મલ્ટિપ્લેક્સ : ઓહ બ્રધર….
Sandesh – Sanskaar Purti – 6 Oct 2013
મલ્ટિપ્લેક્સ
“અનુરાગ (કશ્યપ) મારા કરતાં વધારે ટેલેન્ટેડ અને ઇન્ટેલિજન્ટ છે. હું લહેરી લાલો છું, જ્યારે એ પાગલની જેમ મહેનત કરે છે. અમારી ફિલ્મોમાં આસમાન જમીનનો ફર્ક હોય છે. અમારાં મમ્મી-પપ્પાને અનુરાગ કરતાં મારી ફિલ્મો વધારે ગમે છે!”
* * * * *
આ એક સરસ સ્થિતિ છે. ફિલ્મી દુનિયા સાથે દૂર દૂરનો સંબંધ ન ધરાવતા પરિવારમાંથી આવેલા બે સગા ભાઈઓ-અનુરાગ કશ્યપ અને અભિનવ કશ્યપ આજે હિન્દી સિનેમાના તદ્દન જુદા ઇલાકાઓમાં પોતાનું સ્થાન જમાવીને બેઠા છે. અનુરાગ કશ્યપ’ દેવ.ડી’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘ઉડાન’ અને ‘ધ લન્ચબોક્સ’ જેવી કેટલીય ફિલ્મોનું લેખન, ડિરેક્શન યા તો પ્રોડક્શન કરીને બોલિવૂડમાં એક શક્તિશાળી સેમી- કોમર્શિયલ પરિબળ તરીકે ઊભર્યા, જ્યારે નાના ભાઈ અભિનવ કશ્યપે ‘દબંગ’ જેવી સુપરહિટ એન્ટરટેઇનર બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું. આ છપાશે ત્યાં સુધીમાં અભિનવ કશ્યપના ડિરેક્શનમાં બનેલી રણબીર કપૂરની ફિલ્મ ‘બેશરમ’ બોક્સઓફિસ પર કમાલ કરી શકી છે કે કેમ એ સ્પષ્ટ થઈ ચૂક્યું હશે.
ઉત્તરપ્રદેશના રાજપૂત પરિવારમાં જન્મેલા અનુરાગ અને અભિનવે ફિલ્મી દુનિયામાં ફિલ્મમેકર તરીકે જે અલગ અલગ મુદ્રા ધારણ કરી છે એનાં મૂળિયાં બાળપણમાં જ નંખાઈ ગયેલાં. અનુરાગ નાનપણથી જ ક્રિએટિવ. છાપાંમાં છપાતી ફિલ્મોની જાહેરાત કાપીને એનાં પોસ્ટરો બનાવે, જાતે એની સ્ટોરી-વાર્તા ઘડી કાઢે ને પછી પાડોશના છોકરાઓને ભેગા કરીને રસપૂર્વક વારતા કહી સંભળાવે. અભિનવને ક્રિએટિવિટી કરતાં આંકડામાં વધારે રસ પડે. અનુરાગ હિન્દી અને ભૂગોળમાં સરસ માર્ક્સ લાવે, જ્યારે અભિનવ ગણિતમાં સોમાંથી સો માક્ર્સ લઈ આવે. અભિનવ પહેલેથી જ કોમર્શિયલ-માઇન્ડેડ. વેકેશનમાં મોસાળ જાય ત્યારે નાના-નાની પચીસ-પચાસ રૂપિયા વાપરવા આપે એનાથી અભિનવને જરાય સંતોષ ન હોય. એ એવી જ ફિરાકમાં હોય કે વડીલો પાસેથી વધારે પૈસા કેવી રીતે પડાવવા! જે કંઈ ફદિયાં ભેગાં થાય એમાંથી એ દુકાનોમાંથી બબ્બે રૂપિયાની વીંટી,ગળામાં પહેરવાની ચેઇન ને એવું બધું ખરીદી લાવે. રજાઓ પૂરી થતાં સ્કૂલ ઊઘડે એટલે સાથે ભણતા છોકરાઓને દસ-દસ રૂપિયામાં બધું વેચી મારે. અભિનવ બાપડો જાતજાતનાં ગતકડાં કરીને પૈસા જમા કરે ને અનુરાગ એક ઝાટકમાં તે બધા જ પૈસા તફડાવીને ગાયબ થઈ જાય!
અનુરાગનો સ્વભાવ શરૂઆતથી ગુસ્સાવાળો. અભિનવ એને ધરાર ચીડવ્યા કરે એટલે પેલો રોષે ભરાય. એક વાર ખુલ્લી છરી લઈને અનુરાગ એની પાછળ દોડયો હતોઃ આજે કાં તું નહીં, કાં હું નહીં! એ દિવસોમાં તેમના ઘરે ટીવી નહોતું એટલે ‘ચિત્રહાર’જોવા પાડોશીના ઘરે પહોંચી જાય. ફક્ત અમિતાભ અને ધર્મેન્દ્રની ફિલ્મો જ થિયેટરમાં જોવાની, બાકીની બધી વીસીઆરમાં. ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કામ કરતા પપ્પા મહિનામાં એક દિવસ ટીવી અને વીસીઆર ભાડે લઈ આવવાના પૈસા આપે. બન્ને ભાઈઓ આખી રાત જાગીને એકસાથે ચાર-ચાર હિન્દી ફિલ્મો બેક-ટુ-બેક જોઈ કાઢે.
અનુરાગે દિલ્હીની હંસરાજ કોલેજમાં એડમિશન લીધું એટલે પાછળ પાછળ અભિનવ પણ પહોંચી ગયો. અભિનવની ગર્લફ્રેન્ડ ચતુરા રાવનાં મા-બાપ લગ્ન માટે ઉતાવળ કરતાં હતાં, પણ અભિનવનાં પેરેન્ટ્સે ચોખ્ખું કહી દીધું: જ્યાં સુધી મોટો કુંવારો બેઠો હોય ત્યાં સુધી નાનાને કેવી રીતે પરણાવીએ? તેથી અનુરાગ પર એની સખી આરતી બજાજ સાથે લગ્ન કરી લેવાનું દબાણ શરૂ થયું. અનુરાગ પાસે હવે ચસકવાનો માર્ગ નહોતો, લગ્ન કરી નાખવાં પડયાં. લગ્ન પછી બન્ને ભાઈઓનું રિસેપ્શન સાથે જ ગોઠવાયું. લગ્ન કર્યાં ત્યારે અનુરાગ હતો પચીસ વર્ષનો અને અભિનવ ત્રેવીસનો. આજે ૩૯ વર્ષના અભિનવ બે દીકરીઓના પિતા છે. કમનસીબે અનુરાગનું લગ્નજીવન વધારે ટકી ન શક્યું. આરતીથી છૂટા થયા પછી ‘દેવ.ડી’ની ફિરંગ એક્ટ્રેસ કલ્કી કોચલીન સાથે અનુરાગનો સંબંધ વિકસ્યો.૨૦૧૧માં બન્ને પરણી ગયાં.
ફિલ્મલાઇનમાં કરિયર બનાવવા અનુરાગ ૧૯૯૨માં મુંબઈ આવ્યા પછી થોડાં વર્ષો બાદ અભિનવે પણ એન્ટ્રી મારી. આશય તો એમબીએ કરવાનો હતો, પણ મોટા ભાઈના નકશેકદમ પર ચાલવાની જૂની આદત ખરીને! અભિનવે થોડુંક થિયેટર કરી જોયું ને પછી ટીવી સિરિયલો લખવા માંડી. સિરિયલો ડિરેક્ટ પણ કરી. દસેક વર્ષના ગાળામાં એમણે કુલ પંદર જેટલી સિરિયલો કરી. અનુરાગ રહ્યા અલગારી માણસ. એની ‘પાંચ’ નામની બોલ્ડ ફિલ્મ અટકી પડી એટલે હાલત કફોડી થઈ ગઈ હતી. ટીવીમાંથી પૈસા કમાઈને બન્ને ભાઈઓના ઘર ચલાવવાની જવાબદારી અભિનવે ઉપાડી લીધી.
‘સત્યા’ ફિલ્મ લખી પછી અનુરાગ કશ્યપ દેશ-વિદેશના ફિલ્મ ફેસ્ટિવલોમાં નિયમિતપણે હાજરી આપવા માંડી. એક ફિલ્મમેકર તરીકેનો તેમનો મિજાજ રામગોપાલ વર્મા જેવા ડિરેક્ટર સાથે કામ કરીને અને વર્લ્ડ સિનેમા જોઈને ઘડાયો છે. અભિનવ ફિલ્મમેકિંગનો સૌથી પહેલો પાઠ મણિરત્નમ્ પાસેથી શીખ્યા, ‘યુવા’ (૨૦૦૪)ના નિર્માણ દરમિયાન એમના આસિસ્ટન્ટ બનીને. ‘મનોરમા સિક્સ ફિટ અન્ડર’ (૨૦૦૭) અને ‘૧૩ બી'(૨૦૦૯) જેવી ઓછી જાણીતી ફિલ્મોના ડાયલોગ્ઝ પણ લખ્યા. અભિનવે સિરિયસ ફિલ્મો કરવાની ભરપૂર કોશિશ કરી, પણ તરત એની તુલના અનુરાગ સાથે કરવામાં આવતી. નિર્માતા-નિર્દેશકો કહેતાઃ દોસ્ત, સિરિયસ વસ્તુ જ કરવી હોય તો તારા ભાઈ પાસે ન જઈએ? તારી પાસે શું કામ આવીએ? અભિનવને સમજાઈ ગયું કે બોલિવૂડમાં મારે સ્થાન બનાવવું હશે તો ભાઈની છાયામાંથી બહાર આવવું જ પડશે, તેથી એમણે અનુરાગ કરતાં સાવ જુદા જ પ્રકારની ફિલ્મથી ડિરેક્ટર તરીકે શરૂઆત કરી. આ ફિલ્મ એટલે ‘દબંગ’ (૨૦૧૦) જે ફિલ્મ સુપરડુપર હિટ થઈ. ‘દબંગ’ પાર્ટ-વન હાડોહાડ કોમર્શિયલ ફિલ્મ હતી, પણ મસાલા ફિલ્મોથી સામાન્યપણે દૂર રહેતા સુગાળવા પ્રેક્ષકોને પણ એમાં મોજ પડી.
‘દબંગે’ સફળતાના ઝંડા ફરકાવ્યા પછી અભિનવ અને સલમાન ખાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. સલમાને કંઈક એવા મતલબનું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે લેખક તરીકે અભિનવનું તો ખાલી નામ છે, બાકી આખી પટકથા તો મેં જ લખાવી હતી. ભાઈની બદબોઈ થતી નિહાળીને અનુરાગમાં રહેલા બડે ભૈયા જાગી ઊઠયા. ખુલ્લી છાતીએ રણમેદાનમાં કૂદીને એમણે સામું સ્ટેટમેન્ટ ફટકાર્યું: “મેં’દબંગ’ની ઓરિજિનલ સ્ક્રિપ્ટ વાંચી છે. આખરે જે ફિલ્મ બની એના કરતાં મૂળ સ્ક્રિપ્ટ સાવ જુદી છે તે વાત સાચી, પણ જે નવી સ્ક્રિપ્ટ બની છે તે પણ મારા ભાઈએ જ લખી છે. જો સલમાનમાં સ્ક્રિપ્ટિંગની એટલી બધી સેન્સ હોય તો ‘બોડીગાર્ડ’ અને ‘રેડી’ જેવી ફિલ્મો કેમ આટલી કંગાળ બની? ‘દબંગ’માં વ્યવસ્થિત સ્ટોરી છે, ફ્લો છે, સુરેખ પાત્રાલેખન છે, એનામાં રિપીટ વેલ્યૂ છે. ‘દબંગ’ પછીની ફિલ્મો શા માટે સલમાને પોતાના સ્ટારપાવર પર જ ખેંચવી પડી?”
અભિનવે જોકે આક્રમક થઈ ગયેલા બિગ બ્રધરને વાર્યા હતા. એમણે કહ્યું: જો હું તારી મદદ વગર એકલો ફિલ્મ બનાવી શકતો હોઉં તો મારી લડાઈ પણ હું એકલો જ લડીશ! ‘દબંગ-ટુ’ અરબાઝ ખાને ડિરેક્ટ કરી. આ ફિલ્મ ઓરિજિનલ જેટલી ચટાકેદાર નથી એ હકીકત છે. ‘દબંગ’ પછી ‘બેશરમ’ બનાવવામાં અભિનવ કશ્યપે ત્રણ વર્ષ કાઢી નાખ્યાં. તેઓ નિખાલસતાપૂર્વક કહે છે, “જુઓ,અનુરાગ મારા કરતાં વધારે ટેલેન્ટેડ છે, વધારે ઇન્ટેલિજન્ટ છે. મારા કરતાં એનામાં સિનેમાનું જ્ઞાન પણ ઘણું વધારે છે. હું લહેરી લાલો છું, જ્યારે અનુરાગ ફિલ્મો બનાવવાના મામલામાં પાગલની જેમ મહેનત કરે છે. અમે બન્ને જુદી શૈલીની ફિલ્મો બનાવીએ છીએ. અમારાં મમ્મી-પપ્પા ટિપિકલ સ્મોલ-ટાઉન મેન્ટાલિટી ધરાવતાં દર્શકો છે અને એને અનુરાગ કરતાં મારી ફિલ્મો વધારે ગમે છે! જે દિવસે અનુરાગ મસાલા ફિલ્મ બનાવવાનું નક્કી કરશે તે દિવસે હું એના ટાઇપની ફિલ્મ બનાવવાનું વિચારીશ! ત્યાં સુધી હું મારા પ્રકારની, મને આવડે છે એવી ફિલ્મો બનાવતો રહીશ.”
શો-સ્ટોપર
પૈસાદાર હોવું એટલે શું? તમે શોપિંગ કરવા જાઓ ત્યારે એક શર્ટ કરતાં બીજું શર્ટ જરાક વધારે પસંદ પડે તો બન્ને ખરીદી શકો અને પછી બન્નેમાંથી એક પણ શર્ટને એકેય વાર ન પહેરો, એ!
– શાહરુખ ખાન
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply