પેટીપેક – Gujarati Movie
પેટીપેકઃ સૌથી પહેલાં તો, જો તમે ‘પેટીપેક’ નામની અત્યારે ચાલી રહેલી ગુજરાતી ફિલ્મનું નામ ન સાંભળ્યું હોય તો એમાં તમારો બહુ વાંક નથી. કારણ એ છે કે આ ફિલ્મનું પ્રી-રિલીઝ પ્રમોશન કદાચ સમ ખાવા પૂરતુંય નહોતું થયું. આપણે ત્યાં ચાલુ સ્લેન્ગ ગુજરાતીમાં પેટીપેક શબ્દ ‘વર્જિન’ માટે વપરાય છે. ખાસ કરીને અક્ષત યૌવના એટલે કે વર્જિન કન્યા માટે ‘પેટીપેક માલ’ જેવો બહુ જ ચીપ અને ઓફેન્સિવ શબ્દપ્રયોગ થાય છે. ફિલ્મનું ટ્રેલર જોતાં જ તેનો વિષય સ્પષ્ટ થઈ ગયો હતો કે લગ્નવયમાં ક્યારના પ્રવેશી ગયેલા એક યુવાનને તો અને ત્યારે જ લગ્ન કરવાં છે જો એને પેટીપેક કન્યા મળે. ટ્રેલર જોઈને તરત તમારા મનમાં પહેલો સવાલ એ જાગે કે શું આ ‘છેલ્લો દિવસ’ પ્રકારનું સેક્સ્યુઅલ હ્યુમર ધરાવતી, ચોખલિયાઓને વાંધો પડી જાય એવી ફિલ્મ છે? (‘છેલ્લો દિવસ’માં તો જોકે સેક્સ્યુઅલ સિવાયનું પણ પુષ્કળ હ્યુમર ને વધારે માત્રામાં હતું.)
બીજો સવાલ આ હતોઃ જો ‘પેટીપેક’ સેક્સ-કોમેડીની સાતમી ઝેરોક્ષ જેવીય ફિલ્મ હોય તો એમાં RJ ધ્વનિત શું કરે છે? પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં ધ્વનિત ડીસન્ટ માણસ છે. એની પબ્લિક ઇમેજ પણ એક સોજ્જા માણસની છે. તો પછી ‘પેટીપેક’ના મેકરોએ લીડ રોલ માટે અન્ય કોઈ પણ મેઇનસ્ટ્રીમ ગુજરાતી હીરોને બદલે ધ્વનિત પર કેમ પસંદગી ઉતારી? અથવા એમ કહો કે, આવી પહેલી નજરે હળવી સેક્સ કૉમેડી જેવી લાગતી ફિલ્મ ધ્વનિતે કેવી રીતે સ્વીકારી?
આખરે આજે મોર્નિંગ શોમાં મોટા પડદે ‘પેટીપેક’ ફિલ્મ જોઈ ત્યારે બધા જવાબો મળી ગયા. હા, ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં લગ્નવયે પહોંચી ગયેલી યુવતીની વર્જિનિટી માટેનો આગ્રહ-દુરાગ્રહ જ છે. વિષય એક્ચ્યુઅલી બહુ સરસ છે. ટીનેજર્સ, યંગસ્ટર્સ, મેરીડ કપલ્સ, સિનિયર કપલ્સ, ટૂંકમાં, આપણને બધાને આ વિષય સ્પર્શે એવો છે. ફિલ્મમાં જે મુદ્દો ચર્ચવામાં આવ્યો છે તે એકદમ રિલેટેબલ છે, અસલી છે. આપણે એવા કેટલાય જુવાનોને છે જેમની માનસિકતા એવી હોય છે કે ગર્લફ્રેન્ડની વાત અલગ છે, પણ જેની સાથે લગ્ન કરવાનાં હોય એ છોકરી તો વર્જિન જ હોવી જોઈએ. આપણે મોડર્ન બની ગયા છીએ એવું ભલે લાગે, પણ પુરુષપ્રધાન સમાજમાં ભાવિ પત્નીની વર્જિનિટી એક મુદ્દો છે જ.
ફિલ્મના ડિરેક્ટર અને સહલેખક કે.આર. દેવમણિ છે. ફિલ્મનો વિષય જેટલો ઇન્ટરેસ્ટિંગ છે એટલો જોખમી પણ છે. જો ફિલ્મના નરેટિવમાં, પર્ફોર્મન્સીસમાં અને ઓવરઓલ ટ્રીટમેન્ટમાં સહેજ પણ સંતુલન ચૂકાયું હોત આ ફેમિલી એન્ટરટેઇનરને ફૂવડ સેક્સ કોમેડી બનતાં વાર ન લાગત. સદભાગ્યે એવું બનતું નથી. વાત નાજુક છે અને તેને કાળજીપૂર્વક હેન્ડલ કરવામાં આવી છે. ‘પેટીપેક’ જોતી વખતે અને જોયા પછી તમને સમજાતું જાય કે આ ફિલ્મના નાયક તરીકે ધ્વનિત કરતાં વધારે પરફેક્ટ કાસ્ટિંગ બીજું કોઈ ન હોઈ શકત.
રામગોપાલ વર્માની ‘રંગીલા’ (1995) ફિલ્મ યાદ છે? એ વખતે આમિર ખાનની ઇમેજ એકદમ ચોકલેટી હીરોની હતી, પણ ‘રંગીલા’માં એ મુન્ના નામનો સડકછાપ, અભણ, ગંધારોગોબરો ટપોરી બન્યો છે. કેટલું બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ! આમિરની સમગ્ર કરીઅરની સૌથી યાદગાર ભુમિકાઓમાંની આ એક. આમિર ખાનના વ્યક્તિત્ત્વમાં એક પ્રકારની કુદરતી શાલીનતા છે, તેના કારણે એનું પાત્ર એક રોડસાઇડ ટપોરીનું હોવા છતા ગ્રેસફુલ લાગે છે. ધારો કે ‘રંગીલા’માં આમિરને બદલે ગોવિંદાને કાસ્ટ કરવામાં આવ્યો હોત તો? કલ્પના કરી શકો છો? સૈદ્ધાંતિક રીતે જોવા જઈએ તો ટપોરીના રોલ માટે ચોકલેટી બાન્દ્રા-બૉય આમિર ખાન કરતાં વિરાર કા છોકરા ગોવિંદા વધારે સ્યુટેબલ ગણાય, પણ ગોવિંદાએ આ કિરદાર કેવી રીતે નિભાવ્યું હોત? નો ડાઉટ, ગોવિંદા પણ સરસ અભિનેતા છે જ, પણ એણે ભજવેલો ટપોરી સાવ જુદો હોત. કદાચ એ ચીપ લાગત. એ આમિરે ભજવેલા ટપોરી જેવો લાઇકેબલ તો ન જ હોત. જો આમિરને બદલે ગોવિંદાની (કે એ પ્રકારના બીજા કોઈ એક્ટરની) વરણી થઈ હોત તો ‘રંગીલા’, ‘રંગીલા’ ન હોત. એક્ટરની ખુદની પર્સનાલિટી – બાહ્ય અને આતંરિક બન્ને – ઘણું બધું સાથે લઈને આવતી હોય છે. ફિલ્મની સમગ્ર અસરમાં અદાકારની આંતરિકતા પણ કદાચ ઉમેરાતી હોય છે.
‘પેટીપેક’માં ધ્વનિતની વરણી મને બિલકુલ પરફેક્ટ લાગે છે તેનું કારણ આ જ છે. ધ્વનિતે જેનું પાત્ર ભજવ્યું છે તે અભિમન્યુ નામનો યુવાન આમ જોવા જાઓ તો જરાય ગમે એવો નથી, બલ્કે, એના દુરાગ્રહો અને બેવકૂફીઓ જોઈને તમને ખીજ ચડ્યા કરે, સીટ પરથી ઊભા થઈને એને ઝાપટ મારવાનું મન થઈ જાય… પણ ધ્વનિતે આ કેરેક્ટરને ખાસ્સું લાઇકેબલ બનાવી દીધું છે. ધ્વનિતનો એક વ્યક્તિ તરીકેનો ખુદનો ઇન્હેરન્ટ ગ્રેસ અને ડિગ્નિટીનો આમાં મોટો ફાળો છે.
ચાલો, ‘પેટીપેક’ પરથી આ વાત તો સાબિત થઈ ગઈઃ ધ્વનિત કેન એક્ટ! આ ફિલ્મમાં એમણે કોમેડી, રોમાન્સ, ઇમોશનલ રોના-ધોના બધું જ કર્યું છે. અમુક શોટ્સને બાદ કરતાં લગભગ આખી ફિલ્મમાં એક અદાકાર તરીકે તેઓ કરેક્ટ સૂર પકડી શક્યા છે. એક એક્ટર તરીકે ધ્વનિત નક્કર રીતે વિકસી રહ્યા છે એ તો નક્કી. પડદા પર કોમ્પલેક્સ ભુમિકાઓ ભજવવા માટે ધ્વનિત હવે રેડી છે. વેલ, ઓલમોસ્ટ.
ફિલ્મની નાયિકા છે, મોનલ ગજ્જર. ફિલ્મ હોય કે વેબ શો, અંગત રીતે મને મોનલ ગજ્જરને સ્ક્રીન પર જોવાનું હંમેશા ગમ્યું છે. બહુ જ બેન્કેબલ, ડિપેન્ડેબલ એક્ટ્રેસ છે એ.
ચાલો, ધ્વનિત અને મોનલનું તો જાણે બરાબર છે, પણ આખાઆખી પિક્ચર કેવી છે એ કહોને! વેલ, ફર્સ્ટ હાફ સારો છે. દુર્ભાગ્યે ફિલ્મ સેકન્ડ હાફ સિન્ડ્રોમનો ભોગ બની ગઈ છે. ફર્સ્ટ હાફમાં વાર્તા સરસ રીતે આગળ વધી રહી હતી, યોગ્ય જગ્યાએ હસવું આવતું હતું, યોગ્ય જગ્યાએ કરેક્ટ સ્પંદનો પેદાં થતાં હતાં, પણ ખરાબ થઈ ગયેલી ભોંયચકલી પ્રકાશિત થઈને સરસ ગોળગોળ ફરવાને બદલે ગમે તે દિશામાં ભાગમભાગ કરી મૂકે ને છેલ્લે ફુસ્સ થઈ જાય એવો કંઈક ઘાટ સેકન્ડ હાફમાં થયો છે. મધ્યાંતર પછી બિનજરૂરી, ગળે ન ઉતરે એવાં, કૃત્રિમ ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ આવતાં જાય છે અને શરૂઆતની એક-સવા કલાકમાં જે અસર ઊભી થઈ હતી તેના પર લગભગ પાણી ફરી વળે છે. ફિલ્મ પૂરી થાય ને બહાર નીકળો ત્યારે નખશિખ સુંદર ફિલ્મ જોયાનો સંતોષ થવાને બદલે એક સરસ વિષય વેડફાઈ ગયો એનો અફસોસ થાય. ‘પેટીપેક’ની થીમ વાસ્તવમાં એટલી સરસ છે કે અતરંગી અને જોખમી વિષયોવાળી ફિલ્મો કરવા માટે જાણીતા એવા આયુષ્યમાન ખુરાનાને લઈને બોલિવુડમાં તેની પ્રોપર હિન્દી રીમેક બની શકે. શરત માત્ર એટલી જ કે સેકન્ડ હાફની ડ્રામેબાઝી પર ચોકડી મૂકાય ને સ્ક્રીનપ્લે પર મોટા પાયે નવેસરથી કડક કામ થાય.
ફિલ્મમાં મનોજ જોશી અને કુમકુમ દાસ જેવાં ઘડાયેલાં સિનિયર એક્ટર્સ પણ છે. ‘પેટીપેક’ ધ્વનિતના ચાહકોને જરૂર ગમશે. ફિલ્મ હાલ થિયેટરોમાં ચાલે છે. શુક્રવાર પછી નક્કી નહીં. ધારો કે ન જોવાય તોય છેલ્લે ઓટીટી પર તો સ્ટ્રીમ થશે જ.
– શિશિર રામાવત
Leave a Reply