‘વિઠ્ઠલ તીડી’ વેબ શો કેવો છે?
———————————–
વધારે પિષ્ટપેષણ કરતાં પહેલાં આ સવાલનો સાવ સીધા અને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દઉં? સૉલિડ. જાનદાર. દમદાર. સુપર એન્ટરટેનિંગ. બિન્જ-વૉચ કરવાની ફરજ પાડે એવો પ્રવાહી, રસાળ અને જકડી રાખે તેવો. ખાસ તો, એક ગુજરાતી તરીકે ખૂબ આનંદ અને ગર્વ થાય એવો. હવે થોડું પિષ્ટપેષણ કરીએ.
ગયા વર્ષે જુલાઈમાં અભિષેક જૈને ‘વિઠ્ઠલ તીડી’ની વાર્તા વિસ્તારથી સંભળાવી હતી અને કહ્યું હતું કે હું પ્રતીક ગાંધીને લઈને આના પરથી કશુંક બનાવવા માગું છું. ફ્રેન્કલી, તે વખતે અભિષેકના સબ્જેક્ટ સિલેક્શનથી આશ્ચર્ય થયું હતું. ‘વિઠ્ઠલ તીડી’ એક ગ્રામ્ય માહોલમાં આકાર લેતી કહાણી છે ને અભિષેક રહ્યા નખશિખ અર્બન સેન્સિબિલિટી ધરાવતા ફિલ્મમેકર. એમણે ડિરેક્ટ કરેલી ફિલ્મોમાં અમેરિકા જવાની ઘેલછાની વાત આવે (‘કેવી રીતે જઈશ?’), જેના કેન્દ્રમાં એક આર્ટ પીસ – પેઇન્ટિંગ – હોય એવી વાત આવે (‘બે યાર’), અમદાવાદીપણાથી છલકતાં પાત્રો આવે, એમણે પ્રોડ્યુસ કરેલી ફિલ્મમાં અમેરિકન (કે બ્રિટિશ?) નાયિકા દેખા દે (‘રોંગસાઇડ રાજુ’). અભિષેક ખુદની વિચારોની અને અભિવ્યક્તિ ભાષા લગભગ અંગ્રેજી છે. એમ થાય કે આવો શહેરી ફિલ્મમેકર કાઠિયાવાડી ગામડિયાઓને કેવી રીતે પડદા પર ઊતારશે? ગ્રામ્ય માહોલ કેવી રીતે ઊભો કરશે? અને ધારો કે આ બધું કરે તો પણ તે કેટલું ઑથેન્ટિક લાગશે? અભિષેકે ‘બે યાર’ ડિરેક્ટ કરી તે વાતને સાત વર્ષ વીતી ગયાં છે. સાત-સાત વર્ષ પછી એ જ્યારે કશુંક ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે ત્યારે જેના પર ખુદની હથોટી છે એવા કમ્ફર્ટેબલ અર્બન ઝોનમાં કશુંક બનાવવાને બદલે કેમ રૂરલ સ્ટોરી બનાવવાનું જોખમ લઈ રહ્યા છે? બહુ જ સ્પષ્ટપણે, ‘વિઠ્ઠલ તીડી’ શો બનાવવો તે અભિષેક માટે સાવ અજાણી ભૂમિ પર હિંમત કરીને ધુબાકો મારવા જેવી વાત હતી. શો જોતી વખતે અને જોયા પછી આપણને પ્રતીતિ થાય છે કે અભિષેકે ‘વિઠ્ઠલ તીડી’માં જબરી લીપ-ઑફ-ફેઇથ લીધી છે અને સહેજ પણ હાલકડોલક થયા વગર પરફેક્ટ લેન્ડિંગ કર્યું છે. પરફેક્ટ અને બ્યુટીફુલ.
મૂકેશ સોજિત્રા લિખિત ટૂંકી વાર્તા પર આધારિત આ શોમાં ત્રીસ-ત્રીસ મિનિટના છ એપિસોડ્સ છે. કહોને કે, લગભગ ત્રણ કલાકની ફિલ્મ જેટલું કોન્ટેન્ટ છે, જે સોળ દિવસની અંદર શૂટ કરી લેવામાં આવ્યું છે. ‘વિઠ્ઠલ તીડી’ એક કેરેક્ટર-ડ્રિવન શો છે. પ્રતીક ગાંધીએ વિઠ્ઠલ તીડીના પાત્રને અત્યંત ખૂબસૂરતીથી જીવતું કરી દીધું છે. બહુ જ સંયમિત અને અસરકારક એમનો અભિનય છે. પ્રતીક હવે રાષ્ટ્રીય સ્તરના હિન્દી મનોરંજન જગતના એ-લિસ્ટર કલાકાર છે. ‘સ્કેમ 1992’ જેવા બમ્પર હિટ શો પછી પ્રતીક હવે શામાં દેખાશે તે જાણવાની ઇંતેજારી સૌને હોય. ‘વિઠ્ઠ્લ તીડી’ પ્રતીક માટે ‘સ્કેમ 1992’નું સંતોષકારક ફોલો-અપ છે. ‘વિઠ્ઠલ તીડી’ ગુજરાતી શો હોય તો શું થઈ ગયું?
પરફેક્ટ કાસ્ટિંગ આ શોનો બહુ મોટો પ્લસ પોઇન્ટ છે. ઇવન નાનાં-નાનાં પૂરક પાત્રો માટે પસંદ થયેલા કલાકારો પણ બહુ મજાના છે. ‘હેલ્લારો’માં જેની આંખોનાં પાટિયાં આપણે વાંચી લીધાં હતાં એ બ્રિન્દા ત્રિવેદી અહીં ફુલ ફૉર્મમાં છે. કેટલો સહજ અને સરસ અભિનય. બ્રિન્દા પટેલ એવાં એક્ટ્રેસ છે જેમનાં હવે પછીના પ્રોજેક્ટની રાહ જોવાનું મન થાય. શ્રદ્ધા ડાંગર ક્યારેય દર્શકોને પ્રભાવિત કરવામાં પાછાં પડતાં નથી. પછી એ ‘હેલ્લારો’ હોય, આગામી ‘મારા પપ્પા સુપરહીરો’ હોય કે ‘વિઠ્ઠલ તીડી’ હોય (‘લવની લવસ્ટોરીઝ’ આમાં અપવાદ છે). ‘વિઠ્ઠલ તીડી’માં શ્રદ્ધાનો રોલ નાનકડો છે એટલે તમે એમને આખા શોમાં મિસ કર્યા કરો છો. રાગી જાની કેટલા તગડા અને અન્ડર-યુટિલાઇઝ્ડ એક્ટર છે તે શો જોયા પછી તરત સમજાય છે. પ્રેમ ગઢવી પણ ખૂબ સરસ.
…અને વિઠ્ઠલ તીડીનો દોસ્તાર જગલો બનતો એક્ટર. તમને થાય કે કોણ છે આ લાંબા ઝુલ્ફાંવાળો પાતળિયો જુવાન? પૃચ્છા કરતાં ખબર પડે છે કે એમનું નામ જગજીતસિંહ વાઢેર છે. મૂળ ભાવનગરના થિયેટર એક્ટર છે. અગાઉ ‘રઘુ CNG’ નામની ગુજરાતી ફિલ્મમાં કામ પણ કરી ચૂક્યા છે. જગજીતસિંહ વાઢેર ‘વિઠ્ઠલ તીડી’ શોની મહત્ત્વની રી-ડિસ્કવરી છે. વાઢેરસાહેબનું નામ લખી રાખજો. ભવિષ્યમાં આપણે એમને ઉત્તમ પ્રોજેક્ટ્સમાં ઉત્તમ ભુમિકાઓ કરતાં જોવાના છીએ.
એન્ડ થ્રી ચિયર્સ ફોર ભાર્ગવ પુરોહિત. એમણે આ શો લખ્યો છે. તગડું લખાણ આ શોની ધરી છે. ભાર્ગવ ‘વિઠ્ઠલ તીડી’ના પડદા પાછળના હીરો છે. કેદાર ઉપાધ્યાય સાથે મળીને એમણે આ શોનાં ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ તૈયાર કર્યું છે. અમિતાભ બચ્ચનનો જમાનો પૂરબહારમાં ખીલ્યો હતો ત્યારે ‘ડોન’ પ્રકારની સુપરહિટ મસાલા ફિલ્મોમાં સાંભળવા મળતું એ પ્રકારનું આ શોનુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. તેના પર ખાસ ધ્યાન આપજો. બહુ ચાર્મિંગ મ્યુઝિક છે. નરેટિવને જમાવવામાં, માહોલને ઊપસાવવામાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકે બહુ મોટો ફાળો આપ્યો છે.
શું ‘વિઠ્ઠલ તીડી’ સર્વાંગસંપૂર્ણ પરફેક્ટ શો છે? ના. શોમાં અમુક જગ્યાએ અમુક બાબતો તમને ખૂંચી શકે, પણ ઓવરઓલ ઇમ્પેક્ટ એટલી મજાની છે કે તમે આ બાબતોને સહેલાઈથી ઇગ્નોર કરી શકો છો. ‘વિઠ્ઠલ તીડી’ ગુજરાતી વેબ શોઝ માટે એક માપદંડ પૂરવાર થશે એ તો નક્કી. જો ગુજરાતી વેબ સિરીઝનું જો આ સ્તર રહેવાનું હોય, જો ‘વિઠ્ઠલ તીડી’ શો હવે પછી બનનારા વેબ શોઝની દશા અને દિશા ડિફાઇન કરવાનો હોય, તો સમજી લો કે ગુજરાતી ડિજિટલ સ્પેસ પર મનોરંજનના દેવતાના આશીર્વાદ ઊતરી ચૂક્યા છે.
‘વિઠ્ઠલ તીડી’ વિશે વધારે વાત કરવી નથી, કારણ કે નહીં તો પાછું સ્પોઇલર જેવું લાગેશે. 0હો ઓટીટી પ્લેટફૉર્મ અને ‘વિઠ્ઠલ તીડી’ શો બન્ને આજે વાજતેગાજતે લોન્ચ થઈ રહ્યા છે. છઠ્ઠા એપિસોડે ‘વિઠ્ઠલ તીડી’ની સિઝન સંતોષકારક રીતે પૂરી થાય છે, વાર્તા નહીં. એક ઇન્ટરેસ્ટિંગ વળાંક પર કહાણી પૉઝ લે છે. અભિષેક જૈન, ‘વિઠ્ઠલ તીડી’ની બીજી સિઝન માટે પાછા બીજાં સાત વર્ષ નહીં લગાડતા. સાત મહિનાની અંદર બીજી સિઝન આવવા દો… એન્ડ યોર ટાઇમ સ્ટાર્ટ્સ નાઉ!
– Shishir Ramavat
Leave a Reply