૨૧મું ટિફિન – Gujarati Movie
૨૧મું ટિફિન : ફિલ્મની વાત પર આવતાં પહેલાં થોડી અંગત સ્મૃતિઓ શૅર કરું છું. 2006- 2007 દરમ્યાન હું ‘અભિયાન’ મેગેઝિનનો સંપાદક હતો ત્યારે અમારી એડિટોરિય ટીમમાં એક જુવાન પત્રકાર જૉઈન થયો હતો (તે વખતે ‘અભિયાન’ મુંબઈથી પ્રગટ થતું). વિજયગિરિ ગોસ્વામી એનું નામ. અમદાવાદમાં રહીને વિજય ફિલ્ડ રિપોર્ટિંગ કરે, લોકોના ઇન્ટરવ્યૂ લે, લેખો લખે, પૂરક માહિતી મોકલે. થોડા મહિના પછી એણે જોબ છોડી દીધી. એને ફિલ્મો અને ટેલિવિઝનના ક્ષેત્ર તરફ આકર્ષણ હતું. થોડા વર્ષો પછી ખબર પડી કે વિજય ખુદ એક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે એક ફુલલેન્થ ફિચર ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મના લેખક પણ એ જ છે.
એ અરસામાં અમદાવાદ આવવાનું થયું ત્યારે એમણે બહુ જ પ્રેમથી એક સ્ટુડિયોમાં નાની સ્ક્રીન પર પોતાની ફિલ્મનો ફર્સ્ટ કટ દેખાડ્યો. ફિલ્મ હજુ આખી તૈયાર થઈ નહોતી, પોસ્ટ પ્રોડક્શન હજુ ચાલી રહ્યું હતું. મને યાદ છે, ફિલ્મ જોતી વખતે વારે વારે કઈંક ટેક્નિકલ પ્રોબ્લેમ આવતા હતા ને ફિલ્મ અટકી જતી હતી. એટલે કટકે કટકે લગભગ પાંચેક કલાકે હું એ ફિલ્મનો આખો ફર્સ્ટ કટ જોઈ શક્યો હતો. મને નવાઈ લાગી હતી કે વિજયે પોતાની પહેલી જ ફિલ્મ માટે પુરુષના જાતીય શોષણ જેવો ખૂબ અઘરો અને અતિ નાજુક વિષય કેમ પસંદ કર્યો હશે? મને એ ફિલ્મ ટુકડાઓમાં ગમી હતી. ફિલ્મમાં ડિરેક્ટરના આશય અને મહેનતમાં પુરેપુરી નિષ્ઠા અને પ્રામાણિકતા દેખાતા હતા. પછી મેં વિજયને લાંબો ઈમેલ કરીને ફિલ્મમાં મને શું ગમ્યું અને શું ન ગમ્યું તે વિશે લંબાણથી લખ્યું હતું.
થોડા મહિના પછી વિજયનો ફોન આવ્યો કે સર, અત્યારે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન કોઈ વિધિ માટે હું મુંબઈ આવ્યો છું. હવે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરાઈ ગયું છે ને થોડા ફેરફાર પણ કર્યા છે. તમે ફિલ્મનું આ નવું વર્ઝન જોઈને મને ફીડબેક આપશો? આ વખતે કોઈ ટેક્નિકલ લોચા નહીં થાય! હું એક સ્ટુડિયો પર પહોંચી ગયો. આ વખતે પણ ટેક્નિકલ લોચા તો થયા જ! આખી ફિલ્મ પૂરી થતાં 5-6 કલાક થઈ જ ગયા.
આ ફિલ્મ એટલે ‘પ્રેમજી’ અને આ ઉત્સાહી જુવાનીયો એટલે Vijaygiri Bava.
વિજયે પછી ‘પ્રેમજી’ કરતાં અલગ ફ્લૅવરની ‘મોન્ટુની બિટ્ટુ’ બનાવી… અને પછી ત્રીજી ફિલ્મ બનાવી – ‘૨૧મું ટિફિન’, જે ગઈ કાલે અમદાવાદમાં યોજાયેલા પ્રીમિયરમાં જોઈ.
બહુ ગાજી ચૂકી હોય એવી ફિલ્મ જોવા જતી વખતે મનમાં ફફડાટ રહેતો હોય છેઃ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી નહીં ઉતરે તો? ફિલ્મ નહીં ગમે તો? ‘21મું ટિફિન’ ભલે અતિપ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)માં પોંખાઈ ચૂકી છે, પણ જરૂરી નથી કે ફિલ્મ ફેસ્ટિવલવાળી ફિલ્મો અદભુત જ હોય ને આપણને ગમે જ.
…પણ ફિલ્મ ગમી. ગમી એટલે જોરદાર ગમી. મન અને હૃદયને સ્પર્શે એવી, આંખોમાં ભીનાશ પ્રસરાવી દે એવી, વચ્ચે વચ્ચે હસાવી દે એવી, ધી એન્ડ થયા પછીય ક્યાંય સુધી મનમાં ઘુમરાયા કરે એવી નિતાંતપણે સુંદર ફિલ્મ છે આ. નાયિકા ફિલ્મમાં છાલવાળા બટાટાનું મસ્તમજાનું શાક અને ડ્રાયફ્રૂટ્સવાળી હાઇક્લાસ સુખડી બનાવે છે એવી જ મસ્તીની આ ફિલ્મ છે.
શરૂઆતથી અંત સુધી ફિલ્મના સબજેક્ટ મેટર પર ડિરેક્ટરનો કમાન્ડ સતત વર્તાય છે. વિજયગિરિ ‘21મું ટિફિન’માં જેટલા કૉન્ફિડન્ટ દેખાય છે એટલા અગાઉ ક્યારેય દેખાયા નથી. ફિલ્મના નરેટિવમાં ક્યાંય કશુંય બિનજરૂરી નહીં, ક્યાંય વધારાની ચરબી નહીં, લખાણથી કે અભિનયથી કે આડીટેઢી સિનેમેટોગ્રાફીથી કે ચિત્રવિચિત્ર એડિટિંગ પૅટર્નથી સૌને ‘દેખાડી દેવાનો’ અથવા તો ઓડિયન્સને આંજી નાખવાનો પ્રયાસ નહીં. બધું જ અન્ડરસ્ટેટેડ. સંપૂર્ણ સાદગી. લિનિયર પૅટર્નમાં ફિલ્મ પોતાના નિશ્ચિત લયમાં વહેતી જાય છે… અને એટલે જ યોગ્ય મોમેન્ટ પર, યોગ્ય પન્ચ પર ડિરેક્ટર ઓડિયન્સ પાસેથી ધાર્યું રિએક્શન કઢાવી શકે છે.
ફિલ્મના મુખ્ય નાયિકા Niilam Paanchal તમને ‘હેલ્લારો’માં ગમ્યાં હતાં? તો ગમવાની એ લાગણીને હવે પચાસ વડે ગુણી નાખો! નીલમ પંચાલ આ ફિલ્મનો જીવ છે. એમનો દેખાવ, એમના હાવભાવ, એમની બૉડી લેંગ્વેજ એટલા સહજ છે કે પહેલાં જ દશ્યથી આપણને લાગે કે આ મહિલાની બૅકસ્ટોરીની કશી જરૂર જ નથી. આપણે એને ઓલરેડી ઓળખીએ છીએ. આપણે આ સ્ત્રીને જોઈ છે, એ આપણી આસપાસ છે, કદાચ આપણા પરિવારમાં જ છે. નીલમ પંચાલનું રુદન, એમનું હસવું, હરખાવું, અકળાવું, લાચારી અનુભવવી, હતાશ થઈ જવું… આ બધું જ અસરકારક છે. હવે આપણને ટેન્શન એ વાતનું છે કે ‘હેલ્લારો’ અને ‘21મું ટિફિન’ પછી નીલમ પંચાલને આવા દળદાર રોલ એકધારા મળ્યા કરશે? ‘21મું ટિફિને’ એ વાત સરસ રીતે પ્રસ્થાપિત કરી આપી કે મધ્યવયસ્ક પાત્રોને કેન્દ્રમાં રાખીને પણ સુંદર ફિલ્મો બની શકે છે.
‘21મું ટિફિન’ પછી હવે એક ઑફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ જવી જોઈએઃ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી ગુડલુકિંગ અને સૌથી ચાર્મિંગ હીરો કોઈ હોય તો એ Raunaq Kamdar છે. રોનક, ઇન ફૅક્ટ, આ ફિલ્મનું સરપ્રાઇઝ પૅકેજ છે. રોનકને આપણે આવા સ્વરૂપમાં અગાઉ કદાચ ક્યારેય જોયા નથી.
ફિલ્મમાં સૌથી ટ્રિકી કિરદાર તો મારા હિસાબે Netri Trivediનું છે. નીલમ પંચાલ અને રોનક કામદાર બન્નેને ઑથર-બૅક્ડ રોલ મળ્યા છે, જ્યારે ફિલ્મના મોટા હિસ્સમાં નેત્રીનું પાત્ર આમ જોવા જાઓ તો દર્શકને ખીજ ચડે એવું છે. માને સતત ઉતારી પાડતી, અપમાન કર્યા કરતી, કારણ વગર વિરોધ કર્યા કરતી વીસ વર્ષની સ્વકેન્દ્રી છોકરી કોને ગમે? છતાંય નેત્રીએ પોતાના પાત્રને લાઇકેબલ બનાવ્યું છે. આ નેત્રીના અભિનયની જીત છે. દીકરી ભલે ગમે એટલી ઉદ્દંડ રહી, પણ ફિલ્મમાં એક તબક્કે એ એક સ્ત્રી તરીકે પોતાની મા સાથે સમસંવેદન અનુભવે છે. આ ટ્રાન્સફૉર્મેશન સરસ રીતે બહાર આવ્યું છે.
Raam Mori વિશે શું કહેવું? આ પાતળિયા જુવાનની કલમ (અથવા કીબૉર્ડ)માં સૉલિડ તાકાત છે. શુદ્ધ સાહિત્ય હોય કે નિર્ભેળ સિનેમા – રામે આ બન્ને મોરચે પોતાની જાતને બહુ નાની ઉંમરે પૂરવાર કરી દીધી છે. ભાઈ રામ, તમે તમારા સુપર ફૅન્સનું લિસ્ટ બનાવો ત્યારે સૌથી ઉપર મારું નામ મૂકવાનું ભુલાય નહીં, હં!
લખાણ, ડિરેક્શન અને અભિનય પછી ફિલ્મનો એક બહુ મોટો પ્લસ પૉઇન્ટ છે એનું સંગીત. Mehul Surti જાદુગર માણસ છે. ‘હેલ્લારો’ હોય કે ‘21મું ટિફિન’ – પોતાના સંગીત થકી તેઓ ફિલ્મને ઊંચી ભ્રમણકક્ષામાં મૂકી દે છે. ‘21મું ટિફિન’નું ‘રાહ જુએ શણગાર અધૂરો’ ગીત મનમાં ખસવાનું નામ લેતું નથી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂબ અસરકારક છે. નીલમ પંચાલનું કિરદાર વર્ષો પછી ચેતના અનુભવવાનું શરૂ કરે છે તે પછી સુખડી બનાવવાવાળો સીન આવે છે તે જોજો. બેકગ્રાઉન્ડમાં મોરના ટહેકવાનો અવાજ સંભળાશે. ફિલ્મમાં આ પ્રકારના ઘણા બધા નાનાં નાનાં ટચીસ છે, જેની આપણે સભાનપણે નોંધ લઈએ કે ન પણ લઈએ, પણ સમગ્રપણે ફિલ્મની અસરકારકતામાં તેનાથી નક્કર ઉમેરો થતો હોય છે.
‘21મું ટિફિન’માં ઠહરાવ અને પરિપક્વતા છે, ગાંભીર્ય અને પ્રગલ્ભતા છે. ફિલ્મમાં કેટલીય સાયલન્ટ મોમેન્ટ્સ છે. સિનેમા હોય કે નાટક, ડિરેક્ટરની કાબેલિયત એના પરથી પરખાઈ જતી હોય છે કે એ સાયલન્સને કેવી રીતે ટ્રીટ કરે છે. મજાની વાત એ છે કે ‘21મું ટિફિન’ ફિલ્મ ઑડિયન્સના ટેસ્ટ અને સમજદારીને જરાય અન્ડર-એસ્ટિમેટ કરતી નથી. એટલેસ્તો દર્શકને ક્યાંય પણ સ્પૂન ફીડિંગ કરવાની ચેષ્ટા કરવામાં આવી નથી. જો ધરાર વાંક કાઢવો જ હોય તો નછૂટકે કહી શકાય કે હીરો ભલે આખી જિંદગી હોસ્ટેલ કે પીજીમાં રહ્યો હોય, પણ આ પાત્ર મૂળ ભાવનગરી છે. જો એના સંવાદોમાં હળવી ભાવનગરી છાંટ આવી હોત તો પાત્ર કદાચ સહેજ વધારે ઑથેન્ટિક બનત. ખેર, આ નગણ્ય મુદ્દો છે.
સંતાન હોય કે સર્જક – એને આંખો સામે ધીમે ધીમે અને સુંદર રીતે વિકસતા જોવા જેવો આનંદ બીજો એકેય નથી. ‘અભિયાન’ મેગેઝિનમાં વર્ષો પહેલાં યુવાન પત્રકાર તરીકે જોડાયેલા વિજયગિરિ બાવા હવે ફિલ્મમેકર તરીકે પૂરેપૂરા મેચ્યોર થઈ ગયા છે અને ફૉર્મમાં આવી ચૂક્યા છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સૌથી મહત્ત્વના ડિરેક્ટર્સની પંગતમાં તેમણે અધિકારપૂર્વક પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. ‘21મું ટિફિન’થી એમણે મોટી છલાંગ લગાવી છે. હવે પછીની ફિલ્મોમાં તેઓ શું શું કરે છે તે જોવા-જાણવાની તાલાવેલી રહેશે.
સો વાતની એક વાત. ‘21મું ટિફિન’ જોવાય? સોએ સો ટકા જોવાય જ. આ કંઈ લાગણીવેડાવાળી કે કોમેડી કે એક્શન ટાઇપની બાહુબલિ ફિલ્મ નથી. આ એક સીધી સરળ વાર્તા ધરાવતી સીધી સરળ ફિલ્મ છે. તેનું શૂટિંગ માત્ર આઠ જ દિવસમાં આટોપી લેવામાં આવ્યું હતું. આ દષ્ટિએ આ ફિલ્મ એક કેસ-સ્ટડી બની રહેશે. જુઓ, ‘21મું ટિફિન’ ફિલ્મ તો સિનેમેટિક પરીક્ષામાં ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ ગઈ છે. હવે કસોટી આપણી ઑડિયન્સની છે. શું આપણે આ ફિલ્મને કમર્શિયલી હિટ કરાવીને દર્શકો તરીકે મેચ્યોર પૂરવાર થઈશું? આપણે થવું જ જોઈએ. હું તો ‘21મું ટિફિન’ બીજી વાર જોવાનો છું. તમે ય જોઈ કાઢો. ઘાએ ઘા.
– શિશિર રામાવત
Leave a Reply