મૈં બેડની તેરે આંગન કી…
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૨૯ એપ્રિલ ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
‘અમે ઝી ટીવી પર કાનૂની કેસ ઠોકી દેવાના છીએ. ઝીની સિરિયલ જોઈને લોકોના મનમાં એવી જ છાપ પડે છે કે બેડીયા સમાજના બધા જ પુરુષો ઘરની સ્ત્રીઓ પાસે ધંધો કરાવે છે…’
* * * * *
પહેલી નજરે તો આ ગામ બીજા કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગે છે. એકબીજાને વળગીને ઊભેલાં કાચાંપાકાં મકાનો, ગરમીની ઉગ્રાતાને લીધે સહેજ સૂની થઈ ગયેલી સાંકડી ગલીઓ, કૂવા, રખડતાં જનાવરો, દીવાલ પર ચીતરેલાં સરકારી સ્લોગનો, અજાણ્યા શહેરી માણસોને ઉત્સુક નજરે તાકી રહેતા લોકો… પણ આ સામાન્યપણું ભ્રામક છે. આ ગામ કંઈક એવા અસાધારણ તત્ત્વને સમાવીને બેઠું છે કે એ વિશે જાણતા અસ્વસ્થ થઈ જવાય.
આ પથરિયા ગામ છે. ભોપાલથી લગભગ ૧૮૦ કિલોમીટરના અંતરે આવેલા સાગર નામના શહેર તરફ જતી વખતે મુખ્ય સડક છોડીને સહેજ અંતરિયાળ જાઓ એટલે પથરિયા ગામ આવે. અહીં મુખ્યત્વે બેડીયા સમાજના લોકો વસે છે. આ સમાજ અને તેની એક કુપ્રથા આજકાલ સમાચારમાં છે. ખાસ કરીને ઝી ટીવીની નવી લોન્ચ થયેલી ‘ફિર સુબહ હોગી’ સિરિયલને કારણે. આ ડેઈલી સોપના પ્રોમો શરૂ થતાંની સાથે જ દર્શકોમાં ઉત્સુકતા સળવળવા લાગી હતી. બાળકીનો જન્મ થવાથી રાજી રાજી થઈ ગયલો પુરુષ, ઘેરદાર ઘાઘરા પહેરીને સમૂહનૃત્ય કરી રહેલી સ્ત્રીઓ, સુંદર યુવતી જોઈને મોહિત થઈ ગયેલો ઘમંડી ઠાકુર અને કન્યા પર દુપટ્ટો ફેંકીને થતી ઘોષણાઃ ‘આજથી આ છોકરી મારી…’
સિરિયલના પ્રારંભિક એપિસોડ્સ પરથી સહેજે સવાલ જાગે કે પરણ્યા વગર બચ્ચાં જણ્યાં કરતી આ સ્ત્રીઓ, સામંતી માનસિકતા ધરાવતા આ ઠાકુરો… આ ક્યા જમાનાની વાત છે? પણ પથરિયા ગામની મુલાકાત લો અને બેડીયા સ્ત્રીપુરુષો સાથે વાતચીત કરો તો તરત સ્પષ્ટ થાય છે સમજાય કે આ વિચિત્ર કુરિવાજ આજેય પ્રચલિત છે.
બેડીયા સમાજ સ્ત્રીકેન્દ્રી છે. પારંપરિક રીતે ઘર ચલાવવાની જવાબદારી પુરુષની નહીં, સ્ત્રીની છે. આ જવાબદારી એ કેવી રીતે નિભાવે છે? નાચીને, ઠાકુર પુરુષોની રખાત બનીને. બેડીયા સ્ત્રીઓ ચમકતા ઘેરદાર ઘાઘરા બે હાથેથી પકડીને અને ગોળ ગોળ ઘુમીને કલાકો સુધી અસ્ખલિતપણે જે નૃત્ય કરે છે એને રાયડાન્સ કહે છે. ઠાકુર સમાજમાં લગ્નો હોય, મુંડન કે અન્ય કોઈ સેલિબ્રેશન હોય ત્યારે મહેમાનોનાં મનોરંજન માટે બેડીયા સ્ત્રીઓને (જેને ‘બેડની’ કહે છે) તેડાવવામાં આવે. આજની તારીખે એક બેડની અમુક કલાકના રાયડાન્સનાં પર્ફોર્મન્સ માટે પાંચથી પંદર હજાર રૂપિયા સુધીનો પુરસ્કાર લે છે. એ તો જેવી સિઝન અને જેવી ડિમાન્ડ. ઠાકુર સમાજમાં રાયડાન્સ એક પ્રકારનું સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. કોઈ પ્રસંગમાં માનો કે સાત બેડનીઓએ રાયડાન્સ કર્યો તો એનો હરીફ ઠાકુર વટ પાડી દેવા પંદર બેડનીઓને તેડાવીને રાયડાન્સ કરાવશે. આ વટમાં ને વટમાં જમીન-જાયદાદ વેચાઈ જવાના દાખલા સુધ્ધાં બન્યા છે!
શોખીન ઠાકુરની નજર કોઈ બેડની પર ઠરે એટલે એના પર ચુંદડી ઓઢાડીને એને પોતાની બનાવી લે. આ વિધિને ‘સરઢકાઈ’ કહે છે. એક વાર સરઢકાઈ થાય એટલે સ્ત્રી એ ઠાકુરની શય્યાસંગિની બની ગઈ કહેવાય. આ બેડનીએ પછી ‘ઓનડિમાન્ડ’ હાજર રહેવાનું, રખાતની માફક રહેવાનું અને ઠાકુરને પોતાના શરીરથી સંતુષ્ટ રાખવાના. બદલામાં ઠાકુર એને રૂપિયાપૈસાદાગીના અને ક્યારેક અલાયદું મકાન પણ આપે. આ સંબંધથી બચ્ચાં પણ થાય. જોકે ઠાકુર બેડનીનાં સંતાનને પોતાની અટક ન આપે. સ્ત્રીથી ધરાઈ જાય એટલે ઠાકુર કોઈ પણ ખુલાસા વગર નાતો સંકેલી લે. પાછી નવી બેડની, નવો સંબંધ. શક્ય છે કે બેડનીને પણ નવો ઠાકુર મળી જાય. અન્યથા રાયડાન્સ કરીને જીવન ગુજારવાનું. એક વાર સરઢકાઈ કરી ચૂકેલી બેડની ક્યારેય લગ્ન કરી શકતી નથી. અલબત્ત, બેડનીઓ પોતાની જાતને આજીવન સૌભાગ્યવતી માને છે અને માથામાં સિંદૂર પૂરે છે.
બેડીયા સમાજમાં જન્મેલી તમામ છોકરીઓ આ જ રસ્તે આગળ વધે એ જરૂરી નથી. અમુક છોકરીઓનાં રીતસર લગ્ન પણ થાય છે અને કોઈપણ નોર્મલ ગ્રામ્ય યુવતીની જેમ એ સંસાર માંડે છે અને નિભાવે છે. પથરિયા ગામના એક આધેડ સજ્જન રોષે ભરાઈને કહે છે, ‘ઝી ટીવીની આ સિરિયલને કારણે અમારો સમાજ બદનામ થઈ રહ્યો છે. અમે ઝી ટીવી પર કાનૂની કેસ ઠોકી દેવાના છીએ. સિરિયલ જોઈને બહારના લોકોના મનમાં એવી જ છાપ પડે છે કે બેડીયા સમાજના બધા જ પુરુષો ઘરની સ્ત્રીઓ પાસે ધંધો કરાવે છે. હકીકત જુદી છે. અમારા સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક હિસ્સો મહેનતમજૂરી કરે છે, ભણે છે અને ઈજ્જતથી જીવન જીવવાની કોશિશ કરે છે. ઘણા પુરુષો સારી સરકારી નોકરીઓ કરે છે. સામે પક્ષે, સમાજના બાકીના લોકો હજુય સદીઓ જૂની પ્રથાને આગળ વધારી રહ્યા છે. પણ મજૂરી કરનારને આખો દિવસ પરસેવો વહાવે ત્યારે માંડ સો રૂપિયા મળે, જ્યારે બેડની એક રાત નાચીને હજારો રૂપિયા કમાઈ લે છે. એટલે મહેનત કરનારો વર્ગ પાછળ રહી ગયો છે, જ્યારે બીજો વર્ગ સુખસુવિધાભરી જિંદગી જીવી રહ્યો છે.’
