મોટા અદાકારની મોટી વાતો
Multiplex – 02 March 2013
‘લિંકન’ માટે બેસ્ટ એક્ટર માટેનો ઓસ્કર જીતીને ઈતિહાસ સર્જનાર ડેનિયલ ડે-લેવિસ વિશે એક ચર્ચા શરુ થઈ ચૂકી છે: શું તેઓ વિશ્વના મહાનતમ અભિનેતા છે?
* * * * *
કોઈ સંગીતકાર કે એક્ટર કે લેખક કે ચિત્રકાર કેટલો મહાન છે તે કઈ રીતે નક્કી થાય? કલાકારની મહાનતા માપવાની કોઈ ફૂટપટ્ટી હોય છે ખરી? શું મહાનતા કેવળ એક પર્સેપ્શન યા તો સામૂહિક સમજ છે? આ પ્રશ્નો ખડા થયા છે ગયા સોમવારે ઘોષિત થયેલા ઓસ્કર અવોર્ડ્ઝ પછી. બ્રિટીશ એક્ટર ડેનિયલ ડે-લેવિસને ‘લિંકન’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર ઘોષિત થયો. ભૂતકાળમાં તેમને બે ઓસ્કર ઓલરેડી મળી ચૂક્યા છે – ‘માય લેફ્ટ ફૂટ’ (1989) અને ‘ધેર વિલ બી બ્લડ’ (2007) માટે. સિનેમાના ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ પુરુષ અદાકારે લીડીંગ હીરો તરીકે ત્રણ-ત્રણ વખત બેસ્ટ એક્ટર માટેનો ઓસ્કર જીત્યો હોય. તેથી જ ડેનિયલ ડે-લેવિસ વિજેતા ઘોષિત થતા એક ચર્ચા શરુ થઈ ચૂકી છે: શું પંચાવન વર્ષીય ડેનિયલ ડે-લેવિસ વિશ્વના મહાનતમ અભિનેતા છે?
આપણે રોબર્ટ દ નીરો ને અલ પચીનો ને ટોમ હેન્ક્સ ને ટોમ ક્રુઝ વગેરે વિશે સતત જોતા-વાંચતા-સાંભળતા હોઈએ છીએ, પણ ડેનિયલ ડે-લેવિસનાં નામ કે ચહેરાથી ખાસ ટેવાયેલા નથી. આ વાત ફક્ત આપણને જ નહીં, યુરોપ-અમેરિકાની જનતા માટે પણ સાચી છે. એનું કારણ એ છે કે ડેનિયલ અત્યંત અંતર્મુખ માણસ છે. સુપર સેલિબ્રિટી હોવા છતાં મિડીયાના ઝગમગાટથી ે જીદપૂર્વક દૂર રહે છે. એ કદી ફિલ્મી પાર્ટીઓમાં કે બીજાઓની ફિલ્મોના પ્રિમીયરમાં કે જાહેર ફંકશનોમાં દેખાશે નહીં. કાળો સુટ પહેરીને રેડ કાર્પેટ પર સ્ટાઈલ મારતા મારતા મહાલશે નહીં. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરશે નહીં. આસપાસનાં તમામ બારી-બારણાં ચુસ્ત રીતે ભીડી રાખીને એ પોતાના અંગત જીવનને સાચા અર્થમાં અંગત રાખશે. પોતાની જાતને એ ફેલાઈ જવા દેતા નથી. પોતાને નોમિનેશન મળ્યું હોય ત્યારે જ એ એકાએક પ્રગટ થશે. ખુદને ‘પ્રીઝર્વ’ કરવાની એમની આ રીત છે. તેઓ ફિલ્મો પણ બહુ જ ઓછી કરે છે. મનને જચે નહીં એવો રોલ ન મળે તો લાગલગાટ પાંચ-પાંચ વર્ષ સુધી કામ ન કર્યું ન હોવાના દાખલા છે.
ડેનિયલ ડે-લેવિસ માટે કહેવાય છે કે એ જે રીતે જુદાં જુદાં કિરદારોમાં ઘૂસી જાય છે એવી રીતે પાત્ર-પ્રવેશ કરવાની બીજા કોઈ એક્ટરની તાકાત નથી. ‘માય લેફ્ટ ફૂટ’માં એ સેરિબ્રલ પાલ્સીથી પીડાતા અપાહિજ લેખક, ‘ધેર વિલ બી બ્લડ’માં તેલીયા રાજા, ‘માય બ્યુટીફુલ લોન્ડ્રેટ’માં વરણાગી હોમોસેક્સ્યુઅલ, ‘ગેન્ગ્સ ઓફ ન્યુયોર્ક’માં ખૂંખાર ગેન્ગ-લીડર અને એવા તો કેટલાય ભાતભાતના રોલ તેમણે એટલી બખૂબીથી નિભાવ્યા છે કે દર્શકને સવાલ થાય કે શું આ બધાં પાત્રો એક જ એક્ટરે ભજવ્યા છે? તેમણે રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાંય ટચૂકડો રોલ કર્યો હતો. ‘માય લેફ્ટ ફૂટ’ના શૂટિંગ વખતે શોટ ચાલુ ન હોય ત્યારે પણ એ વ્હીલચેર પર બેસી રહેતા અને ક્રૂ મેમ્બરોને કહેતા કે ભાઈ, મારા હાથ-પગ ચાલતા નથી, મને જમાડો, મને બાથરુમમાં લઈ જાઓ! ‘ગેન્ગ્સ ઓફ ન્યુયોર્ક’માં શોટ્સની વચ્ચે એ સતત ચપ્પુ-છૂરીયાં તેજ કરવાની પ્રેક્ટિસ કરતા રહેતા. ‘ઈન ધ નેમ ઓફ ધ ફાધર’માં એવો સીન છે કે એમનું પાત્ર જેલમાં છે, ભૂખ્યુંતરસ્યું છે અને આ હાલતમાં એની આકરી પૂછપરછ કરવામાં આવે છે. અભિનય વાસ્તવિક બને તે માટે આ દશ્યના શૂટિંગ પહેલાં ત્રણ રાત ડેનિયલ સૂતા નહોતા! સાદી ભાષામાં આને મેથડ એક્ટિંગ કહેવાય. એ વાત અલગ છે કે ડેનિયલને ખુદને ‘મેથડ એક્ટિંગ’ શબ્દપ્રયોગ ખાસ ગમતો નથી. ફિલ્મના સેટ પર કેમેરા ચાલતો ન હોય ત્યારે પણ સતત પાત્રની માફક જ વર્તવાની ડેનિયલની શૈલી ઘણાને ભારે વિચિત્ર લાગે છે. કોઈ મામૂલી એક્ટર આવાં નખરાં કરતો હોય તો એ દંભદેખાડા કે નાટક કરે છે એમ કહીને કદાચ લોકો હસી પણ નાખે, પણ ડેનિયલ જેવા ટ્રિપલ ઓસ્કર વિનર એક્ટર જ્યારે આ પ્રમાણે વર્તતા હોય ત્યારે તેને ગંભીરતાથી જોવું પડે.
‘ઈન ધ નેમ ઓફ ધ ફાધર’ની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ પછી છેક બે વર્ષે શૂટિંગ શરુ થયું હતું. આટલો લાંબો સમય એક્ટર કઈ રીતે કેરેક્ટરમાં યા તો ચોક્કસ માનસિક વાતાવરણમાં રહી શકે? ત્રાસી ન જવાય? ‘બિલકુલ નહીં,’ ડેનિયલે એક મુલાકાતમાં કહે છે, ‘આપણે કોઈ પણ માણસને પૂરેપૂરો સમજી લીધો છે એવું અધિકારપૂર્વક ક્યારેય કહી શકીએ છીએ? ના! એવું જ કિરદારનું છે. એક વાર હું જે રોલ ભજવવાનો હોઉં તેના વિશેનું મારું કુતૂહલ જાગૃત થઈ જાય પછી તે ક્યારેય સંતોષાતું નથી. આ પાત્ર કઈ પરિસ્થિતિમાં કેવું વિચારશે, કઈ રીતે વર્તશે, કેવી પ્રતિક્રિયા આપશે… આ પ્રશ્નોનો કોઈ અંત હોતો નથી. ઈન ફેક્ટ, હું તો આ પ્રકારના માનસિક વાતાવરણમાં આનંદથી વર્ષોનાં વર્ષો કાઢી શકું…’
‘માય લેફ્ટ ફૂટ’ના ડિરેક્ટર જિમ શેરિડન કહે છે કે ડેનિયલને એક્ટિંગ કરવી ગમતી જ નથી. ડેનિયલ જે-તે પાત્રનો અભિનય નથી કરતા, એ તે પાત્ર ‘બની’ જાય છે. ડેનિયલ કહે છે, ‘લોકોને મારા વિશે ઘણી ગેરસમજ છે. તેઓ માને છે કે હું વ્હીલચેર પર બેસી રહું કે ત્રણ રાત ઊંઘું નહીં તો એમાંથી મને પાત્ર ‘મળે’ છે. એવું નથી. આ બધી તો ઉપરછલ્લી બાબતો થઈ. હું જે ભુમિકાઓ ભજવું છું એમાંની મોટા ભાગનાં પાત્રો મારા માટે રહસ્યમય હોય છે. એ પાત્રોને, એ માણસોને હું ઓળખતો હોતો નથી, મેં એ જીવન જીવ્યું હોતું નથી. મારું ધ્યેય એ હોય છે કે હું શી રીતે મારાથી તદ્દન અપરિચિત એવાં એ જીવનની નિકટ જઈ શકું, એને સાર્થક બનાવી શકું, એને અર્થપૂર્ણ ઢબે પડદા પર પેશ કરી શકું.’
ફિલ્મનું શૂટિંગ શરુ થાય ત્યાં સુધીમાં ડેનિયલે પોતાની જાતને એટલી બધી સજ્જ કરી લીધી હોય કે તેમને રિહર્સલ કરવાની જરુર જ ન લાગે. એમને રિહર્સલો કરવા ગમતા નથી. ડેનિયલ મૂળ થિયેટરના માણસ છે. આપણે સામાન્યપણે થિયેટરના ગુણગાન સાંભળવા ટેવાયેલા છીએ, પણ ડેનિયલ એવા એક્ટર છે જે સિનેમાને થિયેટર કરતાં ઊંચો દરજ્જો આપે છે. તેઓ કહે છે, ‘મને હજુય ક્યારેક નાટક કરવાનો વિચાર આવે ત્યારે સૌથી પહેલાં તો રિહર્સલ રુમ દેખાય. બધા એયને હસીમજાક કરતા હોય, ચા-કોફી પીતા હોય. આ પ્રકારનું વાતાવરણ દિલને સ્પર્શી જાય એવું આત્મીય પણ હોય છે અને ગૂંગળાવી નાખે એવું પણ હોય છે. રિહર્સલ કે રિડીંગ કરતી વખતે કેટલું બધું બોલવું પડે. હું માનું છું કે તમે ડાયલોગ્ઝ બોલી બોલીને રિયાઝ કરો એટલે પાત્રને ડિફાઈન કરી નાખો છે, એક સીમારેખામાં બાંધી દો છો. આવું થાય એટલે મારી દષ્ટિએ પાત્ર મરી જાય.’
ડેનિયલને રંગમંચ પર એક વિચિત્ર અનુભવ થયો હતો. વર્ષો પહેલાં તેઓ ‘હેમલેટ’ નામના નાટકમાં કામ કરતા હતા. ‘માય લેફ્ટ ફૂટ’ને ઓસ્કર મળવાનો હજુ બાકી હતો. એક્ટિંગ કરતાં કરતાં અચાનક ડેનિયલને એવી અનુભૂતિ થઈ જાણે કે એ પોતાના સ્વર્ગસ્થ પિતા સાથે વાત કરી રહ્યા છે! કોણ જાણે શું થયું ને ડેનિયલ સ્ટેજ છોડીને ભાગ્યા. એવા ભાગ્યા કે ફરી ક્યારેય સ્ટેજ પર પગ ન મૂક્યો. તેમને સમજાઈ ગયું કે રંગમંચ મારા માટે નથી, મારી જગ્યા કંઈક અલગ છે.
ડેનિયલના ખુદના ફેવરિટ અદાકારો છે માર્લોન બ્રાન્ડો અને રોબર્ટ દ નીરો. ડેનિયલ ‘ટેક્સી ડ્રાઈવર’ ફિલ્મથી અત્યંત પ્રભાવિત થયા હતા. આ ફિલ્મના હીરો રોબર્ટ દ નીરો હતા અને ડિરેક્ટર હતા, માર્ટિન સ્કોર્સેઝી. વર્ષો પછી સ્કોર્સેઝી ‘શિંડલર્સ લિસ્ટ’ બનાવવાના હતા, જેના મુખ્ય કિરદારમાં તેઓ ડેનિયલને કાસ્ટ કરવા માગતા હતા. પરિસ્થિતિ પલટાઈ, પ્રોજેક્ટ માર્ટિન સ્કોર્સેઝી પાસેથી સ્ટીવન સ્પીલબર્ગ પાસે જતો રહ્યો. ડેનિયલવાળો રોલ પછી લિયામ નિસને ભજવ્યો.
ડેનિયલ આયરલેન્ડમાં પોતાની એક્ટ્રેસ પત્ની અને બાળકો સાથે રહે છે. વચ્ચે પાંચ વર્ષનો બ્રેક લીધો ત્યારે તેઓ થોડોક સમય રીતસર જૂતાં બનાવતાં શીખતા હતાં! ઓસ્કરની ધમાલ પૂરી થઈ ગઈ એટલે એ પાછા અલિપ્ત થઈને ગુપ્તવાસમાં સરકી જશે. આને ડેનિયલ ડે-લેવિસ વિચિત્રતા ગણશો કે પોતાનો માંહ્યલો કરપ્ટ ન થાય તે માટેની ડિફેન્સ મિકેનિઝમ? એ જે હોય તો, ડેનિયલ ડે-લેવિસ અદાકારોની આવનારી કેટલીય પેઢીઓ માટે રોલમોડલ બની રહેશે એ તો નક્કી.
શો-સ્ટોપર
મેં ડિરેક્ટ કરેલી ‘રોક-ઓન!’ હિટ થઈ અને વખણાઈ તે પછીય મને એક પણ ઓફર નહોતી મળી. ઈટ વોઝ શોકિંગ! આ લાઈનમાં એવું જ છે. અહીં કોઈ તમને સામેથી ફિલ્મ ઓફર કરતું નથી.
– અભિષેક કપૂર (‘કાઈપો છે’ના ડિરેક્ટર)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply