કડક મીઠી – Gujarati Series OTT
કડક મીઠીઃ સૌથી પહેલાં તો એ કહો કે ઓહો ઓટીટી પ્લેટફૉર્મ પર મૂકાયેલા ‘કડક મીઠી’ વેબ શોના ટીઝર કે ટ્રેલર કોણે બનાવ્યા છે? એ માણસને વહેલામાં વહેલી તકે લોખંડની ટ્રંકમાં પૅક કરીને હંમેશ માટે આંદામાન નિકોબારના ટાપુ પર એક્સપોર્ટ કરી દેવો જોઈએ. અથવા તો એને રિચર્ડ બ્રેન્સનના પેલા સ્પેસ-પ્લેનમાં બેસાડી, અંતરિક્ષમાં છુટ્ટો છોડી દઈ, પૃથ્વી પર પાછા આવી જવું જોઈએ. આઇ મીન, આટલા બોરિંગ પ્રોમો/ ટીઝર / ટ્રેલર કોઈ કેવી રીતે બનાવી શકે! Aarti Patel અને Aarohi Patel બન્ને મને ખૂબ ગમતાં કલાકારો છે. વ્યક્તિગત સ્તરે પણ બન્ને માટે મને પુષ્કળ સદભાવ છે. ‘કડક મીઠી’માં આ રિઅલ લાઇફ મા-દીકરીની જોડી એકસાથે દેખાવાની હોય ત્યારે ખરેખર તો મારે વહેલામાં વહેલી તકે શો જોઈ લેવાનો હોય. મેં એવું ન કર્યું, કેમ કે ‘કડક મીઠી’ના ટીઝર જોઈને મને મોં ફાડીને ઊભેલા હિપોપોટેમસ જેવાં જબ્બર બગાસાં આવી ગયાં હતાં.
ખેર, બહુ બધા દિવસો પછી આખરે આ શોની પહેલી સિઝન જોઈ… એન્ડ આઇ વૉઝ પ્લેઝન્ટલી સરપ્રાઇઝ્ડ. દસ-દસ મિનિટના પાંચ જ એપિસોડ. સાવ સાદું ફૉર્મેટ. બે જ પાત્રો. મધ્યવયસ્ક મા અને યુવાન દીકરી. મા (આરતી પટેલ) અમદાવાદમાં રહે છે, જ્યારે દીકરી (આરોહી) પોતાની કરીઅરને આગળ વધારવા મુંબઈ શિફ્ટ થઈ છે. દરેક એપિસોડમાં ફોન પર બન્ને જણી એકબીજા સાથે દુનિયાભરની વાતો કરે છે. શોમાં ઘટનાના નામે બસ આટલું જ છે, પણ એમની વાતોમાંથી માનવીય સંબંધોના, સુખી મધ્યમવર્ગીય પરિવારની જીવનશૈલીના, અર્બન સંઘર્ષના અને અનુભવસિદ્ધ ડહાપણના હૂંફાળા રંગો ખૂલતા જાય છે. દીકરી એકવીસમી સદીની આધુનિકા છે, મા પણ એમ તો ભણેલીગણેલી છે, પણ એણે કરીઅરને બદલે કેવળ ઘરગૃહસ્થીમાંથી સુખ શોધી લેવાનું પસંદ કર્યું છે. મા આનંદી છે, નાની નાની વસ્તુઓમાંથી એ સહજતાથી ખુશી શોધી લે છે. એ એટલી સ્માર્ટ નથી કે એના વ્યક્તિત્ત્વથી લોકો અંજાઈ જાય, પણ એની પાસે ડહાપણ છે, ઇનસાઇટ છે. આ એવું ડહાપણ અને ઇનસાઇટ છે કે જો તમે જમીન પર પગ ટેકવીને, સ્વકેન્દ્રી બન્યા વગર ભરપૂર જીવન જીવ્યું હોવ તો જ નસીબ થાય.
‘કડક મીઠી’ એક ‘પ્રોડક્શન-ફ્રેન્ડલી’ શો છે એટલે કે આ ઓછા બજેટમાં, ઓછા સમયમાં અને કોઈ પણ જાતના તામજામ વગર બનેલો શો છે. એનાં દશ્યોમાં ઑડિયન્સને અભિભૂત કરી નાખે એવી મારફાડ એક્ટિંગ કરવાનો કોઈ સ્કોપ નથી. મેલોડ્રામા નથી, હાઇ વોલ્ટેજ કૉન્ફિલક્ટ (ટકરાવ) નથી. અહીં માત્ર બે માનુનીઓ છે – મા અને દીકરી – જે ફોન પર વાતુંના વડા કરતી કરે છે, પણ તોય શો અપીલ કરે છે. એનું સૌથી મોટું કારણ આરતી પટેલ તથા આરોહીની કલાકાર તરીકેની મેચ્યોરિટી અને ચાર્મ છે. આ કંઈ આઉટ-એન્ડ-આઉટ કોમેડી શો નથી, છતાંય આરતી પટેલની સટલ કોમિક ટાઇમિંગનો પરચો વ્યવસ્થિત રીતે મળે છે. આરોહી હંમેશ મુજબ ખૂબ સહજ છે. પોતાની ફિલ્મોની માફક અહીં પણ આરોહીએ પોતાના અસલી વ્યક્તિત્ત્વથી ખૂબ નજીક હોય એવું કિરદાર નિભાવ્યું છે. ધારો કે આ શોને આરતી પટેલ અને આરોહીના પર્ફોર્મન્સની કોમ્પિટીશન તરીકે જોઈએ તો કોણ જીત્યું ગણાય? નો પ્રાઇઝ ફોર ગૅસિંગ – આરતી પટેલ. મા આખિર મા હોતી હૈ, આરોહી!
આ શો સંવાદપ્રધાન છે એટલે લેખકની જવાબદારી ઘણી વધી જાય. લેખક હર્ષ શોધને સરસ કામ કર્યું છે. શોના ડિરેક્ટર અનિશ શાહ છે કે જેમણે ‘ધૂનકી’ નામની મસ્તમજાની ફિલ્મ બનાવી હતી. ફિલ્મ અને વેબ સિરીઝ જેવા વિઝ્યુઅલ મિડિયમમાં સામાન્યતઃ ‘શો, ડોન્ટ ટેલ’ (એટલે કે અમને ઘટનાઓ વિશે કહો નહીં, ઘટના બતાવો, અમે સમજી જઈશું) નિયમ લાગુ પડે છે. ‘કડક મીઠી’માં ઊંધું થાય છે – અહીં કશું દેખાડાતું નથી, બધું બોલીને નરેટ કરવામાં આવે છે. ઘટના આંખ સામે બનતી નથી, પણ ઘટનાનું કેવળ મૌખિક વર્ણન થાય છે. દર્શકે પોતાની રીતે ઘટનાઓનું માનસિક ચિત્ર બનાવી લેવાનું. વ્યક્તિગત રીતે આવું ફૉર્મેટ અને કન્વર્સેશન-હેવી કૉન્ટેન્ટ મને ગમે છે. હોલિવુડ લેજન્ડ વૂડી એલન એટલે જ મારા ફેવરિટ છે. એમની ફિલ્મોમાં બધાં પાત્રો સતત બોલ-બોલ કરતાં હોય. ફિલ્મમાં ઘટનાઓ ઓછી બને, તાત્ત્વિક (અને ઇવન અર્થહીન) ચર્ચાઓ પુષ્કળ થાય. વૂડી એલન વિશ્વસિનેમાના સૌથી પ્રભાવશાળી ફિલ્મમેકર્સમાંના એક છે અને એમની કેટલીય ‘ટૉકેટિવ’ ફિલ્મો ઓલ-ટાઇમ-ક્લાસિક ગણાય છે. અન્ય ક્લાસિકની વાત કરીએ તો એક જ રૂમમાં આકાર લેતી ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’માં સઘળા પાત્રો સતત બોલતાં રહે છે. ફિલ્મ સંપૂર્ણપણે વર્બોઝ છે (મીન્સ કે અતિ વાચાળ છે), છતાંય તમને સતત જકડી રાખે છે.
‘કડક મીઠી’ની બીજી સિઝન પણ ‘ઓહો’ પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. સામાન્યપણે કોઈ પણ શોની નવી સિઝન આવે ત્યારે એની વાર્તામાં, એના નરેટિવમાં એક પ્રકારનો દેખીતો ‘શિફ્ટ’ અનુભવાવો જોઈએ. શોની મૂળ તાસીર અકબંધ રહે, પણ ટેક્સચર બદલાવું જોઈએ, એમાં નક્કરપણે કશુંક ઉમેરાવું જોઈએ. ‘કડક મીઠી’ની બીજી સિઝનમાં આવું કશું બનતું નથી. તે પહેલી સિઝનના જ બાકીના વધેલા એપિસોડ્સ જેવી ફીલ આપે છે.
‘કડક મીઠી’ કંઈ મહાન શો નથી. આ એક ટચૂકડી, હૂંફાળી, સીધીસાદી વેબ સિરીઝ છે. જેમની વિઝ્યુલાઇઝેશન સ્કિલ બહુ સારી નથી એવા દર્શકોને ‘કડક મીઠી’ નહીં ગમે. જેમને કોન્વર્સેશન-સેન્ટ્રિક કૉન્ટેન્ટ અપીલ કરતું નથી તેમને આ શો નહીં ગમે. ઘણાને આ શોમાં ઊંડાણ અને પંચ ઓછા લાગશે. બાકી જેમને હલકા-ફૂલકા એન્ટરટેઇનમેન્ટમાં તેમજ નિર્દોષ સંબંધોની ને રોજબરોજના જીવનની વાતોમાં રસ પડે છે તેમને આ શોમાં મજા આવશે.
છેલ્લે પાછી ‘કડક મીઠી’ના બોરિંગ ટ્રેલરની વાત. મિત્ર Mitai Shukla ની થિયરી એવી છે કે જેમાં ઘટનાઓ ઓછી ને વાતચીત ઝાઝી હોય એવા શો કે ફિલ્મના ટ્રેલર સારા બની શકે જ નહીં. ઓકે, સાંભળો. અમે રહ્યા ઑડિયન્સ. અમને આવી થિયરીઓમાં બહુ સમજ ન પડે. અમને તો ઝક્કાસ ટ્રેલર જોઈએ. તમે ખાસ ટ્રેલર કટ કરવા માટે કલાકારોને અલગ માહોલમાં, અલગ સેટ પર પર લઈ જાઓ, એમને અલગ કોસ્ચ્યુમ્સ પહેરાવીને અલાયદું શૂટિંગ કરો, એમાં જાતજાતની ઇફેક્ટ્સ અને ક્રિયેટિવિટી નાખો, બોલિવુડના ટ્રેલર એક્સપર્ટ્સને તેડી આવો, કંઈ પણ કરો, પણ ઓડિયન્સને મિસ-લીડ કરે એવા, શો માટે ઉત્કંઠા જગાડવાને બદલે ઊલટું શોથી દૂર ધકેલી મૂકે એવા અતિ નબળા ટ્રેલર અમને ધોળે ધરમેય ન જોઈએ. એટલે ટૂંકમાં, ‘કડકી મીઠી’ના પ્રોમો/ ટીઝર/ ટ્રેલર બનાવનાર મહાન કલાકારને અંતરિક્ષમાં હંમેશ માટે એક્સપોર્ટ કરી દેવાનું ભુલાય નહીં. જો અંતરિક્ષ અઘરું પડતું હોય તો ઉત્તર ધ્રુવ પણ ચાલશે!
– Shishir Ramavat
Leave a Reply