Sun-Temple-Baanner

રોમાન્સ અને એન્ટિ-રોમાન્સ વચ્ચે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રોમાન્સ અને એન્ટિ-રોમાન્સ વચ્ચે…


રોમાન્સ અને એન્ટિ-રોમાન્સ વચ્ચે…

ટિપિકલ હિન્દી ફિલ્મો રોમાન્સને અને સ્ત્રીપુરુષના સંબંધને અતિ રૂપાળો અને અવાસ્તવિક બનાવીને પેશ કરે છે. ‘જાઉં કહાં બતા અય દિલ’ ફિલ્મ આ થિયરીને ઊંધી કરી નાખે છે.

Multiplex – Divya Bhaskar

* * * * *

સૌથી પહેલી તો મોટ્ટા, લાલ અક્ષરોમાં ચેતવણી. જો તમારી સુરુચિ બટકણી હોય ને સહેલાઈથી એનો ભંગ થઈ જતી હોય તો જે બે ફિલ્મોની વાત કરવાની છે તેમાંની પહેલી ફિલ્મ પાસે ફરકવાની ભૂલ ન કરતા. તમારી સુરૂચિ મજબૂત હશે તો પણ આ ફિલ્મ જોતી વખતે તે ખળભળી ઉઠશે એની ખાતરી રાખજો. બીજી ફિલ્મનું કુળ લગભગ આ જ છે, પણ તે તમારી સુરુચિ અને એસ્થેટિક્સ સેન્સ બન્નેનો ખ્યાલ રાખે છે. પહેલી ફિલ્મ છે, ‘જાઉં કહાં બતા અય દિલ’ અને બીજી છે, ‘માલ્કમ ઍન્ડ મૅરી’ પહેલી ફિલ્મ હિન્દીમાં છે, બીજી હોલિવુડની અંગ્રેજી ફિલ્મ છે. બન્ને રિલેશનશિપ ડ્રામા છે. બન્નેમાં સ્ત્રી-પુરુષના તૂટેલા, તિરાડ પડી ચૂકેલા, ઓગળી રહેલા અને અસ્થિર થઈ ગયેલા સંબંધની વાત છે. બન્ને મિનિમલિસ્ટિક છે એટલે કે બેમાંથી એકેયમાં ભવ્ય લોકેશન-નાચ-ગાના-કૅમેરાની કરામત-સ્ટંટ-એક્શન આમાંનું જ કશું નથી.

આદિશ કેલુસ્કર નામના અજાણ્યા, ઇન્ડિપેન્ડન્ટ યુવાન ફિલ્મમેકરે બનાવેલી ‘જાઉં કહાં બતા અય દિલ’ મુંબઈમાં આકાર લે છે. વાત તો સાવ સાદી છે. એક અપરિણીત મધ્મય-મધ્યમવર્ગીય કપલ છે. ત્રીસ વર્ષ વટાવી ચૂકલી, ખાસ્સી શામળી, દેખાવમાં સહેજે આર્કષણ પેદા ન કરે તેવી યુવતી છે. યુવક પણ એવો જ. પાતળિયો, મસ્તક પર ઓછા થઈ રહેલા વાળવાળો, નાના પાટેકરની યુવાનીની યાદ અપાવે એવો. યુવતી કોઈ મામૂલી લેડીઝ હોસ્ટેલમાં રહીને સાઘારણ નોકરી કરે છે. યુવાન કોઈ અકાઉન્ટન્ટની નોકરીમાં માંડ સ્થિર થયો છે. રજાના દિવસે મોડી સવારે દસ-અગિયાર વાગ્યે તેઓ મળે છે, મુંબઈના મરીન ડ્રાઇવ પર લાંબી વૉક લે છે, ઇરાની રેસ્ટોરાંમાં લંચ લે છે, થિયેટરમાં ફિલ્મ જુએ છે, દરિયાકાંઠે જઈને બેસે છે, કોઈ સસ્તી હોટલના બંધ કમરામાં સેક્સ કરે છે ને પછી… અને આ આખો સમય દરમિયાન તેઓ સતત વાતો-વાતો-વાતો કર્યા રાખે છે. ઑફિસની વાતો, યુવતીની રૂમમેટની વાતો, ભાજપ-કૉંગ્રેસની વાતો, ફિલ્મોની વાતો.

શરૂઆતની થોડી જ મિનિટોમાં સ્પષ્ટ થઈ જાય છે કે યુવકનો સ્વભાવ આધિપત્ય જમાવનારો છે, જ્યારે યુવતી પ્રમાણમાં ભીરૂ છે. યુવક કોઈ રીતે બંધાઈ શકે તેવો નથી. તેના વાણી કે વ્યવહારમાં કોઈ પ્રકારનાં ફિલ્ટર નથી. જે મનમાં આવે તે ધડ્ દઈને બોલી નાખે છે, જે કરવાની ઇચ્છા થાય તે સ્થળ-કાળની પરવા કર્યા વિના કરી નાખે છે ને અધિકારપૂર્વ કરાવે પણ છે. સ્ત્રીદાક્ષિણ્ય જેવો શબ્દ એની ડિક્શનરીમાં નથી, પણ હા, એનાં વર્તન-વ્યવહાર પૂરેપુરાં પારદર્શક છે. એનામાં કોઈ જાતનો દંભ કે કૃત્રિમતા નથી.

ઓછાબોલી યુવતી ઠીક ઠીક સહનશીલ છે. એને લાગે છે કે ભલે મારા બૉયફ્રેન્ડનો સ્વભાવ આકરો હોય, ભલે એ વાતવાતમાં ગંદી ગાંળો બોલતો હોય, બિભત્સ ચાળા કરતો હોય ને કરાવતો હોય, ભલે એને પ્રેમના બે શબ્દો બોલતા આવડતું ન હોય, પણ એને મારી પરવા છે. ભલે એ બીજી સ્ત્રીઓને ભોગવવાની ઇચ્છા વ્યક્ત કરતો હોય, પણ એ મને જરૂર ચાહે છે. એણે માની લીધું છે કે એક વાર લગ્ન કરી લઈશું પછી બધું ઠીક થઈ જશે. આપણને સમજાય કે યુવતી પોતાનું મન મનાવવાની કોશિશ કરી રહી છે. વાસ્તવમાં એ પોતાના બૉયફ્રેન્ડ પર લાગણીના સ્તરે ડિપેન્ડન્ટ બની ગઈ છે, કદાચ એટલા માટે કે એ એકલવાયી છે, પોતાની બદસૂરતી બદલ લઘુતાગ્રંથિ અને અસલામતી અનુભવે છે. એને વાતો કરવા માટે, જેના પર પ્રેમ ઢોળી શકાય એવું કોઈક પાત્ર જોઈએ છે, જે એને આ બૉયફ્રેન્ડમાં મળી ગયું છે.

ફિલ્મ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ડિરેક્ટર દર્શકને આઘાત આપવાની માત્રા વધારતા જાય છે. હોટલના બંધ કમરામાં મામલો અત્યંત સ્ફોટક બની જાય છે. પ્રેમી-પ્રેમિકાના ઉપભોગનું આવું ઉઘાડું દશ્ય હિન્દી સિનેમામાં આપણે અગાઉ ક્દાચ ક્યારેય જોયું નથી, આટલી ગંદી ભાષામાં બોલાયેલા, ગલીચ કક્ષાના ઉઘાડા સંવાદો આપણે કદી સાંભળ્યા નથી. ફિલ્મ અંત તરફ આગળ વધે છે ને વિચિત્ર અને નબળા ક્લાયમેક્સ પર વાર્તા પૂરી થાય છે.

આ ફિલ્મનું 2018માં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વાર સ્ક્રીનિંગ થયું હતું. થોડા દિવસો પહેલાં તે નેટફ્લિક્સ પર મૂકાઈ છે. આ ફિલ્મનું કોન્ટેન્ટ એવું છે કે થિયેટરોમાં તે રિલીઝ થઈ જ ન શકે. આ ફિલ્મમાં ‘કવિ’ કહેવા શું માગે છે? એફટીઆઇઆઇમાંથી ડ્રોપઆઉટ થયેલા રાઇટર-ડિરેક્ટર આદિશ કેલુસ્કરે શું ‘હટ કે’ કે પ્રયોગખોરીના નામે ‘એક્સટ્રીમ મૂવી’ બનાવી નાખી છે? સૉફ્ટ પોર્ન પ્રકારનું કોન્ટેન્ટ તેમજ ગંદકી પિરસીને તેઓ અમુક પ્રકારના ઑડિયન્સને ગલગલિયા કરાવવા માગે છે? જવાબ બહુ સ્પષ્ટ છેઃ બિલકુલ નહીં. ફિલ્મ જોતી વખતે તમને સમજાય છે કે આ વસ્તુ બનાવવનાર રાઇટર-ડિરેક્ટર ઓરિજિનલ છે, સૂઝસમજવાળો છે, ફિલ્મના માધ્યમ પર એની પકડ છે. એ માનવસ્વભાવનો, સ્ત્રી-પુરુષની માનસિકતા અને વિચિત્રતાઓનો, તેમના સંબંધમાં પેદા થઈ શકતાં કોમ્પ્લીકેશન્સનો અભ્યાસુ છે.

આ અત્યંત લૉ બજેટ ફિલ્મ ડૉક્યુમેન્ટરી જેવી ફીલ આપે એટલી હદે રિયલિસ્ટિક છે. બન્ને મુખ્ય કલાકારો ખૂશ્બૂ ઉપાધ્યાય અને રોહિત કોકાટેએ પોતપોતાના રોલમાં જીવ રેડી દીધો છે. ફિલ્મ જોતી વખતે આપણને લાગે કે શૂટિંગ વખતે ખૂબ બધું ઇમ્પ્રોવાઇઝ થયું હશે, પણ આદિશ કેલુસ્કરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ફિલ્મમાં ક્યાંય કશું જ ઇમ્પ્રોવાઇઝ્ડ નથી. તેમને હોલિવુડના લેજન્ડરી ફિલ્મમેકર ક્વેન્ટિન ટેરેન્ટિનોએ કશેક વાપરેલો ‘ગટર પોએટ્રી’ શબ્દપ્રયોગ ખૂબ ગમે છે. આદિશ કહે છે, ‘કવિતા એટલે આખરે શું? લાગણીઓને, વિચારોને ચોક્કસ રીતે શબ્દોમાં ઢાળવા, તે. મને ચાની કિટલી પર ગપ્પાં મારતાં લોકોની વાતોમાં પણ કવિતા દેખાય છે. આ ફિલ્મના સંવાદો લખતી વખતે મેં મ્યુઝિકલ કમ્પોઝિશન તૈયાર કરતો હોઉં તેવો અપ્રોચ રાખ્યો હતો.’

ફિલ્મના વિવાદાસ્પદ બેડસીન વિશે તેઓ કહે છે, ‘આ દશ્યને હું એક્શન સીન તરીકે, એક લોહિયાળ યુદ્ધના દશ્ય તરીકે જોઉં છું. ક્યારે તલવાર વીંઝાશે, તલવાર કેવી હશે, કેટલી ગતિથી સામાવાળાના શરીર પર ઘા થશે, કેવી રીતે અંગ કપાશે, કેવી રીતે લોહી નીકળશે, વગેરે. ઓપરેશન કરી રહેલા ડૉક્ટર જેવા ક્લિનિકલ અપ્રોચથી મેં તે સીન શૂટ કર્યો હતો. આ દશ્યની એકેએક મુવમેન્ટ, એકેએક લાઇન રિહર્સ્ડ છે.’

હિન્દી ફિલ્મો પ્રેમને, રોમાન્સને અતિ રૂપાળા બનાવીને, લગભગ અવાસ્તવિક ઢંગથી પેશ કરતી આવી છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં પ્રવેશી જતી જે નિમ્નતા અને બદસૂરતીને મેઇનસ્ટ્રીમ હિન્દી સિનેમા સંતાડી રાખે છે. તે ‘જાઉં કહાં બતા અય દિલ’ બિન્ધાસ્ત દેખાડી દે છે. અંતે ફરી પાછી એ જ વાત. જો તમે સુંવાળા પ્રેક્ષક હો ને તમારી સુરુચિ નાજુક હોય તો મહેરબાની કરીને આ હાર્ડ-હિટિંગ, ડિસ્ટર્બિંગ ફિલ્મ ન જોતા. અમેરિકન ફિલ્મ ‘માલ્કમ ઍન્ડ મૅરી’ પણ ડિસ્ટર્બિંગ છે, અસ્થિર કરી મૂકે તેવી છે. તેની વાત આવતા રવિવારે.

– Shishir Ramavat

#JaoonKahaBataAeDil #Multiplex #ShishirRamavat #Netflix

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.