ફિટનેસ ફર્સ્ટ!
દિવ્ય ભાસ્કર – સન્ડે સપ્લીમેન્ટ – 9 ડિસેમ્બર 2012
કોલમ: મલ્ટિપ્લેક્સ
તબિયત બનાવવા માટે શિયાળા જેવી બીજી કોઈ સિઝન નથી. આપણા હિન્દી સિનેમાના હીરોલોગ ગ્ર્ાીક દેવતાઓ જેવું સૌષ્ઠવપૂર્ણ શરીર શી રીતે બનાવે છે? કેવું હોય છે એમનું એક્સરસાઈઝ અને ડાયટ રુટિન?
* * * * *
તો ‘સન ઓફ સરદાર’ આખરે બહુ ગાજતી હંડ્રેડ-કરોડ-ક્લબમાં સામેલ થઈ જ ગઈ. ભલે થઈ. આપણે બોક્સઓફિસની આંકડાબાજીમાં પડવું નથી. ‘સન ઓફ સરદાર’ની ગુણવત્તામાં તો આમેય પડવા જેવું નહોતું. આજે આપણે વાત અજય દેવગણ અને અન્ય સ્ટાર્સની ફિટનેસની કરવી છે. શિયાળો મસ્ત ખીલ્યો છે. શિયાળો એટલે રજાઈ ઓઢીને મોડે સુધી સૂતા રહેવાની ઋતુ નહીં, પણ પથારીમાં બહાર નીકળીને વોકિંગ-જોગિંગ-જિમિંગ કરવાની ઋતુ. કેવું છે આપણા હિન્દી હીરોલોગનું એક્સરસાઈઝ અને ડાયેટ રુટિન?
તેંતાલીસ વર્ષનો અજય દેવગણ સારો એક્શન હીરો પહેલેથી જ છે, પણ અગાઉ એનું શરીર કંઈ સ્નાયુબદ્ધ નહોતું. એણે બોડી બનાવ્યું ‘ગોલમાલ-થ્રી’ અને ‘સિંઘમ’થી. ‘સિંઘમ’ માટે એને એકદમ મસ્ક્યુલર લૂક જોઈતો હતો. પ્રશાંત સાવંત નામના ફિટનેસ ટ્રેનરે લાગલગાટ ત્રણ મહિના સુધી એને સખત ટ્રેનિંગ આપી. અન્ય ફિલ્મોના આઉટડોર શૂટિંગ માટે બેંગકોક કે ગોવા જવાનું હોય તો અજય ત્યાં પણ પ્રશાંતને પોતાની સાથે લઈ જતો. અજય જબરો શિસ્તબધ્ધ માણસ છે. 45 ડિગ્ર્ાી સેલ્સિયસ ગરમીમાં પણ એ પોતાનું એક્સરસાઈઝ રુટિન ચુકતો નથી. અઠવાડિયામાં પાંચથી છ દિવસ એ ડાયેટ પ્લાનને ચુસ્તપણે ફોલો કરે છે. બાકીના એક કે બે દિવસ ઈચ્છા પડે તે ખાય.
‘પણ અજય આંકરાતિયાની જેમ ભોજન પર ક્યારેય તૂટી પડતો નથી,’ પ્રશાંત કહે છે, ‘એ બબ્બે ત્રણ-ત્રણ કલાકે થોડું થોડું ખાતો રહેશે. અજયે ‘સિંઘમ’ પછી પણ શરીર એટલું સરસ મેન્ટેઈન કયુર્ર્ં છે કે આજે બોલીવૂડના બેસ્ટ ફિઝિક ધરાવતા સ્ટાર્સમાં એનું નામ બોલાય છે.’
ભારતમાં સિક્સ-પેક્ શબ્દપ્રયોગ પોપ્યુલર બનાવ્યો શાહરુખ ખાને. સિક્સ-પેક હોવા એટલે સપાટ ચુસ્ત પેટ પર સામસામા છ ચોસલાં ઊપસેલાં હોવા. ‘ઓમ શાંતિ ઓમ’ માટે શાહરુખને સિક્સ-પેક બનાવવામાં મદદ કરનાર પ્રશાંત સાવંત જ હતો. એ કહે છે, ‘બહુ જ ફોકસ્ડ માણસ છે શાહરુખ. એક્સરસાઈઝ ચાલતી હોય ત્યારે એ વચ્ચે કોઈનો ફોન પણ નહીં ઉપાડે. કસરત અને ખાણીપીણીને લગતી તમામ સૂચનાઓનું પાલન કરશે અને તે પણ સહેજે સવાલ-જવાબ કર્યા વગર.’
શાહ‚ખનો ડાયટ પ્લાન જુઓ. સવારે બ્રેકફાસ્ટમાં એ છ એગ-વ્હાઈટ વિથ ઓટ્સ. બે કલાક પછી પ્રોટીન શેક. લંચમાં ગ્ર્ાિલ્ડ ચિકન, સેલડ અને ફ્રાઈડ વેજીટેબલ્સ. સાંજે ફરી એક વાર પ્રોટીન શેક વત્તા ચિકન સેન્ડવિચ. ડિનર લગભગ લંચ જેવું જ.
શાહરુખ નોન-વેજીટેરીઅન છે એટલે ઈંડા-ચિકન ઝાપટી શકે છે, પણ શાહિદ કપૂર પાક્કો શાકાહારી છે. ટીનેજર જેવો ચહેરો ધરાવતા શાહિદને ‘કમીને’ માટે અલમસ્ત પઠ્ઠા જેવું બોડી બનાવવું હતું. ‘તેરી મેરી કહાની’ માટે પણ એણે પડછંદ લૂક જોઈતો હતો (ઓકે, આ ફ્લોપ ફિલ્મનું નામ પણ યાદ આવતું ન હોય તો કશો વાંધો નથી, આપણો વિષય અત્યારે ફિટનેસનો છે). એનો ફિટનેસ ટ્રેનર અબ્બાસ અલી કહે છે, ‘શાહિદ ફક્ત વેજીટેરીઅન ખોરાક લે છે એટલે ધાયુ પરિણામ લાવવું સહેજ પડકારભયુર્ર્ં હતું. એનો પ્રોટીન ઈનટેક બહુ મર્યાદિત છે. એને મારે લૉ-કાર્બોહાઈડ્રેટ પર પણ રાખવો નહોતો, કારણ કે એનાથી એના મેન્ટલ અને ફિઝિકલ એનર્જી લેવલ પર વિપરિત અસર થાય. હું એને કોમ્બિનેશન એક્સરસાઈઝ કરાવતો. એમાં સ્ટ્રેન્થ ટ્રેનિંંગ અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ આવી જાય. ’
શાહિદ સિગારેટ પીતો નથી. શરાબને હાથ સુધ્ધાં લગાડતો નથી. છથી આઠ કલાકની કડક ઊંઘ લે છે. એક્સરસાઈઝ રુટિનમાં બહુ જ નિયમિત છે. સામાન્ય સંજોગોમાં રોજ પાંચથી સાત કિલોમીટર રનિંગ કરે છે.
શરીર સૌષ્ઠવની વાત ચાલતી હોય અને બોલીવૂડના સેક્સીએસ્ટ હીરો ગણાતા જોન અબ્રાહમને યાદ ન કરીએ તો ઘોર પાપ લાગે! જોનને ‘દોસ્તાના’ માટે ચોક્કસ પ્રકારનો લૂક જોઈતો હતો. આમેય આ ફિલ્મમાં એનાં પર્ફોર્મન્સ કરતાં ઘાટીલા શરીરને વધારે મહત્ત્વ મળવાનું હતું (યાદ કરો પેલો અડધી નીચે ઉતારી દીધેલી પીળી ચડ્ડીવાળો જોન!). ‘આશાયેં’ પછી તરત ‘દોસ્તાના’ પર કામ કરવાનું હતું એટલે તેણે સૌથી પહેલાં તો વજન વધારવાનું હતું – 74 કિલોમાંથી 94 કિલો. ફિટનેસ એક્સપર્ટ માઈક રાયને જોનની એક્સરસાઈઝ અને ડાયેટની જવાબદારી ઉપાડી લીધી. માઈક રોજ એને બે કલાક કાર્ડિયોવસ્ક્યુલર એક્સરસાઈઝ કરાવતો. ફાસ્ટ વોકિંગ, જોગિંગ, રનિંગ, સાઈક્લિંગ, સ્વિમિંગ વગેરે કાર્ડિયોવસ્ક્યુલર એક્સરસાઈઝથી એનું શરીર શેઈપમાં આવતું ગયું, મસલ્સ બનતાં ગયાં.
માઈક કહે છે, ‘કાર્ડિયો ઉપરાંત જોનને મેં ભારેખમ વજન ઉપાડવાની કસરત પણ ખૂબ કરાવી છે. અમે રોજ એક બોડી પાર્ટ પર ફોકસ કરતા. એક દિવસ માત્ર બાવડાં પર ધ્યાન આપીએ, તો બીજા દિવસે માત્ર છાતી પછી. એ પછી પગ, પીઠ વગેરેનો વારો આવે. થોડા દિવસ પછી ફરી બાવડાં પર પાછા ફરીએ ત્યાં સુધીમાં એ અંગના સ્નાયુઓને પૂરતો આરામ મળી ચૂક્યો હોય.’
જોન પ્રોટીનથી સમૃદ્ધ ખોરાક લે છે. એમાં સપ્રમાણ કાર્બોહાઈડ્રેટ્સ પણ હોય. દર બબ્બે કલાકે પ્રોટીન શેક પીવાનો. જોનને પણ નોનવેજનો છોછ નથી એટલે એના બ્રેકફાસ્ટમાં એગ-વ્હાઈટ અને એક કપ ઓટમીલ હોય. લંંચમાં સામાન્યપણે સ્ટીમ્ડ ફિશ અને એક વાટકો વેજીટેરીઅન શાક લે. ડિનરમાં ફિશ અથવા તો ચિકન તેમજ વાટકો એક વેજીટેબલ.
એક્ટિંગ અને બોડી બન્નેમાં એકસાથે અવ્વલ કોઈ હીરો હોય તો એ છે હૃતિક રોશન. નખશિખ ધાર્મિક માણસ જેમ ભગવાનને દીવો-અગરબત્તી કરવાનું એક દિવસ પણ ન ચૂકે એવું હૃતિકનું એક્સરસાઈઝના મામલામાં છે. ક્યારેક કોઈક કારણસર વર્કઆઉટ ન થઈ શકે તો એ આખો દિવસ એનો મૂડ બગડેલો રહે, ચીડિયો થઈ જાય. એ દેશી-વિદેશી ફિટનેસ ટ્રેનર્સનું ગાઈડન્સ લેતો રહે છે. સત્યજિત ચૌરસિયા નામનો એનો એક ટ્રેનર કહે છે, ‘હૃતિક પોતાના શરીરને મંદિરની જેમ ટ્રીટ કરે છે. એ વડાપાંઉ અને આઈસક્રીમનો બડો શોખીન છે. અડધો કિલો આઈસક્રીમ તો ઊભા ઊભા સફાચટ કરી જશે. સદભાગ્યે હૃતિકની પાચનશકિત ખાસ્સી તગડી છે. એનું બોડી-ટાઈપ એવું છે કે વજન ઝડપથી વધતું નથી. છતાં પણ આંકરાતિયાવેડા કર્યા પછી બિચારાને બહુ ગિલ્ટ થઈ આવે છે. વધારે ખવાઈ ગયું હોય તે દિવસે એ જિમમાં ડબલ એક્સરસાઈઝ કરીને વધારાની કેલરી બાળી નાખશે. એક્સરસાઈઝ કરતી વખતે એ કેટલીય વાર ઈન્જર્ડ થયો છે. ગજબનું આત્મબળ છે એનામાં. એના જેવો વિલપાવર મેં બહુ ઓછા લોકોમાં જોયો છે.’
વાત ઘણી આગળ લંબાઈ શકે છે. સિનિયર સલમાનથી લઈને ન્યુકમર વરુણ ધવન સુધીના સિતારાઓ પરફેક્ટ બોડી માટે ખૂબ પરસેવો પાડે છે. જોકે આટલું વાંચીને આળસુડાઓ તરત કહેશે: ઠીક છે, યાર. ફિલ્મસ્ટારોએ થોડું દસથી છ ઓફિસ જવાનું હોય છે? ‚પાળા દેખાવાના એમને લાખો-કરોડો ‚પિયા મળે છે. એ લોકો તો કરે જને આવું બધું. પ્લીઝ! આપણે ભલે એક્ટર નથી કે અડધા ઉઘાડા થઈને જાહેરમાં ઠુમકા મારીને નાચવાનું નથી, પણ ખુદને ચુસ્ત-દુરસ્ત રાખવાના મામલામાં બહાનાબાજી ન ચાલે. આપણે ભલે સિક્સ-પેક્સ ન બનાવીએ, પણ કમસે કમ ફાંદ તો દૂર કરીએ!
બીજા પ્રકારના આળસુડાઓ કહેશે: મેં નહોતું કહ્યું, બોડી બનાવવા માટે નોનવેજ ખાવું પડે? સ્ટિરોઈડ્સ લેવાં પડે? આપણે રહ્યા ઘાસફૂસ ખાનારા ગુજરાતીઓ, આપણાં મસલ્સ ક્યાંથી બનેે? એક્સક્યુઝ મી! શાહિદ કપૂરને યાદ કરો. એ શુધ્ધ શાકાહારી છે અને સ્ટિરોઈડ તો શું, સિગારેટ પણ લેતો નથી!
શો-સ્ટોપર
સિનેમાનો સંબંધ અભિનયક્ષમતા સાથે છે, મસલ્સ સાથે નહીં. જો અસલી ટેલેન્ટ પર ફોકસ નહીં થાય તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી બાવડેબાજ બાબાલોગથી ઊભરાઈ જશે!
– રણબીર કપૂર
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply