બ્રહ્માસ્ત્ર કેવી છે?
ધારો કે એક માણસ કોઈના વેડિંગ રિસેપ્શનમાં જાય છે. અહીં બૂફે કાઉન્ટર પર હાઇક્લાસ વાનગીઓ સજાવીને ગોઠવેલી છે. માણસ ભૂખ્યોડાંસ થયો છે. એ ઝટપટ કાચની વજનદાર પ્લેટ અને એકાદ વાટકી લઈને એની મનગમતી વાનગીઓ એક પછી એક લેવા માંડે છે. પ્લેટમાં બે સ્વીટ ડિશ છે, બે શાક છે, બે ફરસાણ છે, પુરી છે, સેલડ અને પાપડ છે, સાઇડમાં લાલ-લીલી ચટણી પડી છે. એને થાય કે વચ્ચે ક્યાં પાછું ઊભા થવું એટલે એ પુલાવ અને કઢી પણ ભેગેભેગા લઈ લે છે. એને થાય કે વાહ, મારી પ્લેટ કેવી સરસ કલરફુલ અને ભરેલી-ભરેલી દેખાય છે. પછી એ ખાવાનું શરૂ કરે છે. થોડી વાર પછી શું સીન છે? ચટણીનો લાલ રેલો વહેતો વહેતો મીઠાઈ ફરતે વીંટળાઈ વળ્યો છે. શાકના રસાથી પુરી લથપથ થઈ ગઈ છે. પાપડ પુલાવ નીચે દબાઈ ગયો છે ને વળી એની ઉપર કઢી ફરી વળી છે. ફરસાણ પર શાક ચોંટેલું છે. માણસે એટલું બધું પ્લેટમાં ભરી લીધું હતું કે એંઠું મૂક્યા વગર છૂટકો નથી. ખાવાનું શરૂ કરતાં પહેલાં જે સરસ કલરફુલ અને ભરેલી-ભરેલી લાગતી હતી તે પ્લેટમાં ભોજન પૂરું થાય ત્યાં સુધીમાં તો કમઠાણ થઈ જાય છે.
‘બ્રહ્માસ્ત્ર’ની હાલત કંઈક આવી છે. શરૂઆતમાં તો બધું બહુ સરસ-સરસ લાગે છે. હાઇકલાસ હીરો, સુપર્બ હિરોઈન, ભૂતકાળમાં બે મસ્ત ફિલ્મો બનાવી ચૂકેલો ડિરેક્ટર, ફેન્સી બજેટ, અજબગજબની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ… તમને થાય કે વા-વા, પ્લેટ કેવી કલરફુલ અને ભરેલી-ભરેલી છે. પણ ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં થાળી સફાચટ થઈ જવી જવી જોઈતી હતી. એને બદલે થાળીના હાલ એવા થઈ જાય છે કે એનો એંઠવાડ દૂર કરીને સીધી ધોવામાં નાખી દેવી પડે.
તો શું ‘બ્રહ્માસ્ત્ર’ સાવ એંઠવાડ જેવી છે, એમ? ના, ના, પ્લીઝ, એવું ના સમજી લેતા. કહેવાનો મતલબ એ છે કે ‘બ્રહ્માસ્ત્ર’ જોઈને ભરપેટ ખાધા પછી જે તૃપ્તિનો ઓડકાર આવવો જોઈતો હતો તે આવતો નથી. કોન્સેપ્ટ સરસ છે, ફિલ્મમેકરની એમ્બિશન સમજાય છે, તે શું કરવા ધારે છે અને ક્યાં પહોંચવા માગે છે તે પણ સમજાય છે, ફિલ્મ બનાવવામાં ખૂબ મહેનત થઈ છે તે પડદા પર દેખાય છે, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તો ભારતીય સિનેમા માટે અભૂતપૂર્વ કહી શકાય એવી ધમાકેદાર છે…. પણ પણ પણ… આ બધા મણકા એક માળામાં સરસ રીતે પરોવાતા નથી. આઇડિયા આખરે તો એના ગંતવ્યસ્થાન પર હેમખેમ પહોંચવો જોઈએ. એથ્લેટ લોંગ જમ્પ કરે કે હાઇ જમ્પ કરે કે ધડાધડ ફ્લિપ મારે, અંતે તે વ્યવસ્થિત રીતે લેન્ડ થવો જોઈએ. ‘બ્રહ્માસ્ત્ર’નું નરેટિવ ખૂબ બધા કૂદકા ને ગુંલાટિયાં માર્યા પછી પ્રોપરલી લેન્ડ થતું નથી. ટેક્નિકલ એક્ઝિક્યુશન સુપર્બ છે, પણ દર્શકનું સૌથી પહેલાં તો ફિલ્મની વાર્તા સાથે સંધાન થવું જોઈએ. જો એ ન થાય તો તમે પડદા પર ગમે તેટલી અદભુત માયાજાળ સર્જો, ફિલ્મ ધારી અસર પેદા નહીં કરી શકે.
‘બ્રહ્માસ્ત્ર’ની શરૂઆત તો મસ્ત થાય છે. ઇન ફેક્ટ, એકાદ-બે નડતરરૂપ ગીતોને બાદ કરતાં આખો ફર્સ્ટ હાફ પ્રમાણમાં સારી રીતે નીકળી જાય છે, પણ સેકન્ડ હાફમાં ગૂંચવાડા શરૂ થઈ જાય છે. ચટણીનો રેલો મીઠાઈને ખાટી કરી નાખે છે, ફરસાણમાં કઢીનો સ્વાદ ચોંટી જાય છે ને શાકના રસામાં પુરી એવી લથપથ થઈ જાય છે કે તે ખાવાલાયક રહેતી નથી.
રણબીર-આલિયા અને ડિરેક્ટર અયાન મુખર્જી આ ત્રણેય મારાં પ્રિય કલાકારો છે તો પણ મેં ‘બ્રહ્માસ્ત્ર’ પાસેથી ઊંચી ઉમ્મીદ રાખી જ નહોતી. અપેક્ષાની રેખા જ સાવ નીચી સેટ કરી હતી એટલે મને ફિલ્મ સમગ્રપણે ઠીક ઠીક લાગી. એટલીસ્ટ ‘શમશેરા’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ કરતાં તો ‘બ્રહ્માસ્ત્ર’ ઘણી ચઢિયાતી છે. ‘બ્રહ્માસ્ત્ર’ની થીમમાં રહેલું ઇન-બિલ્ટ ભારતીયપણું અને માઇથોલોજીનો ઉપયોગ – ભલે ઉપરછેલ્લો તો ઉપરછેલ્લો – પણ આકર્ષક છે.
આલિયા ભટ્ટનો રોલ જરૂર કરતાં વધારે લાંબો છે. ફિલ્મમાં હ્યુમરનું નામોનિશાન નથી. થોડી રમૂજ, થોડી લાઇટ મોમેન્ટ્સ હોવી જોઈએ. શાહરુખ ખાનને ‘રોકેટ્રી’માં જોઈને જલસો પડી ગયો હતો. એને ‘બ્રહ્માસ્ત્ર’માં જોઈને નવેસરથી આનંદ થાય છે. શાહરુખને જોઈએ એટલે જાણે જૂનો ભાઇબંધ વર્ષો પછી મળ્યો હોય એવી ફીલિંગ આવે. બોયકોટ બોલિવુડ ને એ બધું એની જગ્યાએ બરાબર હશે, પણ શાહરૂખને સ્ક્રીન પર જોઈએ ત્યારે ચોક્કસ લાગે કે તમે એને અંદરખાને બહુ મિસ કરી રહ્યા હતા.
શાહરુખની ‘રા.વન’ સુપરહીરો ફિલ્મ હતી, પણ તે જામી નહોતી. છેલ્લે ‘ભાવેશ જોશી’ નામની એક સુપરહીરો ફિલ્મ આવી હતી, પણ હરામ બરાબર કોઈએ એનું નામ પણ સાંભળ્યું હોય તો. કોણ જાણે કેમ એક હૃતિક ‘ક્રિશ’ રોશનના અપવાદને બાદ કરતાં બોલિવુડ સુપરહીરોની ફિલ્મો બનાવવામાં હજુ સુધી ગોથાં જ ખાધાં કરે છે.
તો ‘બ્રહ્માસ્ત્ર’ જોવાય કે ન જોવાય? જો મનમાં ઇચ્છા સળવળ સળવળ થઈ રહી હોય તો જોઈ નાખો. તમે રણબીર-આલિયાના ફેન હો તો પણ જોઈ નાખો. આ ફિલ્મ સ્મોલ સ્ક્રીન માટે નથી. તે મોટા પડદા પર અને થ્રીડીમાં જોવાની જ મજા આવશે. હા, ઊંચી અપેક્ષા લઈને બિલકુલ ન જતા. શક્ય છે કે ‘બ્રહ્માસ્ત્ર’ તમને ખૂબ એન્ટરટેઇન કરે. ‘બ્રહ્માસ્ત્ર’ એક સારો પ્રયાસ છે, સારો પ્રયોગ છે. ફિલ્મનો પાર્ટ-ટુ અને પાર્ટ-થ્રી (જો બને તો) આના કરતાં બહેતર હશે અને તે જોયા પછી સંતોષનો ઓડકાર આવશે તેવી આશા જરૂર જાગે છે.
– Shishir Ramavat
Leave a Reply