1996ની એ સાલ હતી. સુમન શાહ સંચાલિત સાહિત્ય ફોરમની ધજા હેઠળ યોજાતી વાર્તા શિબીરોમાંથી જયંતિલાલ પરત ફરી રહ્યા હતા. સણાલી મુકામ હતું અને સાથે હતા અંચળોના લેખક મોહન પરમાર. કોઇ સંવાદ નહોતો થઇ રહ્યો અને અચાનક જોરદાર પવન વહેવા લાગે તેમ મોહન પરમાર એકસામટુ બોલી ગયા, ‘તમે વાર્તા લખોને.’
જયંતિલાલ ખાલી રાહ જોઇને જ બેઠા હતા. એમણે તો શરૂ કરી દીધું. જીવ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે, ‘મેં પ્રયત્નથી નહીં મનોયત્નથી વાર્તાઓ લખી. ક્યારેક ક્યારેક ઓઠાં તો લખતો જ હતો.’
માય ડિયર જયુના પેન નામે લખતા જયંતિલાલ રતિલાલ ગોહિલ સાથે સંપર્ક થયો છકડો વાર્તાથી. જેમાં તેમનું ગામ ટાણા આવે. પણ ભાવનગર પાસે જાંબાળા, ખોપાળા, તગડી, ભીંડી આવા ગામો છે ખરાં ? જ્યાં લેખકે ગીલાને છકડો લઇ રસ્તા અને જીવન વચ્ચે ભમભમાટી દોડાવ્યો હતો. એક અદભૂત વાર્તા આપણી પાસે છે. તેનું વિવેચન શક્ય છે, પણ તેની ટીકા કરવી મુશ્કેલ છે. પરબારુ તીર જ્યારે છાતી ચીરીને સોંસરવુ બાર નીકળી જાય તેવો એ વાર્તાનો અંત છે. ગીલો તો એની મોજમાં છકડો ચલાવ્યે રાખે. રસ્તા આબડખૂબડ, પણ છકડાને એની કોઇ પરવા નહીં. અહીં જયુએ છકડાને ઘરનો કમાઉં દીકરો બતાવ્યો છે. ક્યાંય વર્ણન નથી કર્યું, પણ ઇર્ષ્યાનું તત્વ પણ સમાયેલું છે કે પેલો પાડોશી જ્યારે મિલકત ઉભી કરતો હોય તો હું થોડો પાછીપાની કરૂં. પણ તેનું જયુએ ક્યાંય વર્ણન નથી કર્યું. તેમની વાર્તામાં સંવાદ આવે, વર્ણન આવે, ઉંડાણ આવે, રસ તો ભરીભરીને આવે, ઓઠાં આવે પણ ક્યાંય જયુ ક્લૂ નથી આપતા. એ તેમણે સંશોધકો માટે બચાવીને રાખ્યા છે.
જયુએ એકધારી વાર્તા નથી લખી. જ્યારે તેમના અંતરમને તેમને કહ્યું કે હવે લખવી જોઇએ ત્યારે જ તેમણે કલમ ઉપાડી છે. પુસ્તકો પણ એટલા બધા પ્રગટ નથી કર્યા, પણ હા, શરૂઆતમાં તેમને વિવેચનનો શોખ હતો ખરા. ભાવનગરના વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમારે પ્રથમ નામનો વિવેચન સંગ્રહ બહાર પાડ્યો. ત્યાંના જ યુવા વાર્તાકાર શક્તિસિંહ પણ સારૂં વિવેચન કરી જાણે છે. રામ મોરીએ એટલું નથી કર્યું. પણ જયુનું તો વિવેચને ય ભૂક્કા કાઢી નાખે તેવું.
તેમનું શિર્ષકો પરનું વિવેચન જુઓ. સ વિક્ષતે નામના વિવેચન સંગ્રહમાં લેખકે નોંધ્યું છે. ‘’એટલે તે મોટાભાગના લેખકો અને વિવેચકો લઘુકથાને ઓળખવા માટે જ શીર્ષકો યોજે છે તે પણ નોંધનીય છે. વામનમાં વિરાટ, ક્ષણનું શિલ્પ, પળના પ્રતિબિંબ, મત્સ્યવેધની કળા, વામનનનાં પગલાં, રાઇનાં દાણાં, સુદામાના તાંદુલ, ગાગરમાં સાગર, દારૂથી ઠાંસોઠાસ ભરેલો ફટાકડો, આયનો નહીં પણ આભલું. આ શિર્ષકો લઘુકથા પ્રત્યેના ભક્તિભાવને વ્યક્ત કરે છે અવશ્ય. પણ અન્યોમાં હાસ્ય જગાવવા માટે ય પૂરતાં છે.’’ (સ-વિક્ષતે પૃષ્ઠ 72-73)
એક સમય હતો કે આ લઘુકથાનું પુસ્તક છે તેની સાબિતી આપવા માટે લેખકોએ આવા ક્ષણિક શિર્ષકો આપવા પડતા હતા. આજની માઇક્રોફિક્શનો પણ !! જયુ માત્ર લઘુકથાઓનું વિવેચન કરી નથી અટક્યા તેમણે લઘુકથાઓ પણ લખી છે. પણ એ લઘુકથાઓ તેમની વાર્તાઓ જેટલી પોપ્યુલર નથી થઇ શકી. આ પુસ્તકમાં તેમણે ખરાં અર્થમાં બ.ક.ઠાકોરે કહેલું તે તોહમતનામું બહાર પાડ્યું છે. વાર્તા લખતા જયુએ અહીં કવિતાઓના વિવેચન પર પણ હાથ અજમાવ્યો છે. એ જરા નવાઇ લાગી. કદાચ તેમને અંદરખાને કવિતાઓ પ્રત્યે પ્રેમ હશે !
પણ જયુ પોતે સ્વીકારે છે કે, ‘મેં ક્યારેય પલાઠી વાળીને વિવેચન કર્યું નથી એટલે કે શિસ્તમાં. તેવામાં વિવેચનસંગ્રહ શા માટે કરવાં !’
તેમણે સંજીવની, જીવ, મને ટાણાં લઇ જાવ, થોડાં ઓઠાં (દેશી વાતો), ઉપરથી બે વાર્તાઓનું સંપાદન છે. એક ઇલા નાયકે કર્યું છે એક મણિભાઇએ કર્યું છે. પણ આટલી બધી સારી વાર્તાઓ લખી હોવા છતા એક વાર્તા ખૂબ ઓછી લોકોની સામે આવી છે. એ વાર્તાનું નામ છે શાશ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકર કથા.
->શાશ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકર કથા
જીવ વાર્તાસંગ્રહમાં આ કથા પાંચમાં ક્રમે છે. ઇલા નાયકે કરેલા સંપાદનમાં પણ આ વાર્તા સ્થાન પામી છે. વાર્તાની શરૂઆતમાં લેખકે લખ્યું છે કે, ‘આમ તો આ વાત કરવી છે એટલે નામ આપ્યું, બાકી અમારા ગામમાં આવીને પૂછો કે લક્ષ્મીરામભાઇ ક્યાં રહે છે ?’
તમને પહેલીવારમાં જ તણખો થઇ જવો જોઇએ કે લેખકે અહીં ટાણા ગામની વાત કરી છે. આર.કે.નારાયણનું માલગુડી વિશ્વ અને E.M FOSTERની પેસેજ ટુ ઇન્ડિયા વાંચો (1924) તો તેમાં પણ ચંદ્રપોર નામનું નગર વારેઘડીએ આવે છે. તેમ અહીં ટાણા ગામ આવે. લેખકે પોતાના ત્રણ વખત થતા મૃત્યું પર આધારિત અને ગામ પ્રત્યેના મમત્વના કારણે મને ટાણાં લઇ જાઓ વાર્તા લખી હતી. પણ અહીં વાત લક્ષ્મીરામની કરીશું.
ગામમાં બાપાનું કેરેક્ટર લાર્જર ધેન લાઇફ છે. કારણ કે લેખકના શબ્દોમાં ગામ ખૂબ મોટું છે. પણ ગામના બધા લોકો બાપાને ઓળખે છે તેની પાછળનું કારણ ગામમાં માત્ર ત્રણ ગોર મહારાજ છે. તો પણ સંધાય કામ કરાવવા માટે આપણા પ્રોટોગોનિસ્ટ લક્ષ્મીરામ પાસે જ જાય છે. કારણ કે તેઓ “વિભૂતિ” છે.
શરૂઆતથી અંત સુધી કથાના નેરેટર લેખક પોતે જ છે. જયુની ઘણી વાર્તાઓ તે પોતે જ નેરેટ કરે અને કથા આરંભાઇ તેવું બન્યું છે. આ વાર્તામાં પણ તેમણે નેરેશનની જાદુઇ છડી ઉપાડી છે.
જયુની વાર્તાકળામાંથી હાસ્ય ખૂબ નીપજે. આ વાર્તામાં બાપા ચાલીને જતા હોય ત્યારે કોઇ તેમને પૂછે, બાપા નોમ કેદી ? ત્યારે બાપા પોતે મસ્તી કરે નોમ નોમને દિ…. કોઇ પૂછે ઓણ‘દિ વર્ષ કેવું જાશે ? તો બાપા કેય આઠાની… (પહેલા રૂપિયા આપો)
વાર્તામાં એક જગ્યાએ નોટબંધીનો પણ ઉલ્લેખ છે, ‘એ તો વચ્ચે સરકારે નાણાં બદલાવ્યાં ત્યારે સવજીએ સમજાવ્યા કે જૂનું નાણું હોય તો બદલાવી નાખજો, નહિંતર નકામું થઇ જશે. ત્યારે કચવાતે મને બાપાએ ઇસ્કોતરો ખોલેલો.’ (જીવ-પૃષ્ઠ-59)
ગીલામાં આપણે ઇર્ષ્યાની વાત કરી, અહીં લક્ષ્મીરામ ભાઇમાં આ સંવાદરૂપે જયુએ નાયક ચીકણો હોવાનું જણાવ્યું. એ સમયમાં બ્રાહ્મણો કેવા લોભી અને ચીકણા હતા તેનું આ ટૂનટૂન ટાઇપ ઉદાહરણ છે. ગોરાણી હયાત હતા ત્યાં સુધી લક્ષ્મીરામ બાપાએ કોઇને કહ્યું નહીં કે મારી પાસે રૂપિયા છે. મોટાભાગે સ્ત્રીને પુરૂષ કેટલો પગાર છે તે નથી કહેતો. અહીં લક્ષ્મીરામભાઇ ભલે નોકરો નથી કરતા પણ પત્નીથી નાણું કેમ છૂપાવવા તેવી પુરૂષજાત આવડત તેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. લક્ષ્મીની વાત ગૃહલક્ષ્મીને નહીં કરવાની હો !!!
વાર્તામાં દલિતની હાજરી પણ ન હોય અને તો પણ વાર્તા દલિત સાહિત્યની બની જાય તેવું ઉદાહરણ બીજી કોઇ વાર્તામાં જોયું છે ? આ વાર્તામાં બાપા નિયમ પ્રમાણે વારે તહેવારે પત્નીથી અળગા રહે, વાળંદને પવનની દિશામાં માની પછી વાળ કપાવે, એમાંય વાળંદને ઘેર બોલાવવો, નસકોરા માપવાના. આખા ગામમાં બાપાને બે જણાં જ અડે. એક એમની પત્ની અને એક વાળંદ. લક્ષ્મીરામ પ્રખર રૂઢીચુસ્ત છે. માત્ર બે લોકોને અડવા દે તેનો અર્થ થયો કે લક્ષ્મીરામના પાત્રમાં જયુએ ઠાંસોઠાંસ આભડછેટ ભરી છે.
લાગે કે કથા જયુની બીજી વાર્તાઓ જેવી જ છે. તેમાં લેખકે દેશી શબ્દોનો ભૂકો ભભરાવ્યો છે. પોતે નેરેટર બન્યા છે. એટલામાં વાર્તામાં વળાંક આવી જાય અને કથાવસ્તુ શરૂ થાય. ત્યાર સુધી લેખકે ભરપૂર પ્રસ્તાવના બાંધી અને લક્ષ્મીરામ જ્યારે નર્મદ હોય તેમ તેનું જીવનચરિત્ર આલેખ્યું. ઉપરથી વારંવાર કહેતા પણ જાય કે, બાપાની વાતો કર્યા કરશું તો પાર નહીં આવે. ત્યાં ગોરને ત્યાં છોકરો જન્મે અને શનિદેવ ઝાપટ મારી તેને બોલતો અટકાવી દે. સુરત શહેરમાં હિરાનો ઉદ્યોગ ફાટી નીકળે અને પરિવર્તનયોગ થતા આખું ગામ સુરત તરફ હિજરત કરવા લાગે. વાર્તામાં આ બે જ વળાંક છે. છોકરો બાપાની દ્રષ્ટિએ ઓટીવાર નીકળ્યો એ અને ગામ આખું સુરત ભાગી જાય છે એ. હવે બાપાના ધંધાનું શું ? પછી બાપાને પેરેલિસિસ અને વાર્તાનો અંત… ?
વાર્તા એવી રીતે ગૂંથાઇ છે જ્યારે કાનજી ભૂટા બારોટની જેમ લેખક ટાણાના પાદરે બેસીને સંભળાવી રહ્યા હોય. લેખકે નાયક લક્ષ્મીરામનું ગામ પ્રત્યેનું મમત્વ દર્શાવ્યું છે. ગામ આખુ પલાયનવાદી છે. પણ હવે જમાનો આધુનિકતાનો આવ્યો છે. મોટા શહેરોમાં રહેવું અને કમાવું. શહેરમાં ભવિષ્ય છે, પણ લક્ષ્મીરામને ભૂતકાળમાં રોજગારી દેખાઇ છે. એ રોજગારી શું કામની જ્યારે ગામમાં કોઇ માણસ જ ન હોય ? વાર્તામાં બે પેઢીના “રોજગારના” ભવિષ્યની વાત કરી છે.
વાર્તામાં ગતિ છે. તેમાં બે મત નહીં. પણ કેટલાક શબ્દો ઓઠાં જેવા છે, પણ ઓછા છે. ઓઠા સંગ્રહ જેટલા તો નથી જ ભર્યા. જોકે આ માય ડિયર જયુ સ્ટાઇલ છે તે ન ભૂલવું જોઇએ. બાપાનો પોતાના જીવન સાથે અનંત સંઘર્ષ છે. પરાયાની દુકાને કેમ બેસવું ? હવે મારો ધંધો કેમ ચાલશે ? વાર્તાના પ્રવેશથી લઇને અંત સુધી બાપામાં લેખકે સંઘર્ષકથાને ગુંથી છે.
લક્ષ્મીરામ અને તેમના દિકરા વામનના પાત્રામાં એક ખીણ જેટલું અંતર છે. બાપાનું અભિમાન ટોચ જેટલું છે પણ વામનને હવે આ ગામમાં નથી રહેવું. બાપા ટોચે ઉભા દિકરો ખીણે. ટોચ પરથી નીચે પહોંચવામાં સમય લાગે ત્યાં નીચેનો વ્યક્તિ તો સીમાડા ટપી ગયો હોય. (અહમ ઘવાવો અને માફી માગવી એ જ તો “જીવ”ની બે મોટી પરીક્ષા છે.)
વામન તો ગયો સુરત, હિરા ઘસવા. પણ મજબૂરી વિના તો કંઇ થઇ ન શકે. પેરેલિસીસ થતા હવે ચાકરી કરનારું પણ કોઇ નથી એટલે બાપાને પણ સુરતની ટીકીટ કપાવવી પડે છે.
શક્તિસિહે પણ પોતાની વાર્તા છૂટકોમાં એક આવા જ બાપાનો ઉલ્લેખ કર્યો છે. એમનો દિકરો ય સુરત ગયો હતો. પણ ત્યાં બાપાને સમસ્યા કઇ જગ્યાએ સર્જાણી ? સંડાસમાં !! બાપાને સંડાસ મગરમચ્છ જ્યારે મોઢું ફાળીને ઉભો હોય તેવું લાગતું હતું. બાપા જાજરૂ ગયા પણ ક્યારે ? જ્યારે સુરતથી વળતી ટિકિટ કપાવી ત્યારે !!
આ બંન્ને વાર્તાઓમાં ઘટનાનું કેન્દ્રબિંદુ એક જ છે. ગમે એમ ગામમાં પાછું આવવું. એક આવી શકે છે બીજો મજબૂરીના કારણે નથી આવી શકતો. માનવઅનુભવ- વ્યક્તિનું-વ્યક્તિનું આમ તો પેઢી-પેઢીનું મનોવિજ્ઞાન અને નગરજીવન સાથે સંકળાયેલું મમત્વ આ વાર્તામાં છે અને લક્ષ્મીરામની આભડછેટ તો કહ્યા વિનાની.
એક રીતે વાર્તામાં સવાયુ કોણ સાબિત થયું ? બાપાનો ધર્મ જીત્યો કે દિકરાનું આધુનિકતાપણું ? પિતા નવા જમાના સામે હારી ગયા કે તેમનો અહમ ઘવાયો ? આવા ઘણા પ્રશ્નો વાર્તામાં છે અને તેના ઉત્તર પણ તેમાંથી જ મળી જાય છે.
~ મયૂર ખાવડુ
Leave a Reply