હર્ષદભાઈના રાજમાં… માર્કેટ મજામાં!
———————————————-
પ્રતીક ગાંધી હવે બોલિવૂડની નજરે ચડી ગયા છે. હે ગુજરાતી ફિલ્મમેકરો, પ્રતીકને કાસ્ટ કરીને તમે જે કંઈ બનાવવા માગતા હો તે ફટાફટ બનાવી નાખજો, કારણ કે આ છોકરો તમારા હાથમાંથી બહુ ઝડપથી જતો રહેવાનો છે!
—— મલ્ટિપ્લેક્સ – દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ —————–
કોઈ વસ્તુ સારી હશે એવું આગોતરું માની લીધી હોય અને વાસ્તવમાં એ ધાર્યા કરતાંય ઘણી વધારે સારી નીકળે ત્યારે જે મોજ પડે તે કમાલની હોય છે. ‘સ્કેમ 1992- ધ હર્ષદ મહેતા સ્ટોરી’ વેબ સિરીઝ જોતી વખતે એક્ઝેક્ટલી આવી જ લાગણી થાય છે. નેશનલ અવૉર્ડવિનિંગ ફિલ્મમેકર હંસલ મહેતાની આ કંઈ પહેલી વેબ સિરીઝ નથી. તેમણે અગાઉ બનાવેલા ‘બોઝઃ ડેડ/અલાઇવ’ (2017) નામના વેબ શોનો વિષય પણ તગડો હતો, પણ કોણ જાણે કેમ, તેણે ન કશા તરંગો પેદા કર્યા કે ન પ્રેક્ષકોનું તેના પર ખાસ ધ્યાન ગયું. ‘સ્કેમ 19920’નો વિષય પણ મજબૂત અને વિવાદાસ્પદ છે, પણ આ વખતે હંસલ મહેતાએ સૉલિડ સિક્સર ફટકારી છે.
એવું નથી કે હર્ષદ મહેતા પર પહેલી વાર કશુંક બન્યું હોય. 2006માં ‘ગફલા’ નામની નિષ્ફળ ફિલ્મ આવી હતી, જે હર્ષદ મહેતાના કૌભાંડ પર આધારિત હતી. લૉકડાઉન પહેલાં જ ઉલ્લુ નામના ઓટીટી પ્લૅટફૉર્મ પર ‘ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ’ નામની વેબ સિરીઝ સ્ટ્રીમ થઈ હતી. અભિષેક બચ્ચનને ચમકાવતી ‘ધ બિગ બુલ’ નામની એક ઑર વેબ સિરીઝ રજૂ થવા માટે લગભગ તૈયાર થઈને બેઠી છે. આવા માહોલમાં જ્યારે હંસલ મહેતા આ જ વિષય પર ઑર એક શો લઈને ડિજિટલ મેદાનમાં ઉતરે, જેમાં પ્રતીક ગાંધી, અનંત મહાદેવન, ચિરાગ વોરા, રજત કપૂર, જય ઉપાઘ્યાય જેવા નીવડેલા અભિનેતાઓ હોય, ત્યારે વસ્તુ સંતોષકારક બનશે તેવી અપેક્ષા જરૂર હોય. ગુડ ન્યુઝ, અગાઉ કહ્યું તેમ, એ છે કે અહીં તમારી અપેક્ષા માત્ર સંતોષાતી નથી, બલકે તમને સંતોષનો મેઘગર્જના જેવા તોતિંગ ઓડકારો આવે છે.
હર્ષદ મહેતા (જન્મઃ 1954, મૃત્યુઃ 2001) કંઈ નાયક નથી, ન જ હોઈ શકે. એ કદાચ સંપૂર્ણતઃ ખલનાયક પણ નથી. હર્ષદ મહેતાને અહોભાવપૂર્વક યાદ કરનારા લોકો આજે પણ જોવા મળે છે. તેઓ કદાચ પ્રતિનાયક છે. વિલન નહીં, પણ એન્ટિ-હીરો… અથવા કદાચ હર્ષદ મહેતાને આ તમામ વિશેષણો લાગુ પડે છે! સાવ સાધારણ ગુજરાતી ઘરનો આ યુવાન, જે મુંબઈના કાંદિવલી પરમાં એક નાનકડા ઘરમાં સંયુક્ત પરિવાર સાથે સાંકડમોકડ રહે છે અને જે મામૂલી નોકરીઓ અને નાણાભીડથી કંટાળી ગયો છે. એક દિવસ એ સ્ટોક માર્કેટમાં પ્રવેશવાનો નિર્ણય કરે છે. જોતજોતામાં એ શેરબજારના કિમીયા-સબળાઈ-નબળાઈ તેમજ ક્ષતિઓ સમજી લઈને તીવ્ર ગતિથી આગળ વધતો જાય છે. આ એ જમાનાની વાત છે જ્યારે હજુ ઇન્ટરનેટ તો ઠીક, કમ્પ્યુટર પર આપણી લાઇફસ્ટાઇલનો હિસ્સો બન્યું નહોતું, જ્યારે ભારતમાંથી લાઇસન્સ રાજે હજુ પૂરેપૂરી એક્ઝિટ લીધી નહોતી, ઉદારીકરણનો ઉદય થવાનો હજુ બાકી હતો અને જ્યારે બેન્ક સેક્ટર સહિતનાં સઘળાં સરકારી તંત્રો મંથર ગતિએ કામ કરતાં હતાં. હર્ષદ મહેતાએ ખુદ ચિક્કાર પૈસા બનાવ્યા અને એમના જોરે અંસખ્ય સામાન્ય રોકાણકારોએ પણ ધીકતી કમાણી કરી. પછી હર્ષદ મહેતાના કૌભાંડને કારણે જ કેટલાય લોકો રસ્તા પર આવી ગયા ને અમુક તો સ્મશાનભેગા પણ થઈ ગયા.
હર્ષદ મહેતા એક ક્લાસિક રેગ્ઝ-ટુ-રિચીસ (કંગાલિયતમાંથી અતિ શ્રીમંતાઈ) સ્ટોરી છે. કાંદિવલીના નાનકડા ઘરમાંથી મહેતા પરિવાર વરલીની ‘મઢૂલી’ બિલ્ડિંગના 15,000 ચોરસ ફૂટના, સ્વિમિંગપુલવાળા સી-ફેસિંગ ડુપ્લેક્સ ફ્લેટમાં શિફ્ટ થાય છે, ગેરેજમાં લેક્સસ સહિત મોંઘીદાટ ગાડીઓની લંગાર થઈ જાય છે, પણ તેમનું ગુજરાતીપણું અને અમુક મિડલક્લાસ લાક્ષાણિકતાઓ અકબંધ રહેવું. ‘સ્કેમ 1992’ની ધ્યાનાકર્ષક વાત એ છે કે શોમાં ક્યાંય ગુજરાતીપણાની સહેજ પણ મજાક થઈ નથી. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નાં ફાયનાન્શિયલ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ સુચેતા દલાલ (શ્રેયા ધન્વન્તરિ, સુપર્બ) 1992માં હર્ષદ મહેતા ઉપરાંત સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા અને અન્ય દેશી-વિદેશી બૅન્કોમાં ચાલી રહેલા કૌભાંડો વિશે લખવાનું શરૂ કરે છે ને ભૂકંપ મચી જાય છે. કૌભાંડનો રેલો છેક તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ સુધી પહોંચે છે. સીબીઆઇ સહિતની કેટલીય એજન્સીઓ કામે લાગી જાય છે. ફાયનાન્શિયલ સેક્ટરમાં પેસી ગયેલા સડાને શક્ય એટલો ભસ્મ કરવા માટે કદાચ એક હર્ષદ મહેતાનું આગની જ્વાળાની જેમ પ્રજ્વલિત થવું જરૂરી હતું.
‘સ્કેમ 1992’ એક સ્માર્ટ શો છે. સિરીઝનો લૂક-એન્ડ-ફીલ રિયલિસ્ટિક હોવા છતાં તેનો મિજાજ માઇકલ ડગ્લસ – ચાર્લી શીનને ચમકાવતી હોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘વૉલ સ્ટ્રીટ’ની માફક એક થ્રિલર જેવો છે. આ શોનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ તો આ છેઃ તમે શેરબજારના કક્કાનો ‘ક’ પણ જાણતા ન હો તો પણ તમારું અજ્ઞાન કે અલ્પજ્ઞાન આ શોને બિન્જ-વૉચ કરવામાં ક્યાંય વચ્ચે આવતું નથી. સિરીઝ એટલી સડસડાટ વહે છે, ખાસ કરીને ચોથા-પાંચમા એપિસોડ પછી, કે પોણીથી એક કલાકના દસ એપિસોડ્સ તમે ધડાધડ જોઈ કાઢો છો. ફિલ્મમાં ઝીણી ઝીણી સરસ વિગતો ઝિલાઈ છે. જેમ કે, એક દષ્યમાં હર્ષદ મહેતા અને તેમનાં પત્ની ગુજરાતી નાટક જોવા જાય છે, જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા બિગ બુલ પર જોક કરતા સંભળાય છે. હર્ષદ મહેતા જીવતેજીવ માત્ર ઇર્ષ્યાનું જ નહીં, બલકે મજાકનું પાત્ર પણ બની ગયેલા.
હંસલ મહેતાની કરીઅરના શ્રેષ્ઠતમ ત્રણ કામોમાં તમે આ શોને નિશ્ચિતપણે મૂકી શકો. તમને લાગે કે હર્ષદ મહેતાનો શો આ જ રીતે લખાય, આ જ રીતે બનાવાય. સ્ક્રીનપ્લે-ડાયલોગ્ઝ (સુમિત પુરોહિત, સૌરવ ડે, વૈભવ વિશાલ, કરણ વ્યાસ) ઉત્તમ છે. થોડી ડાયલોગબાઝીઃ જેબ મેં જબ મની હો ના, તો કુંડલિ મેં શનિ હોને સે કુછ ફર્ક નહીં પડતા. યે મેરી એસ્ટ્રોલોજી હે!… કુછ લોગ શેરબજાર મેં કિસ્મત પર વિશ્વાસ રખતે હૈં. મૈં કિસ્મત મેં નહીં, કીમત પર વિશ્વાસ રખતા હૂં… મૈં દલાલ સ્ટ્રીટ કા દરિયા હૂં. જિસ મેં દમ હૈ આ કે નમક ચખ લે… ઉસકી નીંદ ઉડે ના ઉડે, કુછ લોગ જાગ જાયે ના, વો કાફી હૈ! કાસ્ટિંગ પરફેક્ટ છે. આટલા બધા ગુજરાતી કલાકારોને આટલું સરસ પર્ફોર્મન્સ આપતા જોઈને આપણી છાતી ગજ ગજ ફૂલે છે. શોના ક્લાઇમેક્સમાં ચિરાગ વોરા જે રીતે ફાટે છે તે જોજો. હર્ષદ મહેતાના મોટા ભાઈ અશ્વિનનું પાત્ર મસ્ત રીતે ભજવનાર હેમંત ખેર પણ તમારું સતત ધ્યાન ખેંચશે. કૉમનમેનના કાર્ટૂનથી અતિવિખ્યાત થયેલા આર.કે. લક્ષ્મણનું કિરદાર પણ શોમાં આકર્ષક રીતે દેખા દે છે. અચિંત ઠક્કરે તૈયાર કરેલું અફલાતૂન બેકગ્રાઉન્ડ સ્કોર આ શોનું ઑર એક તગડું પાસું છે. એમાંય શોનું થીમ મ્યુઝિક તો હવે મોબાઇલના રિંગ ટોન તરીકે પણ ખૂબ પોપ્યુલર બની ગયું છે.
… અને પ્રતીક ગાંધી. હર્ષદ મહેતાનું પાત્ર એમણે એટલું અસરકારક નિભાવ્યું છે કે એક આગામી ફિલ્મમાં આ જ કિરદાર ભજવનારા અભિષેક બચ્ચનના શા હાલ-હવાલ થશે તે વિચારીને દયા છૂટે છે. પ્રતીક ગાંધી હવે બોલિવૂડની નજરે ચડી ગયા છે. હે ગુજરાતી ફિલ્મમેકરો, પ્રતીકને કાસ્ટ કરીને તમે જે કંઈ બનાવવા માગતા હો તે ફટાફટ બનાવી નાખજો, કારણ કે આ છોકરો તમારા હાથમાંથી બહુ ઝડપથી જતો રહેવાનો છે!
– શિશિર રામાવત
Leave a Reply