વાત તો સાચી છે. બેડની બનીને રાયડાન્સ કરીને કમાવામાં શ્રમ ઓછો અને સુવિધા વધુ છે. સાવ ખોબા જેવડાં ગામમાં રહેતી રાયનર્તકીઓ પાસે મહાનગરની આધુનિકાઓને પણ લઘુતાગ્રાંથિ થઈ આવે એ કક્ષાના મેકઅપનો સરંજામ હોય છે. ‘ફિર સુબહ હોગી’ના યુવાન પ્રોડ્યુસર સૌરભ શ્રીવાસ્તવ મધ્યપ્રદેશના આ જ વિસ્તારમાં ઉછર્યા છે અને સિરિયલનો કન્સેપ્ટ પણ તેમનો જ છે. તેઓ કહે છે, ‘અમારો શોનો ઉદ્દેશ જ આ કુપ્રથાની વિરોધ કરવાનો, તેના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. મુખ્ય નાયિકા સુગનીને રાયડાન્સ કરવામાં કે સરઢકાઈ કરી લઈને કોઈ ઠાકુરની દાસી બની રહેવામાં રસ નથી. બેડીયા આગેવાનો નાહકના ગુસ્સે થઈ રહ્યા છે. અમારા શોમાં બેડીયા સમાજનું પ્રગતિશીલ પાસું સંતુલિત રીતે પેશ થશે જ.’
મજાની વાત એ છે કે બેડની સ્ત્રીઓ પોતાની જીવનશૈલીથી ખુશ છે. ત્રીસ વર્ષની સંગીતા નામની મહિલા કહે છે, ‘મારી મોટી બહેને શાદી કરી છે, પણ મારે નહોતી કરવી. હું જે ઠાકુરની બેડની છું એ કિસાન છે. અમારા સમાજની જે પરંપરા સદીઓથી ચાલી આવે છે એને અપવાવવામાં મને કંઈ ખોટું લાગતું નથી. મારે એક દીકરો છે. એને હું ભણાવીશ. એને જે બનવું હશે એ બનાવીશ. મને કોઈ અફસોસ કે ફરિયાદ નથી.’ સંગીતાની સત્તર વર્ષની ભત્રીજી ઉર્મિલાને પણ લગ્ન કરીને ઠરીઠામ થવામાં કોઈ રસ નથી. એને બેડની જ બનવું છે. બેડનીની એશોઆરામભરી જિંદગી કદાચ તેને વધારે આકર્ષે છે! રાયડાન્સની તાલીમ એણે પોતાની ફોઈ પાસેથી જ મેળવી છે. રાયડાન્સ વાસ્તવમાં એક લોકનૃત્ય છે અને રામસહાય પાંડે જેવા વયસ્ક કલાકાર રાયનર્તકીઓના જૂથ સાથે દુનિયાભરમાં શોઝ કરે છે, ઈનામઅકરામો જીતે છે તેમજ અન્ય સમાજની તરૂણીઓને રાયડાન્સ શીખવે પણ છે.
બેડીયા સમાજના આગેવાનો ખરેખર ‘ફિર સુબહ હોગી’ વિરુધ્ધ પગલાં ભરશે? સંભાવના ઓછી છે. શું વરૂણ બડોલા અને નારાયણી શાસ્ત્રી જેવા મંજાયેલાં અદાકારોવાળી આ સિરિયલ ખરેખર બેડીયાઓની કોમ્પલેક્સ સમાજવ્યવસ્થાને ફોકસમાં રાખીને આગળ વધશે કે ધીમેધીમે ચીલાચાલુ લવસ્ટોરી બનતી જશે? લેટ્સ વેઈટ એન્ડ વોચ!
શો-સ્ટોપર
આખા દેશમાં મારા વીર્યની ડિમાન્ડ ઉપડી છે. જો હું બધાને વીર્યદાન કરું તો ‘રાષ્ટ્રપિતા’ બની જઈશ!
– જોન અબ્રાહમ (‘વિકી ડોનર’નો પ્રોડ્યુસર)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply