હૃતિક રોશનઃ બંદે મેં હૈ દમ
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૨૯ જાન્યુઆરી ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
હૃતિક દઢ મનોબળવાળો માણસ છે. તરૂણ વયે પોતાનો સ્પીચ પ્રોબ્લેમ દૂર કર્યો, જુવાનીમાં ઘૂંટણ અને પીઠ વિશે ડરાવી રહેલા ડોક્ટરોને ખોટા પાડ્યા અને તાજેતરમાં દસ વીકમાં ફાંદ ઓગાળીને પાછો શેપમાં આવી ગયો.
* * * * *
હૃતિક રોશનમાં હિંમતવાળો માણસ છે. બાકી કયો ફિલ્મી હીરો પોતાનો ફાંદવાળો કદરૂપો ફોટો સામે ચાલીને મિડીયામાં રિલીઝ કરે?
એ કહે છે, ‘બધાના મનમાં એમ જ છે કે હૃતિકનું બૉડી તો કુદરતી રીતે જ ગંઠાયેલું છે, એની કાઠી જ એવી છે કે એ ક્યારેય અદોદળો થઈ જ ન શકે. સાવ ખોટી વાત છે આ. સચ્ચાઈ જાણવી હોય તો જોઈ તો આ ફોટોગ્રાાફ! અગિયાર અઠવાડિયાં પહેલાં હું આવો બેડોળ અને અનફિટ દેખાતો હતો, પણ અઢી મહિનાની કપરી ટ્રેનિંગ પછી હું પાછો શેઈપમાં આવી ગયો.’
હૃતિક આમ તો એક સમયે એક જ ફિલ્મ કરે છે, પણ ૨૦૧૧માં કામનો ઓવરડોઝ થઈ ગયો હતો. એક તરફ ‘જિંદગી ના મિલેગી દોબારા’નું પ્રમોશન ચાલતું હતું, બીજી બાજુ, ‘અગ્નિપથ’નું અત્યંત થકવી નાખે એવું શૂટિંગ ચાલતું હતું અને અધૂરામાં પૂરું ‘જસ્ટ ડાન્સ’ ટીવી શોનું શૂટ ક્યારેક દિવસમાં સોળસોળ કલાક સુધી લંબાતું. હૃતિકના શરીરે જવાબ દઈ દીધો. એને ડબલ સ્લિપ ડિસ્ક થઈ ગઈ. હૃતિકની પીઠ આમેય એ વીસ વર્ષનો હતો ત્યારથી હેરાન કરતી આવી છે. આ વખતે પીઠનો દુખાવો એટલો તીવ્ર હતો કે ડોક્ટરે બેડરૂમની બહાર પગ મૂકવાની મનાઈ ફરમાવી દીધી. હૃતિક બાપડો ડિપ્રશનમાં આવીને આચરકૂચર વસ્તુઓ ખાખા કરવા લાગ્યો. સ્મોકિંગનું પ્રમાણ ભયજનક રીતે ખૂબ વધી ગયું. આ તબક્કો દોઢબે મહિનો ચાલ્યો. એમાંને એમાં હૃતિકની ફાંદ પર ચરબીનું ટાયર ઉપસી આવ્યું અને એ ક્રિશને બદલે ક્રિશનાં કાર્ટૂન જેવો દેખાવા લાગ્યો.
‘મારું આત્મબળ સાવ તળિયે બેસી ગયું હતું,’ હૃતિક કહે છે, ‘પણ એક સવારે મેં નક્કી કરી નાખ્યુંઃ ઈનફ ઈઝ ઈનફ. બહુ થયું. આ બધામાંથી બહાર આવવું જ પડશે. સૌથી પહેલાં તો મારે સિગારેટથી છૂટકારો મેળવવો હતો. મારું એવું છે કે હું સ્મોકિંગ ધારું ત્યારે મહિનાઓ સુધી છોડી શકું છું. મને એમ કે આ વખતે ય હું ફટાક કરતો છોડી દઈશ, પણ એવંુ ન બન્યું. સ્મોકિંગના મામલામાં જો સાવધ ન રહેવાય તો હેરાન થઈ જવાતું હોય છે. ઈન્ટરનેટ ચાલુ કરીને હંુ કમ્પ્યુટર પર બેઠો અને સર્ચિંગ શરૂ કર્યું. આખરે મને એક એવી બુક મળી જેના વિશે મડોના, એન્થની હોપકિન્સ, એશ્ટન કુચર જેવાં સેલિબ્રિટીઝે છુટ્ટા મોંએ વખાણ કર્યા હતા. એ બુકનું ટાઈટલ છે, ‘ધ ઈઝી વે ટુ સ્ટોપ સ્મોકિંગ’. મેં ઓનલાઈન ઓર્ડર કરીને બુક મંગાવી લીધી. જેવી એ કુરિયરમાં આવી કે હું મારા રૂમનો દરવાજો બંધ કરીને અંદર પૂરાઈ ગયો. સાંજ સુધીમાં મેં ચોપડી પુરી કરી નાખી. છેલ્લું પાનું આવ્યું ત્યાં સુધીમાં સિગારેટ મારા જીવનમાંથી બહાર થઈ ગઈ હતી. હંમેશ માટે. સાચું કહું તો આમાં વિલપાવરની જરૂર પણ નથી, માત્ર સમજણ અને કોમન સેન્સની જરૂર છે. બંધાણ કોઈપણ હોય, જો એના ભયસ્થાનો વિશે ગંભીરતાથી સમજણ કેળવીએ તો એેના પર અંકુશ મૂકવું કઠિન નથી.’
સ્મોકિંગ તો જાણે છૂટ્યું, પણ બૉડીનું શું? હૃતિકે પાછું ગૂગલસર્ચ કર્યું. દોસ્ત, ટ્રેનરો, ડોક્ટરો, ફિઝિયોથેરપિસ્ટો પાસે પૃચ્છા કરી. આખરે એને ક્રિસ જેન્થિન અને મારિકા જ્હોન્સન નામના બ્રિટીશ કપલનું નામ મળ્યું. ક્રિસ ફિટનેસ ટ્રેનર છે અને મારિકા ન્યુટ્રિશનિસ્ટ. હૃતિકે આ બન્નેનો કોન્ટેક્ટ કર્યો, એમને મુંબઈ તેડાવ્યાં અને જુહુમાં પોતાનાં ઘરની પાસે મોંઘોદાટ ફ્લેટ ભાડે લઈને બન્નેને ઉતારો આપ્યો. ટ્રેનિંગ શરુ થઈ.
‘સવારે હું અડધી કલાક કાર્ડિયો કરતો,’ હૃતિક પોતાના રુટિનની વાત કરે છે, ‘પછી દિવસ દરમિયાન ક્રિસ મને વર્કઆઉટ કરતો. મને સ્લિપ ડિસ્ક છે એટલે વજન ઉપાડવાની મનાઈ હતી. દસ વીકમાં મારું સાડાદસ કિલો વજન ઓછું થયું. કમર ૩૬.૫ ઇંચમાંથી ૨૯.૫ ઇંચ થઈ ગઈ. મસલ્સ બનતા ગયા, હું પાછો મૂળ શેપમાં આવતો ગયો. તમે માનશો, દિવસમાં હું આઠ વખત થોડું થોડું ખાતો! વજન ઓછંુ કરવા ભૂખે મરવાની જરૂર હોતી જ નથી. આપણે ખોટી ખોરાક ખોટી રીતે ખાતા હોઈએ છીએ એ જ પ્રોબ્લેમ હોય છે.’
કહેનારા તરત કહેશે કે ભઈ, હૃતિક તો કરોડપતિ છે, એને બધું પોસાય. એ લાખો પાઉન્ડની ફી ચૂકવીને વિદેશી એક્સપર્ટને તેડાવી શકે, આપણાથી આ બધું થોડું થાય? હૃતિક તરત કહે છે, ‘એવું નથી. હું અઢારવીસ વર્ષનો હતો ત્યારે પણ મારી પાસે જે કંઈ રિસોર્સીસ હોય તેનો સારામાં સારી રીતે ઉપયોગ કરતો. મારી પીઠ પહેલેથી જ નબળી છે. ડોક્ટરોએ મને ચેતવેલો કે એક્ટર-બેક્ટર બનવાનું વિચારતો પણ નહીં. તું જેવો જમ્પ મારીશ કે નાચીશ કે તરત ખાટલાભેગા થઈ જવું પડશે… પણ હું લડતો રહ્યો, ફિટનેસને મારી લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવી દીધો. ડોક્ટરોએ મને કહી દીધેલું કે તારા ઘૂંટણ વધુમાં વધુ એક વર્ષ ટકશે. આ વાતને આજે ચાર વર્ષ થઈ ગયાં. સાચું કહું તો હું ડોક્ટરોની બધી વાત માની લેતો નથી. મને હાયર પાવરમાં, માનવશરીર અને મનની અદભુત ક્ષમતામાં ભરપૂર વિશ્વાસ છે. જે જોઈ શકાય છે અને માપી શકાય છે એટલું જ સત્ય નથી, એ સિવાય પણ બીજું ઘણું બધું હોય છે. હું પોતે એનું જીવતુંજાગતું ઉદાહરણ છું.’
હૃતિકે ફાંદને દૂર કરીને અત્યારે જે રીતે પાછો શેપ અચીવ કર્યો છે એનાથી એટલો બધો ઉત્સાહ અનુભવી રહ્યો છે કે કે ન પૂછો વાત. હૃતિક નાનપણથી જ દઢ મનોબળવાળો માણસ છે. એ સ્કૂલમાં ભણતો હતો ત્યારે બોલતી વખતે અચકાતો હતો, તોતડાતો હતો. છોકરાઓ એની બહુ મજાક ઉડાવતા, પણ હૃતિકે રમેશ Oza નામના કાબેલ ગુજરાતી સ્પીચ થેરપિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લીધી અને આ પોતાની વાણી પર અદભુત કાબૂ મેળવ્યો.
હૃતિક સમાપન કરે છે, ‘મારે સૌને એ જ કહેવું છે કે ફિલ્મી હીરોની પર્સનાલિટીથી જરાય અંજાઈ જવાની જરૂર નથી. આપણે બધા સરખા જ છીએ. જો હું મારા સ્પીચ પ્રોબ્લેમને દૂર કરી શકતો હોઉં, સ્મોકિંગ છોડી શકતો હોઉં અને શરીરને ચુસ્તદુરસ્ત રાખી શકતો હોઉં તો એ સૌને માટે બિલકુલ શક્ય છે….’
શો-સ્ટોપર
મારા સ્વર્ગસ્થ પિતાજીએ અમિતાભ સાથે ઓરિજિનલ ‘અગ્નિપથ’ બનાવીને એટલી જબ્બર આર્થિક ખોટ ખાધી હતી કે એની અસર જિંદગીભર રહી. તેથી જ મારા માટે ‘અગ્નિપથ’ની હૃતિકવાળી રિમેક સફળ થાય તે બહુ જ અગત્યનું છે.
– કરણ જોહર (પ્રોડ્યુસર)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply