મલ્ટિપ્લેક્સ – સ્ટિફન કિંગ – ભયરસના બેતાજ બાદશાહ
Sandesh – Sanskaar Purti – 12 Jan 2014
મલ્ટિપ્લેક્સ
પોતાની કૃતિ પરથી ફિલ્મ કે ટીવી સિરિયલ બને તે કયા લેખકને ન ગમે? અમેરિકાના સુપર સક્સેસફુલ લેખક સ્ટિફન કિંગની રચનાઓ પરથી ૨૭ ફુલલેન્થ ફીચર ફિલ્મો બની ચૂકી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. ‘કેરી’ નામની ખોફનાક નવલકથા પરથી ત્રણ-ત્રણ હોરર ફિલ્મ બની છે.
* * * * *
પોતાની કૃતિ પરથી ફિલ્મ, ટીવી સિરિયલ કે નાટક બને તે લેખકોને ગમતું હોય છે. ભલે તે જોઈને “અરરર… મારી નોવેલના આવા હાલહવાલ કરી મૂક્યા આ લોકોએ” કહીને પછી બખાળા કાઢે કે નારાજગી પ્રગટ કરે, પણ પોતાના લખાણનો આધાર લઈને કોઈ અન્ય માધ્યમમાં કશુંક બનાવી રહ્યા છે, તે હકીકત અહમ્ને જબરો સંતોષ આપતી હોય છે. આર્થિક વળતર તો ખરું જ. અમેરિકાના બેસ્ટસેલર રાઈટર સ્ટિફન કિંગની કૃતિઓ પરથી બનેલી ફિલ્મો-ટીવી શોઝ-નાટકોના લિસ્ટ પર નજર ફેરવીએ તો આંખો ચાર થઈ જાય.
૧૯૭૪માં સ્ટિફન કિંગ સૌથી પહેલી વખત પ્રકાશિત થયા, ‘કેરી’ નામની નવલકથા સાથે. ત્યારથી શરૂ કરીને આ ચાલીસ વર્ષમાં એમની કૃતિઓ પરથી અન્ય માધ્યમોમાં કુલ ૫૮ આઈટમ બની ચૂકી છે. આમાં સાવ સાધારણથી માંડીને ઓસ્કર એવોર્ડ્ઝ જીતી ચૂકેલી ફુલલેન્થ ફીચર ફિલ્મો, સીધી જ વીડિયો પર રિલીઝ થયેલી ફિલ્મો, ટીવી પર દર્શાવાતી મિની સિરીઝ, છૂટક એપિસોડ્સ,સ્ટેજ મ્યુઝિકલ્સ અને કોમિક્સ સુધ્ધાં આવી ગયાં. સ્ટિફન કિંગે લખેલી નવલકથાઓ, લઘુનવલો તેમજ ટૂંકી વાર્તાઓ બધું જ વાપરી કાઢયું છે આ ફિલ્મ અને ટીવીવાળાઓએ. ‘કેરી’ નવલકથા પરથી તો ત્રણ-ત્રણ વખત ફિલ્મો બની છે. સૌથી પહેલી વાર બ્રાયન દ પાલ્માએ ૧૮૭૪માં આ જ ટાઈટલવાળી ફિલ્મ બનાવી હતી. ૨૦૦૨માં ટીવી-ફિલ્મ બની. ૨૦૧૩માં ‘કેરી’ની એક ઔર રિમેક બની, જે આવતા શુક્રવારે ભારતભરમાં રિલીઝ થઈ રહી છે.
૬૬ વર્ષના સ્ટિફન કિંગ ભયરસના બાદશાહ છે. એમની નવલકથાઓમાં પાત્રો અને પરિસ્થિતિઓ એટલાં ભયાનક હોય છે કે વાંચતી વખતે વાચકોના રૃંવાડાં ખડાં થઈ જાય છે. સ્ટિફનની કહાણીઓને સાઇકોલોજિકલ થ્રિલર પણ કહી શકાય. ફેન્ટસીનાં તત્ત્વો પણ તેમાં ભરપૂર હોય છે. સ્ટિફન કિંગની તેમની નવલકથાઓનો હીરો મોટે ભાગે લેખક હોય છે. એમની કેટલીય કથાઓનો લોકાલ મેઈન નામનું અમેરિકન નગર છે. તે એટલા માટે કે તેઓ દાયકાઓથી, લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી એની પહેલાંથી,સપરિવાર આ શહેરમાં રહે છે. મહાનગરોમાં વસતા લોકોને બદલે નાની જગ્યા કે કમ્યુનિટીમાં વસતાં કિરદાર એમને વિશેષ પસંદ છે. આ પાત્રો કાં તો ખુદ સુપરનેચરલ પાવર ધરાવતાં હોય યા તો એમની આસપાસ રહસ્યમય અને ભયાનક ઘટનાઓ બનતી હોય. દુનિયાના ૩૫ દેશોમાં અને અલગ અલગ ૩૩ ભાષાઓમાં સ્ટિફન કિંગની નવલકથાઓ છપાઈ ચૂકી છે. આજ સુધીમાં તેમની કૃતિઓની ૩૦૦ મિલિયન એટલે કે ૩૦ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચૂકી છે. બેસ્ટસેલર લિસ્ટમાં તેમનું નામ સૌથી ઊંચી પાયદાન પર ૩૬ વખત રહી ચૂક્યું છે. છતાંય સ્ટિફનને ધરવ થયો નથી. એમની નોવેલ નંબર વન બેસ્ટસેલર ન બને તો એમનો મૂડ ઓફ્ફ થઈ જાય છે!
એમની લેખનયાત્રાની શરૂઆત જોકે ઊબડખાબડ થઈ હતી. શરૂઆતમાં રિયાજ ખાતર એમણે રિચર્ડ બેકમેનના ઉપનામથી ત્રણ નવલકથાઓ લખી હતી. વિદેશમાં દરેક પુસ્તક છપાય તે પહેલાં પ્રકાશક માટે કામ કરતા એડિટરના હાથ નીચેથી પસાર થતું હોય છે. સ્ટિફન કિંગે છદ્મનામે લખેલી સૌથી પહેલી નવલકથા ‘ગેટિંગ ઈટ ઓન’ ચાર વખત એડિટર પાસેથી “હજુ લખાણ કાચું છે, ફરી એક વાર મઠારો” એવી સૂચના સાથે પાછી ફરી હતી. ચોથા ડ્રાફ્ટ પછી પણ નવલકથા ન સ્વીકારાઈ તે ન જ સ્વીકારાઈ. બીજી નવલકથા ‘ધ લોંગ વોક’નાં નસીબમાં પણ રિજેક્શન લખાયું હતું. ૧૯૭૧માં ચોવીસ વર્ષની ઉંમરે સ્ટિફન કિંગે લગ્ન કર્યાં. આ લગ્ન તેમને જબરાં ફળ્યાં. એમણે એક ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું. કેરીટા વ્હાઈટ (ટૂંકમાં કેરી) નામની ટીનેજ છોકરી વિશે તેમાં વાત હતી. થોડાં પાનાં લખ્યાં પછી સ્ટિફન કિંગને લાગ્યું કે આમાં કંઈ મજા નથી આવતી. એમણે ડૂચો વાળીને પાનાં કચરાપેટીમાં ફેંકી દીધાં. પત્ની ટબિથાને કોણ જાણે શું સૂઝ્યું કે એમણે ચોળાયેલાં પાનાં બહાર કાઢયાં ને ધ્યાનથી વાંચી ગઈ. એણે કહ્યું – વાર્તા શું કામ અધૂરી મૂકી દીધી? મને તો બહુ ઈન્ટરેસ્ટિંગ લાગી. તું પ્લીઝ આને પૂરી કર. પત્ની તરફથી ધક્કો મળતાં સ્ટિફન વાર્તાને અંત સુધી લઈ ગયા. શરૂઆત કરી હતી ટૂંકી વાર્તા તરીકે,પણ પૂરી થઈ ત્યાં સુધીમાં તેણે નવલકથાનું સ્વરૂપ લઈ લીધું હતું. એને ટાઈટલ આપવામાં આપ્યું, ‘કેરી’. આ નવલકથા આખરે પ્રકાશકે સ્વીકારી અને છાપી. ‘કેરી’ ખૂબ વખણાઈ. થોડા જ મહિનાઓમાં પ્રકાશકે નવલકથાના અધિકાર ચાર લાખ ડોલર્સમાં વેચી કાઢયા. અડધો હિસ્સો સ્ટિફનને મળ્યો. તે વખતે તેઓ શિક્ષકની નોકરી કરીને વર્ષેદહાડે માંડ ૬૪૦૦ ડોલર્સ કમાતા હતા. સ્ટિફને પહેલું કામ નોકરી છોડવાનું કર્યું અને ફુલટાઈમ લેખક બનવાનો નિર્ણય લીધો.
‘કેરી’ તો શરૂઆત હતી. સ્ટિફન કિંગ એકએકથી ચડિયાતી નવલિકાઓ અને નવલકથાઓ લખતા ગયા અને ફિલ્મ-ટીવીવાળાઓને એના રાઈટ્સ વેચીને ચિક્કાર ડોલર્સ કમાતા ગયા. અત્યાર સુધીમાં સ્ટિફન કિંગની કૃતિઓ પરથી ૨૭ ફુલલેન્થ ફીચર ફિલ્મો બની છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. સ્ટિફન કિંગને અમેરિકાના ઇતિહાસના મોસ્ટ સકસેસફુલ રાઈટર તરીકેનું બિરુદ કંઈ અમસ્તું નથી મળ્યું.
એમની એક અતિ લોકપ્રિય નવલકથા ‘ધ શાઈનિંગ’ પરથી માસ્ટર ફિલ્મમેકર સ્ટેન્લી કુબ્રિકે એ જ ટાઈટલવાળી હોરર ફિલ્મ બનાવી હતી. જેક નિકલસન મેઈન હીરો હતા. પુસ્તક જેટલું ખોફનાક હતું, ફિલ્મ એટલી જ ભયપ્રેરક બની હતી, પણ લેખકસાહેબને ભારે અસંતોષ રહી ગયો હતો. એમની ફરિયાદ હતી કે સ્ટેન્લી કુબ્રિક પુસ્તકનો મૂળ સૂર જ સમજી શક્યા નથી. વળી, એમને જેક નિકલસનના કાસ્ટિંગ સામે પણ વાંધો હતો. સ્ટિફન કિંગે પછી ખુદ ‘ધ શાઈનિંગ’ પરથી ટીવી સિરીઝ પ્રોડયુસ કરી. મજા જુઓ કે ઓડિયન્સ અને વિવેચકો બન્નેને ટીવી વર્ઝન કરતાં સ્ટેન્લી કુબ્રિકનું ફિલ્મ વર્ઝન જ ચઢિયાતું લાગ્યું. કુબ્રિકની ‘ધ શાઈનિંગ’ સર્વશ્રેષ્ઠ હોરર ફિલ્મોના લિસ્ટમાં આજેય સ્થાન પામે છે.
સ્ટિફન કિંગ કહે છે, “લોકો મને ઘણી વાર કહેતાં હોય છે કે તમે સિરિયસ નવલકથાઓ લખવાનું ક્યારે શરૂ કરશો? આવું કોઈ પૂછે ત્યારે મને ખૂબ લાગી આવે છે. અરે ભાઈ, હું સિરિયસ નવલકથાકાર જ છું. આ તો એના જેવું થયું કે તમે અશ્વેત માણસને પૂછો કે દોસ્ત, લોકો તને નીગ્રો કહે છે ત્યારે કેવું લાગે છે?!” સ્ટિફન કિંગને સૌથી વધારે કીર્તિ અપાવનાર ફિલ્મ ‘ધ શોશંક રિડમ્પશન’ જે લઘુનવલ પરથી બની છે તે કંઈ હોરર સ્ટોરી નથી. બલકે એમાં હ્યુમન સ્પિરિટના વિજયની વાત છે. મોર્ગન ફ્રીમેન અને ટિમ રોબિન્સને ચમકાવતી ‘ધ શોશંક રિડમ્પશન’ ને સાત ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં હતાં. આ એક ક્લાસિક ફિલ્મ છે. હોલિવૂડની સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોની સૂચિઓમાં તે હંમેશાં સ્થાન પામે છે.
કિંબર્લી પીઅર્સે ડિરેક્ટ કરેલાં ‘ધ કેરી’ના લેટેસ્ટ વર્ઝનમાં ચોલી ગ્રેસ મોર્ટેઝ નામની અભિનેત્રીએ ટાઈટલ રોલ કર્યો છે. કેરી સુપર પાવર ધરાવે છે, જેનાથી કોલેજમાં હબકી જવાય એવો આતંક મચાવી મૂકે છે. એની પાગલ માની ભૂમિકા જુલિએન મૂરે ભજવી છે. ‘કેરી’ પરથી નવેસરથી રિમેક બનાવવાની વાત આવી ત્યારે સ્ટિફન કિંગને નવાઈ લાગી હતી. તેમનું કહેવું હતું કે બ્રાયન દ પાલ્માએ ઓલરેડી વર્ષો પહેલાં આટલી સરસ ફિલ્મ બનાવી નાખી છે તો પછી નવેસરથી ત્રીજી વાર ફિલ્મ બનાવવાની શી જરૂર છે? જોકે, સ્ટિફન કિંગે ખુદ એક વખત કહ્યું હતું કે, “એક વાર હું મારી નવલકથાના રાઈટ્સ માટેનો કોન્ટ્રેક્ટ સાઈન કરી નાખું પછી એના પર ક્રિએટિવ કંટ્રોલ રાખવાના ધખારા નથી રાખતો. મને જે ચેક મળ્યો હોય તે બાઉન્સ ન થાય એટલે ભયો ભયો!”
શો-સ્ટોપર
પુરુષોને મારી સલાહ છે કે પોતાના કરતાં ઉંમરમાં ઘણી નાની અને ઘણી સુંદર સ્ત્રી સાથે જ લગ્ન કરવાં!
– સૈફ અલી ખાન
PS – Even Anurag Kashyap’s film No Smoking starring John Abraham is based on Stephen King’s short story, Quitters.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply