Sun-Temple-Baanner

સૈફ અલી ખાનનું ક્વોટ માર્શલ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સૈફ અલી ખાનનું ક્વોટ માર્શલ


સૈફ અલી ખાનનું ક્વોટ માર્શલ

દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૧૫ જુલાઈ ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

૨૧ વર્ષની ઉંમરે સૈફ અલી ખાને પોતાનાં કરતાં સાડા-અગિયાર વર્ષ મોટી અમૃતા સિંહ સાથે પહેલાં લગ્ન કર્યા. હવે ૪૨ વર્ષની ઉંમરે એ એક દાયકો નાની કરીના સાથે બીજાં લગ્ન કરેશે. આ બે ઘટનાઓ વચ્ચે સૈફની પર્સનાલિટીમાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં?

* * * * *

આ શુક્રવારે સૈફ અલી ખાનની લેટેસ્ટ ફિલ્મ રિલીઝ થઈ ‘કોકટેલ’. સાચું પૂછો તો સૈફનું ખુદનું જીવન કંઈકેટલાય રંગો અને અનુભવોના ઈન્ટરેસ્ટિંગ કોકટેલ જેવું છે. સૈફે જુદા જુદા સમયે મિડીયાને જે ઈન્ટરવ્યુ આપેલા એના અંશો પર નજર ફેરવશો તો એના વ્યક્તિત્ત્વમાં આવેલાં ક્રમિક પરિવર્તનનો એક આકર્ષક આલેખ ઉપસતો જશે. ચાલો જોઈએ.

સમયચક્રને ઊલટું ઘુમાવો અને એ બિંદુ પર પહોંચો કે જ્યારે સૈફ અલી ખાનની કરીઅર હજુ શરૂ પણ થઈ નથી. એની ઉંમર ફક્ત ૨૧ વર્ષ અને બે મહિના છે અને પોતાના કરતાં સાડા અગિયાર વર્ષ મોટી એકટ્રેસ અમૃતા સિંહ એ સાથે લગ્ન કરી લે છે. આ ૧૯૯૧ની વાત છે. પછીના બે વર્ષ દરમિયાન સૈફની પહેલી ત્રણ ફિલ્મો રિલીઝ થાય છે ‘પરંપરા’, ‘આશિક આવારા’ અને ‘પેહચાન’.

ડિસેમ્બર ૧૯૯૩માં સૈફ કહે છેઃ ‘અમૃતા સાથે લગ્ન કરવા સિવાય છૂટકો જ નહોતો. હું એના ઘરમાં રહેતો હતો અને એના ફ્રેન્ડ્ઝ કહ્યા કરતા હતા કે જો તું અમૃતાને ચાહતો ન હો અને એને પરણવા માગતો ન હો તો અહીં શું કામ પડ્યો છે? ચાલ્યો જા બીજે કશેક! હું લગ્ન કરવા તૈયાર થઈ ગયો. જોકે મને પછી થયું પણ ખરું કે મેં ક્યાંક વધારે પડતું મોટું પગલું તો ભરી નખી નાખ્યંુ ને? લગ્ન પછીના પહેલાં ત્રણ દિવસ હું સખત ટેન્શનમાં હતો. અમે ગુપચુપ પરણી ગયાં એટલે કે અમારાં પેરેન્ટ્સને હજુ જાણ કરવાની બાકી હતી એટલે નહીં, પણ મને ભય હતો કે ઓહ ગોડ! લાઈફની બીજી કેટલીય વસ્તુઓની જેમ હું ક્યાંક આ મેરેજ નામની વસ્તુથી પણ બોર તો નહીં થઈ જાઉં ને!’

સૈફની કરીઅર ડચકાં ખાતી ખાતી આગળ વધે છે. કરીઅરનાં પહેલાં આઠ વર્ષમાં કેટલીય ચક્રમ જેવી ફિલ્મો વચ્ચે સૈફની માંડ બે ફિલ્મો ઢંગની આવે છે, ‘મૈં ખિલાડી તું અનાડી’ અને ‘કચ્ચે ધાગે’.

ડિસેમ્બર ૧૯૯૯માં સૈફકુમાર કહે છેઃ ‘પૈસાના મામલામાં હું મારી ઉંમરના બીજા કોઈ પણ જુવાન જેટલો જ ઈન્સિક્યોર છું. સત્તર વર્ષનો હતો ત્યારથી મેં મમ્મીપપ્પાથી મેં એક રૂપિયો પણ લીધો નથી. અમૃતા ઈચ્છે છે કે લાઈફમાં મને બધું જ બેસ્ટ મળે અને એ બેસ્ટ હું એની સાથે શૅર કરું…’

સૈફની કરીઅરમાં ખરો ટર્નિંગ પોઈન્ટ આવે છે, અફલાતૂન ‘દિલ ચાહતા હૈ’થી. બે બચ્ચાંનો બાપ બની ગયેલો સૈફ એપ્રિલ ૨૦૦૨માં કહે છેઃ ‘બાળકોને લીધે હું અને અમૃતા એક જુદા જ લેવલ પર જોડાઈ ગયાં છીએ. બાળકોની નજરોમાં અમે પરફેક્ટ પેરેન્ટ્સ છીએ. આથી હું અને અમૃતા પણ સાચા અર્થમાં પરફેક્ટ પેરેન્ટ્સ બની રહેવા માગીએ છીએ. અમૃતા મારી લગામ પોતાના હાથમાં ઝાલી રાખે છે. સાચું કહંુ, અમૃતા મને કંટ્રોલમાં રાખે એની સામે મને કોઈ વાંધો નહીં. ઊલટાનું, મને તો ગમે છે એ.’

બોલવંુ સહેલું છે. જો ખરેખર કોઈ વાંધા જ ન હતો તો એમનાં લગ્નજીવનમાં ભંગાણ ન પડત. નિતનવી અફવાઓ સંભળાય છે. સૈફે અમૃતા સાથે છેડો ફાડી નાખ્યો છે, એ એની ઈટાલિયન ગર્લફ્રેન્ડ રોસા સાથે રહેવા લાગ્યો છે, વગેરે. જોકે મગનું નામ મરી પાડવા કોઈ પાર્ટી તૈયાર નથી.

૨૦૦૪માં સૈફ ઘાંઘો થઈને કહે છેઃ ‘મારી અંગત વાતો મિડીયા પાસે શી રીતે પહોંચી જાય છે? નક્કી મારા દોઢડાહ્યા દોસ્તો જ વટાણાં વેરી નાખે છે. ઓહ, હું સખત અપસેટ છું. હચમચી ઉઠ્યો છંું. હા હા, હું અમૃતાના ટચમાં છું જ. એને રોજ ફોન કરું છું. મને સખત માન છે અમૃતા માટે… અને મારાં વહાલાં બચ્ચાંને હું કેવી રીતે ભુલી શકું? હું કોશિશ કરું છું કે બધું ઠીક થઈ જાય.’

જો કજોડું તૂટે એ ઠીક થયું એમ કહેવાતું હોય તો હા, ૨૦૦૪માં બધું ઠીક થઈ ગયંુ. સૈફઅમૃતા કાયદેસર રીતે નોખાં થઈ ગયાં. જાણે ડિવોર્સ ફળ્યા હોય તેમ સૈફની ગાડી ટોપ ગિઅરમાં આવી જાય છે. ‘એક હસીના થી’, ‘હમ તુમ’, ‘પરિણીતા’, ‘સલામ નમસ્તે’, ‘ઓમકારા’… આ બધી મજાની ફિલ્મો. ‘કલ હો ના હો’ એક વર્ષ પહેલાં જ આવી ગઈ હતી. સૈફ ઈન્ડસ્ટ્રીનો ચોથો મજબૂત ખાન ગણાવા લાગે છે. ઈટાલિયન કન્યા સાથેનો એનો સંબંધ ત્રણ વર્ષ ચાલે છે. ૨૦૦૭ના ઉત્તરાર્ધમાં કરીના કપૂર એના જીવનમાં પ્રવેશે છે.

મે ૨૦૦૮માં સૈફ કહે છેઃ ‘સવારે મારી આંખ ખૂલે અને મને ભાન થાય કે હું હજુ જીવું છું! આ મુક્તિનો અહેસાસ બહુ મજાનો હોય છે. હું મારાં સંતાનો પ્રત્યે ખૂબ જવાબદાર છું અને છતાંય પૂરેપૂરો આઝાદ પણ છું! પ્રેમની લાગણી સિવાય મને બીજંુ કશું જ બાંધી ન શકે.’

ઓક્ટોબર ૨૦૦૯માં સૈફ-કરીના જાહેરમાં એકરાર કરે છે કે યેસ્સ, વી આર ઈન રિલેશનશિપ. તેઓ મિડીયાને પોતાનાં અંગત જીવનની કહેવા જેવી અને ન કહેવા જેવી બધ્ધી વાતો કરતાં રહે છે. મિડીયાને જલસો પડી જાય છે.

સૈફ કહે છેઃ ‘મારા માટે મહત્ત્વનું એ છે કે એક અદાકાર તરીકે હું સારો ગણાઉં, મારા સહકલાકારોને મારા માટે આદર હોય અને નિર્માતાઓ મારા પર આધાર રાખી શકતા હોય. પ્રસિદ્ધિ મારા માટે એટલી બધી ઈમ્પોર્ટન્ટ નથી. કાલે ઉઠીને કોઈ મારો ઓટોગ્રાફ લેવા ન આવે તો મારા પેટનું પાણી પણ નહીં હલે.’

મસ્તમજાની ‘લવ આજકલ’ અને ફ્લોપ ‘કુરબાન’ પછીના પોણાત્રણ વર્ષમાં સૈફની ગણીને ત્રણ જ ફિલ્મો આવે છે, ‘આરક્ષણ’, ‘એજન્ટ વિનોદ’ અને લેટેસ્ટ ‘કોકટેલ’. સૈફ પોતાની છેલ્લી બન્ને ફિલ્મોનો પ્રોડ્યુસર પણ છે. હવે ‘ધ ડર્ટી પિક્ચર’ ફેમ મિલન લુથરિયાની ફિલ્મમાં સૈફ દેખાશે. બન્નેએ અગાઉ ‘કચ્ચે ધાગે’માં પહેલી વાર સાથે કામ કરેલું. તિગ્માંશુ ધુલિયાની હવે પછીની ફિલ્મમાં સૈફ યુપીનો માફિયા ડોન બન્યો છે. સાજિદ ખાનની આગામી ફિલ્મમાં પણ એ ચમકશે. અને હા, આ વર્ષ પૂરું થાય તે પહેલાં ૪૨ વર્ષનો સૈફ પોતાના કરતાં દસ વર્ષ નાની કરીના સાથે વિધિવત લગ્ન કરશે.

એક લેટેસ્ટ ઈન્ટવ્યુમાં એ કહે છેઃ ‘હા, અમારાં લગ્ન થવાનાં છે એ વાત સાચી, પણ એમાં એક્સાઈટ થવા જેવું શું છે? હું કંઈ અઢાર વર્ષનો કીકલો થોડો છું? હું અને કરીના છેલ્લાં કેટલાય વખતથી સાથે જ છીએને. મને તો ગુપચુપ પરણી જવાનું મન થાય છે. મેરેજ પછી જાહેરાત કરી દેવાની. કારણ કે ધામધૂમ કરવા જઈશું તો મેનેજ કરવું અઘરું થઈ પડશે અને ટેન્શનનો પાર નહીં રહે. આવડી મોટી ઈન્ડસ્ટ્રીમાંથી કોને લગ્નમાં બોલાવવા ને કોને કાપવા? હજુ તો જગ્યા ય નક્કી નથી થઈ. કદાચ એવુંય બને કે મુંબઈમાં નાનું સેલિબ્રેશન કરીએ અને બાકીનું બધું મારાં વતન પટૌડીમાં કરીએ. કશું જ નક્કી નથી. લેટ્સ સી.’

ઓલ ધ બેસ્ટ, સૈફુરીના.

શો-સ્ટોપર

હું કરીના સાથે રિલેશનશીપમાં હતો ત્યારે એટલો કમિટેડ હતો, મને ઉત્તમ બોયફ્રેન્ડ બનવાની એટલી લાહ્ય હતી કે હું બીજી હિરોઈનો સાથે સાદી દોસ્તી પણ કરતો નહોતો. ખેર, મને ઘણું શીખવા મળ્યું છે. હવે હું ઉત્તમ બોયફ્રેન્ડ બનવાના ધખારા ક્યારેય નહીં રાખું.

– શાહિદ કપૂર

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.