‘ધુંઆધાર’ : Gujarati Movie
‘ધુંઆધાર’ વિશે વાત કરતાં પહેલાં બે અંગ્રેજી ફિલ્મોને યાદ કરી લઈએ. 1999માં બ્રૅડ પિટની ‘ફાઇટ ક્લબ’ નામની ફિલ્મ આવી હતી. હોલિવુડની આ સાઇકોલિજિકલ થ્રિલરને કલ્ટ સ્ટેટસ મળ્યું છે. ‘ફાઇટ ક્લબ’માં બીજો હીરો પણ હતો – એડવર્ડ નોર્ટન. ફિલ્મમાં બ્રૅડ અને નોટર્ન દોસ્તાર છે, જે ખુલ્લામાં છુટ્ટા હાથે એવી મારામારી કરે કે એમને જોવા રસ્તા પર લોકો ભેગા થઈ જાય. તેઓ પછી એક બારના બેઝમેન્ટમાં રીતસર ફાઇટ ક્લબ શરૂ કરે છે. ફિલ્મના અંત ભાગમાં આપણને ખબર પડે કે પેલા બે હીરો વાસ્તવમાં એક જ વ્યક્તિ છે. બ્રૅડનું કેરેક્ટર અસ્તિત્ત્વ ધરાવતું જ નથી. એ તો એડવર્ડ નોર્ટનનો ઑલ્ટર ઇગો છે.
જો તમે અંગ્રેજી ફિલ્મોના શોખીન હશો તો ‘ફાઇનલ ડેસ્ટિનેશન’ નામની ફિલ્મ ટીવી પર ચોક્કસ જોઈ હશે. આ એક સુપરનેચરલ થ્રિલર છે, જેની કેટલીય સિક્વલ બની છે ને એ બધીય ફિલ્મો ટીવી પર રોટેટ થયા કરતી હોય છે. બહુ મજા પડે એવી આ ફિલ્મો છે. તેમાં મૃત્યુ કેન્દ્રીય પાત્ર છે. મૃત્યુ ફિલ્મનાં પાત્રોનો જાણે કે પીછો કરે છે. બહુ જ વિચિત્ર રીતે આમાં કિરદારોનાં મોત થયાં કરે છે. પાત્રોને આગોતરો આભાસ થઈ ગયો હોય કે એમનું ને એના દોસ્તારોનું મોત ક્યારે ને કઈ રીતે થવાનું છે, પણ જાણકારી હોવા છતાં તેઓ મોતથી છટકી ન શકે. યુ કાન્ટ એસ્કેપ ડેથ – ‘ફાઇનલ ડેસ્ટિનેશન’ની આ સેન્ટ્રલ થીમ છે.
‘ધૂંઆધાર’ જોતી વખતે – અને જોયા પછી – મનમાં હોલિવુડની આ બન્ને ફિલ્મો યાદ આવ્યા કરતી હતી. એક મિનિટ. ‘ઘૂંઆઘાર’ પર આવતાં પહેલાં હજુ એક મહત્ત્વની વાત. ‘ગુજરાતી સિનેમાનો પુનર્જન્મ થયો છે, ગુજરાતી ફિલ્મો ઇવોલ્વ થઈ રહી છે એટલે ખબરદાર! નવી અર્બન ગુજરાતી ફિલ્મોની ટીકા કરી છે તો! એના વિશે સારું સારું સારું જ બોલવાનું, ટીકા ભુલેચુકેય નહીં કરવાની, એમાંય જાહેરમાં તો નહીં જ!’ – સામાન્યપણે ઇન્ડસ્ટ્રીની અને મિડીયાની આ પ્રકારની માનસિકતા રહી છે. ચાલો, અત્યાર સુધી આ એટિટ્યુડ બરાબર હતો, પણ હવે નહીં. ન્યુ વેવ ઓફિશિયલી શરૂઆત ‘કેવી રીતે જઈશ?’થી થઈ હતી અને આ ફિલ્મ છેક જૂન 2012માં આવી હતી, 9 વર્ષ પહેલાં. ક્યાં સુધી અર્બન ગુજરાતી ફિલ્મ નામના બાળકને આપણે ભાખોડિયાભર ચાલતાં જોયા કરવાનું છે? ક્યાં સુધી ગુજરાતી અર્બન સિનેમાને હળવે હળવે, બચાવી બચાવીને, પ્લાસ્ટિકના દડા પર સુગંધિત ફૂલોનું પેડિંગ કરીને કે લવિંગ કેરી લાકડીએ મારતા રહેવાનું છે? 9 વર્ષ બહુ મોટો સમયગાળો છે, બાળકને મેચ્યોર થવા માટે. ગુજરાતી સિનેમા હવે ટટ્ટારપણે ઊભા થઈને દોટ મૂકે એવી અપેક્ષા વ્યાજબીપણે રાખવી જ જોઈએ.
