શૂજિત અને સરકાર
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૬ મે ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
‘વિકી ડોનર’ અને અમિતાભની ગુજરાત ટુરિઝમવાળી એડ્સના ડિરેક્ટર એક જ જ છે શૂજિત સરકાર. આ એડફિલ્મ્સના મેકિંગ દરમિયાન શૂજિતને જે ફૂટેજ મળ્યું છે એમાંથી બિગ બીના અવનવા મૂડ્સએન્ડમોમેન્ટ્સ રજૂ કરતી અફલાતૂન ડોક્યુમેન્ટરી એ બનાવવાના છે.
* * * * *
આ વર્ષે અત્યાર સુધીમાં બોલીવૂડમાં બે બંગાળી ફિલ્મ ડિરેક્ટરો સૂતળી બોમ્બની જેમ ફાટ્યા. એક તો, ‘કહાની’વાળા સુજોય ઘોષ અને બીજા, જલસો કરાવી દે એવી ‘વિકી ડોનર’ના નિર્દેશક શૂજિત સરકાર. શૂજિતનું ખરું નામ સુજિત છે. કહાણી એવી છે કે સુજિતમોશાય છવ્વીસસત્તાવીસ વર્ષના થઈ ગયા હતા તોય એમનું જીવન શઢ વગરના વહાણની જેમ દિશાહીન ગતિ કરી રહ્યું એટલે એમનાં માતુશ્રીને ચિંતા થઈ. એ કહે, બેટા, તું તારા નામનો સ્પેલિંગ બદલી કાઢ, ‘સુજિત’નું ‘શૂજિત’ કરી નાખ. દીકરાએ માતાજીનું માન રાખ્યું અને ચમત્કારિક રીતે એમની ગાડી પાટે ચડી ગઈ. કાગનું બેસવું અને ડાળનું પડવું એ આનું નામ.
શૂજિત સરકાર મૂળ એડમેન. દિલ્હીમાં ઘણાં વર્ષ પસાર કયાર્ પછી એ મુંબઈ આવ્યા. અમિતાભ, શાહરૂખ, આમિર, શાહિદ જેવા ટોપસ્ટાર્સને ચમકાવતી ખૂબ બધી એડફિલ્મ્સ બનાવી. ‘યહાં….’ (૨૦૦૫) એમની પહેલી ફિચર ફિલ્મ. જિમી શેરગિલ અને મિનીષા લાંબાને ચમકાવતી આ ફિલ્મ હતી તો સારી, પણ બોક્સઓફિસ પર ખાસ કંઈ ઉકાળી ન શકી. એ પછી એમણે અમિતાભ બચ્ચનને લઈને બીજી ફ્લ્મિ ડિરેક્ટ કરી ‘શૂબાઈટ’. ફિલ્મ આખેઆખી બનીને રેડી થઈ ગઈ, પણ એ રિલીઝ થાય એ પહેલાં જ અણધાર્યુર્ં વિઘ્ન આવી પડ્યું. બન્યું એવું કે હોલીવૂડમાં ‘ધ સિક્સ્થ સેન્સ’ નામની ધમાકેદાર બ્લોકબસ્ટર બનાવનાર ભારતીય મૂળના ફિલ્મમેકર મનોજ નાઈટ શ્યામલને ‘લેબર ઓફ લવ’ નામની સ્ક્રિપ્ટ લખી હતી. એના પરથી ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સવાળા ફિલ્મ બનાવવાના હતા. હિન્દી સિનેમામાં મોટું નામ ગણાતાં યુટીવી બેનરે ‘લેબર ઓફ લવ’ના રિમેકના અધિકારો ફોક્સ પાસેથી ખરીદી લીધા અને સ્ક્રિપ્ટના આધારે ‘શૂબાઈટ’ બનાવી કાઢી. પણ ફોક્સેે યુટીવીને બ્રેક મારીઃ બાપલા, આટલી ઉતાવળ કાં કરો? પહેલાં અમને અંગ્રોજીમાં ઓરિજિનલ ફિલ્મ તો બનાવવા દો. એ બને અને રિલીઝ ન થાય ત્યાં સુધી તમે એની રિમેક (એટલે કે ‘શૂબાઈટ’) રિલીઝ કરી નહીં શકો. વાત તાર્કિક હતી, પણ કમબખ્તી એ થઈ કે ફોક્સવાળાએ ‘લેબર ઓફ લવ’ પરથી આજની તારીખ સુધી અંગ્રોજીમાં ફિલ્મ બનાવી નથી. જ્યાં સુધી એ બનશે નહીં ત્યાં સુધી ‘શૂબાઈટ’ ડબ્બામાંથી બહાર આવશે નહીં!
શૂજિતબાબુ, ખેર, નિરાશ થયા પણ હાથ પર હાથ ધરીને બેસી ન રહ્યા. એમણે એડફિલ્મ્સ બનાવવાનું ચાલુ રાખ્યું. વચ્ચે ‘અપરાજિતા’ નામની બંગાળી ફિલ્મ પ્રોડ્યુસ કરી. હવે ‘વિકી ડોનર’ની સફળતા પછી એ એકદમ ફોર્મમાં આવી ગયા છે. હવે પછી એમની ‘જાફના’ નામની ફ્લ્મિ આવશે. જોન અબ્રાહમ આ ફિલ્મનો હીરો અને કોપ્રોડ્યુસર બન્ને છે. જલીયાંવાલા બાગ પર આધારિત એક ફિલ્મ બનાવવાની શૂજિતની તીવ્ર ઈચ્છા છે. સ્ક્રિપ્ટ એમણે રેડી કરી નાખી છે. આ સિવાય પણ કેટલીક ફિલ્મો એમના મનમાં રમી રહી છે. એમનું બેનર બંગાળી અને તમિલ ફિલ્મો પ્રોડ્યુસ કરશે એ લટકામાં.
આ બધાની વચ્ચે શૂજિત એક બહુ જ ઈન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એ છે અમિતાભ બચ્ચન પર ડોક્યુમેન્ટરી. આ ડોક્યુમેન્ટરીનાં મૂળિયાં યા તો રૉ મટિરીયલ અમિતાભ બચ્ચનની ગુજરાત ટુરિઝમવાળી જાહેરાતોમાં દટાયેલાં છે. ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં…’ કેચલાઈનવાળી તમામ ૧૪ વિજ્ઞાપનો શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે. આ એડ્સના શૂટિંગ માટે અલગ અલગ પાંચ તબક્કામાં શૂજિત બિગ બી સાથે ગુજરાતના પચ્ચીસ જેટલાં ગામનગરશહેરોમાં ઘૂમ્યા હતા. આ દિવસોનું પુષ્કળ ફૂટેજ શૂજિત પાસે છે, જેમાં અમિતાભની કેટલીય અવનવી અદા અને મજાની ક્ષણો સગ્રાહાયેલી છે. આ મૂડ્સએન્ટમોમેન્ટ્સને સુંદર રીતે પરોવીને શૂજિત એક દસ્તાવેજી ફિલ્મ બનાવવા માગે છે.
શૂજિત કહે છે, ‘શરૂઆતમાં તો હું ગુજરાતમાં ઠેકઠેકાણે વેરાયેલાં સૌંદર્યને જોઈને ચકિત થઈ જતો હતો, પણ પછી ગુજરાતની સાથે સાથે બચ્ચનસાહેબની પર્સનાલિટીના રંગો પણ મને અભિભૂત કરવા માંડ્યા. એમનું એનર્જી લેવલ, હજારો ચાહકોની ભીડ વચ્ચેય એમની સ્થિરતા, વાણીવર્તનમાં ઝળકતું એમનું આંતરિક તેજ, જીવન પ્રત્યે અને લોકો પ્રત્યેનો એમનો અભિગમ… આ બધું અદભુત છે. મને થયું કે બિગ બીનું આ જે રૂપ અમે કેમેરામાં કંડાર્યુર્ં છે એ એમના ચાહકો સમક્ષ આવવું જ જોઈએ. આથી મારી પાસે જે કંઈ ફૂટેજ છે એને સુંદર રીતે એડિટ કરીને હું ‘જોની મસ્તાના’ નામની ડોક્યુમેન્ટરી તૈયાર કરી રહ્યો છું. બચ્ચનસાહેબની પર્સનલ ડાયરીને પણ અમે આમાં વણી લેવાના છીએ. ’
અમિતાભે એકવાર સેંકડો ફૂટ ઊંડામાં ઊતરવાની જીદ પકડી હતી. શરૂઆતમાં સૌને થયું કે એ મજાક કરે છે, પણ સાહેબ સિરિયસ હતા. સલામતીની પૂરતી તકેદારી લઈને બિગ બી માંડ્યા લોખંડના પગથિયાં જેવા પાઈપ પર એક પછી એક પગ મૂકીને અંધારીયા કૂવામાં ઊતરવા. થોડી વારમાં એટલા નીચે ચાલ્યા ગયા કે કેમેરામાં દેખાતા બંધ થઈ ગયા! સૌના જીવ રીતસર અધ્ધર થઈ ગયા હતા. ડોક્યુમેન્ટરીમાં આવો તો ઘણો મસાલો છે.
‘જોની મસ્તાના’, ‘જાફના’ વગેરે આપણે વહેલામોડી જોઈશું જ. સવાલ ‘શૂબાઈટ’નો છે. ફોક્સ અને યુટીવી વચ્ચેની મડાગાંઠ જો વહેલામોડી ખૂલશે તો શૂજિત અને અમિતાભના કોમ્બોવાળી સંભવતઃ સારી ફિલ્મ આપણને જોવા મળશે.
શો-સ્ટોપર
સચિન તેંડુલકર મજાનો માણસ છે અને રાજ્યસભામાં સારા માણસો જાય એ ઈચ્છનીય જ છે. ના, રાજ્યસભાનું નોમિનેશન સ્વીકારીને સચિને કશી ભુલ કરી નથી.
– આમિર ખાન
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply