એક હૈ સલમાન
દિવ્ય ભાસ્કર- રવિવાર પૂર્તિ – ૧૯ ઓગસ્ટ ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
‘એક થા ટાઈગર’ એક સ્માર્ટ ફિલ્મ છે. આમાં સલમાનના ચાહકો પુલકિત થઈ જાય એવો ટિપિકલ સલમાન-બ્રાન્ડ મસાલો તો છે જ, સાથે સાથે યશરાજ બેનરનું સોફિસ્ટીકેશન અને સ્ટાઈલ પણ છે.
* * * * *
થેન્ક ગોડ, સલમાન ખાન ‘ઢીંક ચીકા’વેડામાંથી બહાર આવ્યો ખરો! સામાન્યપણે સલમાન મેઈન હીરો હોય એટલે ફિલ્મમેકરને ટકોરાબંધ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાંથી, વાર્તામાં વ્યવસ્થિત લોજિક ગોઠવવામાંથી અને હાઈક્લાસ ડિરેક્શન કરવામાંથી સમજોને કે લગભગ મુક્તિ મળી જતી હોય છે. સલમાનનો સ્ટારપાવર જ એવો સોલિડ છે કે ચક્રમ જેવી સ્ટોરીવાળી ફિલ્મમાં મારું બેટું કંઈ પણ અણધડ દેખાડો તો પણ ફિલ્મ હિટ થઈ જાય. ઉદાહરણ તરીકે, ‘બોડીગાર્ડ’ અને ‘રેડી’. (‘દબંગ’ની વાત અલગ છે, કારણે કે એ ખરેખર જલસો પડી જાય એવી પૈસા વસૂલ એન્ટરટેનિંગ ફિલ્મ હતી.)
…અને આ દોરમાં ‘એક થા ટાઈગર’ આવે છે, જે ખરું પૂછો તો એક સ્માર્ટ ફિલ્મ છે. આમાં સલમાનના ચાહકો પુલકિત થઈ જાય એવો ટિપિકલ સલમાનબ્રાન્ડ મસાલો તો છે જ, સાથે સાથે યશરાજ બેનરનું સોફિસ્ટીકેશન પણ છે. સલમાનની ફિલ્મોમાં સામાન્યપણે જોવા મળતું ફૂવડપણુ અહીં ગેરહાજર છે. એનું સ્થાન સ્ટાઈલ અને ઉત્તમ પ્રોડક્શન વેલ્યુએ લઈ લીધું છે. ફિલ્મમાં ‘ન્યુ, ઈમ્પ્રુવ્ડ’ સલમાનની સાથે સુરેખ સ્ટોરી છે (જેમાં જોકે ઘણી ક્ષતિઓ છે), ટિ્વસ્ટ્સ એન્ડ ટર્ન્સ છે (જે ભારે સગવડિયાં છે) અને સુપર્બ એક્શન સીન્સ છે. આ ફિલ્મની ટીમમાં ડિરેક્ટર નામનું પણ એક વ્યવસ્થિત પ્રાણી સક્રિય હતું એવું વતાર્ય છે!
સલમાન-કેટરીનાની જોડી છેલ્લે નિરાશાજનક ‘યુવરાજ’માં દેખાઈ હતી. અહીં બન્ને ફુલ ફોર્મમાં છે. એક સીનમાં કેટરીના સલમાનને પૂછે છેઃ તારાં લગ્ન થઈ ગયાં? સલમાન કહે છેઃ ડાયરેક્ટ લગ્ન? મારે ગર્લફ્રેન્ડ છે કે નહીં એ તો પહેલાં પૂછ! કેટરીના કહે છેઃ હોય કંઈ? તારી ઉંમર લગ્ન કરવાં જેવડી છે, ગર્લફ્રેન્ડ રાખવા જેટલી નહીં! સલમાનકેટરીનાના સંબંધના અંગત સમીકરણને કારણે આ ડાયલોગબાજી વખતે ઓડિયન્સને મજા પડી જાય છે. જોકે ફિલ્મમાં બન્નેનો રોમાન્સનો ટ્રેક શરૂ થાય છે ત્યારે, મતલબ કે ઈન્ટરવલ પહેલાં, કથાપ્રવાહ એટલો બધો ધીમો પડી જાય છે કે તમને ટાઈમપાસ કરવા ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ડાઉનલોડ કરેલી કોઈ ગેમ રમવાનું મન થઈ જાય. અલબત્ત, સેકન્ડ હાફમાં ભાગાદોડી અને સ્ટંટ્સને કારણે ફિલ્મ પાછી ગતિ પકડી લે છે.
જે કામ સૈફ અલી ખાનનો એજન્ટ વિનોદ ન કરી શક્યો એ કામ સલમાન ખાનના એજન્ટ ટાઈગરે સારી રીતે કરી દેખાડ્યું. પહેલા જ દિવસે ‘એક થા ટાઈગરે’ 33 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો, જે અપેક્ષિત હતો. આ આંકડો વધતો વધતો ‘દબંગ’-‘બોડીગાર્ડ’-‘રેડી’ના તોતિંગ આંકડાને ઓળંગે છે કે નહીં એ થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.
‘એક થા ટાઈગર’ કંઈ મહાન ફિલ્મ નથી. ના રે ના. આ ફક્ત એક વેલમેડ ટાઈમપાસ જોણું છે, જે ખાસ કરીને સલમાનપ્રેમીઓને ખુશ કરી શકે છે. યાદ રહે, સલમાનના ચાહકોમાં મોટાં મોટાં નામો સામેલ છે. આમિર ખાન જેવો આમિર ખાન ‘હું સલમાનનો ફેન છું’ એવી ઘોષણા કરે એ કંઈ નાનીસૂની વાત નથી. એણે વચ્ચે કહેલું, ‘અમારા સૌ હીરોલોગમાં સલમાન અત્યારે સૌથી વધુ પોપ્યુલર છે. મને એની ફિલ્મો જોવાની સખ્ખત મજા આવે છે. એ હંમેશા મારા જેવા મિત્રો માટે પોતાની ફિલ્મોનો પ્રાઈવેટ શોઝ ઓર્ગેનાઈઝ કરતો હોય છે. મને મોઢેથી સીટી વગાડતા આવડતી નથી, પણ સલમાનની ફિલ્મ જોવાની હોય ત્યારે હું ઘરેથી ખાસ પ્લાસ્ટિકની વ્હિસલ ખિસ્સામાં લઈ જાઉં છું. પછી આખા પિક્ચરમાં સીટીઓ વગાડી વગાડીને સૌનું માથું પકવી દઉં છું!’
સલમાનની પર્સનાલિટી અને કરિશ્મા વિશે પણ આમિરે ઈન્ટરેસ્ટિંગ વાત કરેલી. એ કહે છે, ‘કોઈ પાર્ટી હોય અને સલમાન ખાન જેવો હૉલમાં એન્ટર થાય કે તરત સૌનું ધ્યાન એના તરફ ખેંચાય. શું એની ચાલ હોય, શું કોન્ફિડન્સ હોય… એને જોઈને જ લાગે કે યેસ, આ આવ્યો સુપરસ્ટાર! એન્ડ માઈન્ડ યુ, સલમાન કુદરતી રીતે જ આવો છે. એને આ બધા માટે પ્રયત્ન કે દંભ કરવો પડતો નથી. બાકી હું તો કોઈ પાર્ટીમાં એન્ટર થાઉં ત્યારે અંદરથી ફફડતો હોઉં! અંદર ઘુસ્યા પછી સમજ ન પડે કે હવે શું કરું, કઈ તરફ જાઉં. સાચ્ચે, મારામાં સલમાન જેવો કોન્ફિડન્સ નથી.’
કેટરીનાની વાત કરીએ તો, ‘એક થા ટાઈગર’માં સલમાન સાથે દેખાયા પછી કેટરિના તરત બાકીના બે ખાન સાથે દેખાશે. યશ ચોપડાના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે અને ‘ધૂમ-થ્રી’માં આમિર સાથે. આ ત્રણેય ફિલ્મો યશરાજ બેનરની છે. એનો અર્થ એ થયો કે યશરાજવાળા આજકાલ કોઈ પણ ખાનને લઈને ફિલ્મ બનાવે ત્યારે એની સામે રૂપ રૂપના અંબાર જેવી કેટરીનાને હિરોઈન તરીકે પટ્ કરતા સાઈન કરી લે છે. કેટરીનાનો કરીઅરગ્રાાફ જોઈને બીજી હિરોઈનો બળીને રાખ થઈ જાય છે એનું કારણ આ જ!
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્ેટરીના કૈફની સફળતાની વાત આવે ત્યારે વાંકદેખાઓ તરત સલમાન ફેક્ટરને આગળ કરતા હોય છેઃ સમજ્યા મારા ભઈ. એ તો સલમાનનો જોરદાર સપોર્ટ મળ્યો એટલે કેટરીના ટોપ પર પહોંચી. નહીં તો એને ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઊભું પણ ન રાખત. સલમાને એક ઈન્ટરવ્યુમાં કેટરીનાનો બચાવ કરતાં તાજેતરમાં કહ્યું હતું, ‘મારા સગા ભાઈઓ અરબાઝ ખાન અને સોહિલ ખાન પણ ફિલ્મોમાં એક્ટિંગ કરે છે, પણ તેઓ કંઈ સુપરસ્ટાર નથી. જો મારામાં કોઈને સુપરસ્ટાર બનાવવાની તાકાત હોત તો મેં મારા ભાઈઓને જ સુપરસ્ટાર ન બનાવ્યા હોત? મારી સાથે કેટલીય નવી હિરોઈનોએ કામ કર્યુ છે. એમાંથી કેટલી સુપરસ્ટાર બની? મારો કહેવાનો મતલબ એ છે કે કેટરીના કૈફ આજે જે સ્થાન પર પહોંચી છે એ પોતાના દમ પર, પોતાની મહેનતથી પહોંચી છે.’
સલમાનની દલીલ તાર્કિક છે. સો વાતની એક વાત. સલમાન અને કેટરીના બન્નેનું નસીબ જોરમાં છે. એ બન્નેનો પારસ્પરિક લગ્નયોગ જોર કરે છે કે નહીં એ તો અલ્લાહ જાણે.
શો-સ્ટોપર
‘એક થા ટાઈગર’ના પાર્ટ-ટુ અને પાર્ટ-થ્રી બને તો એનાં ટાઈટલ શું હોઈ શકે? ‘એક હૈ ટાઈગર’ અને ‘એક હોગા ટાઈગર’!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply