1) સબા ઇમ્તિયાઝ.
પાકિસ્તાની લેખિકા સબા ઇમ્તિયાઝનું નામ ઘણા ખરા માટે અજાણ્યું નહિ હોય, અને હશે તો હવે રહેવાનું નથી. તેની પાછળનું કારણ તેની નોવેલ છે. કરાચી યુ આર કિલીંગ મી. જેના પરથી અત્યારે નુર ફિલ્મ બની રહી છે. જેમાં સોનાક્ષી ‘ભાઇ’ અભિનય કરી રહ્યા છે. સબા ઇમ્તિયાઝની આ પહેલી ડેબ્યુ નોવેલ. જે 2014 માં પબ્લિશ થઈ. સબા પોતે જ પત્રકાર છે. એટલે ખુદના અનુભવ આવે તે સ્વાભાવિક બાબત છે. દુનિયાના સૌથી ખતરનાક સિટીમાં એક ગણાતુ કરાચી અને તેમાં પણ આયેશા ખાન જેવી વીસ વર્ષની છોકરીનું કેરેક્ટર. જે સબાએ લાજવાબ ઘડ્યું છે. ક્રાઇમ નોવેલ લખવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે, અને તેમાં પણ જો કોમેડી હોય તો ભયોભયો. બીજુ શું જોઇએ. સબા પોતાના લેખન કરતા વધારે લુકના કારણે ચર્ચામાં રહે છે. વાહ યાર આવી પણ લેખિકા હોય… દાંત ભલે થોડા મોટા છે, પણ સુંદર છે.
2) મોહસીન હામિદ
મોહસીન હામિદે વર્ષ 2000માં માઉથ સ્મોક લખેલી. તે પછી શ્રીમાને વધુ એક નોવેલ લખી મારેલી. પણ હજુ મોહસીનને લોકો માઉથ સ્મોકથી વધુ યાદ કરે છે. તો શું છે તેમાં ? લાહોરનો એક બેન્કર. નામ દારાશિકોહ શેહજાદ. જે કોલેજ ટાઇમે બોક્સર પણ રહી ચુક્યો છે. બોક્સિંગ કશી કામમાં નથી આવતી. તેના તમામ મિત્રો, જે તેના ક્લાસમેટ હોય છે તે પૈસાદાર બની જાય છે, અને આ ભાઇ પાછળ રહી જાય છે. આખરે તેના પૈસાદાર મિત્રો સાથે કામ કરી અને આડા રવાડે ચડવાની શૈતાનિયત. મુમતાઝ સાથે લવ. ટીપીકલી અસ્તિત્વવાદ. અને તે પણ આલ્બેર કામુની આઉટસાઇડરની માફક. આ બુકની તારીફ અનીતા દેસાઈએ પણ ભરી ભરીને કરી છે. હેમિગ્વે એવોર્ડ અને ન્યુયોર્ક ટાઇમ્સ એર્વોડ આ બુકના ખાતામાં બોલે છે.
3) મોહમ્મદ હનીફ
ઘ કેસ ઓફ એક્સપ્લોન્ડિંગ મેંગો. જેવુ લાંબુ નામ તેવી બુક. આ એક કોમેડી નોવેલ છે. અને સત્યકથા પણ. મોહમ્મદ ઝીયા ઉલ હક નામના પાકિસ્તાની જનરલનું પ્લેન ક્રેશ થયુ હતું, તેના પર. આ બુકને કોમનવેલ્થ પ્રાઇઝ મળી ચુક્યુ છે. નોવેલ 1977 થી 1988 વચ્ચે આટા મારે છે. જ્યારે પાકિસ્તાનના જનરલનું પ્લેન C-130 હરક્યુલીશ ક્રેશ થયુ હોય છે. આખી વાર્તા અલી નામના નેરેટરના મુખેથી કહેવાય છે. જે પોતે પણ એર ફોર્સનો જુનિયર કમાન્ડર છે. અને પછી શું થાય છે. એ જોવાનું, સુપર સસ્પેન્સ થ્રિલર અને અલીનો સેન્સ ઓફ હ્યુમર એટલે ઘ કેસ ઓફ એક્સપ્લોન્ડિંગ મેંગો.
4) કામિલા શમશાઇ
ઇસ 2000માં સોલ્ટ એન્ડ સેફ્રોન નામની નોવેલ આવેલી. કામિલાની આ નોવેલ ક્રીટીકલી ખુબ વખણાય. એટલે તેણે વધુ એક ધારદાર નવલકથા લખવાનું નક્કી કર્યું. એ નોવેલ એટલે કાર્ટોગ્રાફી. નોવેલમાં હિસ્ટ્રી અને રોમેન્સનો ફાઇવ સ્ટાર તડકો છે. રહિમ અને કરીમ નામના બે ટ્વીન બ્રધર. જે બંગાળી માતાના સંતાનો. કરાચીમાં હુલ્લડ ફાટતા બંને ભાઈઓ અલગ થઈ જાય છે. બંનેને એકબીજાને મળવુ છે, અને મળે છે તો કાર્ટોગ્રાફીના કારણે. કેવી રીતે? આ માટે નોવેલ વાંચી લેવી. કામિલાએ નોવેલમાં બંગાળી માતાનું કેરેક્ટર ક્રીએટ કર્યુ તે અફલાતૂન છે. જેની લવસ્ટોરી રિયાલિટીથી પણ એક કદમ આગળ છે, તેવુ લાગે.
5) ફાતિમા ભુટ્ટો
બેનઝીર ભુટ્ટોની આ દીકરીનું જૂનાગઢ કનેકશન ઘણું છે. તેની ડેબ્યુ નોવેલ એટલે ધ શેડો ઓફ ક્રેસેટ મુન. વાચકો ફાતિમાને સોંગ્સ ઓફ બ્લુડ એન્ડ સ્વોર્ડ માટે યાદ કરે છે. પણ અદલ મા જેવી દેખાતી આ દિકરીની ડેબ્યુ નોવેલ ખુબ વખણાયેલી ત્રણ ભાઇઓની આસપાસ ફરતી વાર્તા. જે ત્રણેને અલગ રીતે દતક લેવામાં આવ્યા છે. દતક લેનાર પિતાનું મૃત્યુ થતા તેની બે બેગમ આ ત્રણેને કેમ સાચવે અને મોટા કરે છે તેની આસપાસ વણવામાં આવી છે. અને હા ફાતિમાની નોવેલમાં હોય છે તે મુજબ ધર્મ સેન્ટરમાં છે. એટલે હિન્દુ મુસ્લિમ સમાજ આવવાનો તો ખરો અને તેના પીઠ સોંસરવા નીકળતા ધારદાર ડાયલોગ પણ.
ઓકે તો આ હતા ટોપ ફાઇવ મારા પાકિસ્તાની રાઇટર્સ. વાંચી લેજો કારણકે સાહિત્યને સરહદો નથી નડતી.
~ મયુર ખાવડુ
Leave a Reply