જે.ડી. અને આતિશ : સ્ટેપ બાય સ્ટેપ
દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૩ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
કોલમ – મલ્ટિપ્લેક્સ
એવું ક્યું કામ હતું જે અમિતાભ બચ્ચને કરવાનું હતું અને જે.ડી. મજીઠિયાએ કર્યું?
* * * * *
ગુજરાતી નાટકોની ઘોષણા માટે અનિવાર્ય ગણાતા મુંબઈના એક બ્રોડશીટ દૈનિકમાં ગયા રવિવારે એક ધ્યાનાકર્ષક વાત બની. જુદાંજુદાં નાટકોની એડ્સ માટે અલાયદા રાખવામાં આવતાં સામસામેનાં પાનાં પર એક જ સૂર ધરાવતી અલગઅલગ ચાર એડ્સ છપાઈ. એકમાં લખાયું, ‘રંગમંચથી રૂપેરી પરદે… તમારી સંજયદષ્ટિ દેશવિદેશને પામે અને ફિલ્મ બરાબર જામે એવી શુભેચ્છા.’ આ શબ્દો ટોચના પ્રોડ્યુસર-એક્ટર સંજય ગોરડિયાના હતા. રસિક-કેતકી-રિદ્ધિ દવેએ ઉત્કટતાપૂર્વક કહ્યું- ‘ભાઈદાસના પગથિયે એક સપનું જોયું હતું… શુક્રવાર ૧ ઓક્ટોબરે એ સપનું સફળતાપૂર્વક સાકાર થશે… ખૂબ ખૂબ અંતરના અભિનંદન!’ રંગભૂમિના બન્ને પ્રેઝન્ટર તેમજ નિર્માતાઓ કૌસ્તુભ ત્રિવેદી-કિરણ ભટ્ટે જે રીતે ઉમંગ વ્યક્ત કર્યો તેમાં પણ પૂરેપૂરી ઉત્કટતા હતી. વાત અહીં પૂરી થતી નથી. અન્ય અખબારોમાં પણ આ જ સૂરની વિજ્ઞાપનો છપાઈ જેની નીચે વિપુલ અમૃતલાલ શાહ, સિદ્ધાર્થ રાંદેરિયા, ઉમેશ શુક્લ-ભરત ઠક્કર અને સૌમ્ય જોષીનાં નામ હતાં.
આ શુભેચ્છાઓ અને અભિનંદનો ‘ખિચડી – ધ મૂવી’ના પ્રોડ્યુસર જે.ડી. મજીઠિયા તેમજ રાઈટર-ડિરેક્ટર આતિશ કાપડિયા માટે હતાં. આ એક સરસ ચેષ્ટા હતી. જે.ડી. અને આતિશ બણે મુંબઈની રંગભૂમિના ફરજંદ છે એટલે તેમની પહેલી ફિલ્મ રિલીઝ થઈ તે નિમિત્તે તેમના જૂના સંગીસાથીઓએ જાહેરમાં સગર્વ હરખ કર્યો.
પહેલાં થિયેટર, પછી ટેલિવિઝન અને ત્યાર બાદ સિનેમા કીર્તિ અને કમાણીના સંદર્ભમાં આ ત્રણ લોજિકલ સ્ટેપ્સ થયાં. શાનદાર બાયોડેટા ધરાવતા જે.ડી. અને આતિશ પહેલાં બે પગથિયાં પર ભરચક સફળતા મેળવ્યા બાદ હવે ત્રીજા લેવલ પર એન્ટ્રી મારી ચૂક્યા છે. તેમનું કૌવત જાણતા શુભેચ્છકો-મિત્રોને લાગે છે સિનેમામાં તેમની એન્ટ્રી ઠીકઠીક મોડી કહેવાય. અલબત્ત, આતિશ ભૂતકાળમાં ફિલ્મો લખી ચૂક્યા છે (‘આંખે’, ‘વક્ત’), પણ ડિરેક્ટર તરીકે ‘ખિચડી- ધ મુવી’ તેમની પહેલી ફિલ્મ છે. એક સમયે ‘થેન્ક્યુ કોકિલા’, ‘એકબીજાને ગમતા રહીએ’ અને ‘આવજો વહાલા ફરી મળીશું’ જેવાં સુપરહિટ નાટકો પ્રોડ્યુસ કરનાર હેટ્સ ઓફ્ફ બેનરે ‘ખિચડી -ધ મુવી’ પછીની બીજી ફિલ્મનું પ્લાનિંગ ઓલરેડી શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું નિર્દેશન કરશે હેટસ ઓફ્ફ બેનરની અફલાતૂન કોમેડી સિરિયલ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના ડિરેક્ટર દેવેન ભોજાણી. દેવેન ભોજાણીની પોપ્યુલર ઓળખ એટલે કે ‘બા, બહુ ઔર બેબી’ સિરિયલનો હાફપેન્ટઘારી ગોળમટોળ ગટુ.
હરિભાઈ જરીવાલા (સંજીવ કુમાર), પરેશ રાવલ, નીરજ વોરા, સંજય છેલ, મનોજ જોષી, પ્રકાશ કાપડિયા… ગુજરાતી રંગભૂમિનાં કેટલાંય નામો હિન્દી સિનેમામાં સફળતાનો સ્વાદ માણી ચૂક્યાં છે. એમ તો આમિર ખાને પણ કરીઅરની શરૂઆત ગુજરાતી નાટકોના બેકસ્ટેજથી કરેલી. જે.ડી., આતિશ, વિપુલ શાહ, દેવેન ભોજાણી અને પરેશ ગણાત્રા ગુજરાતી રંગમંચ પર લગભગ એકસાથે વિકસેલા આ પાંચ દોસ્તો વિશે ખૂબ લખાયું છે. તેમાંથી વિપુલ અમૃતલાલ શાહે બોલીવૂડમાં આઠ વર્ષ પહેલાં ‘આંખે’થી ડિરેક્ટર તરીકે એન્ટ્રી મારી દીધી હતી. પ્રોડ્યુસર-એક્ટર જે.ડી. અને ડિરેક્ટર આતિશની સવારી હવે આવી છે.
જીવનની દરેક ઘટના એના પૂર્વનિશ્ચિત સમયે જ બનતી હોય છે? વર્ષો પહેલાં અમિતાભ બચ્ચનની એબીસીએલ કંપની જોરમાં હતી ત્યારે જે.ડી.એ તેની સ્ટારટ્રેક કોન્ટેસ્ટ જીતી લીધી હતી. એબીસીએલ જે.ડી.ને દમામભેર હીરો તરીકે લોન્ચ કરવાની હતી, પણ દુર્ભાગ્યે કંપની પોતે જ બેસી ગઈ. જે.ડી.એ આખરે ખુદને લોન્ચ કર્યા, વર્ષો પછી, ‘ખિચડી ધ મુવી’ંમાં. ‘ખિચડી’ સિરિયલ અને ફિલ્મમાં જે.ડી. કોમેડી કરે છે, પણ ‘આવજો વહાલા ફરી મળીશું’ નાટકના ક્લાઈમેક્સમાં આવતા મોનોલોગમાં તેમનું પર્ફોર્મન્સ જોઈને લોકો રડી પડતા. આ નાટક પરથી બનેલી ફિલ્મ ‘વક્ત’માં જે.ડી.નો રોલ અક્ષયકુમારે કર્યો હતો અને ક્લાયમેક્સના પેલા મોનોલોગવાળા સીનમાં અક્ષય જે.ડી. કરતા પા ભાગની અસર પણ પેદા કરી શકતો નથી. ‘બા, બહુ ઔર બેબી’ સિરિયલમાં જે.ડી.નાં સરિતા જોશી સાથેના ઈમોશનલ દશ્યોમાં મહિલાઓ હિબકે ચડી જતી. જે.ડી.ને માત્ર કોમેડીના ઈમેજવર્તુળમાં કેદ કરી દેવા જેવા નથી.
સ્વતંત્ર દિમાગ ધરાવતા બે ક્રિયેટિવ માણસો વચ્ચે જો પાક્કી સંવાદિતા સર્જાય તો તેમની સંયુક્ત પ્રતિભા સરસ અને નક્કર પરિણામો લાવી શકે. જે.ડી. અને આતિશ કાપડિયા તેનું ઉત્તમ ઉદાહરણ છે.
શો સ્ટોપર
‘દો દૂની ચાર’ માટે હું મારા હસબન્ડ સાથે ત્રીસ વર્ષ પછી કામ કર્યું ત્યારે મને લાગ્યું કે આ માણસ બહુ ટેલેન્ટેડ છે. આવી ફીલિગ મને જિંદગીમાં પહેલી વાર થઈ!
– રિશી નીતૂ કપૂર
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply