તમે તમારા ડાબા હાથથી તમારા જમણા હાથને વાઢી શકો?
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૩0 જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
‘સ્લમડોગ મિલ્યોનેર’ ફેમ ડેની બોયેલની સત્યઘટનાત્મક ફિલ્મ ‘૧૨૭ અવર્સ’ની ક્લાઈમેક્સ જોઈને ઓડિયન્સ શા માટે રીતસર હેબતાઈ જાય છે?
——————————————————————–
અઠ્ઠાવીસ વર્ષનો એક અમેરિકન જુવાનિયો છે. અરોન રાલ્સ્ટન એનું નામ. ભારે ઉત્સાહી અને તેજસ્વી. સ્વકેન્દ્રી કહી શકાય એટલો સ્વતંત્ર એનો મિજાજ છે, અવિચારી કહી શકાય એટલો એ મનમોજીલો છે. આ મિકેનિકલ એન્જિનીયરને એથ્લેટિક્સ તેમજ આઉટડોર સ્પોર્ટ્સમાં કમાલનો રસ છે. શિયાળાની ભયાનક ટાઢમાં ૧૪,૦૦૦ ફીટ ઊંચા પહાડની ટોચ પર ચડશે, મેરેથોન દોડશે અને કંઈક ને કંઈક કારનામા કરતો રહેશે. આજે તે કોઈને કહ્યા વગર ઉતાહ રાજ્યમાં આવેલા બ્લુ જોન કેન્યોનની પ્રચંડ શિલા પર હાઈકિંગ કરવા આવ્યો છે. સાવ એકલો.
ખૂબ ઊંચી અને સાવ સીધી એવી બે તોતિંગ શિલાઓ વચ્ચેની સાવ સાંકડી કરાડમાં અરોન સંભાળીને ગતિ કરી રહ્યો છે. જગ્યા એટલી સાંકડી છે કે એનું એકવડું શરીર માંડ માંડ સરકી શકે. અચાનક જ ઉપરથી એક પથ્થર ગબડતો ગબડતો આવી પડે છે. અરોનનું માથું તો બચી ગયું પણ હજુ તે કશું સમજે તે પહેલાં પથ્થર તેના હાથને ભીંસતો બે કરાડની સાંકડી જગ્યામાં ફસાઈ જાય છે. એક તરફ શિલા છે, બીજી તરફ ચુસ્ત રીતે અટકેલો પથ્થર છે અને બન્નેની વચ્ચે અરોનનો હાથ સજ્જડ રીતે ફસાઈ ગયો છે. જમીનથી ૬૫ ફૂટની ઊંચાઈએ તે આવી વિચિત્ર સ્થિતિમાં લટકી રહ્યો છે.
શરૂઆતમાં તો આ અણધારી ઘટનાથી અરોનને મોજ પડે છે. એક્સાઈટિંગ! બધું પ્લાનિંગ પ્રમાણે સીધું સટ ચાલ્યા કરે તો એમાં મજા શાની? આ હાઈકિંગ યાદ રહેશે! અરોનને એમ છે કે ધીમે ધીમે કરતો એ ફસાયેલા હાથને બહાર કાઢવામાં કામિયાબ થઈ જશે. એને ક્યાં ખબર છે કે પોતાના હાથને તે એક તસુ પર હલાવી શકવાનો નથી! હાથને છોડાવ્યા વગર તે ચસકી શકે તેમ નથી. સમય વીતતો જાય છે. અરોન નિષ્ફળ કોશિશ કરતો રહે છે. બેકપેકમાં રાખેલી બોટલમાંથી તે થોડું થોડું પાણી પીતો રહે છે.
અરોન પાસે વિડીયો કેમેરા પણ છે. ટાઈમપાસ કરવા તે ‘ધોબી ઘાટ’ની પેલી યાસ્મિનની જેમ કેમેરામાં બોલતો રહે છે. બીજો દિવસ… ત્રીજો દિવસ… અરોન હજુ એ જ અવસ્થામાં બે શિલાઓ વચ્ચે ફસાયેલા હાથ સાથે ચોંટેલો છે! એને સમજાઈ ગયું છે કે નથી પેલો પથ્થર એક મિલીમિટર સુદ્ધાં હલવાનો કે નથી એનો હાથ બહાર નીકળવાનો. એના જેવો બીજો કોઈ હાઈકર અહીં આવે અને તેનું ધ્યાન પડે તો એનો ઉધ્ધાર થાય, બાકી તો… પાણી હવે ખલાસ થઈ ગયું છે. એના ડીહાઈડ્રેટેડ થઈ ચૂકેલા શરીરમાં હવે એક જ પ્રવાહી જઈ શકે તેમ છે, પોતાનું મૂત્ર. અરોન તે પણ અજમાવી ચૂકે છે.
પાંચમો દિવસ! શું એના જીવનનો અંત આવી રહ્યો છે? તે શિલા પર પોતાનું નામ અને જન્મતારીખ કોતરે છે, વિડીયો કેમેરામાં માબાપ, મિત્રો અને પ્રેમિકાને સંદેશા પાઠવે છે. પણ ના, બચવાનો એક ઉપાય હજુય છે. જો પથ્થર વડે ફસાઈ ગયેલા પોતાના હાથને તે વાઢી નાખે તો શરીર છૂટું પડી શકે તેમ છે! તે ફસાયેલા હાથને બને એટલો બેવડો વાળે છે, વાળતો જ રહે છે … એટલી હદે કે હાથના હાડકાંમાં ફ્રેક્ચર થઈ જાય. પણ આટલું પૂરતું નથી. અરોન પાસે એક મલ્ટિપર્પઝ ઓજાર છે, તેમાં એક છરી પણ છે… અને અરોન પોતાના સાજા હાથથી ફસાયેલા હાથને કોણી નીચેથી વાઢવાનું શરૂ કરે છે. એની રાડ ફાટી જાય છે. હાથનું હાડકું એને ધીરે ધીરે કરતું ચીરવાનું છે, ચાકુથી મૂળો કાપતો હોય એમ. એની ભયાનક ચીસોથી શિલાઓ પણ જાણે કે કાંપી ઉઠે છે.
આખરે અરોન ખુદના હાથને શરીરથી અલગ કરી નાખવામાં સફળ થાય છે. હજુય હોશ ખોયા નથી, બેભાન થવું પાલવે તેમ પણ નથી. તે જેમતેમ કરતો ૬૫ ફૂટ નીચે ઉતરે છે. આજુબાજુ કોઈ દેખાતું નથી. આખરે બારેક કિલોમીટર ચાલ્યા પછી માંડ કોઈની નજરે તે પડે છે અને તરત તેને હોસ્પિટલભેગો કરવામાં આવે છે.
આ ૨૦૦૩માં બનેલી સત્યઘટના છે. અરોન રાલ્સ્ટનની કહાણી મિડીયાએ ચમકાવી ત્યારે લોકો હેબક ખાઈ ગયા. આ તે કેવી જિજીવિષા! કોઈ પણ સંજોગોમાં હાર ન માનવાનો આ તે કેવો ગજબનાક સ્પિરિટ! અરોન રાતોરાત હીરો બની ગયો. તેણે ‘બિટવીન અ રોક એન્ડ અ હાર્ડ પ્લેસ’ નામનુ પુસ્તક લખ્યું, જે બેસ્ટસેલર પૂરવાર થયું. અરોન પછી તો મોટિવેશનલ સ્પીકર બની ગયો. હાલ તે એક વકતવ્ય આપવાના તોતિંગ ફી વસૂલ કરે છે. ઢગલાબંધ ઓસ્કર અવોડર્ઝ ઉસરડી જનાર ‘સ્લમડોગ મિલ્યોનેર’ના ડિરેક્ટર ડેની બોયેેલે ૨૦૦૬માં એનું પુસ્તક વાંચ્યું. એમના જેવા કાબેલ ફિલ્મમેકરને આ અસાધારણ હ્યુમન ડ્રામાને સિનેમાના પડદે કંડારવાની પ્રેરણા ન મળે તો જ આશ્ચર્ય. અરોનના યાતનામય પાંચ દિવસને આવરી લેતી ડેની બોયલની અંગ્રેજી ફિલ્મ ‘૧૨૭ અવર્સ’ આ અઠવાડિયે ભારતમાં રિલીઝ થઈ છે.
‘હું એક વાતે શરૂઆતથી સ્પષ્ટ હતો કે મારે માત્ર અરોનની સર્વાઈવલ સ્ટોરી બતાવવી નથી,’ ડેની બોયેલ એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘ફિલ્મના ફ્લેશબેક્સમાં અરોનને અહંકારી અને ઉદ્ધત દેખાડવામાં આવ્યો છે. મોત સામે દેખાય છે ત્યારે એ વિડીયો મેસેજમાં પોતાનાં માબાપને કહે છે કે ‘મોમ, ડેડ, મને ખબર છે કે મેં તમને પૂરતું માન આપ્યું નથી, તમારી પૂરી કદર નથી કરી. આઈ એમ સોરી.’ આ માણસનો સ્વભાવ છે. આપણે સૌના મનમાં કોઈક ગિલ્ટ હોય છે, આપણે સૌ કોઈકને કહેવા માગતા હોઈએ છીએ કે તારું દિલ દુભાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો, મને માફ કરજે. આ ફિલ્મમાં મેં અરોનની શારીરિક યાતના અને માનસિક તાકાત ઉપરાંત તેની ઈમોશનલ જર્ની દેખાડવાનો પણ પ્રયાસ કર્યો છે.’
‘૧૨૭ અવર્સ’ યુરોપઅમેરિકામાં રિલીઝ થઈ ચૂકી છે. અરોનનું કિરદાર જેમ્સ ફ્રેન્કો નામના એક્ટરે બખૂબી નિભાવ્યું છે. સ્પાઈડરમેન સિરીઝની ફિલ્મોમાં આપણે એને સપોર્ટંિગ એક્ટર તરીકે જોયો છે. ‘૧૨૭ અવર્સ’માં તે પોતાનો હાથ વાઢે છે તે દશ્ય જોઈને ઓડિયન્સ રીતસર હેબતાઈ જાય છે. આ સિકવન્સ એટલી અસરકારક બની છે કે તે જોઈને થિયેટરમાં અમુક દર્શકો બેહોશ થઈ ગયા હોવાના રિપોર્ટ છે!
‘૧૨૭ અવર્સ’ પર જે રીતે દર્શકો તેમજ વિવેચકો આફરીન પોકારી રહ્યા છે તે જોતાં આગામી ઓસ્કર સિઝનમાં ડેની બોયલ ફરી એક વાર ચમકારા દેખાડે તો નવાઈ નહીં!
શો સ્ટોપર
હૃતિક ડિઝાઈનર કપડાંમાં જેટલો હેન્ડસમ લાગે છે એના કરતાં કપડાં વગર વધારે રૂપાળો લાગે છે!
– શ્રીમતી સુઝેન, હૃતિકની પત્ની
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply