પરેશ રાવલનું હેરી પોટર કનેકશન
દિવ્ય ભાસ્કર – સન્ડે સપ્લીમેન્ટ – ૨૧ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત
કોલમઃ મલ્ટિપ્લેક્સ
‘પહેલાં બે શોમાં સ્ટેજ પર નગ્ન થતી વખતે મને ખૂબ ટેન્શન રહ્યું, પણ ત્રીજા શોથી હું સહજપણે નગ્ન સીન કરવા માંડ્યો. મારા શરીર પર કપડાં છે કે નહીં… ઈટ જસ્ટ ડિડન્ટ મેટર!’
‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ’ ફિલ્મનો પાર્ટ વન આ શુક્રવારે રિલીઝ થયો. છેલ્લાં નવ વર્ષથી દુનિયાભરનું ઓડિયન્સ હેરી પોટર બનતા બાળજાદુગર ડેનિયલ રેડક્લિફને સ્ક્રીન પર મોટો થતાં જોઈ રહ્યું છે. ડેનિયલ હવે ૨૧ વર્ષનો પુખ્ત પુરુષ બની ગયો છે. જુવાનજોધ ડેનિયલની અંગત માલમિલકતનું મૂલ્ય આજની તારીખે ૨૮.પ મિલિયન પાઉન્ડસ (આશરે ૨૦૫ કરોડ રૂપિયા) જેટલું છે. ઇંગ્લેન્ડનાં પ્રિન્સ ચાર્લ્સ લેડી ડાયેનાના સુપુત્ર પ્રિન્સ વિલિયમ કરતાં પણ ડેનિયલ વધારે ધનિક છે!
હેરી પોટર પછી શું? એવો સવાલ ડેનિયલને સતાવે એમ નથી. પોતે અચ્છો એક્ટર છે તે ડેનિયલે ત્રણ વર્ષર્ પહેલાં જ પ્રસ્થાપિત કરી દીધું હતું, પીટર શેફર લિખિત ‘ઈક્વસ’ નાટકમાં કામ કરીને. પીટર શેફરે આ નાટક ૧૯૭૩માં લખ્યું હતું. નાટકની પ્રેરણા બન્યો લંડન નજીકના એક પરગણામાં બનેલો સાચો કિસ્સો. સત્તર વર્ષના એક તરૂણે છ ઘોડાની આંખો ફોડી નાખી હતી. ઊગીને ઊભો થતો લબરમૂછિયો આવું ઘૃણાસ્પદ કામ શા માટે કરે? આ પ્રશ્નના ઉત્તર રૂપે પીટર શેફરે એક કાલ્પનિક કહાણી રચી. અપરાધી છોકરાનો કેસ માનસચિકિત્સક પાસે આવે છે, જે ધીમે ધીમે તેના મનના પડળોને ખોલતો જાય છે. ધીમે ધીમે સ્પષ્ટ થતું જાય છે કે છોકરો તો ઘોડામાં ભગવાનનું સ્વરૂપ જોતો હતો. ઘોડા પ્રત્યે તે ન સમજાય એવું સેક્સ્યુઅલ એટ્રેકશન પણ અનુભવે છે. એક વાર એક ચંચળ તરૂણી ધરાર આ છોકરા સાથે તબેલામાં શારીરિક સંબંધ સ્થાપવાની કોશિશ કરે છે. તબેલામાં બાંધેલા છ ઘોડા તેને આ ‘પાપ’ કરતાં જોઈ ગયા છે તે વિચારે છોકરો ફફડી ઉઠે છે. આવેશમાં આવીને છોકરો છએ છ ઘોડાની આંખો ફોડી નાખે છે…
1973માં સૌથી પહેલી વાર રોયલ નેશનલ થિયેટરે લંડનમાં ‘ઈક્વસ’નું મંચન કર્યું. તરુણના રોલમાં પીટર ફર્થ નામનો યુવાન અદાકાર હતો. ૧૯૭૭માં નાટક પરથી ફિલ્મ બની, જેમાં રિચર્ડર્ બર્ટને અભિનય કર્યો હતો. તરૂણનો રોલ ફિલ્મમાં પણ પીટર ફર્થે જ કર્યોર્. ફિલ્મની જોકે ખૂબ ટીકા થઈ. મંચ પર ઘોડા નકલી હોય અને તેના પર થતો અત્યાચાર સજેસ્ટિવ કે પ્રતીકાત્મક હોય, પણ ફિલ્મમાં ઘોડા પર થતી હિંસાનાં દશ્યો ઓડિયન્સને અરેરાટી થઈ જાય તે રીતે શૂટ કરવામાં આવ્યાં હતા. એનિમલ રાઈટ્સવાળાઓ તો ઠીક, સ્વયં પીટર શેફરે આ ફિલ્મને વખોડી કાઢી હતી.
‘ઈક્વસ’ પછી તો મંચ પણ ઘણી વાર રિવાઈવ થયું. છેલ્લે ૨૦૦૭માં ડેનિયલ રેડક્લિફને મુખ્ય ભુમિકામાં કાસ્ટ કરીને ‘ઈક્વસ’ રિવાઈવ કરવામાં આવ્યું. તે વખતે ડેનિયલ ખુદ સત્તર વર્ષનો હતો. આ રિવાઈવલ અને ડેનિયલના પર્ફોર્મન્સે તરંગો પેદા કર્યા. નાટકમાં ડેનિયલે એક દશ્યમાં સંપૂર્ણપણે નગ્ન થવાનું હતું. ડેનિયલ કહે છે, ‘સ્ટેજ પર સંપૂર્ણપણે નગ્ન થવામાં મને કશો પ્રોબ્લેમ નહોતો એવું તો શી રીતે કહી શકાય? હું સખ્ખત નર્વસ હતો. ગેરી ઓલ્ડમેન નામના સિનિયર એક્ટરને હું મળ્યો. સ્ટેજ પર નિર્વસ્ત્ર થવાનો તેમને અનુભવ છે. મારે તેમની પાસેથી ટિપ્સ લેવી હતી. ગેરીએ મને કહ્યું કે જો, પહેલા શો વખતે તને ખૂબ ગભરાટ થશે, બીજા શો વખતે પણ તું ગભરાઈશ, પણ પછી તું નોર્મલ થઈ જઈશ. એવું જ થયું. પહેલા બે શોમાં મને ખૂબ ટેન્શન રહ્યું, પણ ત્રીજા શોથી હું સહજપણે નગ્ન સીન કરવા માંડ્યો. મારા શરીર પર કપડાં છે કે નહીં… ઈટ જસ્ટ ડિડન્ટ મેટર!’
‘ઈક્વસ’ નાટકમાં ડેનિયલના અભિનયે પ્રેક્ષકો અને વિવેચકો સૌને સાનંદાચર્યનો આંચકો આપ્યો. હેરી પોટર તરીકે જેનેે વર્ષોથી જોઈ રહ્યા છીએ તે ટાબરિયો જબરદસ્ત સ્ટેજ પ્રેઝન્સ ધરાવતો હશે અને અત્યંત કોમ્પ્લીકેટેડ રોલ પ્રભાવશાળી રીતે અદા કરી શકશે એવી કોઈએ કલ્પના પણ ક્યાંથી કરી હોય. જોકે ઇંગ્લેન્ડઅમેરિકાની ટીનેજ કન્યાઓની કેટલીય મમ્મીઓ નારાજ થઈ ગઈ હતી. તેમણે ડેનિયલને ફોન કરી કરીને ફરિયાદો કરી કે તું આવું ગંધારુંગોબરું નાટક કરી જ શી રીતે શકે? ડેનિયલ અકળાઈને કહે છે, ‘અરે! ‘ઈક્વસ’ કંઈ પોર્નોગ્રાફી થોડું છે? નાટકમાં હું ફક્ત સાત મિનિટ સ્ટેજ પર નેકેડ રહું છું અને તે પણ છેક ક્લાઈમેક્સમાં.’
‘ઈક્વસ’ ગુજરાતીમાં ‘તોખાર’ના નામે અવતરી ચૂક્યું છે. આ નાટકને આપણી ભાષામાં અદભુત રીતે રૂપાંતરિત કર્યું વિખ્યાત કવિ-નાટ્યકાર સિતાંશુ યશશ્ચંદે. રંગભૂમિ અને ગુજરાતી ભાષાની તાકાત પ્રત્યે આકર્ષણ ધરાવતા લોકોએ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલું ‘તોખાર’ અનિવાર્યપણે વાંચવું જોઈએ. આ નાટકને ૧૯૭૭માં ડિરેક્ટર મહેન્દ્ર જોશી મંચ પર લાવ્યા, જેમાં એક નવી તેજસ્વી પ્રતિભા વિસ્ફોટ સાથે ઊછળીને બહાર આવી. તેનું નામ હતું, પરેશ રાવલ. તેઓ તરૂણની મુખ્ય ભુમિકા ભજવતા હતા. માનસચિકિત્સકનું પાત્ર શફી ઈનામદારે ભજવેલું. ‘તોખાર’ નાટક એટલું પાવરફુલ હતું કે દર્શકો ચકિત થઈ જતા. સર્વકાલીન શ્રેષ્ઠતમ ગુજરાતી નાટકોની સૂચિમાં તે હકથી સ્થાન પામ્યું. આ નાટકે પરેશ રાવલમાં જબરદસ્ત આત્મવિશ્વાસ પેદા કર્યો. તેઓ પોતાનામાં રહેલા અદાકારને આ નાટક થકી પારખી શક્યા.
‘તોખાર’ નાટકે એ વર્ષોમાં એક ઓર વ્યક્તિ પર પણ તીવ્ર અસર કરી હતી. એ હતા નૌશિલ મહેતા, જે ક્રમશઃ પ્રતિભાશાળી લેખક ડિરેક્ટર-પ્રોડ્યુસર તરીકે ઊભર્યા. વર્ષો પછી તેમણે ‘તોખાર’ રિવાઈવ ર્ક્યું. ડિરેક્ટર તરીકેની જવાબદારી ઉપાડતી વખતે તેમણે એક આકર્ષક ફેરફાર કર્યો. અત્યાર સુધીના વર્ઝનોમાં માનસચિકિત્સકનું પાત્ર પુરુષ કલાકાર ભજવતો હતો. નૌશિલ મહેતાએ આ કિરદાર રત્ના પાઠક શાહને આપ્યું. ડોક્ટર પુુરુષને બદલે સ્ત્રી હોય તે વિચાર સિતાંશુ યશશ્ચંદ્રને પણ ગમ્યો. પરેશ રાવલ (અને ડેનિયલ રેડક્લિફ)વાળું પાત્ર ભજવ્યું ટેલેન્ટેડ અમિત મિસ્ત્રીએ. ડોક્ટર અને દર્દી વિજાતીય હોવાથી કેટલાંક પરિમાણો આપોઆપ બદલાયાં અને એક જુદી જ કેમિસ્ટ્રી પેદા થઈ. નવી પેઢીના નાટ્યરસિકો પાસે તુલના માટે મહેન્દ્ર જોશી – પરેશ રાવલવાળા ‘તોખાર’નો સંદર્ભ ભલે નહોતો, પણ નૌશિલ મહેતાનું ‘તોખાર’ તેમના માટે યાદગાર પૂરવાર થયું. ‘તોખાર’ની બન્ને આવૃત્તિઓમાં દેખીતી રીતે જ નગ્નતા ન હોય. મહેન્દ્ર જોશી અને નૌશિલ મહેતાએ એટલી કુનેહપૂર્વક ડિરેકશન કર્યું હતું કે કલાકારો અને પ્રેક્ષકો બન્નેમાંથી કોઈને કશુંય અન્કમ્ફર્ટેબલ ન લાગે અને છતાંય વિગતો પૂરેપૂરી તીવ્રતાથી મંચ પર ઉપસે.
‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ’નો પાર્ટ-ર્ટુ શૂટ થઈ ચૂક્યો છે. તે આવતા વર્ષે રિલીઝ થશે અને તે સાથે હેરી પોટર સિરીઝ પર પૂર્ણવિરામ મૂકાશે. ડેનિયલ રેડક્લિફ માટે આ સુખદ સ્થિતિ છે. એક એક્ટર તરીકે હેરી પોટરનું પાત્ર તેની સિસ્ટમમાંથી બહાર થઈ ગયું છે અને મેચ્યોર કિરદારો માટે તે સજ્જ છે તે હકીકત ‘ઈક્વસ’ થકી એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે. ડેનિયલની હવે પછી કરિયર કેવો આકાર લે છે તે જોવાનું ઈન્ટરેસ્ટિંગ પૂરવાર થશે…
શો-સ્ટોપર
પ્રેમ ખરેખર આંધળો છે. આ હું જાતઅનુભવ પરથી કહું છું.
– દીપિકા પદુકોણ
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply