‘ધ ટ્રી ઓફ લાઈફ’ – પડદા પરનો કાવ્યસંગ્રહ
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૭ ઓગસ્ટ ૨૦૧૧
મલ્ટિપ્લેક્સ
‘ધ ટ્રી ઓફ લાઈફ’ ફિલ્મે તીવ્ર પ્રતિક્રિયા જન્માવી. વિવેચકો સમરકંદબુખારા ઓવારી ગયા, અમુક દર્શકો ચકિત થઈ ગયા જ્યારે બાકીના ત્રાસીને, કંટાળીને ફિલ્મ અડધી છોડીને નાસી છૂટ્યા. એવું તે શું છે બ્રેડ પિટની આ ફિલ્મમાં?
એક સુંદર મજાની અંગ્રેજી ફિલ્મ કોઈ પણ પ્રકારનો હોબાળો કર્યા વિના ચુપચાપ ભારતના થિયેટરોમાં ચાલી રહી છે. તેનું ટાઈટલ છે ‘ધ ટ્રી ઓફ લાઈફ’. ૬૮ વર્ષના ટેરેન્સ મલિકે તે ડિરેક્ટ કરી છે. ટેરેન્સની ફિલ્મી કરીઅર ચાલીસ વર્ષમાં ફેલાયેલી છે અને તેણે ડિરેક્ટ કરેલી ફિલ્મોનો સ્કોર છે, માત્ર છ. ‘ધ ટ્રી ઓફ લાઈફ’નો અસલી ‘હીરો’ તો એનું પાવરફુલ કન્ટેન્ટ જ છે, પણ જો એક્ટર્સની વાત કરતા હોઈએ તો આ ફિલ્મમાં બ્રેડ પીટ, શોન પેન અને જેસિકા ચેસ્ટેઈને અભિનય કર્યો છે. બ્રેડ પિટ ફિલ્મનો કો-પ્રોડ્યુસર પણ છે.
આ વર્ષના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ધ ટ્રી ઓફ લાઈફ’નું સૌથી પહેલું પબ્લિક સ્ક્રીનિંગ થયું હતું. ફિલ્મને દર્શકોનો અને વિવેચકોનો જબરદસ્ત પ્રતિસાદ ઉપરાંત એકાદ પ્રતિષ્ઠિત અવોર્ડ પણ મળ્યો. મે મહિનામાં અમેરિકામાં અને પછી યુરોપ તેમજ અન્ય દેશોમાં ફિલ્મ ક્રમશઃ રિલીઝ થઈ. અમુક ફિલ્મો અત્યંત તીવ્ર અને તદ્દન વિરુદ્ધ અંતિમો પર પ્રતિક્રિયાઓ જન્માવતી હોય છે. કાં તો એ દર્શકને જબરદસ્ત પસંદ પડે અથવા તો સહેજ પણ ન ગમે. ‘ધ ટ્રી ઓફ લાઈફ’ના કેસમાં પણ એવું જ બન્યું. અમુક દર્શકો આ ફિલ્મ જોઈને ચકિત થઈ ગયા. બાકીના ત્રાસીને, કંટાળીને ફિલ્મ અડધી છોડીને નાસી છૂટ્યા.
એવું તે શું છે ‘ધ ટ્રી ઓફ લાઈફ’માં? આ ફિલ્મમાં ‘ધ સેક્સીએસ્ટ મેન અલાઈવ’નું બિરુદ પામેલો બ્રેડ પિટ જેવો મેઈનસ્ટ્રીમ કમર્શિયલ હીરો ભલે રહ્યો, પર સુવિધા ખાતર તેના પર ‘આર્ટહાઉસ સિનેમા’નું લેબલ લગાડવું પડે. એક મધ્યવયસ્ક માણસ (શોન પેન) પોતાનાં મા, બાપ (બ્રેડ પિટ) અને બે નાના ભાઈઓ સાથે વિતાવેલા બાળપણને સંભારે છે અને તેના થકી જીવનનો મૂળ અને તેનો અર્થ પણ સમજતો જાય છે. બ્રેડ પિટ કહે છે, ‘મને પહેલી વાર આ ફિલ્મની કથા સંભળાવવામાં આવી તેના સ્ટ્રક્ચરની વિગતો જાણીને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અહીં માઈક્રો લેવલ પર ટેક્સાસના એક નાનકડા ટાઉનમાં રહેતા કુટુંબની વાતો ચાલે છે અને મેક્રો લેવલ પર બ્રહ્માંડની રચના અને પૃથ્વી પર જીવસૃષ્ટિની ઉત્ત્પત્તિની વાત ચાલે છે. આનું જે રીતે કોમ્બિનેશન કરવામાં આવ્યું છે તે ખરેખર એકસ્ટ્રા-ઓર્ડિનરી છે.’
કહેનારાઓ કહેશે કે ભઈ, બ્રેડ પિટ ખુદ સહનિર્માતા અને નાયક છે એટલે પોતાની ફિલ્મના વખાણ તો કરવાનો જ ને. વરને વરની મા નહીં વખાણે તો બીજું કોઈ વખાણશે? સાવ એવું નથી. ફિલ્મમાં જો વિત્ત ન હોત તો ટોચના ફિલ્મ સમીક્ષકોને આવરી લેતી ‘રોટન ટોમેટોઝ’ નામની અફલાતૂન વેબસાઈટ પર તેને ૮૫ ટકા જેટલું ઊંચુ રેટિંગ ન મળ્યું હોત.
‘ધ ટ્રી ઓફ લાઈફ’ની વિઝયુઅલ ઈફેક્ટ્સ માટે એક જ શબ્દ વાપરી શકાય – અદભુત. સ્પેશિયલ ઈફેક્ટ્સનું ડિપાર્ટમેન્ટ ટેરેન્સ મલિકના વર્ષો જૂના દોસ્ત ડગ્લાસ ટ્રમબુલે સંભાળ્યું છે. ડગ્લાસભાઈએ તો ત્રીસ વર્ષ પહેલાં જ હોલીવૂડને અલવિદા કહી દીધી હતી. ટેરેન્સ મલિક એને પાછા ખેંચી લાવ્યા. એમની એક જ સૂચના હતીઃ આજકાલ હોલીવૂડની ફિલ્મોમાં જે પ્રકારની ક્મ્પ્યુટર-જનરેટેડ સ્પેશિયલ ઈફેક્ટ્સની ભરમાર જોવા મળે છે એવી મારે ધોળે ધરમેય જોઈતી નથી.
તો પછી બ્રહ્માંડનું સર્જન જેવી કેટલીય ઘટનાઓ કેવી રીતે પડદા પર દર્શાવવી? ડગ્લાસ કહે છે, ‘અમે વિઝયુઅલ્સ ક્રિયેટ કરવા માટે કેમિકલ્સ, પેઈન્ટ્સ, ફ્લ્યુરોસન્ટ ડાઈ, ધુમાડો, પાણી, આગની જ્વાળા, લાઈટિંગ અને હાઈસ્પીડ ફોટોગ્રાફી વડે જાતજાતના અખતરા કર્યા. ટેરેન્સે અમને છુટ્ટો દોર આપી દીધો હતો. અમુક વસ્તુ અમુક રીતે જ દેખાવી જોઈએ એવો એનો કોઈ આગ્રહ નહોતો. બ્રહ્માંડનાં સર્જનના દશ્યોની વાત કરું તો તે ફિલ્માવવા માટે અમે સાવ સાંકડા પાત્રમાં ગળણી વડે દૂધ રેડ્યું, ચીવટપૂર્વક લાઈટિંગ કરી અને આ આખી ક્રિયાને હાઈસ્પીડ કેમેરા અને ફોલ્ડેડ લેન્સ વડે શૂટ કરી લીધી. આ રીતે અમને જે ફૂટેજ મળ્યું તે ખરેખર કોસ્મિક અને ભવ્ય દેખાતું હતું.’
ફિલ્મમાં આવાં તો કેટલાંય દશ્યો છે અને તે એટલાં રૂપાળાં છે કે, એક સમીક્ષકે કહ્યું છે તેમ, તેની એકેએક ફ્રેમને પોઝ કરીને દીવાલ પર કલાકૃતિની જેમ ટાંગી શકાય. ‘પડદા પરની કવિતા’ એવો એક ચવાઈ ગયેલો શબ્દપ્રયોગ અવારનવાર થતો હોય છે. ‘ધ ટ્રી ઓફ લાઈફ’ને એ દષ્ટિએ આખેઆખો કાવ્યસંગ્રહ કહેવો પડે! ધ્યાન રહે, આ ફિલ્મમાં માત્ર દર્શનીય ચિત્રાવલિની રેલમછેલ નથી એ તો માત્ર બાહ્ય માળખું થયું પણ સંવેદનશીલ અને રિસેપ્ટિવ દર્શકને તેનું ફિલોસોફીકલ ઊંડાણ સ્પર્શી ગયા વગર રહેતું નથી. બ્રહ્માંડનાં તમામ તત્ત્વો એકકોષી અમીબાથી લઈને લાખો પ્રકાશવર્ષ દૂર રહેલા તારોઓ સુધીનું બધું જ એકબીજા સાથે સંકળાયેલાં છે તે વાત ટેરેન્સ મલિક આ ફિલ્મ થકી કુશળતાપૂર્વક કહી શક્યા છે.
‘ધ ટ્રી ઓફ લાઈફ’, સાદી ભાષામાં કહીએ તો, ‘અઘરી આર્ટ ફિલ્મ’ છે. જો તમારામાં પાર વગરની ધીરજ હોય, તમારો ટેસ્ટ આ પ્રકારની ફિલ્મો માટે થોડોઘણો કેળવાયેલો હોય અને કશુંક અલગ જોવાની હોંશ હોય તો આ ફિલ્મ અવશ્ય જોવી. અન્યથા જે થિયેટરમાં આ ફિલ્મ ચાલતી હોય તે દિશામાં નજર પણ ન કરવી. ફિલ્મ ગમી જશે તો થોડા અરસા પછી એની ડીવીડી બહાર પડે ત્યારે સબટાઈટલ્સ ઓન કરીને ફિલ્મ નવેસરથી જોવાની જરૂર તમને ખુદને જ લાગશે. આગામી ઓસ્કર અને ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝમાં પર ફિલ્મ કેવોક પ્રભાવ પાડે છે તે જોવાની મજા આવશે.
શો સ્ટોપર
વચ્ચે મારા દાદાજીએ મને ફોન કરીને કહ્યુંઃ દીકરા, અમે તારી ફિલ્મ જોઈ. મેં પછ્યું, કઈ? દાદાજીએ બૂમ પાડીને દાદીને પૂછ્યુંઃ બ્રેડની પેલી કઈ ફિલ્મ આપણે જોઈ જે મને જરાય ન ગમી?
– બ્રેડ પિટ
0 0 0
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply