પ્રેમ પ્રકરણ – Gujarat Movies
પ્રેમ પ્રકરણઃ આપણે ‘પુષ્પા’, ‘આરઆરઆર’ અને ‘કેજીએફ-2’ને યાદ કરી કરીને ‘સાઉથ ઇન્ડિયન ફિલ્મોની આંધી… સાઉથ ઇન્ડિયન ફિલ્મોની આંધી…’ કર્યા કરીએ છીએ, પણ ‘પુષ્પા’ અને ‘આરઆરઆર’ની વચ્ચે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નામનો મહાવંટોળ ફૂંકાઈ ગયો તે ભૂલી જઈએ છીએ. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના મહાવંટોળમાં ‘પ્રેમ પ્રકરણ’ નામની એક ગુજરાતી ફિલ્મ ક્યારે આવીને જતી રહી એની આપણને સમજ નહોતી રહી. ચાલો, સારું થયું કે ‘પ્રેમ પ્રકરણ’ના મેકર્સે ફિલ્મને આજે નવેસરથી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો.
તો કેવી છે, ‘પ્રેમ પ્રકરણ’? જવાબ છેઃ સરસ. પેસિંગના, ગતિના ખૂબ પ્રોબ્લેમ છે, પણ એ સહિત પણ ફિલ્મ સારી ને પ્રામાણિક છે. અંગ્રેજીમાં કહે છે તેમ, a film with heart in the right place… અને જ્યારે પ્રયત્નોમાં નિષ્ઠા વર્તાય ને ફિલ્મનું હાર્ટ એના રાઇટ પ્લેસ પર હોય ત્યારે તમને ઘણા ગુના માફ કરી દેવાનું મન થાય.
આ ફિલ્મ, એના ટાઇટલ પરથી જ સ્પષ્ટ થાય છે તેમ, એક લવસ્ટોરી છે. પોસ્ટરમાં હીરોને ડાબે-જમણે બબ્બે રૂપાળી હિરોઈનોના ચહેરા દેખાય છે, તો શું આ એક લવ-ટ્રાયેન્ગલ છે? એ તો તમારે જ જોઈને નક્કી કરવાનું છે. આ એક કમિંગ-ઓફ-એજ ફિલ્મ છે. તરૂણાવસ્થાની મૂંઝવણો, સવાલો, અસ્પષ્ટતાઓ યુવાનીમાં રંગ બદલી-બદલીને પણ તરતાં રહે છે. જીવનનો આ તબક્કામાં સામેનાં પાત્રો સમજવા કરતાં ક્યારેક ખુદને સમજવાનું વધારે કઠિન થઈ પડતું હોય છે. પ્રેમ અને કરીઅર – આ બન્ને ક્ષેત્રોમાં તત્કાળ જવાબો મળતા નથી. પડવું-આખડવું પડે છે, છોલાવું પડે છે, એ પછીય જો ભાગ્ય જોર કરતું હોય તો કદાચ ઉત્તર મળે. જીવનના પંદરથી ત્રીસ વર્ષના ગાળાની આ કશ્મકશ ‘પ્રેમ પ્રકરણ’માં ઝીલવાની કોશિશ થઈ છે… અને આ કોશિશ ઠીક ઠીક કામિયાબ થઈ છે.
ફિલ્મના ડિરેક્ટર અને કો-રાઇટર ચંદ્રેશ ભટ્ટ છે (અન્ય લેખક, જયપ્રીત વસાવા). ડિરેક્ટર રણબીર કપૂરની ‘રોકસ્ટાર’ ફિલ્મથી પ્રભાવિત છે. કોઈક સીનમાં તમને ‘દિલ ચાહતા હૈ’ની આછેરી ઝલક પણ દેખાય. ડિરેક્ટર ‘મૈં હૂં ના’ ફિલ્મમાં રૂપકડી પ્રોફેસર બનેલી સુસ્મિતા સેનથી પણ ખાસ્સા આકર્ષાયેલા છે. આ આકર્ષણને એમણે પોતાની ફિલ્મના એક સબ-પ્લોટમાં બિન્ધાસ્ત વ્યક્ત થવા દીધું છે. સુસ્મિતા સેનનું ડ્રેસિંગ તો ઠીક, બેકગ્રાઉન્ડના બીટ્સમાં પણ ‘મૈં હૂં ના’ પડઘાય છે. આને નકલ કહો તો નકલ ને ડિરેક્ટરનું ઇન્ડલ્જન્સ કહો તો ઇન્ડલ્જન્સ. તકલીફ ત્યારે થાય છે જ્યારે આ પ્રકારના ઇન્ડલ્જન્સથી નરેટિવમાં કશું ઉમેરાતું ન હોય. ઊલટાનું, મૂળ વાર્તા સાથે કશો જ સંબંધ ન ધરાવતા આવા ટ્રેક્સને કારણે ઓલરેડી અત્યંત ધીમી ગતિએ ચાલતો કથાપ્રવાહ ભયાનક ધીમો થઈ જાય છે.
કથા-પટકથા-દશ્યોમાં નાવીન્ય નથી, ક્લિશેની ભરમાર છે ને ગતિ અતિ ધીમી છે છતાં ફિલ્મ ડૂબી જતી નથી, એ સપાટી પર તરતી રહે છે એનું મુખ્ય કારણ છે, સ્ટ્રોન્ગ પર્ફોર્મન્સીસ. કલાકારોનો અભિનય એટલો સરસ છે કે તે દર્શકોને બાંધી રાખે છે. ખાસ કરીને ગૌરવ પાસવાલા. મસ્ત એક્ટિંગ કરી છે ગૌરવે. એકાધિક કન્યાઓ પ્રત્યે મોહ જાગવો, પ્રેમ થવો, પ્રેમભંગ થવો, પુનઃ પ્રેમ થવો, પુનઃ લોહીલુહાણ થવું – આ બધું ગૌરવે અસરકારક રીતે ઊપાસવ્યું છે. ગૌરવની આંખો ખૂબ બોલકી છે. એમના શબ્દો મૌન હોય, આંખોય સાવ શૂન્ય હોય છતાંય એમનો ચહેરો કશુંક બોલતો રહે છે. ડિરેક્ટરે ગૌરવના ચહેરાની તરલતાનો, મોબિલીટીનો સરસ ઉપયોગ કર્યો છે. જોકે ગૌરવના પાત્રને – કે જે ફિલ્મના ઘણા હિસ્સાઓમાં સપાટ થઈ જાય છે – તેને લેખકો ઘણું વધારે લેયર્ડ અને સૂક્ષ્મતાઓવાળું બનાવી શક્યા હોત. ખેર, ‘પ્રેમ પ્રકરણ’ની સૌથી મોટો પ્લસ પોઇન્ટ, ઉપલબ્ધિ યા તો ટેક-અવે હોય તો એ ગૌરવ પાસવાલા છે. મલ્હાર ઠાકર, યશ સોની, રોનક કામદાર… સંભાળજો! ગૌરવ પાસવાલાની શાનદાર સવારી આપી પહોંચી છે!
-અને ઈશા કંસારા. કેટલી સરસ સ્ક્રીન પ્રેઝન્સ. (અને કેટલાં સરસ કોસ્ચ્યુમ્સ!) બરાબર માપેલો-તોલેલો અભિનય. ઈશાને કારણે ફિલ્મમાં એક પ્રકારનું નિશ્ચિત વજન ઉમેરાય છે. દીક્ષા જોશીને સ્ક્રીન પર જોવાં હંમેશા ગમે છે. ‘પ્રેમ પ્રકરણ’માં એમના રોલમાં પડકારજનક કે સ્ટ્રાઇકિંગ કહી શકાય એવાં તત્ત્વો નથી એટલે એમનું કિરદાર અને ગ્રાફ સીધા-સરળ વહ્યાં કરે છે.
– અને… એક મિનિટ, અમિત ત્રિવેદી. બોલિવુડના આ પ્રથમ પંક્તિના મ્યુઝિક કંપોઝરની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. એકચ્યુઅલી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમિત ત્રિવેદીની એન્ટ્રી થવી એ એક ‘ઘટના’ કહેવાય. આ નિમિત્તે ખૂબ બધાં ઢોલનગારાં વાગવાં જોઈતાં હતાં, જે પ્રમોશનની મર્યાદાઓને કારણે વાગ્યાં નહીં. ‘પ્રેમ પ્રકરણ’નાં ગીતો મજાનાં છે. ગીતકાર છે, નીરેન ભટ્ટ. એ વાત ખરી કે ‘પ્રેમ પ્રકરણ’નાં ગીતો ‘વાલમ આવોને…’ કે ‘હેલ્લારો’નાં ગીતોની જેમ ફટાક્ કરતાં ચિત્તમાં ચોંટીને રિપીટ લૂપમાં વાગ્યા કરતાં નથી. જોકે આવી તુલના કદાચ ન કરવી જોઈએ. મને તો ‘પ્રેમ પ્રકરણ’નું સંગીત ગમ્યું.
સો વાતની એક વાત ને આ વાત પણ ઓલરેડી કહી દીધી. ‘પ્રેમ પ્રકરણ’માં ઘણી ક્ષતિઓ છે, પણ આ ફિલ્મ એક સરસ અને નિષ્ઠાવાન પ્રયત્ન તો છે જ. તો શું આ ફિલ્મ થિયેટરમાં જઈને જોવાય? તમે જ નક્કી કરો.
– Shishir Ramavat
Leave a Reply