આ નવા એટિટ્યુડ અને અપેક્ષા સાથે સૌથી પહેલાં ‘ધુઆંધાર’નાં પ્લસ પોઇન્ટ્સ જોઈએ. એક વાત વિના વિલંબે સ્વીકારી લેવી પડે કે ‘ધુઆંધાર’ના ડિરેક્ટર અને કૉ-રાઇટરરેહાન ચૌધરી, લીડ એક્ટર્સ મલ્હાર ઠાકર – હિતેનકુમારે અને અફર્કોર્સ આખી ટીમે સાથે મળીને ખરેખર કશુંક અલગ કરવાની, કંઈક નવું પિરસવાની કોશિશ કરી છે. આ કોશિશ માટે આખી ટીમને ફુલ માર્ક્સ. મલ્હાર ઠાકરે પોતાના કમ્ફર્ટ ઝોનમાં બહાર આવીને સરસ પર્ફોર્મન્સ આપ્યું છે. મલ્હારને સ્ક્રીન પર જોવા હંમેશા ગમે છે. હિતેનકુમાર એક પરિપક્વ અને સાથે સાથે સ્ટાઇલાઇઝ્ડ એક્ટર છે, તેમના અભિનયમાં એક સ્વૅગ હોય છે, જે એમના ‘ધુઆંધાર’ના રોલ માટે પરફેક્ટ છે. સ્વૅગ વગર પણ તેઓ કેટલો અસરકારક (કદાચ વધારે અસરકારક) અભિનય કરી શકે છે તે આપણે કંગના રનૌતવાળી ‘સિમરન’ ફિલ્મમાં જોયું છે. (આ ફિલ્મમાં તેઓ કંગનાના ફાધર બન્યા હતા). યંગ અર્બન ફિલ્મમેકર્સ ખાસ હિતેનકુમારને ધ્યાનમાં રાખીને ફિલ્મો કન્સીવ કરે અને ડિઝાઇન કરે તે સમય આવી ગયો છે. આલિશા પ્રજાપતિવાળાં દશ્યોમાં ફિલ્મની ગતિ ભલે ધીમી પડી જતી હોય, પણ આલિશા સ્ક્રીન પર સરસ લાગે છે અને પર્ફોર્મર તરીકે તમારું ધ્યાન ખેંચે છે. નેત્રી ત્રિવેદી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાપોતાનાં રોલમાં સરસ.
ફિલ્મનો બીજાં બે મોટાં પ્લસ પૉઇન્ટ છે, કેદાર-ભાર્ગવનું સંગીત અને જૈમિન મોદીની સિનેમેટોગ્રાફી. ‘ધુઆંધાર’નાં ગીતોમાં અને પલ્લવ બરૂઆના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં આપણને એવા સાઉન્ડ સાંભળવા મળે છે, જે ગુજરાતી સિનેમાં માટે કદાચ નવા છે. ટેક્નિકલી આખી ફિલ્મ મજાની છે.
‘ઘુઆંધાર’માં શું ન ગમ્યું? ‘ઘુઆંધારમાં આખી ટીમે કશુંક અલગ પ્રયત્ન કર્યો છે તે વાત સાચી, પણ શું આ પ્રયત્ન સંપૂર્ણપણે સફળ થયો છે? ના. ‘ધુઆંધાર એક એમ્બિશિયસ ફિલ્મ છે, પણ શું આ એમ્બિશન સંપૂર્ણપણે ફળીભૂત થાય છે? ના. ફિલ્મની વાર્તા પર ‘ફાઇટ ક્લબ’, ‘ફાઇનલ ડેસ્ટિનેશન’ કે એ પ્રકારની બીજી ફિલ્મોની અસર હોય તેમાં કશું ખોટું નથી, પણ ‘ધુઆંધાર’ના પ્લોટમાં વધારે વળ ચડાવી શકાયા હોત, સ્ક્રીનપ્લેને વધારે લેયર્ડ બનાવી શકાયો હોત. જેમ કે, ફિલ્મમાં મલ્હારની માતાનું પાત્ર નથી. ઘરમાં મલ્હાર અને એમના પિતા (આપણા સૌના વહાલા આશીષભાઈ) બે જ પુરુષો છે. ધારો કે મલ્હારની માતા વર્ષો પહેલાં એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં છે, આ દુર્ઘટનાની અસરમાંથી મલ્હારનું પાત્ર વર્ષો પછી પણ બહાર આવી શક્યું નથી અને માનું અપમૃત્યુ એને સતત હૉન્ટ કર્યા કરે છે – જો આવી કે આ પ્રકારની નાની નાની વિગતો ઉમેરાઇ હોત તો મલ્હારના કેરેક્ટરાઇઝેશનમાં અને ફિલ્મના નરેટિવમાં એક ઇન્ટરનલ લોજિક ન ઉમેરાઈ ગયું હોત? ખેર. ફિલ્મમાં બબ્બે સુપરસ્ટાર્સ હોવા છતાં એમનાં ધમાકેદાર કન્ફ્રન્ટેશનલ સીન્સ નથી. આ ચોક્કસપણ મિસ થાય છે.
પેટ ભરીને ખાધા પછી જેમ સંતોષનો ઓડકાર આવે એવો ઓડકાર ‘ઘુઆંધાર’ જોઈને ઓડિટોરિયમમાંથી બહાર નીકળતી વખતે ન આવ્યો. મનમાં મિકસ્ડ ફીલિંગ્સ હતી, કશુંક અધૂરું રહી ગયાની લાગણી હતી. ‘ધુઆંધાર’ ભલે લક્ષ્યવેધ કરતી નથી, પણ તે ટાર્ગેટથી અડધો કિલોમીટર દૂર ગમે ત્યાં લેન્ડ થઈ હોય એવુંય બનતું નથી. ફિલ્મ તમને સતત એંગેજ તો રાખે જ છે. થોડા દિવસો પહેલાં થિયેટરમાં અમિતાભ બચ્ચનની ‘ચહેરે’ જોઈ ત્યારે વચ્ચે વચ્ચે રીતસર ઊંઘ આવી જતી હતી. આની તુલનામાં ‘ધુઆંધાર’ તમને અંત સુધી જકડી રાખી શકતી હોય તો તે શું નાની વાત છે?
– Shishir Ramavat
Leave a Reply