અભી ના જાઓ છોડકર..
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ તા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૧ માં પ્રકાશિત
કોલમઃ મલ્ટિપ્લેક્સ
ક્યુટ અને માસૂમ ચહેરાવાળી વીતેલા જમાનાની એક્ટ્રેસ સાધના આજકાલ મુંબઈમાં કઈ રીતે એકાકી જીવન ગાળે છે?
૮૭ વર્ષનો નાયક દેવ આનંદ. ૬૨ વર્ષનો ઈતિહાસ ધરાવતું બેનર નવકેતન ફિલ્મ્સ. ૫૦ વર્ષ જૂની ફિલ્મ ‘હમ દોનો’. નવકેતનની આ અંતિમ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ છે, જે આ અઠવાડિયે કલરમાં રી-રિલીઝ થઈ. વીતેલા જમાનાની ક્લાસિક ફિલ્મો નવા સ્વરૂપે નવી પેઢી સામે પેશ થાય અને તે બહાને તેની ચર્ચા થતી રહે તે મજાની વાત છે. જયદેવે કંપોઝ કેટલાં અદભુત ગીતો આ ફિલ્મમાં છે લતા મંગેશકરનાં સર્વશ્રેષ્ઠ ગીતોની સૂચિમાં હંમેશાં સ્થાન પામતું ‘અલ્લાહ તેરો નામ’, મોહમ્મદ રફીઆશા ભોંસલેનું સુપર રોમેન્ટિક ‘અભી ના જાઓ છોડકર’ અને અલ્લડ અલગારીપણાનો ભાવ મસ્ત રીતે પેશ કરતું મોહમ્મદ રફીનું ‘મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા…’ (નોંધઃ ‘દિવ્ય ભાસ્કર’માં છપાયેલા લેખમાં ‘મૈં જિંદગી કા સાથ નિભાતા…’ ગીત કિશોર કુમારે ગાયું છે એ રીતે નોંધાયું છે. આ ભૂલ બદલ સોરી અને તેના તરફ ધ્યાન દોરનાર તમામ વાચકોને થેન્કયુ.)
ખેર, આજે વાત કરવી છે ‘હમ દોનો’ની ખૂબસૂરત હિરોઈન સાધનાની. સાધનાનું નામ વિખ્યાત બંગાળી અભિનેત્રી સાધના બોઝ પરથી પાડવામાં આવ્યું છે. તેના નામનો સ્પેલિંગ પહોળા બંગાળી ઉચ્ચાર પ્રમાણે ‘સાધોના’ (એસ-એ-ડી-એચ-ઓ-એન-એ) કરવામાં આવતો હતો, પણ પછી તે હિન્દી ફિલ્મલાઈનમાં આવી એટલે ‘સાધોના’નું ‘સાધના’ થઈ ગયું. (ખરેખર તો વયસ્ક વ્યક્તિને તુંકારે બોલાવવામાં અવિવેક ગણાય, પણ આપણે લાડકા ફિલ્મસ્ટારોના મામલામાં આદરપૂર્વક આવી છૂટ લેતા હોઈએ છીએ. ‘માધુરી દીક્ષિત ફિલ્મફેર અવોર્ડ્ઝ ફંકશનમાં સ્ટેજ પર નાચ્યાં’ એવું બોલીએ કે સાંભળીએ તો કેવું વિચિત્ર લાગે! એની વે.)
સાધનાનો જન્મ કરાંચીમાં થયો. દેશના ભાગલા પડ્યા ત્યારે તેનો પરિવાર હિજરત કરીને આખરે મુંબઈમાં સેટલ થયો. સાધના જયહિંદ કોલેજમાં ભણતી હતી ત્યારે કોઈ પ્રોડ્યુસરે તેને હિરોઈન તરીકે લઈને ‘અબાના’ (૧૯૫૮) નામની સિંધી ફિલ્મ બનાવી. ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે ‘સ્ક્રીન’ સામયિકમાં સાધનાની તસવીર છપાઈ. પ્રોડ્યુસર એસ. મુખર્જીનું તેના પર ધ્યાન ગયું અને ફિલ્માલય સ્ટુડિયોએ સાધનાને સાઈન કરી લીધી. સાધનાને એક્ટિંગના ક્લાસમાં દાખલ કરવામાં આવી અને પછી તેની પહેલી હિન્દી ફિલ્મ આવી ‘લવ ઈન શિમલા’. બસ, સાધના કી ગાડી ચલ પડી.
સાધનાનું સૌથી મોટું ‘પ્રદાન’ હોય તો તે છે સાધના-કટ હેરસ્ટાઈલ. કપાળ પર પથરાયેલા વણાંકદાર વાળની લટોને આપણે આજે પણ સાધના-કટ તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે આવી આ હેરસ્ટાઈલ? બન્યું એવું કે હજુ નવા નવા શરૂ થયેલા ફિલ્માલય સ્ટુડિયોમાં એકવાર નવો કેમેરા આવ્યો. કોઈ કહે, ‘અચ્છા, નયા કેમેરા લિયા, ચલો ટેસ્ટ લેતે હૈ. વો રહી સાધના. ચલો ઉસકા ટેસ્ટ લો. પણ એનું કપાળ બહુ પહોળું છે. એમ કરો, એને વિગ પહેરાવી દો અને કેમેરા સામે ઊભી કરી દો.’ સાધનાને ‘લવ ઈન શિમલા’માં ડિરેક્ટ કરનાર આર. કે. નૈયર કહે, ‘નહીં, સાધનાને વિગ કે હેરપેચ નથી લગાડવો. મારે એને ફેશનેબલ લૂક આપવો છે.’
આર. કે. નૈયર એને કેમ્પસ કોર્નરમાં એક ચાઈનીઝ હેરડ્રેસર પાસે લઈ ગયા. નૈયરને હોલીવૂડ એક્ટ્રેસ ઓડ્રી હેપબર્ન બહુ ગમતી. ઓડ્રી હેપબર્ન એ વખતે કપાળ પર વણાંકદાર લટો રાખતી. આથી સાધનાના વાળ પણ એ રીતે કાપવામાં આવ્યા અને આ રીતે ફેમસ સાધનાકટનો જન્મ થયો!
ટાઈટ ચુડીદાર-કૂરતા અને નીચે મોજડી પહેરવાની ફેશન પણ સાધનાએ ઈન્ટ્રોડ્યુસ કરી હતી. ‘વક્ત’ (૧૯૬૪) ફિલ્મમાં સાધનાનો કેવો લૂક આપવો તે વિશે યશ ચોપડા વિચારી રહ્યા હતા ત્યારે સાધનાએ સૂચન કર્યુંઃ સર, હું સલવાર અને સ્લીવલેસ કૂરતું પહેરું તો? યશ ચોપડા કહેઃ નહીં નહીં, યે તો મુસ્લિમ લૂક હો જાયેગા. સાધના ફેશન ડિઝાઈનર ભાનુ અથૈયાને મળી. બન્નેએ ચર્ચા કરી અને આખરે ભાનુ અથૈયાએ એક ડ્રેસ તૈયાર કર્યો – સિલ્કનું વ્હાઈટ કૂર્તું, એમાં ગોલ્ડ એમ્બ્રોડરી અને ચુડીદાર. યશ ચોપડાએ ખુશ થઈને આ પોશાક અપ્રુવ કર્યો. ‘વક્ત’ હિટ થઈ અને સાધનાએ પહેરેલાં ટાઈટ ચુડીદાર-કૂરતા-મોજડીનો જોરદાર ક્રેઝ પેદા થઈ ગયો.
સાધના બહુ જ ક્યુટ અને માસૂમ દેખાતી. અભિનય પણ સારો કરતી. ભાગ્યે જ મિડીયા સામે આવતી સાધના એક તાજા અને રેર ઈન્ટરવ્યુમાં કહે છેઃ ‘મારા જમાનામાં ત્રણ હિરોઈનોનાં નામ સાથે લેવાતાં સાયરા બાનુ, આશા પારેખ અને હું. સાયરા બ્યુટીફુલ એક્ટ્રેસ ગણાતી, આશા પારેખ સારી ડાન્સર કહેવાતી અને હું સારી અભિનેત્રી ગણાતી.’
સાધનાએ આર. કે. નૈયર સાથે લગ્ન કર્યાં હતાં અને તે પછી ‘એક ફુલ દો માલી’, ‘ ઈન્તકામ’ અને ‘ગીતા મેરા નામ’ જેવી હિટ ફિલ્મો આપી. થાઈરોઈડની સમસ્યાની લીધે સાધનાનો સુંદર ચહેરો કુરૂપ થતો ગયો અને તેની કરીઅર ટૂંકાઈ ગઈ. ૧૯૭૮માં રિલીઝ થયેલી ‘મહેફિલ’ તેની અંતિમ ફિલ્મ બની રહી. નૈયરના નિધન પછી સાધના મુંબઈમાં એકલાં રહે છે અને મોજથી સમય વિતાવે છે. એ કહે છે, ‘જુઓને, હું સવારે સાડા નવે આરામથી ઉઠું, છાપાં વાચંુ, ફ્રેશ થાઉં. આગલી સાંજે કોઈ સિરિયલ મિસ થઈ ગઈ હોય તો બીજે દિવસે એનું રિપીટ ટેલિકાસ્ટ યાદ રાખીને જોઈ લઉં! અઠવાડિયે ત્રણેક વખત લંચ પછી ઓટર્સ ક્લબ જાઉં અને પત્તા રમું. વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન સાથે મારાં સારાં બહેનપણાં છે. અમે ક્યારેક સાથે લંચ પર જઈએ, ફિલ્મ જોવા જઈએ. સાંજે ફ્રેન્ડ્ઝ સાથે શોપિંગ કરવા ઉપડી જાઉં. ફિલ્મી ફંકશન્સમાં કે ડિનર પાર્ટીઓમાં જવાનું જોકે મને ગમતું નથી. હું વર્ષોથી રિટાયર્ડ છું પણ મારું જીવન ભર્યુંભર્યું છે. ટચવૂડ! સંતાન હોત તો સારું થાત, પણ સંતાન નથી તો એનું દુખ પણ નથી. મારું બાળપણ સરસ ગયું, સમજદાર વર મળ્યો, કરીઅર સરસ રહી, નામ-દામ-સન્માન બધું જ મળ્યું… આનાથી વધારે બીજું શું જોઈએ?’
સેલિબ્રિટી રહી ચૂકેલી વ્યક્તિ બુઢાપામાં સાવ એકાકી હોય છતાંય એ સંતુલિત રહી શકી હોય અને તેનો જીવનરસ સૂકાયો ન હોય તે નાનીસૂની વાત નથી!
શો સ્ટોપર
મારો નાનો ભાઈ (વિજય આનંદ) દિલીપ કુમાર, રાજ કપૂર અને મને એકસાથે લઈને ફિલ્મ બનાવવા માગતો હતો. એણે સ્ક્રિપ્ટ પણ તૈયાર કરી હતી, પણ દિલીપ અને રાજ કેમેય કરીને કન્વિન્સ ન થયા. આખરે આ ફિલ્મ બનાવવાનો આઈડિયા જ પડતો મૂકાયો.
– દેવ આનંદ
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply