી જાય છે. હવે તેમનો આ વાર્તાસંગ્રહ જ જોઇ લો… જુદા જુદા સામાયિકોમાં, મોટાભાગે એ સામાયિકો જે આપણા હાથમાં પણ નથી આવ્યા, તેની વાર્તાઓ અહીં પ્રગટ થઇ છે. અંદરખાને મને તો ન જ થવો જોઇએ કારણ કે આપણે સાહિત્યમાં એવા મોટા તીર નથી માર્યા, પણ જે લોકો ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓનું સર્જન કરે છે તેમને વર્ષા બહેનની વાર્તાઓમાં આવતા શબ્દો જોઇ ઇર્ષ્યાનો ભાવ પ્રગટ થતો હશે. આવા શબ્દો તેઓ લાવે છે કઇ રીતે? મેં તેમના કેટલાક ફોટોગ્રાફસ જોયા હતા જ્યારે તેમણે ખાલેદ હુસૈનની નવલકથા કાઇટ રનર વિશેનું વિવેચન લખ્યું હતું. અંગ્રેજી સાહિત્ય તેમને પ્રિય છે અને તેઓ વારંવાર તેનું રસપાન કરી વાચકોને પીરસતા રહે છે. (નવનીત સમર્પણ)
પણ અંગ્રેજી વાર્તાઓ અને નવલકથાઓ વાંચીને તો માત્ર પ્લોટ મળે, શબ્દોની મરમ્મત ન થાય. કદાચ શબ્દો સાથે રમવાની આવડત તેમને તેમના પિતા તરફથી ભેટમાં મળી હશે. કેટલાક લોકો શબ્દ સાથે એવી રીતે રમી જાણે છે જ્યારે ગીલ્લી દંડાના ખેલમાં પીદી આવી હોય તો સામેવાળાનો સોથ બોલાવી નાખે. મને તો વર્ષા બેન સિવાય ધૈવત ત્રિવેદી અને ગૌરાંગ અમીનનો વિચાર આવે છે. ક્યાંથી આવે છે આવા શબ્દો ? વર્ષા બહેનનો આ અગિયારમો વાર્તાસંગ્રહ. ગુજરાત મિત્રમાં કિશોર વ્યાસ આ વિશે વિવેચનલેખ લખી ચૂક્યા છે એટલે વધારે કંઇ કહેવાનું આવે નહીં. બધી વાર્તાઓ મસ્તમજાની છે, પણ બ્લાસ્ટ વાંચવી…. પગ નીચે ધડાકો થઇ જશે….! આ સિવાય શિરીષ પંચાલે 2001ની નવલિકાઓનું સંપાદન કરતી વેળાએ કહેલું કે, તળપદી બોલીમાં લખાઇ તો જ એ વાર્તા છે એવી એક રૂઢી થઇ ગઇ હતી. પણ આ વાર્તાસંગ્રહમાં અંગ્રેજી-ગુજરાતીનું કોમ્બિનેશન ક્યાંક હિન્દી શબ્દો અને ક્યાંક મહાભારતકાળની કથા, તળપદી વાર્તાઓની ગરજ સારશે.
> નાટકો
હમણાં હમણાં નાટકો વાંચવાનું ઘેલુ ચઢ્યું છે. એકાંકીઓ ભણવામાં આવતી ત્યારે વાંચતા. તેને ભજવવાની પણ કોઇ ઉત્કંઠા નહોતી. ત્યારે પણ નહોતી અને આજે પણ નથી. પત્રકારત્વમાં નલિની મેડમે ભવાઇ ભજવવાનું દબાણ કરેલું હતું. તેમના પણ વશમાં નહોતા આવ્યા તેવા અમે તોફાની બારકશો હતા.
આ સિવાય કોઇ દિવસ નાટક વાંચ્યા નથી, નાટક ભજવ્યા નથી. કહી શકુ કે મારું પ્રથમ નાટક દલપતરામનું મિથ્યાભિમાન બન્યું. જે વાંચ્યા પછી હું ચારેખાનો ચિત્ત થઇ ગયો. હાસ્યનું હુલ્લડ વાગ્યા કરતું હતું જ્યારે રતાંધણા બનેલા જીવરામ ભટ્ટની મુર્ખાઇ છતા તેનું ગિરનાર પર્વતની ટોચ જેવું અભિમાન હાસ્ય ઉપજાવે છે.
કહી શકીએ કે હાસ્યના નાટકો ગુજરાતીભાષામાં સારા લખાયા છે. પણ મિથ્યાભિમાન જેવું એક પણ લખાયું નહીં હોય. આ હાસ્યનું મહાકાવ્ય છે. હાસ્ય હોય ત્યાં વેદના ઘર કરી જવાની. કાં તો હાસ્યનું સર્જન વેદનામાંથી થાય છે અથવા તો હાસ્ય પછી વેદના ઉપજતી હોય છે. આપણા પરિવારના મોટેરાઓને કહેતા સાંભળ્યા હશે કે,‘વધારે હસમાં નહીં તો રોવાના દાડા આવશે.’ એમ મિથ્યાભિમાન આપણને હસાવે છે, પણ છેલ્લે મૌન-રાગ છોડી ચાલ્યું જાય છે. આપણને એકલા મુકીને..
મિથ્યાભિમાન સિવાય મધુરાયના નાટકો વાંચ્યા. અશ્વત્થામા નામનો એકાંકી સંગ્રહ, કુમારની અગાશી, કોઇ પણ એક ફુલનું નામ બોલો તો અને લાભશંકર ઠાકરનું મસ્તમજાનું પીળું ગુલાબ અને હું સાથે ક્લાસિક રાઇનો પર્વત…. બસ, હવે નાટક નહીં….
> અર્વાચીન ગુજરાતી હાસ્યરચનાઓ
એક અઠવાડિયામાં કે એક મહિનામાં ગમે તેટલું વાંચ્યું હોય, પણ નવું હાસ્યનું પુસ્તક ન વાંચુ તો મારી ચયાપચયની ક્રિયામાં ફર્ક પડી જાય. કારણ કે હાસ્યનું તો કામ કરીએ છીએ. પ્રતિનિધિ વાર્તાઓની જેમ આ તમામ લેખો પણ પ્રતિનિધિની કક્ષાએ મુકી શકીએ. જે આપણા સૌના પ્રિય રતિલાલ બોરિસાગરે સંપાદિત્ત કર્યા છે. રમણભાઇ નીલકંઠની ચીઠ્ઠી, અજરા અમર જેવું વિનોદ ભટ્ટનું ચંદ્રવદન.ચી.મહેતા, તેમના વિશે દરેક બીજા માણસને કંઇકને કંઇક કહેવાનું હોય છે. જ્યોતિન્દ્ર સિવાય, અહીં આપણા કયા એવા સમર્થ સર્જકો છે જેનો સમાવેશ થયો છે. એ તમે વાંચી લેજો. આ પુસ્તક પ્રાપ્ય થશે પરિષદમાંથી.
> કોણ…?
બહાઉદ્દીન આર્ટસ કોલેજના બાકળે આપણે બેસેલા હતા. ત્યારે કિર્તી ધોળકિયા… અમારા લાઇબ્રેરિયન ત્યાંથી પસાર થયા. મને વાંચતો ન જોઇ બોલ્યા, ‘તારે કંઇ વાંચવું નથી? આ તારી બાજુમાં છે તે કેવો વાંચી રહ્યો છે.’ મેં પ્રત્યુતર વાળ્યો, ‘એ બોલે છે હું સાંભળું છું. થયું તો એક જ ને.’ મારા હાજરજવાબીપણાના કારણે તેમણે ત્યાંથી ચાલતી પકડી. ત્યારે મારી સામે બેસેલો વ્યક્તિ હાથમાં ચોપડી લઇ મને સંભળાવતો હતો, તે પુસ્તકનું નામ કોણ ? નવલકથા. રસપાન કરાવનાર વ્યક્તિ પારઘી સંજય.
લાભશંકર ઠાકરે તેનો ઉતરાર્ધ લખ્યો 1968માં, પછી પૂર્વાધ 1993માં લખ્યો. પરાણે લખાવનારા ભાઇનું નામ હતું રાધેશ્યામ શર્મા. ઉતરાર્ધ માત્ર 22 દિવસમાં પતાવી નાખ્યો છે તેવું લેખકે પ્રસ્તાવનામાં ટાંક્યું છે. આ નવલકથા કે આવી એક નવલકથા પણ છે, જેને કોઇએ કોપી કરવાની હિંમત નથી કરી તે ગુજરાતી સાહિત્યના વાંચકોનો પુસ્તક પ્રેમ દર્શાવે છે.
ગુજરાતી સાહિત્યમાં એક આવો નાયક પણ છે તે કોઇને ખબર છે? જેને પત્ની છોડવાના વિચારો આવે છે (જે દરેક પુરૂષને આવતા જ હોય-પણ છોડે નહીં) આ મારો બટો છોડી દે છે. સંસાર ત્યાગ કરે છે. રસ્તામાં કોઇ બીજાની બૈરીને પોતાની બૈરી માની મારી બૈરી પેલા સાથે જતી હતી તેવી શંકા કર્યા કરે છે. ઘરમાં આવી તાંડવ કરે છે. આ તાંડવથી છૂટવાનો તેને અવસર પણ મળે છે. આપણા નાયક ઉર્ફે શ્રીમાન વિનાયક ઘર છોડી દે છે અને પછી જે ધબધબાટી બોલે… 25 વર્ષ લાગ્યા હતા ઉતરાર્ધને આવતા…
આજે પણ નવનીત સમર્પણ ખોલીએ ત્યારે વિચાર આવે કે હમણાં લાભશંકરે લખ્યું હશે, ‘પાંચ વર્ષાકાવ્યો…’ થાય કે આ માણસને વરસાદ સિવાય કંઇ લખવું નથી. પણ આજે તે નથી ત્યારે ખૂબ વસવસો થાય છે. ખાલીપો લાગે છે. લાગે છે આ માણસ જેવા સારા વર્ષાકાવ્યો હવે ‘કોણ?’ લખે છે ?
> એનિમલ ફાર્મ
આ પુસ્તકની પ્રથમ આવૃતિ પર લખેલું હતું. એનિમલ ફાર્મ અ ફેરી સ્ટોરી. પછી તેમાંથી ફેરી ટેલ વાક્ય અલોપ થઇ ગયું. એ નવલકથા વાચકોની થઇ સાથે પ્રકાશકોની પણ થઇ, એટલે બીજા પ્રકાશકો તેમાં ત્રાટક્યા. મોબાઇલ યુગ આવ્યો એટલે એક એવો પ્રકાશક પણ ત્રાટક્યો કે જેણે નવલકથાને મોબાઇલ વર્ઝનમાં બનાવી નાખી. ખિસ્સા એનિમલ ફાર્મ પણ કહી શકો. એનિમલ ફાર્મ જે તસવીરમાં તમને દેખાશે. Pocket Classic આવી અગાઉ બે નવલકથા મેં ખરીદેલી છે. એક સિદ્ધાર્થ હર્મન હેસની અને બીજી મેટામોર્ફોસિસ ફ્રાન્ઝ કાફ્કાની. આ નવલકથાઓ છાપે છે ફિંગરપ્રિન્ટ ક્લાસિક પબ્લિકેશન. જેણે આવી ક્લાસિક 14 કથાઓ છાપી છે. મુતરડીમાં જઇને પણ મોબાઇલની જેમ કાઢી વાંચી શકો. શબ્દો પણ આંખને ગમે તેવા રાખ્યા છે. પણ અહીં એનિમલ ફાર્મ વિશે શું લખવું ? એનિમેશન ફિલ્મ પણ બની છે એટલે વધારે કંઇ કહી ન શકીએ. 1999માં પણ ફિલ્મ બનેલી જેને રોટન ટોમેટોસે 40 ટકા પાસિંગ માર્ક આપ્યા છે, પણ નવલકથા વાંચવાની મઝા છે. સૌથી મોટો પ્લસ પોંઇન્ટ એટલે આપણા જેવા ગરીબ માણહનું અંગ્રેજી સુધરશે.
જ્યોર્જ ઓરવેલની આ પોકેટબુકની ખાસિયત એ છે કે તેમાં ભૂંડની ઉપર પ્રથમવાર સામ્યવાદનું ચિન્હ લગાવી દીધું છે. નવલમાં તો છે, પણ પોસ્ટર પર પ્રથમ વખત સ્થાન જમાવ્યું છે. બીજુ કલર પણ સામ્યવાદને છાજે તેવું છે, લાલ કલરનું. બુક કરતા માવજતની ચર્ચા એટલે કરી કે આ કોઇના ધ્યાનમાં નહીં આવી હોય. અંગ્રેજી છે એટલે તમે નેટ ઉપરથી ખાખાખોળા કરી મેળવી શકશો. ત્યાં મારા જેવા બગડમ કરતા સારું લખનારા હોય છે. ઉપરથી ફિલ્મ છે તે અડધા ભાગના લોકોએ તો જોઇ જ હશે
> જીવ
માય ડિયર જયુની (જયંતીલાલ ગોહિલ) તેમના તમામ વાર્તાસંગ્રહ મારી પાસે છે, પણ ખાસ જીવની મારી પાસે બે આવૃતિ છે. એક જ્યારે બીજી છપાયેલી એ અને સાતમી આવૃતિ જે 2014માં પ્રગટ થઇ હતી. જયુની ખાસિયત તેમની વાર્તાઓમાં આવતી રસપ્રચૂર ઘટના, તેમાં આવતા પ્રસંગો અને તળપદી ભાષા. આમ તો બધા સંગ્રહો સારા છે, પણ જીવના બે સંગ્રહો મારી પાસે હોવાનું કારણ તેમાંની ત્રણ વાર્તા છે. એક ડારવિનનો પિતરાઇ, બીજુ શાશ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકર કથા અને ત્રીજુ છકડો. ભણવામાં જ્યારથી છકડો આવી ત્યારથી તેના દિવાના થઇ ગયા હતા.
ગીલાનો છકડો. લેખક ભાવનગરના એટલે ભાવનગરના છકડામાં જ વાર્તાએ આકાર લીધો હશે. જાંબાળા…. ખોપાડા… તગડી અને ભીડી… હજુ બુક ઉથલાવ્યા વિના યાદ છે. મૂળ તો આ લેખક કંઇ લખવાના નહોતા. વાર્તાસભાઓમાં જતા આ સિવાય કોઇ સાહિત્યનો શોખ નહીં. આ સમયે મોહન પરમારે કહ્યું કે, ‘તમે વાર્તા લખોને.’
જ્યારે રાહ જોઇને જ બેઠા હોય એમ તે ત્રાટકી પડ્યા અને ગુજરાતી સાહિત્યને મળ્યો પ્યોર ભાવનગરી વાર્તાકાર. વાર્તાના ડાઇલોગ મૂળ બોલીમાં, વાર્તામાં આવતા વળાંકો અને જે નવલકથા નથી કહી શકતી તે તેમની બાર કે પંદર પાનામાં વિસ્તૃત ફેલાયેલી નવલિકા કહી દે છે.
આજે પણ છકડોની દુનિયામાંથી બહાર નથી નીકળી શકાયું અને નીકળવું પણ નથી. મળીએ પછી….
~ મયૂર ખાવડુ
Leave a Reply