લાઇફ ખતમ નહીં હોતી, સર!
સંવેદનશીલ વાર્તા, અસરકારક ડિરેક્શન અને અફલાતૂન અભિનય. જો તમને સાદી પણ સુંદર ફિલ્મો જોવી ગમતી હોય તો ‘સર’ મિસ ન કરતા.
Multiplex – Divya Bhaskar – RasRang Purti
એ પહેલી નજરે કામવાળી બાઈ જ લાગે. સૂકલકડી શરીર. કદ નીચું. મામૂલી સાડી. સાદો ચોટલો વાળ્યો હોય. ખભે સસ્તું પર્સ લટકાવ્યું હોય. ચહેરો શામવર્ણો ને સાવ સાધારણ, પણ એની આંખોમાં તેજ છે. તમારું ધ્યાન એની તરફ ધારો કે ખેંચાય તો એની ભાવવાહી આંખોની નોંધ તમે લો, એવું બને.
* * * * *
એ રત્ના (તિલોત્તમા શોમ) છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘સર’ની નાયિકા. તિલોત્તમાને આપણે છેલ્લે ઇરફાનવાળી ‘હિન્દી મીડીયમ’ અને પછી ‘ઇંગ્લિશ મીડિયમ’માં જોયાં હતાં. યાદ કરો ‘ઇંગ્લિશ મીડિયમ’ની ટિપિકલ સાઉથ દિલ્હીની પેલી ચાંપલી, ઊંચું ઊંચું અંગ્રેજી બોલતી, અતિ સ્ટાઇલિશ એવી કરીઅર કન્સલ્ટન્ટને. આપણને થાય કે આ માનુની છીંક પણ અંગ્રેજીમાં ખાતી હશે. ક્યાં એ હાઇફાઇ મહિલા ને ક્યાં ‘સર’ની આ મરાઠી ગામડિયણ રત્ના… પણ ‘સર’ ફિલ્મ શરૂ થાય એની ગણતરીની સેકન્ડ્સમાં, કહો કે પહેલા જ શોટમાં, તિલોત્તમા શોમ તમને કન્વિન્સ કરી નાખે છે કે એ ખરેખર મહારાષ્ટ્રના કોઈ ગામડાગામમાં રહેતી અભણ ગરીબ બાઈ જ છે. ઉત્તમ અદાકારનું આ જ તો લક્ષણ છે.
‘સર’ ફિલ્મ રત્ના જેવી જ છે – સીધીસાદી અને દંભદેખાડા વગરની. ફિલ્મમાં કોઈ શોબાઝી નથી, કોઈ સ્ટાઇલિશ કેમેરા એંગલ્સ નથી, કોઈ ઢીન્ચાક સંગીત નથી, કોઈ સ્માર્ટ એડિટિંગ પેટર્ન નથી. મુંબઈના દરિયાકિનારાથી થોડે દૂર ઊભેલા એક આલિશાન ઇમારતના વૈભવી ફ્લેટમાં મોટા ભાગની ફિલ્મ આકાર લે છે. ફિલ્મના નાયક અશ્નિન (વિવેક ગોમ્બર, ખૂબ સરસ)નું આ ઘર છે. આ ફ્લેટમાં હજુ હમણાં સુધી એની સાથે લિવ-ઇન પાર્ટનર સબિના પણ રહેતી હતી. બન્ને લગ્ન કરવાનાં હતાં, પણ સાવ છેલ્લી ઘડીએ અશ્વિનને ખબર પડે છે કે સબિના એને વફાદાર નથી ને એ પોતાની પીઠ પાછળ બીજા પુરુષ સાથે છાનગપતિયાં કરે છે. લગ્ન ફોક થાય છે. સબિનાએ ઘર છોડીને જતાં રહેવું પડે છે. અશ્વિનના જીવનમાં બની ચૂકેલી આ ઘટનાઓ ફિલ્મમાં દેખાડવામાં આવતી નથી, સબિના ક્યારેય સ્ક્રીન પર આવતી નથી, પણ પાત્રો વચ્ચેના ડાયલોગ્ઝમાંથી આ વિગતો ત્રુટક ત્રુટક બહાર આવતી જાય છે. આપણે જોઈએ છીએ કે અશ્વિન ક-મને પોતાના બિલ્ડર પપ્પા સાથે કામ કરી રહ્યો છે. એ અમેરિકા રિટર્ન્ડ છે. એને મૂળ તો લેખક બનવું હતું. અમેરિકામાં એ મૅગેઝિનોમાં લેખો લખતો, બ્લોગ લખતો, અડધી નવલકથા પણ લખી હતી, પણ પરિવારમાં કશીક ટ્રેજેડી થતાં એ ઇન્ડિયા આવી ગયો હતો.
.
સબિના જતી રહી પછી ઘરમાં હવે બે જ માણસ બચ્યા છે. એક અશ્વિન અને બીજી રત્ના. રત્ના ફ્લેટની અંદર જ ખોબા જેવડા સર્વન્ટ્સ રૂમમાં રહે છે. એ ઘરની સાફસફાઈ પણ કરે છે ને રસોડું પણ સંભાળે છે. રત્ના જુએ છે કે પ્રેમિકાએ દગાબાજી કરી નાખી ને લગ્ન તૂટી ગયાં તેને કારણે સર અંદરથી હલી ગયા છે. સર કદાચ પહેલેથી અંતર્મુખ હતા, પણ હવે એ ઉદાસ પણ બની ગયા છે. રત્નાથી રહેવાતું નથી. એક વાર અશ્વિનને થાળી પિરસ્યાં પછી એ કહે છેઃ સર, હું ઓગણીસ વર્ષની હતી ત્યારે મારાં મા-બાપે મારાં લગ્ન કરી નાખ્યાં હતાં. મારે તો ભણવું હતું, પણ મારે હાથ પીળા કરીને સાસરે જતા રહેવા પડ્યું. લગ્નના ચાર જ મહિનામાં મારો વર ગુજરી ગયો. હું વિધવા બનીને પિયર પાછી આવી… પણ આજે હું કમાઉં છું, દર મહિને ઘરે ચાર હજાર રૂપિયા મોકલું છું, મારી નાની બહેનને ભણાવું છું. જીવનમાં આવું બધું તો ચાલ્યા કરે. લાઇફ ખતમ નહીં હોતી, સર.
અશ્વિન કદાચ આ જ સાંભળવા માગતો હતો. જીવનમાં ચડાવઉતાર તો આવ્યા કરે, સંબંધો તો તૂટેય ખરે ને ફૂટેય ખરા, પણ એનાથી કંઈ જિંદગી અટકતી નથી…! અશ્વિન જુએ છે કે રત્ના સાવ અભણ બાઈ છે, પણ ખુદ્દાર છે. એ રત્નાને કહે પણ છે કે રત્ના, તું ખૂબ બ્રેવ છો. રત્ના ત્યારે તો ‘ઓકે, સર’ કરીને જતી રહે છે, પણ પછી કારની ચાવી લેવા આવેલા અશ્વિનના ડ્રાઇવરને એ હળવેકથી પૂછી લે છેઃ બ્રેવ એટલે શું? સર પોતાને હિંમતવાળી સમજે છે એવી ખબર પડતા એ હરખાઈ જાય છે.
રત્ના હિંમતવાન પણ છે અને સ્વપ્નિલ પણ છે. બપોરે ઘરનું બધું કામ પતાવ્યા પછી એ દરજીકામ શીખવા જાય છે. અશ્વિનને જ્યારે જાણ થાય છે કે રત્ના ફેશન ડિઝાઇનર બનવા માગે છે ત્યારે પહેલાં તો એને હસવું આવી જાય છે. એનાથી બોલાઈ જવાય છેઃ અચ્છા એટલે તારે ફેશન ડિઝાઇનર બનવું છે, એમ? રત્ના સામો સવાલ કરે છેઃ નહીં બન સકતી, સર? અશ્વિનને તરત પોતાની ભૂલ સમજાય છે. પછી તો એ રત્નાને સિલાઇકામનું મશીન ભેટમાં આપે છે.
‘સર’ ફિલ્મની વાર્તા એક કરતાં વધારે સ્તર પર આગળ વધતી રહે છે. મુખ્ય સ્તર પર આ એક લવસ્ટોરી છે, પણ એમાં ટિપિકલ પ્રેમકથા જેવા મસાલા નથી. બીજા સ્તર પર વર્ગભેદની વાત છે, પણ ધનિક એટલે શોષણકર્તા અને ગરીબ એટલે શોષિત એવી જડ માન્યતાના ભુક્કા અહીં બોલી ગયા છે. પૈસાદાર નાયક અત્યંત શાલીન ને સજ્જન માણસ છે. રત્નાને એ કામવાળી બાઈ તરીકે નહીં, પણ એક વ્યક્તિ તરીકે જુએ છે. નાયક પાસે બધું છે છતાં એકલવાયો ને લાચાર છે, જ્યારે સામે પક્ષે રત્ના આત્મસન્માન અને આત્મવિશ્વાસથી છલકાતી, વૈચારિક સ્પષ્ટતા ધરાવતી, પોતાના જીવનના નિર્ણયો ખુદ લઈ શકતી સ્વતંત્ર સ્ત્રી છે.
‘સર’ ફિલ્મ સૌથી પહેલાં અતિપ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 2018માં દેખાડાઈ હતી. કાન સહિત દેશ-વિદેશના કેટલાય ફિલ્મોત્સવોમાં એને અવૉર્ડ્ઝ મળી ચૂક્યા છે. આખરે ગઈ દિવાળીએ તે ભારતના થિયેટરોમાં રિલીઝ થઈ ને હવે તે નેટફ્લિક્સ પર મૂકાઈ છે. ફિલ્મનાં રાઇટર-ડિરેક્ટર રોહેના ગેરા એક ઇન્ટરવ્યુમાં કહે છે કે, ‘હું નાની હતી ત્યારે મારું ધ્યાન રાખવા માટે અમારા ઘરે એક બાઈ આવતી. હું આખો દિવસ એના ખોળામાં રમ્યા કરતી હોઉં, પણ એ જ્યારે જમવા બેસે ત્યારે એણે રસોડાના ખૂણામાં નીચે ભોંય પર બેસવાનું. મને આ વાત નાની હતી ત્યારે પણ ખટકતી. ‘સર’નાં મૂળિયાં અહીં છે. ‘સર’ ફિલ્મ મારા ગિલ્ટી સિક્રેટમાંથી જન્મી છે.’
ફિલ્મમાં દરવાજો ખોલવો-બંધ કરવો, જમવાનું પિરસવું – ખાવું વગેરે જેવી કેટલીય ક્રિયાઓ રિપીટીટીવ થયા કરે છે, ફિલ્મમાં કેટલાય સાયલન્ટ શોટ્સ છે, તો પણ સંવેદનશીલ દર્શક એક ક્ષણ માટે પણ કંટાળ્યા વગર સ્ક્રીન સામે ચોંટી જાય છે. ફિલ્મના દરેક ડિપાર્ટમેન્ટમાં સરસ ડિટેલિંગ થયું છે. રત્ના બનતી તિલોત્તમા શોમની ચાલ જોજો. કામવાળી બાઈઓ કંઈક આવી જ રીતે ચાલતી હોય છે. એ ઘરમાં આવે એટલે તરત ચપ્પલ કાઢી, હાથેથી ઊંચકી, પોતાની ઓરડીમાં મૂકી આવે. એ વિધવા છે એટલે રંગીન બંગડીઓ પહેરી શકતી નથી, એટલે જેવી બસ એના ગામથી દૂર પહોંચે એટલે હાથમાં બંગડી સરકાવી લે ને પાછા ગામ આવવાનું હોય ત્યારે પાદરમાં પ્રવેશતાં પહેલાં જ બંગડી ઉતારી લે. ફિલ્મમાં લાઘવ પણ ઊડીને આંખે વળગે. મુખ્ય વાર્તા માટે આવશ્યક ન હોય તેવી બાબતોનાં દશ્યો ન બને. જરૂર પૂરતી વિગતો ઊપસાવવા માટે ક્યારેક સંવાદોના માત્ર થોડાક લસરકા પૂરતા થઈ પડે.
‘સર’માં પછી રત્ના અને અશ્વિનનું શું થાય છે તે અમે નહીં કહીએ. 2020ની એક આ ઉત્તમ ફિલ્મ છે. જોજો. ગમશે.
– Shishir Ramavat
#Sir #Multiplex #DivyaBhaskar #netflixmovies
Leave a Reply