સુશાંત આઈવો… છે!
દિવ્ય ભાસ્કર – સન્ડે સપ્લીમેન્ટ – 17 ફેબ્રુઆરી 2013
કોલમ: મલ્ટિપ્લેક્સ
‘કાઈ…પો છે’નો હીરો સુશાંતસિંહ રાજપૂત અત્યારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોટ પ્રોપર્ટી ગણાવા લાગ્યો છે. એવું તે શું છે આ દિલ્હીબોયમાં?
* * * * *
જી, બિલકુલ. જે રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એની ગ્ર્ાાન્ડ એન્ટ્રી થઈ રહી છે એ જોતાં ઢોલનગાર અને શરણાઈના સૂરોની વચ્ચે ‘બાઅદબ બામુલાહિજા હોશિયાર….સુશાંતસિંહ રાજપૂત પધાર રહે હૈ….’ની બાંગ પોકારવાની જ બાકી રહી છે. આવતા શુક્રવારે સુશાંત ટીવીની સ્મોલ સ્ક્રીન પરથી હાઈ જમ્પ કરીને સિનેમાની બિગ સ્ક્રીન પર ધુબાકો લગાવશે, ‘કાઈ…પો છે’ ફિલ્મનો હીરો બનીને. 2013ની આ એક મહત્ત્વની અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. ચેતન ભગતની બેસ્ટસેલર ‘થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ પર આધારિત આ ફિલ્મ માટે આપણે એટલા માટે વધારે ઉત્સુક છીએ કે એમાં ગુજરાતીઓની અને ગુજરાતીપણાની વાત છે. ફિલ્મનું હિન્દીમાં છે, પણ એનું લોકાલ અમદાવાદ છે. ગુજરાતીઓની વાત આવે એટલે થેપલાં અને ઢોકળાનાં જોક્સ ઠઠાડવાની લોકોને બુરી આદત છે. ‘કાઈ… પો છે’ની ટીમની વાત માનીએ તો આ ફિલ્મમાં, ફોર અ ચેન્જ, આવી કોઈ ચવાઈ ગયેલી હ્યુમર દેખાશે નથી. થેન્ક ગોડ.
‘દિલ ચાહતા હૈ’, ‘રોક ઓન!’ અને ‘થ્રી ઈડિયટ્સ’ની જેમ આ ફિલ્મમાં પણ ત્રણ દોસ્તારોનાં સપનાં તેમજ સંઘર્ષની વાત છે. છોકરાઓ-છોકરાઓ વચ્ચેની શુદ્ધ લાગણીસભર ભાઈબંધી માટે એક રમતિયાળ શબ્દ પેદા કરી લેવામાં આવ્યો છે – બ્રોમાન્સ. ‘કાઈ… પો છે’માં સુશાંતસિંહ રાજપૂત, અમિત સધ અને રાજકુમાર યાદવ આ ત્રણેયની મુખ્ય ભુમિકા છે, પણ સુશાંતને સૌથી વધારે અટેન્શન અને માનપાન મળી રહ્યા છે. એક પણ ફિલ્મ રિલીઝ થઈ ન હોવા છતાં સુશાંત બોલીવૂડની હોટ પ્રોપર્ટી બની ગયો છે. રાજકુમાર હિરાણીએ એને આમિર ખાન સાથે ‘પીકે’માં સાઈન કર્યો છે. આ રોલ તો જોેકે ટચુકડો છે, પણ યશરાજ જેવા અતિ પ્રતિષ્ઠિત બેનરે તેને એક આગામી ફિલ્મમાં સોલો હીરો તરીકે લીધો છે. આ રોલ પહેલાં શાહિદ કપૂરને ઓફર થયો હતો. આ ફિલ્મને ડિરેક્ટ કરશે ‘બેન્ડ બાજા બારાત’ ફેમ મનીષ શર્મા અને હિરોઈન છે, અનુષ્કા શર્મા. ‘પીકે’માં સુશાંત કેન્દ્રમાં નથી એટલે એ ફિલ્મ બાજુમાં રાખીએ, પણ ધારો કે બાકીની બેમાંથી એક ફિલ્મ પણ વ્યવસ્થિત ચાલી ગઈ તો સુશાંતની ગાડી રમરમાટ કરતી દોડવા માંડશે એ તો નક્કી. સુશાંતનો બેક-અપ પ્લાન પણ તગડો છે. યુટીવીએ એની સાથે બે ફિલ્મોનો અને યશરાજે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રેક્ટ ઓલરેડી કરી નાખ્યો છે. બહુ ઓછા ન્યુકમર્સની કરીઅર આટલી જબરદસ્ત રીતે લોન્ચ થતી હોય છે.
આ સુશાંત આખરે છે કોણ? લોકોએ પહેલી વાર એને એકતા કપૂરની ‘પવિત્ર રિશ્તા’ સિરિયલમાં જોયો હતો. તે પછી ‘ઝલક દિખલા જા’માં એને નાચતો-કૂદતો જોયો. એના ડાન્સથી પ્રભાવિત થઈને જજ બનેલી માધુરી દીક્ષિત જેવી માધુરી દીક્ષિતે કહેવું પડ્યું હતું કે સુશાંત, તારે મને ડાન્સ સ્ટેપ્સ શીખવવા પડશે… આઈ વોન્ટ ટુ ડાન્સ વિથ યુ! સુશાંતના પપ્પા એન્જિનીયર છે. વારે વારે ટ્રાન્સફર થયા કરે. રાજપૂત પરિવાર પટણામાં રહેતું હતું ત્યારે સુશાંતનો જન્મ થયો. પરિવારમાં અગાઉ પણ એક દીકરો જન્મ્યો હતો, પણ ચાર વર્ષની ઉંમરે ગુજરી ગયો. એ પછી ચાર દીકરીઓ અવતરી અને ત્યાર બાદ સુશાંત. કલ્પના કરો, સુશાંત એનાં મા-બાપનો કેટલો ચાગલો હશે.
એ બારમા ધોરણમાં હતો ત્યારે એક રાત્રે મમ્મીએ એને પોતાની પાસે બોલાવ્યો. એકદમ જ એ રડવા લાગી. કહ્યું: દીકરા, સંભાળજે… તારો ખ્યાલ રાખજે. બીજા દિવસે માને બ્રેન હેમરેજ તઈ ગયું ને એ ગુજરી ગઈ. ‘એના જવાથી મારા જીવનમાં ખાલીપો આવી ગયો,’ સુશાંત એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘મા સાથે મારે સૌથી વધારે આત્મીયતા હતી. પણ મને સતત લાગ્યા કરે છે કે મારી મા ઉપર બેઠી બેઠી મારું ધ્યાન રાખે છે.’ મા અથવા બાપ અથવા બન્ને ગુમાવી ચુકેલાં સંતાનોને આવી ફીલિંગ હંમેશાં રહ્યા કરતી હોય છે…
સુશાંત ભણવામાં સારો હતો. ઓલ ઈન્ડિયા એન્જિનીયરિંગ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન (એ-આઈ-ટ્રિપલ-ઈ)માં એ સાતમા ક્રમે આવેલો. ફિઝિક્સ ઓલ્મ્પિયાડમાં એ નેશનલ વિનર હતો. દિલ્હી સ્કૂલ ઓફ એન્જિનીયરિંગમાં એડમિશન તો લીધું, પણ ભણવામાં મન ન ચોંટ્યું. ક્યાંથી ચોંટે. એને એક્ટિંગનો અને ડાન્સિંગનો કીડો કરડી ચૂક્યો હતો. નાચવાનું બહુ ગમતું એટલે શ્યામક દાવરની ડાન્સ ઈન્સ્ટિટ્યુટ પણ જોઈન કરી હતી. પછી જાણીતા અભિનય ગુરુ બેરી જોનના ગ્ર્ાુપમાં જોડાઈ ગયો. થર્ડ યરમાં પહોંચ્યો ત્યાં સુધીમાં બ્રહ્મજ્ઞાન લાધી ચૂક્યું હતું કે એન્જિનીયરિંગ એના માટે છે જ નહીં. ભણવાનું પડતું મૂકીને ભાઈસાહેબ મુંબઈ આવી ગયા. દિમાગમાં જબરી ગરમી ચડી ગઈ હતી: ફિલ્મસિટી સ્ટુડિયોમાં ચાની લારી ખોલીશ, પણ સ્ટ્રગલ તો એક્ટિંગની લાઈનમાં જ કરીશ!
‘એકચ્યુઅલી, અગાઉ 2005માં હું મુંબઈ આવી ગયેલો. યશરાજ સ્ટુડિયોમાં ફિલ્મફેર અવોર્ડ ફંકશન હતું અને એમાં જે ડાન્સ પર્ફોર્મન્સીસ થયાં હતાં તેમાં શ્યામક દાવરના સ્ટુડન્ટ્સને બેકગ્ર્ાાઉન્ડ ડાન્સર્સ તરીકે લેવામાં આવ્યા હતા. એમાં એક હું પણ હતો. એક ગીતમાં મારે ઐશ્વર્યા રાયને ઊંચકવાની હતી. રિહર્સલ દરમિયાન ઐશ્વર્યાએ મને કહેલું કે જોજે દોસ્ત, મને પછાડતો નહીં! હું તો માની નહોતો શકતો કે ઐશ્વર્યા રાય ખુદ મારી સાથે વાત કરી રહી છે! એ વખતે શ્યામકે મને કહેલું: બહુ એક્સાઈટ થવાની જરુર નથી. એક દિવસ તું પણ ફિલ્મોમાં કામ કરતો હોઈશ… લખી રાખ!’
શ્યામક સરની ભવિષ્યવાણી સાચી પડી. શ્યામકે જ એને એક વાર કહેલું કે સુશાંત, તું કંઈ મારો બેસ્ટ સ્ટુડન્ટ નથી, પણ તારામાં હું કશુંક જોઈ શકું છું. તું કોઈ થિયેટર ગ્ર્ાુપ જોઈન કેમ નથી કરતો? એટલે પછી સુશાંતે બેરી જોનના જુથનો હિસ્સો બન્યો. મુંબઈ આવીને એણે નાદિરા બબ્બરના ગ્ર્ાુપમાં જોડાઈને બે-અઢી વર્ષ નાટકો કર્યાં. દરમિયાન બાલાજી માટે ઓડિશન આપ્યું. એકતા કપૂરને તે પસંદ પડ્યું પડ્યું ને તેને ‘પવિત્ર રિશ્તા’ સિરિયલનો હીરો બનાવી દીધો. સિરિયલની વાર્તામાં જનરેશન બદલી એટલે અઢાર-વીસ વર્ષનો જમ્પ આવ્યો. સુશાંતને આધેડ વયના દેખાવું નહોતું. એણે સિરિયલ છોડી દીધી.
‘બધા કહ્યા કરે છે કે મેં શો છોડ્યો એટલે એકતા મારા પર સોલિડ બગડી હતી, પણ હકીકતમાં એવું કશું થયું નહોતું,’ સુશાંત કહે છે, ‘ઈન ફેક્ટ, એકતાએ જ ‘કાઈ…પો છે’ના ડિરેક્ટર અભિષેક કપૂરને મારું નામ સૂચવ્યું હતું. અભિષેક અને એકતા એકબીજાનાં કઝિન થાય. જો સંબંધ વણસેલા હોય તો એકતા શું કામ મારું નામ રિકમન્ડ કરે?’
ટીવીને કારણે થોડી લોકપ્રિયતા મળી જાય એટલે ફિલ્મો માટે ટ્રાય કરવાનું શરુ કરી દેતા એક્ટર્સનો તોટો નથી. તાર્કિક રીતે એમાં કશું ખોટું પણ નથી, પણ મોટા પડદે ગજ ન વાગે ત્યારે એ બાપડા નથી ઘરના રહેતા કે નથી ઘાટના. ‘ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી’થી જબરદસ્ત પોપ્યુલર બની ગયેલો અમર ઉપાધ્યાય યાદ છે? એણે પણ ફિલ્મી હીરો બનવા ટીવી છોડી દીધું હતું. બે-ત્રણ ફિલ્મો કરી પણ ખરી, પણ એ જરાય જામી નહીં ને એમના એક્ટિંગના કરીઅર પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું. સુશાંતનો કેસ કમસે કમ હાલના તબક્કે તો અલગ દેખાય છે. પછી તો જેવા નસીબ.
સુશાંતને ‘પવિત્ર રિશ્તા’ શો એક કરતાં વધારે સ્તરે ફળ્યો છે. કો-એક્ટર અંકિતા લોખંડે સાથે એણે અસલી જીવનમાં પણ જોડી જમાવી છે. બન્ને મોટે ભાગે તો એકાદ-બે વર્ષમાં જ પરણી જવાનાં છે. ટીવી પર સફળતા પામ્યા પછી સિનેમામાં પણ ઊંચાઈ સુધી પહોંચી શક્યો હોય એવો એક જ હીરો છે – શાહરુખ ખાન. શાહરુખની જેમ સુશાંત પણ દિલ્હીનો છે. બન્ને બેરી જોનના શિષ્યો છે. વળી, બન્ને તદ્દન નોન-ફિલ્મી બેકગ્ર્ાાઉન્ડમાંથી આવે છે. શું આ સરખામણી આગળ વધીને શાહરુખની શોહરત સુધી પહોંચી શકશે? લેટ્સ સી.
શો સ્ટોપર
નાનો હતો ત્યારે મારા મનમાં એવું જ ઠસાઈ ગયું હતું કે સ્ત્રી-પુરુષ સેક્સ કરે એટલે એમની વચ્ચે પ્રેમ તો ન જ હોય. મને થાય કે અરે યાર યે તો સેક્સ હૈ, યે કહાં પ્યાર હૈ!
– ઈમ્તિયાઝ અલી (‘જબ વી મેટ’, ‘રોકસ્ટાર’ વગેરેના ડિરેક્ટર)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply