મલ્ટિપ્લેક્સ : એક બાર ફિર
Sandesh – Sanskaar Purti – 1 Sept 2013
મલ્ટિપ્લેક્સ
‘સત્યાગ્રહ’ જેવી કેટલીય ફિલ્મોના તેજસ્વી મેકર પ્રકાશ ઝા અને દરજ્જેદાર સિનિયર એક્ટ્રેસ દીપ્તિ નવલ એક સમયે પતિ-પત્ની હતાં, આજે ઉત્તમ મિત્રો છે. જો બન્ને પાત્રોમાં ગરિમા અને પકવતા હોય તો સંબંધની મીઠાશ કોઈ ને કોઈ સ્વરૂપે જળવાઈ રહેતી હોય છે…
* * * * *
બિહારના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો છોકરો. પ્રકાશ એનું નામ. એના પિતાજી ઇચ્છે છે કે મોટો થઈને એ આઈએએસ કે આઈપીએસ બનીને સરસ મજાની સીધી લાઈનની ગોઠવાયેલી જિંદગી જીવે. ભારતના બીજા છેડે અમૃતસરમાં દીપ્તિ નામની બાળકી છે. સ્વભાવે શાંત. એની મમ્મી સારી ચિત્રકાર છે એટલે માતાપિતા તરફથી કળાના મામલામાં ખૂબ પ્રોત્સાહન મળે છે. છોકરો સૈનિક સ્કૂલના ભણતર પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએસ.સી. કરવાનું શરૂ કરે છે, જ્યારે છોકરીનો પરિવાર ન્યૂયોર્ક શિફ્ટ થાય છે. એ ન્યૂયોર્કની હન્ટર કોલેજમાં ફાઈન આર્ટ્સનું ભણવા લાગે છે. દીપ્તિના પપ્પા ઈચ્છે છે કે ગ્રેજ્યુએટ થયા પછી એણે પેરિસ જઈ રીતસર કોઈ સારા આર્ટ ઈન્સ્ટિટયૂટમાં એડમિશન લેવું ને પેઇન્ટિંગમાં આગળ વધવું, પણ એક સુંદર સાંજે છોકરી ઘોષણા કરે છે કે મોમ-ડેડ, મને પેઇન્ટિંગમાં નહીં પણ એક્ટિંગમાં વધારે રસ પડે છે! હિન્દી ફિલ્મોમાં અભિનય કરવાનું સપનું લઈને એ મુંબઈનું પ્લેન પકડે છે.
આ બાજુ, દિલ્હીમાં પેલો યુવાન ફર્સ્ટ યર માંડ પૂરું કરે છે. ભણવાનું પડતું મૂકીને એ પાછો ઘરે આવી જાય છે. માબાપને એ કહે છેઃ મને ફિઝિક્સ-બિઝિક્સમાં રસ પડતો નથી, મારે પેઇન્ટર બનવું છે. માબાપ ચકિત થઈ જાય છે. આખરે એક દિવસ ચિત્રકળામાં આગળ વધવા એ મુંબઈની ટ્રેન પકડી લે છે. ઓગણીસ વર્ષના પ્રકાશના ખિસ્સામાં ફક્ત ત્રણસો રૂપિયા છે.
હવે પ્રકાશ અને દીપ્તિ બન્ને મુંબઈમાં છે. બન્નેની સ્ટ્રગલ પૂરજોશમાં ચાલુ છે. ‘જલિયાંવાલા બાગ’ અને ‘જુનૂન’માં નાના નાના રોલ કરી ચૂકેલી દીપ્તિને આખરે લીડ હિરોઈન બનવાની તક મળે છે. ફિલ્મનું નામ છે, ‘એક બાર ફિર’ (૧૯૮૦). વિનોદ પાંડેના ડિરેક્શનમાં બનેલી અને એકસ્ટ્રા મેરિટલ અફેરની થીમ ધરાવતી આ બોલ્ડ ફિલ્મ વિવાદ પેદા કરે છે. દીપ્તિનું સંવેદનશીલ પર્ફોર્મન્સ સૌનું ધ્યાન ખેંચે છે. દીપ્તિ નામની આ યુવતીની દીપ્તિ નવલ બનવાની આ મજબૂત શરૂઆત છે.
આ તરફ, બિહારી યુવાનને મૂળ તો જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લેવું છે, પણ ગાડું ગબડાવવા માટે એણે જાતજાતનાં કામ કરવાં પડે છે. એ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં એકાઉન્ટ્સના ચોપડા લખે, એક ગુજરાતી વેપારીને અંગ્રેજી વાંચતાં-લખતાં-બોલતાં શીખવે, એક રેસ્ટોરાંના કિચનમાં રાંધણકામ સુધ્ધાં કરે. એક દિવસ આકસ્મિક રીતે એ ‘ધર્મા’ ફિલ્મના સેટ પર જઈ ચડે છે. પ્રાણ, નવીન નિશ્ચલ, રેખા અને બિંદુ એનાં કલાકાર. અભિભૂત થઈ ગયેલા યુવાનને નવેસરથી બ્રહ્મજ્ઞાન લાધે છેઃ લાઇફમાં કરવા જેવું કોઈ કામ હોય તો આ જ છે – ફિલ્મો બનાવવાનું! જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સ પર ચોકડી મુકાઈ જાય છે. એ પૂનાના ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં એડમિશન લઈને એડિટિંગનો કોર્સ કરવા લાગે છે. કાળનું કરવું ને વિદ્યાર્થીઓની હડતાળને કારણે ઈન્સ્ટિટયૂટનું કામકાજ ઠપ્પ થઈ જાય છે. યુવાન પાછો મુંબઈ આવી જાય છે. બસ, મુંબઈ આવ્યો તે આવ્યો, એ પૂના પાછો ગયો જ નહીં. બીએસ.સી. (ફિઝિક્સ)ની માફક એણે એફ.ટી.આઈ.આઈ.માં એડિટિંગનો કોર્સ પણ પૂરો ન કર્યો. પણ એના નસીબમાં ફિલ્મમેકર બનવાનું લખાયું છે. ૧૯૮૪માં ડિરેક્ટર તરીકેની એની પહેલી ફિલ્મ રિલીઝ થાય છે. એનું ટાઈટલ છે, ‘હિપ હિપ હુર્રે’. હિરોઈનનું નામ છે, દીપ્તિ નવલ. પ્રકાશ નામના આ યુવાનની પ્રકાશ ઝા બનવાની સફરના પ્રારંભમાં જ દીપ્તિ નવલનો સાથ મળે છે.
પ્રકાશ ઝા બિહારી બાબુ છે, દીપ્તિ નવલ ન્યૂયોર્કમાં મોટી થઈ છે, પણ તેમના જીવનના ગ્રાફની ગતિ લગભગ સરખી છે. બન્ને વચ્ચે બે બહુ જ મહત્ત્વની વસ્તુઓ કોમન છે – પેઇન્ટિંગનો શોખ અને સિનેમા પ્રત્યેનું પેશન. બન્ને એકબીજાં પ્રત્યે ન આકર્ષાય તો જ આશ્ચર્ય. ૧૯૮૫માં તેઓ લગ્ન કરે છે. એક સંવેદનશીલ અભિનેત્રી અને બીજો સામાજિક નિસબત ધરાવતો તેજસ્વી ફિલ્મમેકર. પરફેક્ટ મેચ છે. આદર્શ જોડી છે.
પણ લગ્ન બડી પેચીદી બાબત છે. પ્રેમી અને પ્રેમિકા લગ્નસંબંધમાં બંધાઈને પતિ-પત્ની બને ત્યારે ઘણું બધું અણધારી રીતે બદલાઈ જતું હોય છે. સ્ત્રીમાં, પુરુષમાં અને તેમના સંબંધમાં કલ્પ્યાં ન હોય તેવાં પરિવર્તનો થવા માંડે છે. લગ્નજીવનના એક જ વર્ષમાં પ્રકાશ ઝા અને દીપ્તિ નવલ બન્ને નિર્ભ્રાન્ત થવા માંડયાં. ખયાલો તૂટવા લાગ્યા. પ્રેમી તરીકે, પ્રફેશનલ્સ તરીકે બન્ને એકબીજાં સાથે ઉત્તમ હતાં, પણ લગ્ન થતાં કેમિસ્ટ્રી બદલાઈ ગઈ. સંબંધમાં તનાવ આવતો ગયો. લગ્નનાં બે વર્ષ માંડ થયાં ને બન્ને નોખાં થઈ ગયાં. એકબીજાંની સાથે રહીને દુઃખી થવાને બદલે, ખુદને અને સામેના પાત્રને કુંઠિત કરવાને બદલે અલગ અલગ જીવન જીવવું વધારે હિતાવહ હતું. કમસે કમ તે વખતે તો એવું લાગતું જ હતું.
“પ્રકાશજી ઓર મેરા કભી ભી ઝઘડા ભી નહીં હુઆ થા,” વર્ષો પછી પોતાના લગ્નસંબંધનું વિશ્લેષણ કરતી વખતે દીપ્તિ નવલે એક વખત નિખાલસતાપૂર્વક કહ્યું હતું, “અમારા સંબંધમાં સહેજ પણ કડવાશ નહોતી આવી. અમને બન્નેને તે વખતે લાગતું હતું કે અમારા રસ્તા જુદા છે, એટલું જ. એ દિલ્હી જતા રહ્યા, જ્યારે મારી તો દુનિયા જ મુંબઈમાં હતી.”
આજે દીપ્તિ નવલ એમના સંબંધને જુદા દૃષ્ટિકોણથી જોઈ શકે છે. એ કહે છે, “જો હું આજે અમારા લગ્નસંબંધનું પુનર્મૂલ્યાંકન કરું તો મને લાગે કે અગર ઉસ ટાઈમ થોડા સા વક્ત દે દિયા હોતા… હું અમેરિકાથી ઈન્ડિયા ફક્ત એક્ટ્રેસ બનવા આવી હતી. તે વખતે મને લગ્નજીવનની ગંભીરતા અને મૂલ્ય સરખી રીતે સમજાયાં હોત તો મેં કદાચ સંબંધને ટકાવવા વધારે પ્રયત્નો કર્યા હોત. મારી સામે પ્રકાશ ઝા જેવા ટેલેન્ટેડ અને સરસ માણસ હતા, પણ તે ઉંમરે મને મારા વિચારો અને નિર્ણયો સાચા લાગતા હતા. આજે હું વસ્તુસ્થિતિને અલગ રીતે જોઈ શકું છું પણ આજે હું જિંદગીમાં ઘણી આગળ વધી ગઈ છું. મારામાં સ્વતંત્રપણે નિર્ણય લેવાની અને એની કિંમત ચૂકવવાની હિંમત હતી એ વાતનો મને આનંદ છે.”
પ્રકાશ ઝાથી અલગ થયા પછી વર્ષો બાદ દીપ્તિ નવલના જીવનમાં વિનોદ પંડિત નામના વોકલિસ્ટનું આગમન ગયું. દીપ્તિ માટે બહુ સંતોષકારક સંબંધ પુરવાર થયો એ. તેમણે સગાઈ કરી, જે વર્ષો સુધી અકબંધ રહી. લગ્ન કરવાનો બન્નેને ડર લાગતો હતો. ક્યાંક લગ્નના ચોકઠામાં બંધાઈ જવાથી અગાઉની જેમ રોમાન્સ અને મધુરતાનો સત્યાનાશ વળી જશે તો? પ્રકાશ ઝા સાથે ડિવોર્સ થઈ ચૂક્યા હતા છતાં તેમની સાથે દીપ્તિની દોસ્તી જરૂર હતી. બન્ને વચ્ચે એક મહત્ત્વનો સેતુ પણ હતો – તેમની દત્તક દીકરી, દિશા. એવું કેટલીય વાર બનતું કે પ્રકાશ ઝા, દીપ્તિ નવલ, વિનોદ પંડિત અને દિશા ચારેય સાથે ડિનર પર જાય, ફિલ્મો જોવા જાય, મજા કરે. સંબંધોનું આ એક આકર્ષક સમીકરણ હતું જેમાં સૌની પોતપોતાની જગ્યા હતી અને સૌને એકમેક માટે સન્માન હતું. દુર્ભાગ્યે વિનોદ પંડિત સાથે કાયદેસર લગ્ન થાય તે પહેલાં જ એમનું અકાળે નિધન થયું. દીપ્તિ પાછી એકલી પડી ગઈ. ના, સાવ એકલી નહીં. પ્રકાશ ઝા નામનો વિશ્વાસુ દોસ્ત હતો એની જિંદંગીમાં.
“જુઓ, સંબંધોને કેવી રીતે વાળવા તે હંમેશાં આપણા હાથમાં હોય છે,” દીપ્તિ કહે છે, “હું સ્ત્રી-પુરુષના સંબંધની વાત કરું છું. એક સમીકરણ કામ ન કરે તો એનો અર્થ એવો નથી કે એ વ્યક્તિ પર હંમેશ માટે ચોકડી મૂકી દેવી. એ જ માણસ સાથે બીજું કમ્ફર્ટેબલ ઈક્વેશન બનાવી શકાતું હોય છે. હું અને પ્રકાશ પતિ-પત્ની નથી, પણ એ આજેય મારા જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. આ વાતનો બહુ જ આનંદ છે મને.’
સંબંધ મહત્ત્વનો છે, બંધન નહીં. લગ્નનો તંતુ હોય કે ન હોય, જો બન્ને પાત્રોમાં ગરિમા અને પકવતા હોય તો સંબંધની મીઠાશ કોઈ ને કોઈ સ્વરૂપે જળવાઈ રહેતી હોય છે.
શો-સ્ટોપર
કાસ્ટિંગ પરફેક્ટ હોય તો અડધો જંગ તો તમે ત્યાં જ જીતી જાઓ છો. બાકીનો જંગ તમારી ક્રાફ્ટમેનશિપ જિતાડી આપે છે.
– સૂજિત સરકાર (‘મદ્રાસ કેફે’ના ડિરેક્ટર)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply