સંબંધોની સાપસીડી
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૮ એપ્રિલ ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
મોના કપૂરનાં બેસણામાં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સફેદ ડિઝાઈનર વસ્ત્રો પહેરીને, ડાર્ક ગોગલ્સ ચડાવીને ઉમટી પડી હતી. બધા હતા, પણ શ્રીદેવી કે એની દીકરીઓ એક પણ જગ્યાએ ભુલેચુકેય ન દેખાઈ. આમેય એક ‘અધર વુમન’ પતિની પહેલી પત્નીનાં બેસણામાં ક્યા સંબંધે આવે? કયો નાતો નિભાવવા આવે?
* * * * *
નિયતિને ક્રૂર મજાક કરવામાં શો આનંદ આવતો હશે? આવતે મહિને, ૧૮ મેએ, અર્જુન કપૂર નામનો જોશીલો નવયુવાન ‘ઈશકઝાદે’ નામની ફિલ્મથી બોલીવૂડમાં વાજતેગાજતે લોન્ચ થઈ રહ્યો છે અને માર્ચમાં એની માતા કેન્સરથી પીડાઈને જીવ ગુમાવે છે. આપણે મોના કપૂરની વાત કરી રહ્યા છીએ. મોના કપૂર એટલે જાણીતા પ્રોડ્યુસર બોની કપૂરની પ્રથમ પત્ની અને અનિલ કપૂરનાં મોટાં ભાભી. થોડા દિવસો પહેલાં ફક્ત ૪૯ વર્ષની કાચી ઉંમરે એમનું અવસાન થયું. મોના કપૂર ખુદ ભલે ખૂબ જાણીતી હસ્તી નહોતી પણ એમની કહાણી કોઈ મેલોડ્રામેટિક ફિલ્મથી કમ નથી.
બોની કપૂર સાથે એરેન્જ્ડ મેરેજ કરીને સાસરે આવી ત્યારે મોનાની ઉંમર માત્ર ૧૯ વર્ષ હતી. કોલેજનું પગથિયું પણ એણે ચડ્યું નહોતું. બોની એના કરતાં દસ વર્ષ મોટા. મોના એક આદર્શ ગૃહિણીની જેમ સાસુસસરાની કાળજી લેતી, ઘર સાચવતી અને બન્ને બાળકો અર્જુન અને અનુશાની પણ સંભાળ લેતી. ‘મિસ્ટર ઈન્ડિયા’ની સુપર સફળતા પછી બોનીએ જાણે ‘મુગલ-એ-આઝમ’ બનાવતા હોય એવા તોરમાં ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ નામની મોંઘીદાટ ફિલ્મ બનાવી. ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા મોંએ પછડાઈ અને બોનીની હાલત ખરાબ થઈ ગઈ. દરમિયાન એક બીજી વાત બની. બોની કપૂરની ફેવરિટ એક્ટ્રેસ શ્રીદેવી સાઉથની હતી એટલે મુંબઈમાં એનું ઘર નહોતું. એ ફાઈવસ્ટાર હોટેલમાં રહેતી હતી, પણ એ હોટલમાં બોમ્બ બ્લાસ્ટ થયો પછી એ બોની કપૂરના ઘરે રહેવા આવી ગઈ. બોનીને એ પોતાનો ભાઈ ગણતી અને રાખડી સુધ્ધાં બાંધતી એટલે મોના નિશ્ચિંત હતી.
… પણ લગ્નનાં તેર વર્ષ પછીની એક એક સુંદર સાંજે બોનીએ ફિલ્મી અંદાજમાં ધડાકો કર્યોઃ હું શ્રીદેવીના પ્રેમમાં છું… અૌર વો મેરે બચ્ચે કી મા બનનેવાલી હૈ. પત્યું. મોનાએ પછી એક ઈન્ટરવ્યુમાં કહેલું,‘મેં એકસ્ટ્રા-મેરિટલ અફેર વિશે માત્ર સાંભળ્યું હતું અને વાંચ્યું હતું, પણ મારાં ખુદના જીવનમાં આ બન્યું ત્યારે હું હલી ગઈ. મારાં લગ્નજીવન પર એ જ ઘડીએ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. પતિપત્નીના સંબંધમાં સૌથી પહેલું પહેલું સ્થાન રિસ્પેક્ટનું હોય, વિશ્વાસનું હોય. પ્રેમ તો એના પછી આવે… પણ માણસ સમયની સાથે બદલાઈ જતો હોય છે. બોનીને બીજા કોઈની જરૂર હતી, મારી નહીં. શ્રીદેવી ઓલરેડી પ્રેગનન્ટ થઈ ગઈ હતી એટલે અમારા લગ્નસંબંધને સેકન્ડ ચાન્સ આપવાનો સવાલ જ ક્યાં હતો?’
બોનીનાં માબાપ અને મોટા ભાગનો પરિવાર મોનાની પડખે ઊભા રહ્યાં. અનિલ કપૂરે દહીંદૂધ બેયમાં પગ રાખ્યા. મોના વટથી દીકરી બનીને દસદસ વર્ષ સુધી સાસરાના ઘરમાં રહી અને બોનીશ્રીદેવીએ નોખું ઘર માંડ્યું. એક થિયરી કહે છે કે બોનીને ખરેખર તો શ્રીદેવીના રૂપિયામાં રસ હતો. ‘રૂપ કી રાની…’ના ધબડકા પછી આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે એણે શ્રીદેવી નામની આર્થિક સીડીનો ઉપયોગ કરી લીધો. બીજી થિયરી કહે છે કે બોની ધર્મેન્દ્રની જેમ બન્ને પત્નીઓ સાથે સંબંધ નિભાવવા માગતો હતો, પણ શ્રીદેવીને એ મંજૂર નહોતું. મોનાએ હિંમત ટકાવી રાખી. એણે કહેલું, ‘દુનિયા બડી ક્રૂર છે. મારાં બેય નાનકડાં બચ્ચાંને સ્કૂલમાં સાથે ભણતાં છોકરાંવ ટોણાં મારતાં. એ રડતાં રડતાં ઘરે આવતાં, પણ ધીમે ધીમે એ મજબૂત બનતાં ગયાં. લોકો મારી સરખામણી શ્રીદેવી જેવી સુપરસ્ટાર સાથે કરતાં. હું રહી ગૃહિણી. મારી પાસે હિરોઈન જેવું ફીગર ક્યાંથી હોય? લોકો મને સલાહ આપતાઃ તું વજન કેમ ઘટાડતી નથી? સ્પામાં કેમ જતી નથી? સદનસીબે મારા પિયરીયા અને સાસરિયાનો મને સતત ટેકો હતો. મને સમજાઈ ગયું કે મારે મારી આગવી ઓળખ ઊભી કરવી જ પડશે. મેં સમજી લીધું લીધું હતું કે જે માણસ પોતાના જીવનમાં મને સ્થાન આપવા માગતો નથી એનું મારા જીવનમાં કોઈ સ્થાન ન હોઈ શકે. નિષ્ફળ મારો સંબંધ ગયો હતો, હું નહીં.’
મોનાએ પોતાની બહેન સાથે ટીવી પ્રોડક્શનમાં જંપલાવ્યું. ‘યુગ’, ‘કૈસે કહૂં?’ જેવી કેટલીય સિરિયલો બનાવી. એ પછી ફ્યુચર સ્ટુડિયો નામની જગ્યા વિકસાવી. બે બિલ્ડિંગમાં ફેલાયેલી આ જગ્યામાં એકસાથે બારબાર સેટ પર શૂટિંગ થઈ શકે છે. મોનાનાં સંતાનો એની સાથે જ રહ્યાં, પણ પિતાને એ છૂટથી હળતામળતાં, ટૂર પર સાથે ફરવા જતા. વખત વીતતા બોની પ્રત્યે મોનાના મનમાં કોઈ કડવાશ નહોતી રહી. સંતાનોને એના પિતાથી દૂર રાખવાની ક્રૂરતા આમેય એ કરી શકે એમ નહોતી. સંતાનનાં જીવનમાં માતાની જેમ પિતાનું સ્થાન પણ કોઈ લઈ શકતું નથી તે સત્ય એ બરાબર સમજતી હતી.
મોના બહિર્મુખ સ્ત્રી હતી અને એનું સોશ્યલ સર્કલ ખૂબ મોટું હતું. પુરુષો સાથે એની દોસ્તી પણ થઈ, પણ બીજી વખત લગ્ન કરવાનું એણે ક્યારેય વિચાર્યુર્ નહીં. એ છેલ્લે છેલ્લે કહ્યા કરતી કે, મારી જિંદગી રોલરકોસ્ટર જેવી રહી છે મોટે મોટેથી હસીને ચિચિયારીઓ પાડવાનું મન થાય, જીવ તાળવે ચડી જાય, ઊલટી જેવું લાગે. પણ એક વાત નક્કી છે. મારી લાઈફમાં હવે પીડાનું નામોનિશાન નથી…
ખેર, પીડા તો આવી જ. છેલ્લે જીવલેણ કેન્સરના રૂપમાં આવી. મોનાનાં બેસણામાં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સફેદ ડિઝાઈનર વસ્ત્રો પહેરીને, ડાર્ક ગોગલ્સ ચડાવીને ઉમટી પડી હતી. બધા હતા, પણ શ્રીદેવી કે એની દીકરીઓ એક પણ જગ્યાએ ભુલેચુકેય ન દેખાઈ. આમેય એક ‘અધર વુમન’ પતિની પહેલી પત્નીનાં બેસણામાં ક્યા સંબંધે આવે? કયો નાતો નિભાવવા આવે?
કઠણાઈ જુઓ. ‘ઈશકઝાદે’ના પ્રોડ્યુસર યશરાજ બેનર તરફથી મોનાના દીકરા અર્જુનને કહેવામાં આવ્યું હતુંઃ તને અમે સ્ટાર તરીકે લોન્ચ કરી રહ્યા છીએ, તું જાહેરમાં આ રીતે મિડીયા સામે શોકાતુર ચહેરે વારેવારે દેખાય એ બરાબર નથી! આને ક્રૂરતા કહીશું કે પ્રોફેશનલ શિરસ્તો? મોના કપૂર દીકરાને મોટા પડદે જોવા માટે રોકાઈ નહીં. ફિલ્મ રિલીઝ થશે ત્યારે અર્જુન પોતાના જીવનનો સૌથી મોટા દિવસને એન્જોય કરવાને બદલે માને ભયાનક તીવ્રતાથી મિસ કરવાનો એ તો નક્કી.
શો-સ્ટોપર
આઈ લવ, લવ, લવ આમિર ખાન. આ એક એવો એક્ટર છે જેની સાથે મને વારંવાર કામ કરવાનું મન થાય છે. હી ઈઝ ધ બિગેસ્ટ એન્ડ ધ બેસ્ટ!
– કરીના કપૂર
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply